Tag Archives: utorrent

પહોંચ્યા હતાં – સાહિલ

માંડ પગલાં ઉંબરે પહોંચ્યા હતાં

પણ વિચારો પાદરે પહોંચ્યા હતાં

 .

સહુ ગણતરીમાં જ ગોથાં ખાય છે

જ્યાં પહોંચ્યા આશરે પહોંચ્યા હતાં

 .

નોંધ-નકશા હાથમાં એમ જ રહ્યાં

મંઝિલે તો ઠોકરે પહોંચ્યા હતાં

 .

ના થયું આખર સુધી નક્કી કશું

ક્યાં સુધી એકંદરે પહોંચ્યા હતાં

 .

દોડવાનું બીડું લઈ જન્મયાં છતાં

મૃગજળો ક્યાં સ્ત્રોવરે પહોંચ્યા હતાં

 .

લીલીછમ વનરાઈનાં શમણાં લઈ

લોક ઝાડી ઝાંખરે પહોંચ્યા હતાં

 .

પળ મહીં પહોંચી ગયા શેરી સુધી

એ ય ક્યાં સાહિલ ઘરે પહોંચ્યા હતાં ?

 .

( સાહિલ )

ચાલને જઈએ દૂર – પન્ના નાયક

અહીંનું બધું પડતું મૂકી ચાલને જઈએ દૂર.

અહીંની કોઈ માયા નહીં,

અહીંની કોઈ છાયા નહીં,

અહીં ગાયેલાં ગીત બધા જઈએ ભૂલી સૂર.

 .

કોઈ અજાણ્યા ઝાડની ઉપર

બાંધીએ જઈને માળો,

હોય શિયાળો કાતિલ છોને

કારમો હોય ઉનાળો,

મોસમની વાત આઘી કરી અળગી કરી નીકળી જઈએ,

ઊમટી આવ્યાં આપણને ક્યાંક ખેંચી જતાં કોઈ નદીનાં પૂર.

 .

એક નિરાળી દ્રષ્ટિ હશે,

એક નિરાળી સૃષ્ટિ હશે,

આપણે તો બસ આપણા મહીં

રમતાં જશું ભમતાં જશું,

આભથી થતી વૃષ્ટિ હશે,

કોઈ ઋણાનુંબંધ હશે ને આપણો એ સંબંધ હશે,

ને પ્રેમને નામે આપણે કદી થઈશું નહીં ક્રૂર.

 .

( પન્ના નાયક )

તારું તે નામ લઈ – સુરેશ દલાલ

તારું તે નામ લઈ હૈયું આ રાતદિન

મીઠેરી વાંસળીને વાય

મનને એકાન્ત જરી બોલું હું નામ

ત્યાં નીચા આ નેણ ઢળી જાય !

 

દર્પણની પાસ જઈ પાછી હું જાઉં વળી

એવું શું થાય મને આજ

કે હોઠ ઉઘડે ને પાય નહીં ઉપડે ને

મુખડે છવાઈ જાય લાજ ?

છાનેરી વાતને ચોરીછૂપીથી રખે

વાયરોયે સાંભળી જાય

મનને એકાન્ત જરી બોલુ હું નામ

ત્યાં નીચા આ નેણ ઢળી જાય !

 

પાંપણ બિડાય પણ નીંદરનું નામ નહીં !

શમણાંઓ શ્યામલ અંજાય,

ચંચલ સુગંધને કૂણી આ પાંખડીમાં

કેમ કરી ઢાંકી ઢંકાય ?!

પંખાળી ફોરમને ઝાલી ઝલાય નહીં

કોણ જાણે ક્યાંય ભળી જાય

મનને એકાન્ત જરી બોલુ હું નામ

ત્યાં નીચા આ નેણ ઢળી જાય !

 .

( સુરેશ દલાલ )

તો શું કરવાનું ? – મધુમતી મહેતા

નામ કોઈનું જીભે આવી અટક્યું છે તો અટક્યું છે તો શું કરવાનું ?

એમ જ તો આ જીવનગાડું ગબડ્યું છે તો ગબડ્યું છે તો શું કરવાનું ?

 .

આંબા ડાળે કોયલ બોલે, મેના બોલે, ભમરા ડોલે મનડાં મોહે

આજે અમથું એક કબૂતર ફફડ્યું છે તો ફફડ્યું છે તો શું કરવાનું ?

 .

વાતે વાતે ગાણાં ગાયાં, રમતાં ગાયાં, જમતાં ગાયાં, એમ જ ગાયાં

ગાતા’તા ને ટપ્પક આંસુ ટપક્યું છે તો ટપક્યું છે તો શું કરવાનું ?

 .

ખાંખાખોળા ખૂબ જ કીધા અહીંયાં જોયું, ત્યાં પણ જોયું કાંઈ મળ્યું ના

સુખની પાછળ મન તો ભૈલા ભટક્યું છે તો ભટક્યું છે તો શું કરવાનું ?

 .

આખ્ખા ગામ વચાળે બેઠું પાણીમાં ને વાગ્યું નહીં ને આજે જંતર

ખાલી ખૂણે ઠાલું ઠાલું રણક્યું છે તો રણક્યું છે તો શું કરવાનું ?

 .

જીવ અમારો સાવ જ સુક્કા દિવસો સાથે વરસો સાથે માંડ હળ્યો ત્યાં

કોઈ સુંવાળી યાદી લઈને અડક્યું છે તો અડક્યું છે તો શું કરવાનું ?

 .

પાછળ હોય ઢોલ નગારા ને સામે મુરલીની માયા તો અવઢવમાં

મ્હેતાનું મન લીંબો થઈને લટક્યું છે તો લટક્યું છે તો શું કરવાનું ?

 .

( મધુમતી મહેતા )

હું તરસનો ટાપુ – યાકુબ પરમાર

હું તરસનો ટાપુ

એમાં તળાવ તું

ગૂંચ આ તરસની

ઉકેલી બતાવ તું

.

મારા અણુ અણુ આ,

વ્યાપી વળે, સતાવે

ક્યાંથી તને જરી પણ

પ્રસરી જવાનું ફાવે ?

આ તપ્ત રણના પટમાં

ભીનો બનાવ તું.

.

આભાસ પાથરીને

મૃગજળ તને પજવશે,

શાતા બનીશ તોયે

આંધી તને ચગળશે

પ્યાલા ધરું તરસના

લે ગટગટાવ તું

.

( યાકુબ પરમાર )

સ્માઈલ પ્લીઝ – શ્યામલ મુનશી

પળભર ભૂલી જાઓ રુદનને – સ્માઈલ પ્લીઝ,

ક્યાં કહું છું આખાય જીવનને – સ્માઈલ પ્લીઝ.

.

કેમેરા લઈ એક બગીચામાં હું પેઠો,

કહી દેવાયું ત્યાંય સુમનને – સ્માઈલ પ્લીઝ.

.

તરત પછી તો સરસ મજાની સુગંધ આવી;

જરા અમસ્તું કહ્યું પવનને – સ્માઈલ પ્લીઝ.

.

મેકઅપ બેકપ આભૂષણ બાભૂષણ છોડો;

પહેરાવી દો સ્મિત વદનને – સ્માઈલ પ્લીઝ.

.

ફ્રેમ થયેલી એ ક્ષણ આજે આંસુ લાવે;

કહ્યું હતું જે ક્ષણે સ્વજનને – સ્માઈલ પ્લીઝ.

.

સ્મિત કરી લેશે ચહેરા તો કરવા ખાતર;

કઈ રીતે કહી શકશો મનને – સ્માઈલ પ્લીઝ.

.

ફોટોગ્રાફર છે ને સાથે ઈમેજ પણ છે;

બેઉ મળીને કહે કવનને – સ્માઈલ પ્લીઝ.

.

( શ્યામલ મુનશી )

પછી એવું બને – લલિત ત્રિવેદી

પછી એવું બને કે તુંય પણ ખુદા ન રહે !

ખુદા ! તનેય મારા જેટલી તમા ન રહે !

.

પલાંઠી એવી વળે કે કોઈ દિશા ન રહે

ગતિનું એવું શિખર હો કે આવ-જા ન રહે

.

તને જ જોયા કરું ને મને તું જોયા કર…

શું એવું થાય કે દીવાલ મન ત્વચા ન રહે ??

.

તને ન જોઉં તારામાં, મને ન તુંય જુએ

હો પ્રાર્થનાની એવી ક્ષણ કે પ્રાર્થના ન રહે !

.

બધું જિવાઈ ગયું એમ ક્યારે લાગી શકે ?

સફર ન હો… ન સપન હો… અને નિશા ન રહે !

.

( લલિત ત્રિવેદી )

ઝંખના – પલ્લવી શાહ

“મને ખબર છે હું મીરાં નથી અને મીરાં બનવું હોય તો મીરાં જેવું થવું પડે અને મારામાં એવી શક્તિ નથી. મને ખબર છે હું નરસૈંયો પણ નથી. જો મારે નરસૈંયો થવું હોય તો નરસૈંયા જેવું થવું પડે, અને મારામાં એવી શક્તિ નથી. મને એવી ભક્તિ આવડતી નથી, એવાં નથી ભજન આવડતાં. છતાં પણ બેસુરા રાગે હું તારાં ભજન ગાવાનો પ્રયત્ન કરું છું અને હાથમાં તંબૂરો લઈને તારા ગાન ગાવાને બદલે હાથમાં કલમ લઈને તારી પાસે માંગણીઓ મૂકે જાઉં છું. દિવસે દિવસે એ માંગણીઓ વિરાટ થતી જાય છે. મને ખબર છે જે દિવસે માંગણીઓ પૂરી થઈ જશે અને મારી પાસે માંગવા માટે કાંઈ નહિ રહે ત્યારે મારા બેસુરા રાગે ગવાયેલ મારાં ભજન આપોઆપ સુરીલાં બની જશે અને પછી મીરાં અને નરસૈંયો મારામાં આપોઆપ સમાઈ જશે.”

.

“તેં મને મનુષ્ય તરીકે જન્મ આપી તારા હસ્તાક્ષર કરી દીધા. એની મને ખુશી ખુબ છે. આજે આ દુનિયા હું તારી આંખે જોઈ રહી છું. એ દુનિયા કેટલી મોટી છે ? એમાં વસતાં માનવીઓ, વૃક્ષો, ફૂલો, ફળો, પશુઓ, પંખીઓ વગેરે જોતાં આ આંખો ધરાતી જ નથી. આટલું વિશાળ આકાશ અને એટલો જ વિશાળ દરિયો. જ્યાં પણ નજર પહોંચે ત્યાં તારી કરામત હોય જ. તેં મનુષ્ય ને જન્મ આપ્યો એમાં પણ તારી કરામત, તું તો તારા હસ્તાક્ષર કરીને છૂટી ગયો, મને જન્મ આપ્યો અને તારી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો અને મારા પર કેટકેટલી જવાબદારીઓનો બોજો નાખી દીધો છે, ખબર છે તને ? અને આ કાંઈ મારી એકલીની વાત નથી. દરેક મનુષ્ય કે જેને તેં આ ધરા ઉપર જન્મ આપ્યો છે તેની ઉપર કેટલો બોજો નાખી દીધો છે અને તું … તું ઉપર બેઠો બેઠો બધા તમાશા જોયા કરે છે. તને આ બધું જોઈને એમ પણ થતું નથી કે મારે હવે મનુષ્યને જન્મ આપવા બંધ કરવા જોઈએ ? ક્યાંથી થાય ? બોજો તો અમ મનુષ્ય એ વેંઢારાવાનો છે ને ? તારે ક્યાં કોઈ જવાબદારી છે ? આ બધી જવાબદારીઓને પૂરી કરતાં કરતાં, તારી નજદીક રહેવા, તારી સાધના કરવા સમય ફાળવવો હોય તો ફાળવી જ નથી શકાતો. છતાં પણ હું મનમાં ને મનમાં તો તને યાદ કર્યા જ કરીશ. તને ચાલશે ને ?”

.

( પલ્લવી શાહ )