યમુનાના તીરે, છલકાતાં નીરે

યમુનાના તીરે, છલકાતાં નીરે;

ભીના સમીરે ક્યાંક વાગે,

મોરલીના વેણ ક્યાંક વાગે;

મારાં સૂતાં સંભારણાં જાગે,

યમુનાને તીરે ક્યાંક વાગે

મોરલીના વેણ ક્યાંક વાગે.

.

ઊભા છે ઘાટ શ્યામ સૂરની સમાધિમાં

નીર શ્યામ નયણે નિહાળી,

યમુનાનાં વ્હેણ સંગ તાલ રે મોલાવી

ડોલે ડોલે કદમ્બની ડાળી;

મઘમઘતા સૂર મહીં મ્હેકે કસ્તૂરી મન

મૃગલો વૃંદાવનમાં ભાગે….

.

નયણામાં શ્યામ, મારા સમણામાં શ્યામ

મારી ભ્રમણામાં શ્યામ રૂપ જાગે,

બહાવરી બનીને દોડું વૃંદાવન વાટ પાય

મટકીની ઠીકરીયું વાગે;

વ્રજવનિતા વાટ મળી પૂછે થઈ બહાવરી

કે આવ્યો કહાનો શું દાન માગે?…

.

( મહેશ સોલંકી ‘બેનામ’ )

વ્હાલું તુજને કોણ

હું અળખી, પણ વ્હાલું તુજને

કોણ – કહે તો જાણું !

કદંબ વ્હાલું ? યમુના વ્હાલી –

કે વ્હાલું ગોકુળનું વ્હાણું ?

મથુરાની મ્હોલાતો વ્હાલી ?

કે વ્હાલું વંશીનું ગાણું ?

વ્હાલી વનરા, ધેનુ વ્હાલી;

વ્હાલું કાં તો રણનું ટાણું !

પટરાણીનાં ઓઝલ-ભોજન,

વળી સુદામાનું તરભાણું !

સુવર્ણનગરી અતિશે વ્હાલી:

રાજ-રખાપત હું શું જાણું ?

જાણું મેઘલ રાત્રે મીઠું

દરદ દીધું જે છાનું !

કાચી કુમળી છાતી ભીતર

રે કોનું આ નામ લખાણું !

હુંય ભૂલી હઈ હોત તને,

(પણ) હાય ! દૂઝે આ હૈયું કાણું !

સૂધબૂધ વીસરી ભટકું વગડે

હર કંકરમાં કરસન માણું.

હું અળખી છો, પડખે તારી

કોણ – કહે તો જાણું !

હું અળખી તો વ્હાલું તુજને

કોણ – કહે તો જાણું…

.

( કેશુભાઈ દેસાઈ )

કોણ આપશે ?

લયબદ્ધ વિસર્જનની વ્યથા કોણ આપશે ?

સર્જનના નામે એવી દશા કોણ આપશે ?

.

ચિક્કાર બસમાં પહેલાં ચડી જા તું અબઘડી,

વિચારજે પછી કે જગા કોણ આપશે.

.

મેં શું ગુનો કર્યો છે મને ખબર નથી,

છે એટલી ખબર કે સજા કોણ આપશે.

.

કળથી તેં બારણાં તો ઉઘાડી લીધાં છે પણ,

અંદર તને જવાની રજા કોણ આપશે ?

.

આ બોગદું કથનનું પૂરું થાય તે પછી,

મનમાં પ્રકાશવાની મજા કોણ આપશે ?

.

( અશરફ ડબાવાલા )

આમતેમ

વર્ષો પછીથી વાત કરી એય આમતેમ,

એકેક પળ અમૂલી સરી એય આમ…તેમ.

.

સઘળું તો યાદ હુંય કરાવી શક્યો નહીં,

એણેય સ્મૃતિ તાજી કરી એય આમતેમ.

.

લે ! તું જ કહે કઈ રીતે ગોઠે આ જીવવું,

આંખોમાં એક સાંજ ઠરી એય આમતેમ.

.

સંગાથ સરસ જોઈ યાદ મોકલી હતી,

શું થઈ ગયું કે પાછી ફરી એય આમતેમ.

.

મિસ્કીન એ પછી તો બહુ લાગ્યો એકલો,

એક સાંજ હતી આશા ભરી, એય આમતેમ.

.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ કહેવાય નહીં

મારી કાયામાં સૂતેલું એક પશુ ક્યારે જાગી જશે એ કહેવાય નહીં.

મારામાં સમાયેલું એક બાળક ક્યારે વિકસે કે કરમાય, એ કહેવાય નહીં

મારી ભીતર એક અંગારો છે, વધુ પ્રજ્જવળે પણ ખરો અથવા

એવું પણ થાય કે અચાનક એના પર રાખ રાખ વળી જાય.

.

સોયના નાકામાંથી દોરો નીકળે એમ વરસો નીકળતાં જાય છે

ક્યારેક  સીધે સીધા તો ક્યારેક ક્યાંક ગાંઠ પણ વળે છે

ટનલમાંથી પસાર થતી ટ્રેનની જેમ પસાર થતાં વર્ષો અંધારાથી

ટેવાઈ ગયાં છે અને ટનલ પૂરી થશે ત્યારે અજવાળું હોય તો સારું.

.

આંખને વૃક્ષને દેખાય તો કૈંક શાતા વળે, પછી ભલે એ

પાનખરનું હોય. વૃક્ષ એટલે વૃક્ષ. એની મોસમની મને

પરવા નથી. વસંતના વૈભવની કોઈ અપેક્ષા નથી.

મને તો રાતદિવસ વળગ્યો છે મૂળમાંથી ઊગતો વૃક્ષ-ઝુરાપો.

.

જો ક્યાંક વૃક્ષ મળી જાય તો હું હળુહળુ ઝાકળ જેમ જીવી લઉં.

ઝાકળ તો કહેવાતી વાત બાકી વૃક્ષની પડખે નદી થઈને વહેવું છે.

.

( સુરેશ દલાલ )

તમે એકવાર આવોને કા’નજી

ત્રણ ત્રણ પગલામાં લીધું ત્રિભુવન હવે લઈ લો ને મારું મકાનજી

તમે એકવાર મળવા આવોને કા’નજી…

.

પરથમ પરભુજી તમે આવો મારા આંગણિયે પાડો પગલાં ધીરેધીરે,

કો’ક દિ નાચ્યા’તા તાથૈયા થૈયા કાલિયા પર કાલિંદી તીરે.

મારી નસનસમાં દોડે એવા નાગ કે હું ભૂલું છું સાનભાનજી

તમે એકવાર મળવા આવોને કા’નજી…

.

પછી વાલાજી તમે ભૂલા રે પડો મારી ઓંસરીમાં રૂમઝૂમ ઉમંગથી,

ખાલીખમ સુના ઝૂલા ઉપર બેસોને શામળિયા તમે નવરંગથી.

મંદિર બનાવો મારા માયાવી મનને પછી બિરાજો સુખે સિંહાસનજી,

તમે એકવાર મળવા આવોને કા’નજી…

.

હવે પિયુજી તમે ઉઘાડો જુગજુગના અભાગિયા એવાં આ બારણાં,

હળવેથી પસવારો શામજી મને કે ઊડે પતંગિયા એવાં આ સંભારણાં.

અવાવરુ ઓરડા આતમના અજવાળો પછી થાવ વિરાટ તમે વામનજી

તમે એકવાર મળવા આવોને કા’નજી…

.

( અવિનાશ પારેખ )

બેઠા છો

નથી ઝગતી કદી એવી કલમ પકડીને બેઠા છો

અને દીવાસળી આખો વખત પકડીને બેઠા છો.

.

સરસ ગીતો, અછાંદાસ જેવા માણસ ઝંખે છે તમને;

તમે તમને જ ગમતી એક ગઝલ પકડીને બેઠા છો.

.

હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે;

હકીકતમાં વિવશ થઈને સ્મરણ પકડીને બેઠા છો.

.

યશસ્વી હો કે યાચક હો તમારી પીડ ઈચ્છા છે;

તમે હર રૂપમાં એક જ રટણ પકડીને બેઠા છો.

.

જનમને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને;

તમારા નામની સાથે અટક પકડીને બેઠા છો.

.

તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ;

નથી એ જાણ કે ખોટી સડક પકડીને બેઠા છો.

.

ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ !

પલાંઠી આંગણે વાળી હરણ પકડીને બેઠા છો.

.

( અશરફ ડબાવાલા )

ખાલીપો

ધ્યાન દઈને સાંભળ મનવા, ખાલીપાએ સાદ કર્યો છે

તું ચાલે તો, જઈએ મળવા, ખાલીપાએ સાદ કર્યો છે.

.

કંઈક અધૂરી કંઈક અધીરી, કંઈક અદીઠી ઘટના સાથે

ભીતર દ્વારો લાગ્યાં ખૂલવા, ખાલીપાએ સાદ કર્યો છે.

.

તળિયે બેઠો સન્નાટો પણ, હાલક ડોલક થાવા લાગ્યો

મૌન કશું લાગ્યું ગણગણવા, ખાલીપાએ સાદ કર્યો છે.

.

લાખ મુખોટા ભેદી મારો, અસલી ચહેરો શોધી કાઢી

હળવે હળવે સામે ધરવા, ખાલીપાએ સાદ કર્યો છે.

.

કેમ કરું એની અવગણના, કેમ કહો જાકારો આપું ?

પળ પળ મુજને ભેટી પડવા, ખાલીપાએ સાદ કર્યો છે.

.

‘વંચિત’ એના સાથ વગર તો, ખુદને મળવું શક્ય નથી

જેવી જેની શ્રદ્ધા ક્ષમતા, ખાલીપાએ સાદ કર્યો છે.

.

( વંચિત કુકમાવાલા )

નબળી ક્ષણોમાં

નબળી ક્ષણોમાં વધુમાં વધુ શું કરી શકાય ?

બહુ બહુ તો આંખો પટપટાવી શકાય;

અથવા

કોઈ ગહન વિચારમાં જાત ડૂબી ગઈ હોય

તેવી

મુખમુદ્રા ધારણ કરી શકાય;

અથવા

કોઈ પ્લેટફોર્મના બાંકડે બેઠાં બેઠાં

માઈક પરથી થતી કોઈ Announcement

સાંભળી શકાય.

એ પણ ખરું; નબળી ક્ષણોમાં થોડીક

નબળાઈ છોડી શકાય !

-ક્યારેક કોઈક હાઈ-વે પર બેસીને;

ટ્રક-બસ-કાર સહિતના વાહનોની

અવરજવર નિહાળીને ક્યારેક વિચારી

શકાય કે ક્યારેક ક્યારેક

આપણી અંદર પણ આવી જ અવરજવર

ચાલતી હતી વિચારોની !

.

વિચારોનાં વાહનો

એકમેકને Overtake કરતાં અકસ્માતો પણ કરી બેસતાં

હતાં ક્યારેક ક્યારેક !

વિચારોની ટક્કરમાં ઘાયલ થઈને,

પાટાપીંડી કરવાની મજા પણ કૈંક ઔર હોય છે !

આવું બધું કરતાં રહેવાથી;

ક્યારેક આનંદની લાગણી પણ થઈ આવે ખરી !

આનંદ આવ્યો એટલે

જાણે કે થયો, શક્તિનો સંચાર !

આવી શક્તિથી હું મારી થોડીક

નબળાઈઓ

છુપાવી શક્યો  છું !

નબળી ક્ષણોમાં બીજું તો વધારે શું થઈ શકે ?

આ પીડાને

ભોગવ્યે જ છુટકો !

.

( પ્રફુલ્લ પંડ્યા )

કર્મણ્યેવાધિકારસ્તે….

કશુંક ખોટું

કરી નાખ્યાની

ગિલ્ટી કોમ્પલેક્ષ સાથે

જીવન નામની નદી

તરી ગયા પછી

કાંઠે પહોંચીને

યાદ આવે કે

સ્વિમિંગ કોશ્ચ્યુમ તો

પેલે કિનારે જ

રહી ગઈ…!!!

.

જયંત દેસાઈ