મૈં હારી – સુરેન્દ્ર કડિયા

લગની ઐસી લગ રહી, બસ લગ રહી, મૈં હારી

ઘટ અલખની એકતારી બજ રહી, મૈં હારી

.

મારે તોરણ શ્યામ પધારે, થારે તોરણ કુણ-કુણ ?

પૂછ-પૂછ કર શરમ સે મારી મર રહી, મૈં હારી

.

અંગ-અંગ પર જગ સુહાવે સોના ઔર સુહાગા

મૈં તો ભીતર, ખૂબ જ ભીતર સજ રહી, મૈં હારી

.

એક પાંવ પર થિરક રહી ઔર એક પાંવ ત્રિભુવન મેં

એસો નાચ નચાયો અનહદ, થક રહી, મૈં હારી

.

કૈસા બદરા, કૈસી બિજુરી, કૈસા બરખા-પાની

ખુદ કે બીચ ખુદ બરસ રહી, ભૈ બરસ રહી, મૈં હારી

.

( સુરેન્દ્ર કડિયા )

આવ – રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’

આવ

આ આછા ઘેરા ઉજાસમાં

ચીતરીએ એક પદ્મ.

માંહ્ય પાથરીએ

લોહીની મરમાળુ છાંય

પછી તો..,

શ્વાસ-શ્વાસનું સારસ જોડું રેલશે ટહુકા

ટહુકો તારી આંખનું અંજન

ટહુકો મારી પાંખનું સ્વજન.

ચાલ ટહુકો ઓઢીને…

આ અવાવરું એકાન્તની અંદર

ઓગળી જઈ,

ગૂંથી લઈએ અતલસી આકાશ

આકાશને અડતાં તો…

ઝગમગ ઝગમગ તાસકિયો ખીલશે ચાંદ

ચાંદ તો ટોડલે ઝૂલશે લોલ !

ચાંદ તો ગોખલે ખૂલશે લોલ !

ચાલ, ઝૂલતાં ખૂલતાં…

ચાલ, ખૂલતાં ઝૂલતાં…

આ શૂન્યતાનું બરછટ રણ ચીતરીને

અંદર ભરીએ વાદળ

વાદળ ભરતાં તો,

ફણગાતા ઊગી આવશે લીલુડા મોર

મોરને બારણે મેલશું લોલ !

મોરને પારણે મેલશું લોલ !

બારણું પારણું એક બનાવી

પારણું બારણું એક બનાવી,

આ સૂનકારમાં ડૂબી ગયેલા ઘરમાં

આજે રૂપ થઈને ભળી જઈએ

ઢળી જઈએ તો,

એક ઝમઝમિયું જાગશે તળાવ

તળાવને ખોળિયે પાળશું લોલ !

તળાવને ઢોલિયે ઢાળશું લોલ !

તળાવમાં રોજ તરતાં તરતાં…

તળાવમાં રો સરતાં સરતાં…

આવને હવે

જીવનો ઝીણો તાંતણો બાંધતાં જઈએ

સાત ભવના ધોડા થેકવા

આપણે આપણું આયખું સાંધતાં જઈએ

આવ,

આ આછા ઘેરા ઉજાસમાં…

.

( રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’ )

મને ડૂબતાને – સુરેશ દલાલ

મને ડૂબતાને કોઈ ક્યારે તારી શકો.

ખૂબ થાક્યો છું થાકને ઉતારી શકો.

.

નહિ કહેવું ગમે,

નહિ જોવું ગમે,

નહિ હોવું ગમે,

નહિ હસવું ગમે,

નહિ રોવું ગમે.

.

કોઈ મારા આ થાકને સુવાડી શકો

મને તાજા કોઈ ફૂલ જેમ ઉઘાડી શકો.

.

નથી ઊભા રહેવું,

નથી ચાલવું જરી,

આંખ સામેનો રસ્તો

ભલે જાયને સરી.

.

કોઈ વેદનાને શબ જેમ ઉપાડી શકો

કોઈ મારા આ થાકને સુવાડી શકો.

.

( સુરેશ દલાલ )

પ્રેમ વિશે – અજ્ઞાત

[audio:https://heenaparekh.com/wp-content/uploads/2011/05/09-Track-91.mp3|titles=09 – Track 9]

.

અમે બધા પ્રેમ વિશે વાતો કરીએ છીએ, ભગવાન !

પણ આ પ્રેમ ખરેખર શું છે ?

.

એ પ્રિયજનના સાન્નિધ્યનો આનંદ છે ?

તેનાં સુખદુ:ખને પોતાનાં  ગણવાની એકરૂપતા છે ?

પોતાના પહેલાં બીજાનો ખ્યાલ કરતી કાળજી છે ?

પોતાની અંતરતમ અનુભૂતિઓમાં બીજાને સહભાગી બનાવતી શ્રદ્ધા છે ?

.

ચોક્કસ, એ સાથે માણેલી મઝાઓ

શરીરનાં સુખો અને ઉષ્માભર્યા આલિંગનો કરતાં ઘણું વધારે કંઈક છે.

એ ઊંડી સમજ અને આનંદથી ભરેલું કોઈક તત્વ છે

જે બધું હૃદય વડે પારખે છે, તર્ક વડે નહિ;

તે લે છે તેથી વધુ આપે છે,

લેવાની ઈચ્છા વગર આપે છે,

આપે છે અને યાદ રાખતો નથી.

,

તે ભય વગર પોતાનું હૃદય ખુલ્લું કરે છે

અને આક્રમક થયા વિના, અંતરનાં ઊંડાણોમાં પ્રવેશે છે.

તે એકીસાથે મૃદુ અને શક્તિશાળી હોય છે,

જીવનને તે વધુ જીવંત બનાવે છે

અને ગમે તે થાય, તજી જતો નથી.

.

પ્રેમ હોય છે ત્યારે

ઝર ઝર વહેતા ઝરણાની જેમ

જીવન વહેતું અને મધુર બની જાય છે.

તે સામાન્ય ક્ષણોને સુખથી પ્રકાશિત

અને સામાન્ય ઘટનાઓને સોનાકણી જેવી મૂલ્યવાન બનાવે છે.

.

પ્રેમમાં જે ઉત્તમ હોય તે બીજાને આપીએ છીએ

અને પોતાની પસંદગી બીજા પર ઠોકી બેસાડતાં નથી

પ્રેમમાં માગણી, આગ્રહ, જીદ નથી

કારણકે તે સામા માણસના દ્રષ્ટિબિંદુથી જોઈ શકે છે

તેથી તે પોતાની વાત મનાવવાની બળજબરી કરતો નથી.

.

પ્રેમ એટલે શ્રદ્ધા ને વિશ્વાસ

નિશ્ચલતા અને નિષ્ઠા

પ્રેમ એટલે હળવું મન અને ગીત ગાતા હોઠ

પ્રેમ એટલે હાથમાં હાથ પરોવીને ચાલવું

અને હૃદયથી હૃદય સાથે વાતો કરવી

સાથે સહન કરવું

અને સાથે પ્રાર્થના કરવી.

.

પ્રેમ સાથે ચડેલાં કપરાં ચડાણ છે

અને ઝંઝાવાતોનો કરેલો મુકાબલો છે

અને પ્રેમ એ ઈશ્વરના મુખ ભણી સાથે જોઈ

પ્રસન્નતાથી સાથે ઊંચકી લીધેલો ભાર છે.

.

અમે અમારી જાતને જ ચાહીએ ત્યારે કેદી બની રહીએ છીએ

બીજાને ચાહીએ ત્યારે અમને પાંખો ફૂટે છે

અમે અમારી જાતને જ ચાહીએ

ત્યારે અમને એટલા ઓછા ચાહીએ છીએ.

પ્રેમ અમને અમારા કૂંડાળમાંથી બહાર લઈ જાય છે

બીજાને ચાહીએ ત્યારે અમે વિશાળ બનીએ છીએ

અમારી અંદર એક ગતિનો સંચાર થાય છે

અંધકાર અજવાળામાં આંખો ખોલે છે.

.

દુનિયાની દરેક વસ્તુ, દરેક પ્રાણી, દરેક માણસ

માટીનો નાનામાં નાનો કણ પણ

સ્નેહ માટે ઝંખે છે.

.

બધા અન્યાય ને અત્યાચાર

વેરઝેર ને ધિક્કાર

શોષણ ને હિંસા

પ્રેમના અભાવમાંથી જન્મે છે.

.

અમે ખરેખર પ્રેમ કરી શકીએ, તો અમારી જાતને બદલી શકીએ

અમે પ્રેમ કરી શકીએ, તો દુનિયાનો ચહેરો બદલી શકીએ.

.

પૃથ્વી પરના દરેક સીમિત પ્રેમની પાછળ

તમારી અસીમતાનો સૂર છે.

અમે સમગ્ર હૃદયથી જ માત્ર નહિ

સમગ્ર જીવનથી પ્રેમ કરી શકીએ

તો અમે તમને પણ પામી શકીએ પ્રભુ !

.

(અજ્ઞાત)

એક ક્ષણ – વિપિન પરીખ

ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાં

બિલાડીનાં બચ્ચાં બની જઈએ છીએ.

ના, ત્યારે આપણે માત્ર આનંદ થઈ એકમેકને વીંટળાઈ વળીએ છીએ.

ના, ના,

તે ક્ષણે આપણને શરીર જ ક્યાં હોય છે ?

તું હરહંમેશ મને એનો એ જ પ્રશ્ન ફરી ફરી પૂછે છે :

‘તમે મને ભૂલી તો નહીં જાઓ ને ?’

હું ઢોંગ કરીને કહું છું,’ હા, ભૂલી જઈશ’.

અને

આપણે ખડખડાટ હસી પડીએ છીએ.

ત્યારે

તું ડાબા હાથે સૂર્યને પૂર્વ ક્ષિતિજ ઉપર રોકી રાખે છે

અને કહે છે

(મારા મોં ઉપર હાથ મૂકી કહે છે)

‘પાછા બોલો તો ?’

તે ક્ષણે

આપણે બે ગુલાબનાં ફૂલ હોઈએ છીએ

ના તે ક્ષણે

આપણે માત્ર સુવાસ જ હોઈએ છીએ.

.

( વિપિન પરીખ )

सुनिये – निदा फाजली

चाँद से फूल से या मेरी जबाँ से सुनिये

हर जगह आपका किस्सा है जहाँ से सुनिये

.

सबको आता नहीं दुनिया को सजाकर जीना

जिन्दगी क्या है मुहब्बत की जबाँ से सुनिये

.

क्या जरुरी है कि हर पर्दा उठाया जाये

मेरे हालात भी अपने ही मकाँ से सुनिये

.

मेरी आवाज ही पर्दा है मेरे चेहेरे का

मैं हूँ खामोश जहाँ मुझको वहाँ से सुनिये

.

कौन पढ सकता है पानी पे लिखी तहरीरें

किसने क्या लिखा है ये आबे रवाँ से सुनिये

.

चाँद में कैसे हुई कैद किसी घर की खुशी

ये कहानी किसी मस्जिद की अजाँ से सुनिये

.

( निदा फाजली )

[ रवाँ = बहता पानी ]

ભમરડો – જયા મહેતા

દોરીથી ખેંચાય ને ફરવા માંડે ભમરડો

માણસની જેમ

.

પોતાની આસપાસ ફરતો રહે ભમરડો

માણસની જેમ

.

જરા આગળ પાછળ થતો રહે ભમરડો

માણસની જેમ

.

ગતિ ધીમી પડતી જાય ભમરડાની

માણસની જેમ

.

ગતિ થંભે કે ભોંય ભેગો થાય ભમરડો

માણસની જેમ

.

દોરીથી ખેંચાય ને ફરવા માંડે માણસ

ભમરડાની જેમ-

પછી

દોરીને માણસને કાંઈ નહીં.

,

( જયા મહેતા )

થાતો જાઉં છું – ‘રાઝ’ નવસારવી

ગીતમાંથી નીકળેલો સૂર થાતો જાઉં છું

હું છું તારા કંઠમાં ને દૂર થાતો જાઉં છું

.

આ કસોટીની ઘડીઓ છે ઓ મારી નમ્રતા

હું બધી રીતે જરા મજબૂર થાતો જાઉં છું

.

હું વધારે પડતો રસ મારામાં લેતો થઈ ગયો

ધીમે ધીમે હું હવે મગરુર થાતો જાઉં છું

.

ના શિખામણ નહીં દિલાસો દો મને ઉપદેશકો

જિંદગીના થાકથી હું ચૂર થાતો જાઉં છું

.

જોવા જેવી તો પરિસ્થિતિ હવે સર્જાય છે

હું બધી વાતે હવે મજબૂર થાતો જાઉં છું

.

‘રાઝ’ એની રાઝદારીનો જ આ અંજામ છે

હું પરાયા નામથી મશહૂર થાતો જાઉં છું

.

( ‘રાઝ’ નવસારવી )

તારામાં ચાલે છે – મુકેશ જોશી

તારામાં ચાલે છે એક જણ મશાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

અજવાળા જેવા અજવાળાએ કીધી છે

શ્વાસના કાગળ પર અંતે એ લાલ સહી…

.

ગાડાં ભરીને કોઈ તારલાઓ ઠાલવે

એનાથી બમણું છે તેજ તારે ચહેરે

ઝગમગતાં ઝળહળતાં વસ્ત્રો છે પાસ

છતાં કેમ તારું મન આમ અંધારાં પહેરે

તારામાં ચાલે છે એક જણ ઢાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

.

તલવારો જેવી તલવારોએ તૂટીને

રણના મેદાન ઉપર માની છે હાર ભઈ

.

તારામાં હજ્જારો યુદ્ધો લડવાની છે

હજારો હાથીઓથી બમણી તાકાત

એક વ્હેંત તારાથી જીત હોય છેટીને

એવે ટાણે જ કેમ માને તું મ્હાત

તારામાં ચાલે છે એક જણ વ્હાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

.

ખડકો જેવા કૈંક ખડકોએ માન્યું છે

એકધાર જળ સામે આપણું કામ નહીં

.

તારામાં લાગણીના ઘૂઘવતા દરિયાઓ

દરિયામાં ફાટફાટ પ્રેમનાં જ મોજાં

તારાથી કોઈ તને સાતગણું ચાહે ને

તોય કાં જુદાઈના રાખે છે રોજા

એક જણ ચાલે છે તારો ખયાલ લઈ

માન્યામાં આવતું ન હોય તો જોઈ લે

.

તારા રસ્તા પરથી કાંટા હટાવતાં

એની હથેળીયું કંકુ શી લાલ થઈ…

.

( મુકેશ જોશી )