પામવા તો દે-એસ. એસ. રાહી

તારા ઉદાસ મનમાં મને આવવા તો દે

ઈચ્છાનાં નવાં બીજ મને વાવવા તો દે


આ સ્થિર નદીને થશે રોમાંચનો અનુભવ

તારો રૂમાલ ત્યાં મને ફરકાવવા તો દે


છે યજ્ઞ પ્રણયનો અને માગે છે આહુતિ

ખોટા અહમના કાષ્ઠને પધરાવવા તો દે


મસ્જિદથી મિનારા સુધી ઝળહળ થશે બધું

મીણબત્તી ઈબાદત તણી પ્રગટાવવા તો દે


રણ ને હરણ-ઉભયની પછી લાજ રહી જશે

ખોબો ભરીને મૃગજળો ઉઘરાવવા તો દે


હું તરબતર નમાઝમાં થઈ જાઉં, એ પહેલા

રાહીના અકળ મનને કશુંક પામવા તો દે


( એસ. એસ. રાહી )

કોઈને કહેશો નહીં-ગૌરાંગ ઠાકર

એક મોકો મેં ગુમાવ્યો, કોઈને કહેશો નહીં,

હું મને ના ઓળખાયો, કોઈને કહેશો નહીં.


આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો,

મેં અભણ એને ગણાવ્યો, કોઈને કહેશો નહીં.


શબ્દ કેવળ દ્રશ્યથી અહીં શ્લોક થઈ જાતો નથી,

ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં


બસ ખુશીથી જાળમાં એ માછલી કૂદી પડી,

જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો નહીં.


આયનો પ્રતિબિંબ મારું જોઈને બોલ્યો હતો,

જાતમાં તું ભેરવાયો, કોઈને કહેશો નહીં.


એક વેળા ઈશ્વરે પૂછ્યું તને શું જોઈએ?

માગવામાં છેતરાયો, કોઈને કહેશો નહીં .


( ગૌરાંગ ઠાકર )

કબ્રમાં તિરાડ-જિગર જોષી ‘પ્રેમ’

પ્રાર્થનામાં એકસાથે કેટલું માગી શકો?

જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો?


આપ બહુ-બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે?

સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો.


અંધ આંખો, પાંગળું મન ને લથડતાં હો કદમ,

તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો!?


કોણ ફૂલો મૂકવા આવ્યું હતું, કોને ખબર?

કબ્રમાં તિરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો?


જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે પ્રેમ નો

સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો!?


( જિગર જોષી પ્રેમ )

આ માણસ બરાબર નથી-હિતેન આનંદપરા

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે

આ માણસ બરાબર નથી

ગણે છે ને ઓછે પડે તો લડે છે

આ માણસ બરાબર નથી

સમી સાંજ દરિયા કિનારે જવું તોયે

દરિયા તરફ પીઠ રાખી

, લોકોને ગાડીને જોયા કરે છે

આ માણસ બરાબર નથી

સુંદરતા જોવી ગમે છે, સહજ છે

પણ સૌની દ્રષ્ટિમાં ફેર છે

એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે

આ માણસ બરાબર નથી

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા

અરે સૌ સ્વજનથીયે છેટો રહે છે

બસ પોતાને માટે જીવે છે, મરે છે

આ માણસ બરાબર નથી

વધુ એને ચીડવો, વધારે દઝાડો

જલાવો દયા ના બતાવો

કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે

આ માણસ બરાબર નથી

જે લુચ્ચુ હસે છે, જે ખંધુ હસે છે

જરા એથી ચેતીને ચાલો

કે આખો શકુનિ એમાંથી ઝરે છે

આ માણસ બરાબર નથી

( હિતેન આનંદપરા )

શબ્દો તો ખાલી-અનિલ જોશી

શબ્દો તો ખાલી પડિયા કહેવાય

ઈમાં થોડો પરસાદ હોવો જોઈએ…

ખાલી પાતાળ ને દૂના હવાને એક ઝાટકે ઊડી જાય છે

કેટકેટલા બોલક બકબક કાન બધાના મૂંડી જાય છે

ભલે હોઠ હલે ને જીભલડી બોલે

ઈમાં થોડોક વરસાદ હોવો જોઈએ.

સાચકને નહીં બોલીભાષા કોણ અહીં સમજશે રે…

એંઠા પાતાળ-દૂના માધવ ક્યાં લગી ઊંચકશે રે…

વરસાદનાં ટીપાંએ કાનમાં કહી દીધું

કીડીના દરમાં હાથીનો સમાસ હોવો જોઈએ…

બકરી જેમ બચ્ચાને મોઢામાં ઊંચકે એમ વાચાને ઉંચકીને રાખો

બટકાં ભરો નહીં પણ કાનમાં કહેવાની વાત શબરીના બોર જેમ ચાખો

ફળિયામાં નાનકડી ચકલી મરી જાય

તો એનો હૈયે અવસાદ હોવો જોઈએ

શબ્દો તો ખાલી પડિયા કહેવાય

ઈમાં થોડોક પરસાદ હોવો જોઈએ.

( અનિલ જોશી )