શિયાળાની સવાર – મુકેશ જોષી

.

આંખ જરા મોડી ખૂલી

પણ

જોયું તો નાહી-ધોઈને…

લલાટમાં કંકુ તિલક કરીને

હમણાં જ

મંદિરેથી આવ્યું હોય એવું આકાશ

નીલું સ્મિત ફરકાવતું

આરતી કરતા ઘંટડી વગાડવા મળે

અને રાજી થતાં બાળકો જેવી

રમતિયાળ બે ચાર વાદળીઓ ધીમું ધીમું હસે

જુઓ તમે બધા રહી જ રહેજો.

નીચે ઝાકળથી નાહીને નાની કૂંપળો અને

પાંદડીઓ ટાઢમાં થરથરતી હશે. હું જલદી

જઈને લૂછી કાઢું નહીં તો માંદી પડશે

કહીને ચાલવા માંડેલા સૂરજદાદા

‘એક મિનિટ દાદા’ હુંય આવું છું કહીને

સાથે ચાલી નીકળેલો અને ધીમું ધીમું ગાતો

પવન… ને….

બંને પોતાની મોજમાં હસે

પંખીઓએ સમૂહ સ્વરમાં

જૂની મદનમોહનની તરજમાં છેડેલું

કબીર કે મીરાંનું પદ

ને ઝાડવાંઓના હોઠ પર મંદ મંદ હાસ્ય

સામેના ઘરમાં કોલેજમાં જવાનું હોય છતાં

ફાઇવસ્ટાર પાર્ટીમાં જવાનું હોય એમ

તૈયાર થતી સેવન-સ્ટાર રૂપાળી છોકરી

જે કોલેજમાં જતાં પહેલાં

મમ્મીને હસીને બાય કહેતી નીકળે

ને આ તરફ…

માએ પાણિયારે દીવો મૂકી

મને હસતાં હસતાં જગાડ્યો… ત્યારે

ખબર પડી

શિયાળાની સવાર પાસે કેટલું

મધુર હાસ્ય હોય છે

બિલકુલ

ઈશ્વરના ચહેરા ઉપર હોય એવું.

 .

( મુકેશ જોષી )

જીવી ગયો હોત – જયંત પાઠક

કોઈ નથી-ના આ બંધ ઓરડામાં

આંટા મારતી

મારી એકલતાના કાનમાં

તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત

તો હું જીવી ગયો હોત,

મરણના મારગે આ ચરણ ઉપડ્યા ત્યારે

તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત

તો હું જીવી ગયો હોત;

મુખ પર ઢંકાયેલી

મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને

તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત

તો હું જીવી ગયો હોત

 

આમ તો કદાચ

મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું

પણ…તે મારા હાથમાં નહોતું !

 .

( જયંત પાઠક )

या खुदा ! – राजेश रेड्डी

या खुदा ! कैसे ज़माने आ गए

फ़ैसला क़ातिल सुनाने आ गए

 .

लोग जी लेते हैं कैसे ज़िन्दगी

होश अपने तो ठिकाने आ गए

 .

ढूँढने निकले थे हम तो इक ख़ुशी

हाथ में ग़म के ख़जाने आ गए

 .

हमने रोए जिनके आँसू उम्र भर

वो भी हम पर मुस्कुराने आ गए

 .

इक पुराने ग़म से हम निकले ही थे

कुछ नए ग़म आज़माने आ गए

.

( राजेश रेड्डी )

જુઓ ભડકો થશે – ભગીરથ બ્રહ્મભટ્ટ

.

આ શ્વાસ અટકાવી જુઓ ભડકો થશે

આભાસ દફનાવી જુઓ ભડકો થશે

 .

જે આપણા ઘરમાં વસે છે પુષ્પતા

સુવાસ સરખાવી જુઓ ભડકો થશે

 .

છાયા બની જે રાત ને શોધે સતત

એ સાંજ પલ્ટાવી જુઓ ભડકો થશે

 .

આ કાળનો તણખો લઈ ઘૂમે પવન

અંગાર બુઝાવી જુઓ ભડકો થશે

 .

દરિયો ઓલવો એ આગ પણ

કો આંખ છલકાવી જુઓ ભડકો થશે

 .

( ભગીરથ બ્રહ્મભટ્ટ )

जैसी है – निदा फाजली

ज़िन्दगी इंतजार जैसी है

दूर तक रहगुजार जैसी है

 .

चंद बेचेहरा आहटों के सिवा

सारी बस्ती मज़ार जैसी है

 .

रास्ते चल रहे हैं सदियों से

कोई मंजिल गुबार जैसी है

 .

कोई तन्हाई अब नहीं तन्हा

हर खामोशी पुकार जैसी है

 .

ज़िन्दगी रोज़ का हिसाब किताब

कीमती शै उधार जैसी है

 .

( निदा फाजली )

[ शै = वस्तु ]

ઝંખના – પલ્લવી શાહ (Happy Valentine’s Day)

.

મારાથી તારા વગર રહેવાતું નથી. સમાવી લે મને તારામાં. તારા વિશાળ વક્ષસ્થળમાં હું મારું માથું મૂકું અને તારો હાથ મારા માથે ફરતો હોયને એક મધુર શાંતિ અંગે અંગમાં વ્યાપી જાય. હું ચિરનિંદ્રામાં પોઢી જાઉં. જ્યારે ઉષાના રંગો ફેલાયેલા હોય ત્યારે હું પડી રહું અને તું નિ:શબ્દ થઈ તારી આંખોમાંથી મારી ઉપર અમી છાંટણાં કરતો હોય અને હું આંખો બંધ રાખી તારા અમી છાંટણાંનું અમૃત પીતી જાઉં. આ બધી ઈચ્છાઓ મને થાય છે કારણ કે હું તને ખુબ ખુબ પ્રેમ કરું છું અને ખરેખર આંખો બંધ રાખીને હું પથારીમાં પડી છું. આંખો ખોલતાં ડર લાગે છે કે જો હું આંખો ખોલીશ તો જે નિકટતા આંખો બંધ રાખીને અનુભવું છું તે ખુલ્લી આંખે દૂર નહિ થઈ જાય ને ?

.

.

હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ પ્રેમનું ગીત ગાતાં ગાતાં ક્યારેક પંખી બનીને ગગનમાં મુક્તવિહાર કરવા લાગું છું, તો ક્યારેક હવાના રેલાતા સૂર સાથે મારા તાલ મેળવવા પ્રયત્ન કરું છું. ક્યારેક પગમાં ઘૂંઘરું બાંધી એક લય પર અટલ રહી, તારામાં એકરૂપ થવાનો પ્રયત્ન કરું છું. તો ક્યારેક ચાતક બની તારા વરસવાની રાહ જો ઉં છું. તો ક્યારેક મોર બની થનગનાટ કરું છું. મારું મન મારા કહ્યામાં નથી અને મારું હૃદય તને અને ફક્ત તને જ ઝંખે છે. ચાલને આપણે હાથ પરોવી સમુદ્રની આ મીઠી મીઠી લહરો ઉપર આપણાં નામ કોતરીએ. આવીશ ને ?

.

.

આ રંગબેરંગી દુનિયા અને રંગબેરંગી ઉત્સવ. ચારે તરફ ઉત્સવ-પર્વ. ચાલને આજે આપણે પણ આપણા મિલનનો ઉત્સવ ઉજવીએ. પણ એમાં આપણે બે અને ફક્ત આપણે બે જ રહીશું. તું મારી સામે બેઠો હશે અને હું મારા પગમાં ઘૂંઘરું બાંધી નૃત્ય કરીશ અને તું તારા નયનોની સુરાહીમાં મને ભર્યા કરજે. રાત્રે શીતળ ચાંદનીનાં પ્રકાશમાં આપણે બંને બારીએ ઉભાં રહીશું અને એકબીજાને આપણા મિલનની વધામણી આપશું ત્યાં અચાનક એક તારો ખરશે અને આપણે ઈચ્છા ધારણ કરીશું. આપણા પ્રથમ મિલનનો આ ઉત્સવ દરેક દિન, દરેક પળને ઉત્સવ બની રહેશે.

 .

( પલ્લવી શાહ )

આ પુસ્તક તમે જોયું? – ધ કાઈટ રનર

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

ધ કાઈટ રનર – ખાલીદ હુસેની, અનુ. રીતેશ ક્રિસ્ટી

 .

પુસ્તકોની દુકાનોથી હું મોટેભાગે દૂર રહું છું. અથવા તો વારંવાર જવાનું ટાળું છું. કારણે કે જો પહોંચી ગઈ તો મને કોઈ પુસ્તકો ખરીદતા રોકી શકતું નથી. હમણાં પણ ઘણાં સમયથી મુલાકાત ન્હોતી લીધી. પણ એક સગાને લગ્નપ્રસંગે પુસ્તિકાઓ વહેંચવા માટે જોઈતી હતી તો રવિવારે એ માટે ખાસ દુકાન ઉઘડાવી અને સાથે મારે પણ જવું પડ્યુંતો સ્વાભાવિક રીતે મેં પણ મોટી ખરીદી કરી.

એક પુસ્તક હાથમાં આવ્યું તેના પર લખ્યું હતું “૨૦૦૬,૨૦૦૭ અને ૨૦૦૮માં પેંગ્વિન/ઓરેન્જ રીડર્સગ્રુપ પ્રાઈઝ વિજેતા અને હવે એક ભવ્ય ફિલ્મ પણ બની ચૂકી છે.” તો લાગ્યું કે નવલકથામાં ચોક્કસ કંઈ દમ હશે. અને લઈ લીધું. મકરસંક્રાંતિના દિવસે બહારગામ જવાનું થયું અને મેં સફર દરમ્યાન વાંચવાનું શરૂ કર્યું ”ધ કાઈટ રનર”. નવલકથા વિશે સવિસ્તર કહેવાથી વાચકોનો રસભંગ થવાની શક્યતા છે. માટે એ વિશે વિશેષ કંઈ લખતી નથી. પણ પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે તેવી કથા છે. રીતેશ ક્રિસ્ટીએ અનુવાદ ખૂબ જ સરસ કર્યો છે. ક્યાંય પણ એવું લાગતું નથી કે મૂળ નવલકથા કોઈ બીજી ભાષામાં લખાઈ છે. આ પુસ્તક વિશેના ઘણાં અભિપ્રાયોનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણે તે જોઈએ.

  .      

૧૯૭૦ના દસકાનું અફઘાનિસ્તાન : બાર વર્ષનો આમિર સ્થાનિક પતંગસ્પર્ધામાં જીતવા મરણિયો બન્યો છે અને એનો વફાદાર મિત્ર હસન તેને મદદ કરવાનું વચન આપે છે. પણ બંનેમાંથી એકેય મિત્ર નથી જાણતા કે એ બપોરે હસન સાથે શું બનવાનું છે. એક એવી ઘટના જે તેમનાં જીવનોને છિન્નભિન્ન કરી નાખે છે. રશિયનોના હુમલા પછી આમિરના કુટુંબને અમેરિકા પલાયન થવાની ફરજ પડે છે. અમેરિકામાં આમિરને પ્રતીતિ થાય છે કે એક દિવસ તેણે તાલિબાન સત્તા હેઠળના અફઘાનિસ્તાન પાછા ફરવું પડશે એ જોવા કે નવી દુનિયા તેને એક ચીજ આપી શકે તેમ નથી : મુક્તિ.

.

“હચમચાવી દે તેવી હૃદયદ્રાવક અને નિખાલસ કથા” – ડેઈલી ટેલિગ્રાફ.

 .

“અસામાન્ય ઉદારતા, પ્રમાણીકતા અને અનુકંપાની કથા” – ઈન્ડિપેન્ડન્ટ.

 .

“હુસેની ખરેખર પ્રતિભાસંપન્ન વાર્તાકાર છે…તે તમારા હૃદયના પ્રત્યેક તારને ઝંકૃત કરે છે” – ધ ટાઈમ્સ.

 .

“ઉલ્લેખનીય કથા. અફઘાનિસ્તાનના સંક્ષિપ્ત ઈતિહાસ સાથે મિત્રતા અને સ્નેહને શેક્સપિયરીઅન કથાનું અદ્દભુત સંયોજન… ઉત્કૃષ્ટ’ – ડેઈલી એક્સપ્રેસ.

 .

“આમિર હસન સાથેના સંબંધનું ભાવવાહી નિરૂપણ. આમિરે હસનને કરેલો અંતિમ છેહ આઘાતજનક લાગે છે. હૃદયસ્પર્શીકથા’ – લિટરરી રિવ્યૂ.

 .

“મારી પ્રિય કથા… અદ્દ્ભુત” – જોઆન્ના ટ્રોલોપ, બુક્સ ઓફ ધ યર, ઓબ્ઝર્વર.

 .

“ધ કાઈટ રનર એ સ્વસ્થતા અને ગંભીરતાપૂર્વક કહેવાયેલી કથા છે. પૌર્વાત્ય ચિરકાલિન ગાથાની જેમ જ તે ગર્ભિતજટિલતા અને ડહાપણની કથા છે. તે વ્યક્તિગત અને રાજકીય દુષ્ટતા વર્ણવતા સત્યની હૃદયદ્રાવક રજુઆત કરે છે અને આશાની તાકત સાથે ઊંચે ઊડતા પતંગની જેમ અભિભૂત કરે છે.” – ડેઈલી ટેલિગ્રાફ.

 .

“ઉત્કૃષ્ટ કહી શકાય તેવી લેખકની પહેલી નવલકથા… તે જૂની ઢબની કથા છે જેના પ્રવાહમાં તમે વહી જાવ છો.” – સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ

 .

“હચમચાવીદે તેવી… યોગ્ય સમયે કહેવયેલી અને ઉચ્ચ સાહિત્યિક ગુણવતા ધરાવતી દુર્લભ કથા.” –  પબ્લેશર્સ વીકલી

 .

“આ રહી વાસ્તવિક શોધ : ધમાકેદાર પ્રવેશ… છળકપટ અને પશ્ચાતાપ… મહામુસીબતે મેળવેલી મુક્તિની દઝાડી દે તેવી હૃદયસ્પર્શી કથા. સાથે સાથે અફઘાન સંસ્કૃતિનું સુંદર વર્ણન : અત્યંત મોહક.” – કિકર્સ રિર્વ્યૂઝ.

 .

“લેખકના આ સર્વપ્રથમ સર્જનમાં દરેક પાના પર ધ્યાનાકર્ષક કહી શકાય એ બાબત માત્ર તેની ભાષા જ નહીં પણ જીવનનો ઝગમગાટ છે. હુસેનીના લેખનમાં આડંબર નહીં પણ જીવનનો નિચોડ છે – પાંગરી રહેલા નવલકથાકારો માટે એક પાઠ છે..હુસેની એકસરખી કુશળતાથી સંવેદના અને ભય સર્જે છે, કેલિફોર્નિયાનું ગુલાબી સ્વપ્ન અને કાબૂલનું દુ:સ્વપ્ન આલેખે છે. સુંદર રીતે ગૂંથાયેલી બોધકથા.” – ગ્લોબ એન્ડ મેઈલ કેનેડા.

 .

“સામાજિક-રાજકીય વિવરણ અને શક્તિશાળી લાગણીશીલ કથાનું અદ્દભુત સંયોજન” – ઈન્ક.

 .

“રાજકીય ઊથલપાથલો વચ્ચે બે ખંડો સુધી વિસ્તરતી શેક્સપિયરીન આરંભથી વિસ્તરતી કથા, જ્યાં સપનાઓ પાંગર્યાં પહેલા જ કરમાઈ જાય છે અને એક બાળકનું રૂપાંતર એક કાયર આદમીમાં થાય છે…સમૃદ્ધ અને આત્મખોજ કરતી કથા… લેખકનું વિશ્વ સુંદર અને ભયંકરનું અદ્દભુતનું ગૂંથણકામ છે…પુસ્તક રગદોળાઈ રહેલા અફગાનિસ્તાનના વતનીઓના આઘાત અને મનોવ્યથાનું અવિસ્મરણિય વર્ણન છે.” – ઓબ્ઝર્વર.

.

“સુંદર નવલકથા… વર્ષની સૌથે સારી લખાયેલી અને વિચારતા કરી મૂકે તેવી કથા… ધ કાઈટ રનર એ નવા છંદમાં ગવાયેલું ગીત છે. હુસેની એક જીવંત અને મૌલિક સર્જક છે. તેમને કટાક્ષ અને સૌમ્ય અને સંવેદનશીલ હૃદયની કુદરતી બક્ષિસ મળી છે. તેમની કથા કદાચ એવા સમયે હોઈ શકે કે જ્યારે અમેરિકનો એ વિશે સમજવાની શરૂઆતકરી રહ્યા હશે પણ તે તેમની કલાનું કાગળના પાના પર અદ્દભુત ચિત્રણ કરે છે જે આત્મીય અને મર્મભેદી લાગે છે.” – ડેન્વર પોસ્ટ

 .

“ જો તમને ગોડ ઓફ સ્મોલ થિંગ્ઝ ગમી હશે તો તમને ધ કાઈટ રનર પણ અવશ્ય ગમશે… અમર્યાદ દુ:સાહસોનું વર્ણન… ચિત્તાકર્ષક.” – ઈમેજ.

 .

“સ્મૃતિ અને ભૂતકાળની સુંદર યાદગીરીઓને ખોવાઈ ગયેલી દુનિયા પાછા મેળવવાની ઝંખનાનું સુંદર સંયોજન… ધ કાઈટ રનર ઉત્તમ કોટિની યુરોપી કથાઓની ઝાંખી કરાવે છે.” – ઈન્ડિપેન્ડન્ટ.

 .

“સ્વસ્થ અને વિરક્ત ભાવે કહેવાયેલી કથા. જેમ જેમ કથા આગળ વધે છે તેમ તેમ ઉદ્વેગની લાગણી વધતી રહે છે અને અંતે એનું શમન થાય છે.” – ટાઈમ્સ લિટરરી સ્પ્લિમેન્ટ.

 .

ધ કાઈટ રનર – ખાલીદ હુસેની, અનુ. રીતેશ ક્રિસ્ટી

 .

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર

 .

પૃષ્ઠ : ૩૭૮

 .

કિંમત : ૨૫૦

 .

ધ કાઈટ રનર ફિલ્મની સાઈટ : http://www.kiterunnermovie.com/

ક્યાં સુધી – શબાબ

.

હું તને અયદિલ મનાવું ક્યાં સુધી

આંખમાં દરિયો છુપાવું ક્યાં સુધી

 .

તેં જ મારા થઈ દીધો મુજને દગો

શ્વાસ મારા હું ટકાવું ક્યાં સુધી

 .

એક બે ફરિયાદ હો તો ઠીક છે

સાગરે મોજાં ગણાવું ક્યાં સુધી

 .

યાદનાં પંખી સતત ફોલ્યાં કરે

ચીસ મારી હું સુણાવું ક્યાં સુધી

 .

મોતનું ઓઢી કફન બોલ્યાં ‘શબાબ’

શબ્દની મહેફિલ સજાવું ક્યાં સુધી

.

( શબાબ )

અજાણ્યો યાત્રી – સુરેશ દલાલ

.

હું સાવ અજાણ્યો યાત્રી !

ક્યાંથી આવ્યો, ક્યાં હું ચાલ્યો, નહીં ખબર કે ખાત્રી

 .

સદી સદીના જોજન જોજન

મારું છે શું અહીં પ્રયોજન ?

પ્રશ્ન થઈને દિવસ ઊગે ને ઢળે આંખમાં રાત્રિ

 .

એક જ રટણા : એક જ ઘેલું

કહો મને હું કેમ ઉકેલું ?

હું તો મારી લઈ કુંડળી શોધી રહું વિધાત્રી

.

તરણાં ને સૂરજનાં કિરણ

બન્ને વચ્ચે રમે સમીકરણ

આ રંગમંચ પર મારું હોવું કેવળ શું એકપાત્રી ?

.

( સુરેશ દલાલ )

ગૃહદીપ પેટાવ – રવીન્દ્રનાથ ટાગોર

.

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

તારો પ્રકાશ પામીને મારાં બધાં દુ:ખ અને શોક સાર્થક થાઓ.

 .

ખૂણે ખૂણામાં જે અંધકાર છુપાયેલો છે, તે ધન્ય થઈને મરો, તારા પુણ્યપ્રકાશમાં બેસીને હું પ્રિયજનને પ્રેમ કરું.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

તારો પ્રદીપ સ્પર્શમણિનો છે, એની જ્યોત અચપલ છે, મારાં બધાં કાળાં કલંકને એ પલકમાં સોનું બનાવી લો.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

હું જેટલાં દીપ સળગાવું છું તેમાં કેવળ જ્વાળા અને કેવળ કાજળ હોય છે. મારા ઘરના બારણા ઉપર તારાં કિરણો વર્ષાવ.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

* * * * * * * * * *

.

હે પ્રભુ, જો મારું આ હૃદયદ્વાર કોઈ વાર બંધ રહે તો તું દ્વાર ભાંગીને મારા પ્રાણમાં આવજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ દિવસ આ વીણાના તાર તારું પ્રિય નામ ન ઝંકારે તો તું દયા કરીને ક્ષણેક ઊભો રહેજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ વાર તારા આહવાનથી મારી ઊંઘનું ઘેન ન ઊડી જાય, તો તું મને વજ્ર-વેદનાથી જગાડજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ વાર હું તારા આસન ઉપર બીજા કોઈને પણ જતનપૂર્વક બેસાડું, તો હે મારા ચિર કાળના રાજા, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

( રવીન્દ્રનાથ ટાગોર )