આજે તો – સુરેન ઠાકર ‘મેહુલ’

આજે તો મારા પ્રેમમાં મીઠી સુવાસ છે

લાગે છે તારી હાજરી જૈં આસપાસ છે

 .

પીતો રહ્યો છું આંખનાં હું અશ્રુઓ સતત

એમાં છે એક દર્દ મને એની પ્યાસ છે

 .

દુનિયામાં થોડાં લોક છે જેને પૂનમ મળી

બાકી ઘણાના ભાગ્યમાં કાયમ અમાસ છે

 .

જ્યાંથી સફર કરી’તી શરૂ ત્યાં જ અંત છે

ચાલ્યો છું એક નઝર છતાં ફરતે પ્રવાસ છે

 .

તુજને પ્રિયે કદી નહિ હું ચંદ્ર તો કહું

એની કને તો સૂર્યનો માંગ્યો ઉજાસ છે

 .

એનું સ્મરણ કરો નહિ એમાં છે વેદના

‘મેહુલ’ બધાની જેમ અધુરો જ શ્વાસ છે

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’ )

નારી ચેતના વિશે – મધુમતી મહેતા

એક યુગ ઢંઢોળવામાં લાગશે

પણ પછી એ રુદ્ર થઈ હંફાવશે

 .

કાલ માગી’તી ધરા પાસે જગા

આજની સીતા જવાબો માગશે

 .

પાર કરશે લક્ષ્મણી રેખા અને

એ જ રાવણને પછી સંહારશે

 .

ચીર પૂરવા પ્રાર્થના કરશે નહીં

એ દુ:શાસનના જ હાથો વાઢશે

 .

ધૂળથી મસ્તક ઊંચકશે ગર્વથી

ખોખલી મરજાદ સર્વે ત્યાગશે

.

પલ્લવિત કરશે નવું જીવન અને

એક નવયુગમાં સમયને સ્થાપશે

 .

( મધુમતી મહેતા )

અગોચર દિશાથી – દત્તાત્રય ભટ્ટ

અગોચર દિશાથી સતત સાદ આવે,

એ નકશેકદમ, ઝળહળાં યાદ આવે.

 .

અહીં મૌન રણકે, સૂણે કોણ જાણે !

દશેયે દિશાથી છતાં દાદ આવે.

 .

ન આંખો, ન શબ્દો, કશું કંઈ ન બોલે,

ન હો કોઈ બીજું ને સંવાદ આવે !

.

અમારી જ રીતે અમે ચાલવાના,

ભલેને કબીરા શા અપવાદ આવે.

 .

અહીં શાંત કોલાહલોના સમંદર,

ઘૂઘવતા રહે ને ગહન નાદ આવે.

 .

( દત્તાત્રય ભટ્ટ )

મોરપીંછનાં શુકન – રમેશ પારેખ

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 .

આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી

કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી ?

પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 .

મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !

કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર

મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 .

( રમેશ પારેખ ‌)

આભ સુધી પ્હોંચવા – છાયા ત્રિવેદી

આભ સુધી પ્હોંચવા માટે અગાશીને સમજ

સાગરો ખેડાય નહીં અમથા, ખલાસીને સમજ

 .

એ પછી સમજી શકાશે લાગણી ને માગણી

સૌપ્રથમ તો એક પથ્થરને તરાશીને સમજ

 .

પાંદડાં પણ ગાઈ ઊઠે કોઈ પંખી જેવું જો-

દોસ્ત પ્હેલાં ઝાડમાં વ્યાપ્ત ઉદાસીને સમજ

 .

પામવો સ્હેલો નથી અંધારને બસ એકલો

આગિયા માફક જરા તું પણ પ્રકાશીને સમજ

 .

એકદમ અટકી જશે ખોટી ધમાલો આ બધી

મન પલાંઠી વાળ, ભીતરના નિવાસીને સમજ

 .

( છાયા ત્રિવેદી )

હું અનોખો માનવી – જયંત સચદે ‘કસુંબી’

હું અનોખો માનવી છું મોતથી ડરતો નથી

જુલ્મ લાખો ભલે ને વરસે, જુલ્મથી ડરતો નથી

 .

મુસીબતોની મઝા અનોખી માનવી જીવન મહીં

હર મુસીબતોને વધાવું પાછો ફરતો નથી

 .

કંટકોથી દિલ્લગી છે, સંકટોનો સાથ છે

ગુલઝારની રંગીન ગલીઓમાં હું વિહરતો નથી

 .

આરઝુ છે લાખ દિલમાં તોય રાખું સ્વસ્થતા

કલ્પનાઓના તરંગે, હું કદી તરતો નથી

 .

વાસ્તવિકતાના ખડકથી ટક્કરો લઉં છું પણ

કાળ કેરી કયામતોથી હું કદી મરતો નથી

 .

છું ‘કસુંબી’ મસ્ત માનવ, વેરું માનવતા સુવાસ

પાપ યા તો પુણ્ય કેરા હિસાબ હું કરતો નથી

 .

( જયંત સચદે ‘કસુંબી’ )

શ્યામ ! તમે – મહેશ સોલંકી ‘બેનામ’

.

શ્યામ ! તમે તો સમય સરોવર,

અમે ઘડીની માછલીઓ

શ્યામ ! તમે તો સભર શ્રીફળ ને

અમે તૂટેલી કાચલીઓ.

 .

શ્યામ ! તમે તો ફૂંક સૂરની

અમે વીંધાયેલ વાંસળીઓ,

શ્યામ ! તમે તો સૌરભ મીઠી

અમે ફૂલની પાંખડીઓ.

 .

શ્યામ ! તમે તો ગગન વહન ને

અમે વિહરતી વાદળીઓ,

શ્યામ ! તમે તો સૂર-કિરણ ને

અમે ઉજાગર આંખડીઓ.

 .

( મહેશ સોલંકી ‘બેનામ’ )

ત્રણ લઘુ કાવ્યો – જયંત દેસાઈ

(૧)

હથેળી પર

તારું નામ

લખી,

હાથ પાણીમાં

બોળું તો

તે જ ક્ષણે

બની જાય

પાણીનું અત્તર !!!

 .

(૨)

આંગણું

પસાર કરતાં

પોસ્ટમેનના ખભે

પતંગિયું

આવીને બેઠું

અને તે સાથે જ

દૂર પહાડોમાં

ક્યાંક કોયલ

ટહૂકી….

હું તરત જ પામી

ગયેલો : નક્કી,

પત્ર તો તારો જ

હશે !… !!…!!!!!…

.

(૩)

તું નહીં માને

પણ હવેથી

મારા ઘર આગળથી

પસાર થતા બધા

રસ્તા, તારા

નિવાસ આગળ

જ આવીને

અટકે

છે !…!!..!!!…

 .

( જયંત દેસાઈ )

ક્યારેક સતને યાચું – હરીશ મીનાશ્રુ

ક્યારેક યાચુંછું સત; ક્યારેક સ્વપ્ન યાચું;

ક્યારેક દોડું છું કાળને પાછળ નાખું;

ક્યારેક વર્ષું છું અમૃતની સેર અને

ક્યારેક મૃત્યુની ભોળી ભીખ માગું.

 .

પુણ્યસ્મરણ : વિન્દા કરંદીકર

 ( અનુવાદ : જયા મહેતા )

.

ક્યારેક સ્વપ્ન યાચું ક્યારેક સતને યાચું

તડકાનો તંત ઝાલી સૂરજના તતને યાચું

 .

ક્યારેક સિરને સાટે તાજોતખતને યાચું

ક્યારેક મોરપીંછા જેવા વખતને યાચું

 .

એકાકી થઈ જવાની અંગત રમતને યાચું

એમાંય એની ખુશ્બૂ ને એના ખતને યાચું

 .

ક્યારેક આંસુઓમાં ક્ષણ સંઘરી લઉં ને

એનું સ્મરણ સમેટી ગદ્દગદ હું ગતને યાચું

 .

તન્મય બનીને મયમાં હું સ્થિરતાને સાધું

તોબા કરીને રણઝણ રિન્દોની લતને યાચું

.

વાદ્યો શમ્યા પછી યે ઝણકાર શેષ હો તો

સાતે સ્વરોની મધ્યેના મૌનવ્રતને યાચું

 .

ક્યારેક વસ્ત્ર ત્યાગી હું અંતરીક્ષ ઓઢું

ક્યારેક આ ત્વચા પર કૈં કૈં પરતને યાચું

 .

ધરતી કને હું યાચું ક્યારેક રજની રિદ્ધિ

નભના કોઈ તારકની ખરતી રજતને યાચું

 .

કંથાનો જરકસી આ જામો પહેરી, મુરશિદ

તારી કને ફકીરીની સલ્તનતને યાચું

.

ભીતરની ભીડને હું સંબોધું વિજનતામાં

ભરચક સભામાં ખૂણે બેસી સ્વગતને યાચું

 .

કાગળ કલેજું કોમળ કાતિલ કલમ કટારી

શાહીના બુંદ જેવા જખ્મી જગતને યાચું

 .

શબ્દોના આ સબાકા જાણે જનોઈવઢ છે

જુદ્ધે ચઢી ગઝલમાં ઘાયલની ગતને યાચું

 .

( હરીશ મીનાશ્રુ )

આમેજ થઈ જાવું ! – રાજેન્દ્ર શુક્લ

તેજ સંગાથે ભળીને તેજ થઈ જાવું,

એને જોવું એટલે તો એજ થઈ જાવું !

 .

હોઈયેં જે એ જ પાછું સ્હેજ થઈ જાવું,

આ બધું છોડી અને સાચે જ થઈ જાવું !

 .

એમ હલકી ને હલકતું હેજ થઈ જાવું !

રંગમાં રંગાઈને રંગરેજ થઈ જાવું !

.

છો છવાતી શુષ્કતા ચોપાસ વિસ્તરતી,

આપણે તો ભીનું ભીનું ભેજ થઈ જાવું !

 .

આખરે તો આ બધાં યે નામ ને રૂપો,

એક છે તો એકમાં આમેજ થઈ જાવું !

 .

( રાજેન્દ્ર શુક્લ )