વલસાડના અવ્વલ અનાવિલ… – ગુણવંત શાહ

.

વલસાડના અવ્વલ અનાવિલ…

 .

એક જમાનામાં સુરતના ત્રણ નન્ના જાણીતા હતા : નર્મદ, નવલરામ અને નંદશંકર. દક્ષિણ ગુજરાતના અનાવિલોના ત્રણ મમ્મા કોણ ?

 .

જવાબ છે : મોનજી રુદર, મહાદેવ દેસાઈ અને મોરારજી દેસાઈ. ચોથા મ મૂકવા હોય તો ગોસેવક મણિભાઈ દેસાઈને યાદ કરવા રહ્યા.

 .

અનાવિલની વ્યાખ્યા શી ?

 .

જે માણસ તમને પંપાળતો હોય તોય નખોરિયાં ભરે છે એવું લાગે એને અનાવિલ જાણવો. મોરારજીભાઈ અનાવિલ હતા.

 .

કેટલાક માણસોની પર્સનાલિટી જ જરા વિશિષ્ટ હોય છે. એ પ્રશંસા કરવામાં કાયમ કરકસર કરે, પરંતુ ટીકા કરવામાં વાર ન લગાડે. એ સદ્દભાવ પ્રગટ કરવામાં વિલંબ કરે, પરંતુ અણગમો તરત પ્રગટ કરે. એ કોઈનો ઝટ સ્વીકાર ન કરે, પરંતુ એને દૂર કરવામાં ઉતાવળ કરે. મોરારજીભાઈ સામેવાળાને સ્નેહ કરતા હોય તોય એ માણસને તે વાતની ખબર ન પડે. વાણી કઠોર હતી એથી કાયમ એ શત્રુ ઉછેર કેન્દ્રના માલિક બની રહ્યા. શાસન (ગવર્નન્સ) કેમ કરવું એની સૂક્ષ્મ સમજ એમની પાસે હતી. એમની પાસે યોગ્ય નિર્ણય ઝડપથી લેવાનું સામર્થ્ય હતું. આવી શક્તિ ધરાવનારા દશરથના વિશ્વાસુ સુમન્ત્ર માટે વાલ્મીકિ રામાયણમાં ત્વરિતવિક્રમ: શબ્દપ્રયોગ થયો છે.

 .

વડા પ્રધાન મટી ગયા પછી એ મરીન ડ્રાઈવ પર આવેલા ઓસિયાના ફ્લેટમાં રહેતા હતા. પાકિસ્તાનના સરમુખત્યાચાર જનરલ ઝિયા સાથે એમનો સંબંધ સારો હતો. બન્ને વચ્ચે ટેલિફોન પર લાંબી વાતચીત થતી. ઈરાનના શાહને પણ મોરારજીભાઈ માટે ખૂબ આદર. પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાન-એ-પાકિસ્તાન મોરારજીભાઈને નિવૃત્તિ દરમ્યાન મળ્યો. એ સ્વીકારવા માટે એ પાકિસ્તાન જવા તૈયાર ન થયા. એ સમયગાળામાં હું વારંવાર મોરારજીભાઈને મળવા જતો.

 .

લાગ જોઈને મેં મોરારજીભાઈને પૂછ્યું :

 .

‘આપે પાકિસ્તાન જવાની ના કેમ પાડી ?’

 .

એમનો પ્રતિભાવ એક જવાબદાર અને રુઆબદાર રાષ્ટ્રપુરુષને શોભે એવો હતો. એમણે કહ્યું :

 .

‘હું પાકિસ્તાન જાઉં તો પત્રકારો મોમાં આંગળાં નાખીને મારી પાસે ઈન્દિરા ગાંધીની વિરુદ્ધ બોલાવડાવે. મારે મારા દેશના વડા પ્રધાનની નિંદા પરદેશની ધરતી પરથી કરવી નહોતી. વળી હું ઈન્દિરાની ખોટી પ્રશંસા કરું કે એમનો બચાવ કરું તો મારે જૂઠું બોલવું પડે ! માટે મેં જવાની ના પાડી.’

 .

ભારતને આવો શીલવાન વડા પ્રધાન ક્યારે મળશે ? રાજકારણી હોય એને જૂઠું ન બોલવાનું પોસાય ?

 .

અશોક શાહ નામના યુવાનને મેડિકલમાં પ્રવેશ મળ્યો. એ યુવાને તે વખતના નાણાપ્રધાન મોરારજીભાઈને પત્ર લખીને આર્થિક મદદ કરવા વિનંતી કરી. મોરારજીભાઈએ પર્સનલ એકાઉન્ટમાંથી તરત જરૂરી રકમ મોકલી આપી. આજે એ યુવાન ન્યુયોર્ક રાજ્યના રોચેસ્ટર શહેરમાં પેટના રોગોના નિષ્ણાત તરીકે દાક્તરી સેવા આપી રહ્યો છે. હું અશોકભાઈને ઘરે ત્રણ વાર જઈ આવ્યો છું. એ આદરણીય મોરારીબાપુના ભક્ત છે.

 .

એક અંગત પ્રસંગની વાત કરું ?

 .

હું ત્યારે સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગમાં પ્રોફેસર અને હેડ હતો. મોરારજીભાઈ ડુમસ આવે ત્યારે હું એમને અચૂક મળવા જતો. સુરતના નગરજનો મોટી સંખ્યામાં મારાં ગીતા-પ્રવચનો સાંભળવા માટે આવી પહોંચતા. ડુમસ જઈને મારા પ્રવચનમાં ઉપસ્થિત રહીને ગીતાના તત્વજ્ઞાન અંગે બે શબ્દો શ્રોતાઓને કહેવાની મેં મોરારજીભાઈને વિનંતી કરી. એનો સ્વીકર કરીને એમણે આપેલા સમયે સુરતના જીવનભારતી હોલમાં ઉપસ્થિત થયા અને બોલ્યા. એ ૯ ઓક્ટોબર, ૧૯૮૩નો દિવસ મારે માટે અને સુરતીઓ માટે યાદગાર બની ગયો !

.

એમના જેવા સ્વચ્છ રાજપુરુષ હવે દીવો લઈને શોધવા જઈએ તો પણ જડે એમ નથી. આજે તો ઠેર ઠેર તમને દિગ્વિજયસિંહ જ મળવાના ! સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં લોકસભામાં નાણાપ્રધાન તરીકે નવ-નવ વાર બજેટ રજૂ કરવાનો વિક્રમ હજી મોરારજીભાઈના નામે છે. એમની પર્સનાલિટી અત્યંત પ્રભાવશાળી હતી.

 .

મોરારજીભાઈને શત્રુ પેદા કરવાની ઉતાવળ રહેતી. જો એ મધુરભાષી હોત તો નહેરુ પછી જરૂર ભારતના વડા પ્રધાન બન્યા હોત. કડવાં વેણ ઉચ્ચારવાં એ એમની હોબી હતી શું ?

 .

એ આખાબોલા હતા એથી બોલતી વખતે આખા ને આખા (ઈન્ટિગ્રેટેડ) રહી શકતા હતા. વડા પ્રધાન હતા ત્યારે ઉત્તર ભારતના કોઈ શહેરમાં એમનું જાહેર પ્રવચન થયું ત્યારે એક પત્રકારે કહ્યું :

 .

સર ! તમારું પ્રવચન ઉત્તમ હતું. તરત જ મોરારજીભાઈએ એ પત્રકારને કહ્યું :

 .

‘વડા પ્રધાનો ક્યારે પણ નબળું પ્રવચન કરતા નથી.’

 .

એમના જવાબમાં રહેલી તેજલ ધાર સમજવા જેવી છે.

 .

( ગુણવંત શાહ )

 

હું જાગું છું – સુરેશ દલાલ

હું જાગું છું અને દિવસને આવકારું છું

અને સહજપણે દઈ દઉં છું સ્મિતનું ફૂલ.

એ પણ મને આપે છે પંખીનો એક ટહુકો

અને પળેપળમાં વહી રહે છે ભમરાનું ગુંજન.

 .

સવારના આ માહોલમાં હવા નજાકતથી મને

સ્પર્શે છે અંગે અંગે અને મને ફૂટે છે

રોમાંચની અધખીલી કળીઓ જે થોડીક ક્ષણોમાં

મારી આસપાસ એક મધુમય વાતાવરણ થઈને મ્હેકી ઊઠે છે.

 .

હું પણ બ્હેકી ઊઠું છું સવારથી તે રાત સુધી.

ક્યાંય કશો ભાર ભાર નથી, થાક નથી કે કોઈ કંટાળો.

દિવસની ગતિમાં જ ‘ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈજંનિયાં’નો

મંદ મધુર ધ્વનિ હોય પછી કોલાહલની તો છાયા પણ ક્યાંથી ?

.

મને હંમેશા એમ લાગે છે કે હું કોઈ દ્રાક્ષ-મંડપમાં

મારી સાંજ સાથે સંવનન કરતો રાતરાણી સાથે સૂઈ જાઉં છું.

 .

( સુરેશ દલાલ )

હવે મૃગજળ – મુકેશ જોષી

.

હવે મૃગજળ મને તો બહુ વહાલ કરે છે

હાથ સ્હેજ લંબાવું ભીનો કરવા

છતાં રેતીના બાચકા ન્યાલ કરે છે

 .

તરવા માટે હવે રેતી ને

આંખેથી ઝરવા માટેય હવે રેતી

ઈચ્છાના સાગરની કોણે કરી હશે

આવડી તે મોટી ફજેતી

અટકળની લહેરો તો આવી આવીને

ચૂંટી ખણીને સવાલ કરે છે

આ મૃગજળ તને કેમ વહાલ કરે છે.

 .

શ્વાસોથી ફૂંકાતી કાળઝાળ લૂ :

રોજ શેકાતા જીવતરના ઓરતા

પાણીનું નામઠામ સાંભળ્યા છતાં

હજુ હોઠ નથી આછુંય મ્હોરતા

દરવાજે ટાંગી ગયું કોઈ સૂરજ

ને કિરણો આ ઘરમાં ધમાલ કરે છે

જાણે જીવતરમાં ઝાંઝવાનો ફાલ ખરે છે

 .

( મુકેશ જોષી )

લાગણી – લાભશંકર ઠાકર

.

લાગણીને પાણીમાં પલાળીને ફણગાવી શકાય

લાગણીને વાટી શકાય

ચીરી શકાય

નીચોવી શકાય

લાગણીને કચડી-મચડી તોડી શકાય.

લાગણીને વાવી શકાય ને વેચી શકાય.

લાગણીને ગટરમાં પધરાવી શકાય.

ને બાળી પણ શકાય.

લાગણીનું બધું જ થઈ શકે

એનું કાવ્ય બનાવીને કાન પર લગાડી શકાય

ને બામ બનાવીને કપાળ પર લગાડી શકાય.

એનો જામ બનાવીને દારુ ભરી શકાય.

ને રામ બનાવીને દામ પામી શકાય.

ને પાન બનાવીને ચાવી શકાય.

એ ધીરજ પણ છે અને ધતિંગ પણ છે

એ આખી પણ છે અને રાખી પણ છે

એ ખાલી પણ છે અને ખખડે પણ છે

એનો હાથ લંબાય તો હિમાલય જડકાય બથોબથ

અને ઓગળવા માંડે ઉષ્માથી-

અને આંખ તરડાય તો…બાંગ્લાદેશ

એ વેશ કાઢે વિચિત્ર મનની લકડિયા રંગભૂમિ પર ઠિચુકઠંગ

એ અડે તો ફૂલની જેમ ને પડે તો ઊલ્કાની જેમ-

એમ લાગે જાણે આપણા હાથમાં પીંછી

ને તેમ લાગે જાણે સાથળ પર વીંછી-

ને રુંવે રુંવે એના ઝેરથી બળું બળું થયાંના સ્મરણ…

ને આમને આમ લાગણીની લપછીપમાં આવવાનાં મરણ.

અરેરે

આપણે પાણીમાં પલડીને ફણગવું નથી, ચીરાવું નથી, નીચોવાવું નથી

નથી આપણે કચડાવું કે નથી આપણે મચડાવું

આપણે વવાવું પણ નથી ને વેચાવું પણ નથી.

અને છતાં ભરબજારમાં બેઠા છીએ હારબંધ વેચાવા માટે

લાગણીનું કૂંડું બનીને-

થાય છે ગબડી જઈએ, તૂટી જઈએ, ફૂટી જઈએ-

પણ કોણ ધક્કો મારે ?

અંદર જે છે તેને તો હાથ જ નથી, પગ જ નથી,

કોણ ધક્કો મારે-

અને ગબડી જઈએ ?

 .

( લાભશંકર ઠાકર )

લઈ જા – રઈશ મનીઆર

.

આશા-ઈચ્છાથી પર મને લઈ જા,

ને નિરાશાથી પર મને લઈ જા.

 .

હું સમસ્યા છું, બીજું કંઈ જ નથી,

આ સમસ્યાથી પર મને લઈ જા.

 .

તારી સાથે વિતાવું છું ક્ષણ-ક્ષણ,

આ ક્ષણીકતાથી પર મને લઈ જા.

 .

તું બતાવી દે મારું સ્વર્ગ મને,

મારી દુનિયાથી પર મને લઈ જા.

 .

રાહ જોઉં છું, આવ, આવ અને;

આ પ્રતીક્ષાથી પર મને લઈ જા.

 .

જે તૂટી જાય એવું બંધન શું ?

આજે ‘હા’-‘ના’ થી પર મને લઈ જા.

 .

( રઈશ મનીઆર )

રાતને જ્યારે – સુરેશ દલાલ

.

રાતને જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે

એ વાદળની પથારીમાં પડખાં ઘસે છે.

પૃથ્વી એને પારકી લાગે છે

અને આકાશ અજાણ્યું.

 .

પોપચામાં વિચારો પોલાદના ભારની જેમ

એવા પડ્યા છે કે બીડ્યાં બિડાતા નથી.

આંખ મીંચાય તો સ્વપ્નના દ્વાર ખૂલે

પણ ઉજાગરાનો ઓથાર જંપવા દેતો નથી.

 .

કશું જ કામ નથી આવતું. ડૂબી ગયેલો સૂરજ

જાણે કે જનમોજનમનો વેરી હોય એવો.

અને ચંદ્ર તો જિપ્સી – ટિપ્સી થઈને

ક્યાંક નજરની ક્ષિતિજને ઓળંગીને ચાલી ગયો છે.

 .

રાતની જ્યારે માંડ આંખ મળશે ત્યારે સવાર પડી જશે

અને સૂર્ય એના ઉજાગરાનો લાલ રંગ થઈને સળગી ઊઠશે.

 .

( સુરેશ દલાલ )

ગુલઝાર આપું – સુરેન્દ્ર કડિયા

.

લે મફતમાં હું તને ગુલઝાર પર ગુલઝાર આપું

પણ કહી દે, કેટલી ફોરમ તને ઉધાર આપું !

 .

શ્વાસનો આ મહેલ ને ચોપાટ માંડી ભવ્ય છે તો

જીત મેં દીધી ઘણી, લે હાર છેલ્લી વાર આપું

 .

મીણનો ઘોડો ગમે ત્યારે પીગળવાનો, લખી લે

ઓગળી ગઈ છે લગામો, એટલો અણસાર આપું

 .

કાયમી તો કોઈને દીધી નથી મેં કોઈ દી

પણ જરૂરી હોય ત્યારે હું તરસ પળવાર આપું

 .

રણ કહે તો રણ અને પગલાં કહે તો એય દઈ દઉં

થાય એનાથી વધુ લાંબી કરી વણજાર આપું

 .

( સુરેન્દ્ર કડિયા )

હું તારી સંમુખ ઊભો રહીશ – રવીન્દ્રનાથ ઠાકુર

.

હે જીવનસ્વામી, હું દરરોજ તારી સંમુખ ઊભો રહીશ. હે ભુવનેશ્વર, બે હાથ જોડીને હું તારી સંમુખ ઊભો રહીશ.

 .

તારા અપાર આકાશ તળે વિજનમાં એકાંતમાં નમ્ર હૃદયે આંખમાં અશ્રુ સાથે હું તારી સંમુખ ઊભો રહીશ.

 .

તારા આ વિચિત્ર વૈવિધ્યસુંદર ભવસંસારમાં કર્મ-પારાવારને તીરે નિખિલ જગજ્જનોની વચ્ચે હું તારી સંમુખ ઊભો રહીશ.

 .

તારા આ સંસારમાં જ્યારે મારું કામ પૂરું થઈ જશે ત્યારે હે રાજેશ્વર, હું એકલો નીરવે તારી સંમુખ ઊભો રહીશ.

 .

* * * * * * * * *

 .

હે અંતર્યામી, રાત્રે સૂતાં સૂતાં હું વિચારી રાખું છું કે પ્રભાતમાં આંખ ખોલતાં તને હું પહેલાં જોઈશ.

 .

હે અંતર્યામી, જાગીને શુભ્ર પ્રકાશમાં બેસીને, પુલક સાથે તારે ચરણે નમીને, હું મનમાં વિચારી રાખું છું કે દિવસનાં કાર્યો, હે સ્વામી, હું તને સોંપીશ.

 .

દિવસના કાર્યો કરતાં કરતાં હું ક્ષણે ક્ષણે મનમાં વિચારું છું કે કાર્યને અંતે સંધ્યા સમયે હું તારી સાથે બેસીશ.

 .

હે અંતર્યામી, સંધ્યા સમયે હું ઘરમાં બેસીને વિચારું છું કે તારા રાત્રિના વિરામ સાગરમાં થાકેલા પ્રાણની બધી ચિંતા અને વેદના ગુપચુપ ઊતરી જશે.

 .

( રવીન્દ્રનાથ ઠાકુર, અનુ: નગીનદાસ પારેખ )

ઝંખના – પલ્લવી શાહ

.

પ્રિય, જ્યારે તું બોલે છે અને હું સાંભળ્યા કરું છું ત્યારે કદાચ તને એમ લાગતું હશે કે આ સામો જવાબ કેમ નથી મળતો ? મારા ઝરણાના સંગીતને, પક્ષીઓના કલરવને વીજળીના ચમકારને, વાદળાંના ગડગડાટને, વરસતા મેહુલાને, સમુદ્રના મોજાઓનાં મંથનને, ઋતુઓના બદલાવને, દરેક સંગીતને, અવાજને જાણે જોઈ રહી છે કાં તો એને સંભળાતું નથી, કાં તો એને સમજણ પડતી નથી, પણ એવું નથી દોસ્ત, હું આ બધું સાંભળી, જોઈ, એને હૃદયમાં સમાવવાની મથામણમાં પ્રતિસાદ આપવાનું જ ભૂલી જા ઉં છું. આટલાં ખોબલા જેટલા હૃદયમાં વિશાળ મંથનને સમાવવું કાંઈ સહેલું છે ? વસંતના આગમનની રાહ જોઈ થાકેલા પંખી, પશુ, ઝાડ, પાન જ્યારે તેનું આગમન થાય ત્યારે કેવાં મોરી ઊઠે છે ? વાદળાનો ગડગડાટ સાંભળી મોર, ચાતક વગેરે ભીની માટીની મહેંકથી મહેકી ઊઠે છે. તેમ એક વખત ધરતીનું આ મહાન કાવ્ય મારામાં સમાવી હું ખુદ એક કાવ્ય બની જઈશ. માટે તું પણ રાહ જો અને મને તારો હૂંફાળો સાથ આપ કે તારી ઈચ્છાઓ હું પૂરી કરી શકું.

.

.

સવારના જ્યારે પક્ષીઓ તારા નામના પ્રભાતિયાં ગાઈને મારી આંખો પરથી નિંદરનો ભાર હળવો કરે છે ત્યારે હું મારી બારીએ આવું છું અને સૂર્યના પ્રથમ કિરણ જેવા પક્ષીઓનાં ગાનને મારા હૃદયમાં સમાવું છું. આંખો બંધ કરી હું પણ પક્ષી બની જાઉં છું અને એની સાથે સાથે તારા પ્રભાતિયાં ગાવા લાગું છું. પંખીની સાથે હું પણ પાંખો ફફડાવીને ઊડીને હું તારી પાસે આવું છું. આપણે બન્ને ખૂબ વાતો કરીએ છીએ અને હું પાછી મારી બારીએ આવીને આંખો ખોલું છું ને આ સમગ્ર વિશ્વ મને સ્વર્ગ જેવું લાગે છે ને હવે હું મારા ગાનથી આ વિશ્વને ભરી દેવા માંગુ છું.

.

( પલ્લવી શાહ )

જરા ધીમે… – ગીતાંજલિ

.

ધીમે ડગ માંડો,

હે મિત્ર,

વેરાયેલાં છે મારાં સ્વપ્ન

કચડતા નહીં એને પગ તળે

કે અવગણશો પણ નહીં એને.

 .

ઉલ્લાસ ભરી આવતી કાલોનું –

વચન આપતાં સ્વપ્નો

છે હજુ પણ

મારી આંખોમાં.

જે આવતી કાલો,

કદાચ

આવે,

કે ન પણ આવે

મારા માર્ગમાં.

 .

છતાં સેવું છું સ્વપ્ન,

ભલે એ સોણલાં

વેરાયાં હો અહીં તહીં;

 .

તેથી હે મિત્ર,

ધીમે ડગ માંડો.

ઝૂઝવા અશક્ત

એવાં મારાં સ્વપ્નોને

કચડતા નહીં પગ તળે.

 .

( ગીતાંજલિ, અનુ: રમણીક સોમેશ્વર )