વાલમજીને મળવાની થઈ છે વેળા – અવિનાશ પારેખ

વાલમજીને મળવાની થઈ છે વેળા હવે વાદળી ચંદરવા બાંધુ મધુવનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

વૃંદા તે વનમાં મુજને મેલી આઘેરી ઝરમર ઝરમર એવી રાતમાં,

કોણ હવે થાશે મારો બેલી આછેરી ઝળહળ ઝળહળ જેવી વાતમાં,

ભૂલી રે પડી રાસની રમઝટ હેલીમાં જાણે સુગંધ સરે છે ઉપવનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

ઝરણાને ઊગે છે આંખ તેના તળમાં પ્રગટે સંગસંગ સૂરના ઉજાસ રે,

હરણાને ફૂટે છે પાંખ એના પળમાં પ્રસરે અંગઅંગ દૂરના પ્રવાસ રે.

ઊછળે છે મન અને ઊડે છે તન માઝમ મધરાતના મદભર્યા બગિયનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

પાછલા પહોરમાં પાંખા અજવાસમાં કો’ક છેડે છે રાગ સકળ ગુલતાનમાં,

આગલા જનમ કેરા ઝાંખા ઈતિહાસમાં કોણ ખેડે અનુરાગ અકળ ભાનસાનમાં.

ગોધુલિ ગુલાલ ગોરંભાયા ગોકુળિયાની ગમતીલી ગમતીલી ગલિયનમાં

સખી, છલક છલક છલકે માધવ નયનનમા…

.

( અવિનાશ પારેખ )

સ્માઈલ પ્લીઝ – શ્યામલ મુનશી

પળભર ભૂલી જાઓ રુદનને – સ્માઈલ પ્લીઝ,

ક્યાં કહું છું આખાય જીવનને – સ્માઈલ પ્લીઝ.

.

કેમેરા લઈ એક બગીચામાં હું પેઠો,

કહી દેવાયું ત્યાંય સુમનને – સ્માઈલ પ્લીઝ.

.

તરત પછી તો સરસ મજાની સુગંધ આવી;

જરા અમસ્તું કહ્યું પવનને – સ્માઈલ પ્લીઝ.

.

મેકઅપ બેકપ આભૂષણ બાભૂષણ છોડો;

પહેરાવી દો સ્મિત વદનને – સ્માઈલ પ્લીઝ.

.

ફ્રેમ થયેલી એ ક્ષણ આજે આંસુ લાવે;

કહ્યું હતું જે ક્ષણે સ્વજનને – સ્માઈલ પ્લીઝ.

.

સ્મિત કરી લેશે ચહેરા તો કરવા ખાતર;

કઈ રીતે કહી શકશો મનને – સ્માઈલ પ્લીઝ.

.

ફોટોગ્રાફર છે ને સાથે ઈમેજ પણ છે;

બેઉ મળીને કહે કવનને – સ્માઈલ પ્લીઝ.

.

( શ્યામલ મુનશી )

કોણે કહ્યું ? – શ્યામ ઠાકોર

બંધ ઘરનાં દ્વાર છે કોણે કહ્યું ?

આંગણું ભેંકાર છે કોણે કહ્યું ?

.

આ હવાની આવ-જાને રોકવા;

ભીંત પણ લાચાર છે કોણે કહ્યું ?

.

સૂર્ય લાખો ઝળહળે છે આજ પણ;

ભીતરે અંધાર છે કોણે કહ્યું ?

.

માર પથ્થર માર તો ફળ આપશે;

ઝાડવું દાતાર છે કોણે કહ્યું ?

.

સાવ ખાલી માર્ગ પર દોડ્યો પવન;

હાથમાં તલવાર છે કોણે કહ્યું !

.

( શ્યામ ઠાકોર )

પછી એવું બને – લલિત ત્રિવેદી

પછી એવું બને કે તુંય પણ ખુદા ન રહે !

ખુદા ! તનેય મારા જેટલી તમા ન રહે !

.

પલાંઠી એવી વળે કે કોઈ દિશા ન રહે

ગતિનું એવું શિખર હો કે આવ-જા ન રહે

.

તને જ જોયા કરું ને મને તું જોયા કર…

શું એવું થાય કે દીવાલ મન ત્વચા ન રહે ??

.

તને ન જોઉં તારામાં, મને ન તુંય જુએ

હો પ્રાર્થનાની એવી ક્ષણ કે પ્રાર્થના ન રહે !

.

બધું જિવાઈ ગયું એમ ક્યારે લાગી શકે ?

સફર ન હો… ન સપન હો… અને નિશા ન રહે !

.

( લલિત ત્રિવેદી )

શ્વાસની વચ્ચે – જાતુષ જોશી

શ્વાસની વચ્ચે કળણ શોધું હવે;

હું મરણ પહેલાં મરણ શોધું હવે.

.

રાતમાં જે મ્હેલ છોડી નીકળે;

એ તથાગતનું વલણ શોધું હવે.

.

આ જગાનો હું રહેવાસી નથી;

કૈં અલગ વાતાવરણ શોધું હવે.

.

સૂર્ય આપો તોય એનું શું કરું ?

કોઈ ઝળહળતું સ્મરણ શોધું હવે.

.

હું ક્ષણોમાં ઊતરું ઊંડે સુધી;

ક્ષણ ન હો એવી જ ક્ષણ શોધું હવે.

.

( જાતુષ જોશી )

બધાયથી છૂટો પડીને – અર્જુન બ્રહ્મક્ષત્રિય

બધાયથી છૂટો પડીને સાવ એકલો છું મારા ખંડમાં

અખંડ એકાંતને સાચવીને હું બેઠો છું મારી સાથે

સાંજની હળુ હળુ હવા જેવું મૌન સહજપણે લઈ આવે છે

મારે માટે મધુર મુલાયમ રેશમી રજાઈ જેવો અંધકાર.

બારી ખોલી નાખીને બંધ બારણે જીવવું મને ગમે છે

અસ્તિત્વમાં આસપાસ રચાઈ જાય છે એક નીરવ સરોવર.

કમળ આપમેળે ખૂલતાં જાય છે અને ભ્રમર પણ

ગૂંજનને હોઠ પર અટકાવી રાખીને

મારા એકાંતની ઈજ્જત કરે છે

કોઈ અજબગજબની લિજ્જત માણું છું મનના મયખાનામાં

હોશથી બેહોશ થવાની મજા કોઈ ઓર જ હોય છે.

ભાવ-અભાવ-પ્રતિભાવ-પ્રત્યાઘાત-અપેક્ષા-ઉપેક્ષા

કશું જ ક્યાંય પણ નડતું-કનડતું નથી

વાણીથી વિખૂટો પડીને હવે મન સાથે પણ મૂંગો થતો જાઉં છું

અને ગાવાના કેટલાંયે ગીતને અલવિદા કરીને મારામાં વીરમું છું.

.

( અર્જુન બ્રહ્મક્ષત્રિય )

આમ તો મનને – રાજેન્દ્ર શુક્લ

આમ તો મનને જ પાછું વાળવા જેવું હતું,

પગ મૂક્યા પહેલાં જ સંભાળવા જેવું હતું !

.

ધાર્યુઁ’તું કે પહોંચતાં સ્વાગત થશે, ઉત્સવ થશે,

આપણે આ ભોળપણ ઓગાળવા જેવું હતું !

.

દીપમાળાઓ બધે પ્રગટાવી તેં સારું કર્યુઁ,

પણ પ્રથમ તો આંગણું અજવાળવા જેવું હતું !

.

લે હવે અવ્યક્તનો આનંદ પણ ઓછો થયો,

હોઠ પર આવી ગયું તે ખાળવા જેવું હતું !

.

અર્થ ન્હોતો કોઈ ઈચ્છા કે કશા સંકલ્પનો,

એમને એમ જ બને તો ન્યાળવા જેવું હતું !

.

( રાજેન્દ્ર શુક્લ )

બસ બધું આમ જ ને ? – કૃષ્ણ દવે

બસ બધું આમ જ ને ?

શબ્દોના ખાલીખમ ખોખાના લેબલ પર છાપો છો કવિતાનું નામ જ ને ?

બસ બધું આમ જ ને ?

.

એક દિવસ સૂરજ તો પોતે જઈ પૂછે છે સાચ્ચે આ સૂરજનું ગામ છે ?

જેને પણ પૂછ્યું ઈ બધ્ધાંયે કહેતાં હું પોતે છું બોલો શું કામ છે ?

સાચુકલા સૂરજને હસવું તો આવે ને ? આખ્ખુંયે આગિયાનું ગામ જ ને ?

બસ બધું આમ જ ને ?

.

મિનરલ વોટરની એક માછલીથી આજકાલ આખ્ખોયે દરિયો હેરાન છે !

પાણીને કેમ કરી ચોખ્ખું રખાય એનું દરિયાને સહેજે ક્યાં ભાન છે ?

માછલીના મોઢેથી અંગારા ઓકાવી આપો છો દરિયાને ડામ જ ને ?

બસ બધું આમ જ ને ?

.

એવી તે કેવી આ વાગે છે વાંસળી તે આખ્ખું યે ગોકુળ છે ચૂપ !

કામકાજ છોડીને રાસમાં જ મશગૂલ છે રાતદિવસ ગોપિયુંનાં ગ્રુપ ?

ખૂલી ખૂલીને હોઠ રાધાના ખૂલે તો બીજું શું બોલશે શ્યામ જ ને ?

બસ બધું આમ જ ને ?

.

( કૃષ્ણ દવે )

તું તને ખુદને – જાતુષ જોશી

તું તને ખુદને અહીં થોડો ચકાસી જો;

તું જ તારી જાળમાંથી આજ નાસી જો

.

આ બધાયે લોક દોડે પાર જાવા પણ;

ક્યાં હલેસાં ? નાવ ક્યાં છે ? ને ખલાસી જો.

.

હું હવે ક્યાં એકલો ક્યારેય હોઉં છું ?

એક એકલતા મળી ગઈ બારમાસી જો.

.

અન્ય પર શંકા જ કરવી હોય તો કરજે;

સૌ પ્રથમ તારો ઈરાદો ચકાસી જો.

.

રોજ એને મગફળી માની હવે ખાઉં;

રોજ ગજવામાં ભરું મારી ઉદાસી જો.

.

( જાતુષ જોશી )

જોઈએ – રતિલાલ ‘અનિલ’

સત્ય પણ ક્યારેક કડવું જોઈએ,

જાતની સાથે ઝગડવું જોઈએ !

.

બહારનાં સમરાંગણોની વાત શી ?

ભીતરે કે લમણે લડવું જોઈએ !

.

એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;

માનવી છું, મારે ઘડવું જોઈએ !

.

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,

રાહ છે તો કૈંક નડવું જોઈએ !

.

આ વિશેષણના વળી શણગાર શા ?

રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !

.

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !

ખાલીપાએ પણ ખખડવું જોઈએ !

.

પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે !

આળ જેવું કૈંક ચડવું જોઈએ !

.

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,

ભીના ભીના રહી શું સડવું જોઈએ ?

.

ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’

એક તક છે ,કૈંક મળવું જોઈએ !

.

( રતિલાલ ‘અનિલ’ )