આયનો – તુરાબ હમદમ

જેટલું કોઈ ગરજતું હોય છે,

એટલું ક્યાં એ વરસતું હોય છે.

.

કો’ક દિ આવી ચડે કોઈ સ્મરણ,

કેટલી પીડા સરજતું હોય છે.

.

એક પરપોટો હતો ફૂટી ગયો,

કોઈનું ક્યાં કંઈ ઉપજતું હોય છે.

.

જીવ નાદાની કરી લે છે કદી,

મન બધી વાતે સમજતું હોય છે.

.

આયનો એકીટશે જોયા કરે,

જો કોઈ શણગાર સજતું હોય છે.

.

આમ ઊગી નીકળી ‘હમદમ’ ગઝલ

શબ્દનું કેવું ઉપજતું હોય છે.

.

( તુરાબ હમદમ )

કાશ ! – ગુણવંત શાહ

[ડો. કૈલાસ સંઘવી વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત આજે સવારે ૧૦.૦૦ વાગ્યે ડો. મોંઘાભાઈ મેમોરિયલ હોલ, વલસાડ ખાતે ડો. ગુણવંત શાહનું વ્યાખ્યાન છે. આ નિમિત્તે ડો. ગુણવંત શાહની એક કવિતા આજે ખાસ પોસ્ટ કરું છું.]

.

અંધારી રાતે ચાલતી વેળા પગમાં કાંટો ભોંકાય ત્યારે

એક પગે ઊભા રહીને

બીજા પગમાંથી કાંતો કાઢતી વખતે

આકાશના તારા પર નજર ઠેરવવી

એને હું વિષાદયોગ કહું છું.

*   *

આંખમાં આંસુ ખૂટે નહીં ત્યારે

માણસ એક એવો ખભો ઝંખે

જેના પર માથું ટેકવીને નિરાંતે રડી શકાય.

આવો ખભો ન મળે ત્યારે

પોતાના ઘૂંટણ પર આંસુ સારવાં સારાં

પરંતુ

ગમે તે ખભો તો ન જ ચાલે.

Don’t waste your tears please !

*   *

રક્તદાન આપનાર અને લેનાર બે જણ

એકબીજાને ન મળે તો ય મળેલા ગણાય.

ખૂન કરનારો જેને ખતમ કરે તેને મળે છે

અને છતાંય

મળવાનું ચૂકી જાય છે.

સામી વ્યક્તિને મળવાનું માનીએ તેટલું સહેલું નથી.

કાશ ! આપણે મળી શક્યાં હોત !

.

( ગુણવંત શાહ )

નિર્ણય નથી થાતો હજી – નીતિન વડગામા

ઊંઘવું કે જાગવું નિર્ણય નથી થાતો હજી,

ક્યાં અને ક્યારે જવું નિર્ણય નથી થાતો હજી.

.

એમ તો તરત જ ‘તથાસ્તુ’ કહેવા એ તૈયાર છે,

આપણે શું માગવું નિર્ણય નથી થાતો હજી.

.

બોદું – બસૂરું સાવ આ સગપણનું ઘૂંઘરું,

છોડવું કે બાંધવું નિર્ણય નથી થાતો હજી.

.

સ્વપ્નની સાથે જ સુરમો ને સુરંગો છે અહીં,

આંખમાં શું આંજવું નિર્ણય નથી થાતો હજી.

.

અંત દેખાતો નથી ને કૈં પમાતું પણ નથી,

કેટલું તળ તાગવું નિર્ણય નથી થાતો હજી.

.

( નીતિન વડગામા )

સ્વપ્નવત – લાલજી કાનપરિયા

આજકાલ દરેક ક્ષણ વીતી રહી છે સ્વપ્નવત

કેટલીયે વાત અમે એમ જ કહી છે સ્વપ્નવત

.

આંખ આ નિહાળતી ટેવવશ હવે સતત

દ્રશ્યો પણ બદલાઈ ગયાં છે પરવશ હવે સતત.

.

નજરુંની સૂની સૂની નદી વહી છે સ્વપ્નવત

આજકાલ દરેક ક્ષણ વીતી રહી છે સ્વપ્નવત

.

કોણ કોને સંભારતું ને કોણ કોને પૂછતું ?

કોઈ આવીને હવે આ અશ્રુ એક્કે લૂછતું ?

.

રાતોની રાતો અહીં એમ જ વહી છે સ્વપ્નવત

આજકાલ દરેક ક્ષણ વીતી રહી છે સ્વપ્નવત

.

લાગણી પણ આજકાલ લાગે હવે તો અર્થહીન

ને ઈચ્છાઓ સામટી જાગે હવે તો અર્થહીન

.

ઉદાસીના ખત ઉપર કરી સહી છે સ્વપ્નવત

આજકાલ દરેક ક્ષણ વીતી રહી છે સ્વપ્નવત

.

( લાલજી કાનપરિયા )

આખું આકાશ મળ્યું કેટલું…-સુરેશ દલાલ

મને લાગે નહીં ક્યાંય કશું એકલું,

મને મારું એકાન્ત ગમે એટલું !

.

કોઈ ઊડતો આવે છે સૂર પંખીની જેમ,

હળુ હળુ વાય હવા : પૂછે છે : “કેમ ?”

મને સારું લાગે છે હવે એટલું :

મને મારું એકા ન્ત ગમે એકલું !

.

લીલું પંપાળે છે પગને આ ઘાસ,

બાંધે છે નાતો અહીં ફૂલની સુવાસ.

હાશ ! આખું આકાશ મળ્યું કેટલું….

મને લાગે નહીં ક્યાંય કશું એકલું !

.

( સુરેશ દલાલ )

ઊભા છીએ – સોલિડ મહેતા

પડછાયા ને પડઘા વચ્ચે ઊભા છીએ

સમીસાંજના તડકા વચ્ચે ઊભા છીએ

.

શેષ બચેલા ધબકારાનો પીછો પકડી

રાતદિવસની ઘટના વચ્ચે ઊભા છીએ

.

જળથી ઝીણા તળથી ઊંડા તરંગ લઈને

નદી તીરના નકશા વચ્ચે ઊભા છીએ

.

થાક ભલેને ફૂલેફાલે પગના તળિયે

રસ્તો છોડી પગલાં વચ્ચે ઊભા છીએ

.

કોઈ પગેરું કદાચ મળશે કાલ સવારે

આજે સોલિડ અફવા વચ્ચે ઊભા છીએ

.

( સોલિડ મહેતા )

સ્વરૂપ – કેશુભાઈ દેસાઈ

અડધો હું કાગડો ને અડધો હું હંસ છું

અડધો હું કાનજી અડધો હું કંસ છું

.

ઊગ્યો છું આભલે કૈં અજવાળાં વાવવા

અડધો ચાંદલિયો ને અડધો અવતંસ છું

.

ભીનો ભીતર બહારે કોરો ધાકોર છું

અડધો વરસાદ અડધો છપ્પનિયો દંશ છું

.

અડધો છું રાજવી અડધો અવધૂત છું

બ્રહ્માંડો સર્જનારો પંડે નિર્વંશ છું

.

અડધો શયતાન અડધો અલ્લાનો દૂત છું

અડધો સંસ્કૃત છું અડધો અપભ્રંશ છું

.

અડધો શામળશા ને અડધો નરસિંહ છું

તુલસી સૂરદાસ અડધો મીરાંનો અંશ છું

.

પૂરણને પામવાનાં ફાંફાં શાં મારવાં ?

અડધો તો અડધો પણ હું તારો તો વંશ છું !

.

( કેશુભાઈ દેસાઈ )

મૌન ધારીને – ઉર્વીશ વસાવડા

મૌન ધારીને મનન કરવાનું

જાતનું અર્થઘટન કરવાનું

.

એક શૂન્યાવકાશ છે ભીતર

ત્યાં વિચારોનું વહન કરવાનું

.

સહુ પ્રથમ પાંખને સમજવાની

એ પછી મુક્ત ગગન કરવાનું

.

એક વર્તુળમાં છે ગતિ સહુની

એટલે આવાગમન કરવાનું

.

બે’ક ગઝલ તો હોય કે જેનું

જાત સામે જ પઠન કરવાનું

.

( ઉર્વીશ વસાવડા )

ભીડેલાં દ્વાર – શૈલેશ ટેવાણી

ફરીથી કોણ દસ્તક દે ભીડેલાં દ્વાર પર મિત્રો,

નથી સરનામું મારું ત્યાં ભીડેલાં દ્વાર પર મિત્રો.

.

બધુંયે જાય છે છોડી હવેલી આ પુરાતન તો,,

હવે આ લાભ શુભનું શું ભીડેલાં દ્વાર પર મિત્રો.

.

ખર્યું પાનુંય છોડે છે હવામાં એક રેખા એમ,

અમે અક્ષર ન લખ્યો કૈં ભીડેલાં દ્વાર પર મિત્રો.

.

અમારી રાહમાં શું કામ ઊભે ઉંબરે કોઈ,

અને મારે ટકોરા શું ભીડેલાં દ્વાર પર મિત્રો.

.

હજુ પંખી ઊડીને એક આવે છે ને ટહુકે છે,

એને દેવાય ક્યાં તાળું ભીડેલાં દ્વાર પર મિત્રો.

.

( શૈલેશ ટેવાણી )

ત્યાગીને ગયો’તો – શૈલેન રાવલ

કશું એ શખ્સ ત્યાગીને ગયો’તો;

અલગ રીતે જે જાગીને ગયો’તો.

.

કશેથી શી ખબર અઢળક મળ્યું ‘શું’?

જીવનભર માત્ર માગીને ગયો’તો.

.

સપનની કેદ તોડી લા-પત્તા છે;

બરાબર લગ તાગીને ગયો’તો.

.

સરળ ખંખેરવાનું સાધ્ય જેને –

એ ઝાલર સંગ વાગીને ગયો’તો.

.

ચલમ પર બાદશાહી ફૂંકવાને;

તિખારો તો વેરાગીને ગયો’તો.

.

( શૈલેન રાવલ )