રામ રખોપું-નીતિન વડગામા

રામ રખોપું કરશે

ઝાડ પરથી પીડાનાં એ પીળાં પાંદડાં ખરશે.

.

જીવતરની હોડીમાં સાથે એક હલેસું રાખો.

ઊછળતાં મોજાં કે જળની શાંત સપાટી ચાખો.

.

પાંખ પવનની ફેલાશે ને હોડી પાર ઊતરશે

રામ રખોપું કરશે.

.

તમે તણખલાં લઈ બાંધજો એક જીવતો માળો.

હાથ હરખથી લંબાવીને આવકારશે ડાળો.

.

સપનાંનાં સેવેલાં ઈંડા આપોઆપ ઊછરશે

રામ રખોપું કરશે.

.

( નીતિન વડગામા )

વિરહ-નિરંજન ભગત

તમે કહ્યું, ‘મળો!’, મેં કહ્યું, ‘મળશું’.

પણ વર્ષોના વિરહ પછી આપણે પાછાં વળશું ?

એ તો એક માત્ર વિધાતા જ કહી શકે,

ભવિષ્યને કોણ લહી શકે ?

બસ માત્ર બે જ શબ્દો ને વર્ષોનું મૌન ભાંગી જાય,

કૈં કેટકેટલી કટુમધુર સ્મૃતિઓ જાગી જાય.

મળતાં હતાં ત્યારે કૈં કેટલું મળતાં હતાં,

એકમેકમાં કેવું ભળતાં હતાં.

હવે પછી મળશું તો શું મળતાં હતાં તેમ જ મળશું ?

પરસ્પર હળતાં હતાં શું તેમ જ હળશું ?

એ મિલન વિરહના ફળરૂપે ફળશે ?

કે પછી બે જણ જાણે કદી મળ્યાં ન હોય તેમ મળશે ?

.

( નિરંજન ભગત )

તું (પ્રવેશ (!) અને પ્રેમપત્ર-જયંત દેસાઈ

(૧)

તું (પ્રવેશ (!)

.

“તારા

હોવા

વિશે”

થિસીસ

લખીને

હું

‘પી.એચ.ડી.’

થઈ

ગયો,

અને

તને

ખબર

પણ

પડી ? …. !!….

.

(૨)

પ્રેમપત્ર

.

ટૂંટિયું

વાળીને

અંદર સરકી

ગયેલા

શબ્દો, ચબરખી

ખોલતાં જ બહાર

ટપાટપ કૂદી

પડ્યા…

પછી તો એ

ઉર્ધ્વગમન

આંખોમાં ઝીલાયું

કે તરત જ

ગૂંજી ઉઠી કાનોમાં

અભિસારની

શહેનાઈઓ…

.

(જયંત દેસાઈ)

કોઈ શું કરે?-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાત વરસોથી સતત જો હોય કોઈ શું કરે?

પાંડુ-સમ શાપિત જગત જો હોય કોઈ શું કરે?

.

કોઈની કેવળ રમત જો હોય કોઈ શું કરે?

ને રમકડું આ જગત જો હોય કોઈ શું કરે?

.

આંખ કોરી રાખવાની સારવાના આંસુઓ,

કોઈની આવી શરત જો હોય કોઈ શું કરે?

.

જીવવું રોકાઈ જાતું, મોતથી છેટું પડે,

યાદ તાજી હર વખત જો હોય કોઈ શું કરે?

.

મન વગર તો એક પળ પણ જીવવું અઘરું સદા,

એ જ પાછું જડભરત જો હોય કોઈ શું કરે?

.

(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

મીરાં કહે છે તેમ-ફ્રેડરિક બી. કિશ્ચિયન

મીરાં કહે છે તેમ

આપણે તો ભૈ

“ચિઠ્ઠીના ચાકર” ને

માલિકની મરજીમાં રે’વાનું

પછી ભલે ને હોય

પીડાના પહાડ

કે –

દુ:ખના દરિયા.

બસ,

આપણે તો ઉછીના શ્વાસમાં

જીવ્યા કરવાનું !

થોડાંક સુખનાં અમીછાંટણાં કરે

તો –

રાજીના રેડ થૈ ઘડીક હસવાનું !

પછી –

માલિકની ચિઠ્ઠી ફાટતાં વેંત

અહીંથી ઉચાળા ભરી જવાનું !

ને આમ જ

માલિકની મરજીમાં

બસ, આ જિંદગીમાં રહેવાનું.

મીરાં કહે છે તેમ

આપણે તો ભૈ….

.

( ફ્રેડરિક બી. કિશ્ચિયન )

તું હવે મને જોઈ શકતી નથી-ચીનુ મોદી

તું હવે મને જોઈ શકતી નથી

સ્પર્શી શકતી નથી

સૂંઘી શકતી નથી

સાંભળી શકતી નથી

તું હવે મને સંભારી પણ શકતી નથી

તું વિમુખ થઈ મારાથી દૂર જવા

એક એક ડગ માંડે છે

અને મારી ત્વચા ઊતરડાય છે

હું કણસું છું –

હું ચીસું છું –

હું ચીખું છું

પણ –

હું હજી તને જોઈ શકું છું

સ્પર્શી શકું છું

સૂંઘી શકું છું

સાંભળી શકું છું

અને તને સ્મરીને જલ્પું છું – આમ –

તું મારે માટે ત્વચા

અને હું તારે માટે કેવળ વસ્ત્ર

વસ્ત્રની જેમ મનથી ખરો ઉતારી દીધો

તેં મને…….

.

( ચીનુ મોદી )

તો પણ ઘણું-ફિલિપ ક્લાર્ક

કોક ગમતું જણ મળે તો પણ ઘણું;

પ્રેમ એનો કણ મળે તો પણ ઘણું.

.

એમનાં પગલાં પડ્યાં જે ધૂળમાં;

એની કૈંક રજકણ મળે તો પણ ઘણું.

.

કેમ છો એવુંય પૂછે દુ:ખમાં;

એટલાં સગપણ મળે તો પણ ઘણું.

.

રેત રૂપે ક્યાંક તો મળવું થશે;

જીવવાને રણ મળે તો પણ ઘણું.

.

પ્રેમનાં કૈં પંખી ઊડી આવશે;

લાગણીનાં ચણ મળે તો પણ ઘણું.

.

સાંજનો આ સૂર્ય તો ડૂબી ગયો;

પાછું વળતું ધણ મળે તો પણ ઘણું.

.

( ફિલિપ ક્લાર્ક )

લિફ્ટમેન-પરાગ મ. ત્રિવેદી

તે

એકલો માણસ

ઘણા મહિનાઓથી

અમને સૌને-

આ આખા એપાર્ટમેન્ટના રહેવાસીઓને

રોજ

સવારે- બપોરે- સાંજે- રાત્રે

લઈ જતો અસંખ્ય વાર

ઉપર નીચે…

પણ

અમે બધા

-૬૫ ફ્લેટના આટલા બધા રહેવાસીઓ

ભેગા મળીને પણ

તેને એક જણને

એક વખત પણ

નથી લાવી શક્યા ત્યારથી નીચે

જ્યારથી તે ગયો છે

ઉપર…

.

( પરાગ મ. ત્રિવેદી )

દેહથી દૂર-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

દેહથી દૂર જઈ ચઢાયું છે,

સાવ હળવા બની જવાયું છે.

.

રાત ઊભી છે હોઠ સીવીને,

સાવ કાચું કશું કપાયું છે.

.

દોસ્ત તેં પથ્થરો ફેંક્યા,

આમ પણ પાણી તો મપાયું છે.

.

આંખ પડદા ન બાંધ આંસુના,

એ જ વંચાય જે લખાયું છે.

.

આવ કે આંખ ઓળખે કાંઠો,

થઈ તણખલું ફક્ત તરાયું છે.

.

રોજ પહેરી નવાં નવાં પહેરણ,

એક ભાંગ્યો ભરમ થવાયું છે.

.

એટલે તો ગઝલ લખે ‘રાજ્જા’,

ક્યાં કદી પણ તને મળાયું છે.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’  )

સમજ્યા-લાભશંકર ઠાકર

સૂરજ આ અમથું ઉગ્યોને અમથું ખીલ્યું ફૂલ … સમજ્યા

અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ … સમજ્યા

અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ … સમજ્યા

અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ … સમજ્યા

અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ … સમજ્યા

અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ … સમજ્યા

તેમ છતાં આ અમથું ના કંઈ અમથો થતો સવાલ … સમજ્યા

ઉપર નીચે નાના મોટા, ફરકે અમથા ખ્યાલ … સમજ્યા

કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ … સમજ્યા

અમથા અમથા તારા ઉગે, અમથી સળગે વાટ … સમજ્યા

અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત … સમજ્યા

અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત … સમજ્યા

.

( લાભશંકર ઠાકર )