લઈને ઊભો છું – ‘પ્રણય’ જામનગરી Aug24 કેટલાં કામ લઈને ઊભો છું હાથ સૂમસામ લઈને ઊભો છું. . રાત વીતે પછી વિચારીશું ધૂંધળી શામ લઈને ઊભો છું. . ખાલીપો જે મહીં ભરેલો છે હું એવો જામ લઈને ઊભો છું. . આ હકીકત મને ડરાવે છે સ્વપ્નનું ગામ લઈને ઊભો છું. . કોણ સમજી શકે ખુલાસાને ! તે છતાં હામ લઈને ઊભો છું. . કામ કોઈ નથી દેતું એમ જ એટલે દામ લઈને ઊભો છું. . એમ આઘો નહીં હઠી જાઉં એમનું નામ લઈને ઊભો છું. . ચાલ, ચિંતા બધી મૂકી દીધી ક્યાં, કોઈ કામ લઈને ઊભો છું ! . ‘પ્રણય’ કોઈ નથી ગતિ જાણે ! પૂર્ણવિરામ લઈને ઊભો છું. . ( ‘પ્રણય’ જામનગરી )
ક્યાં પૂર્ણવિરામ? હજુ હવે જ તો સાચી શરૂઆત થઇ છે…