.
તમે આવો તો વાર્તાય માંડીયે,
મ્હોરાને હળવેથી સરકાવી દઈએ ને ચહેરાનો ફોટો પાડીએ.
.
ભાષાની ભાગોળે શબ્દોના વાડા, ને અર્થોના છીંડા પણ છીંડાને રસ્તે જવાય નહીં,
ઊર્મિઓ ઉર્ફે દરિયાના મોજા, મોજામાં મસ્તી, પણ મસ્તી કંઈ મુઠ્ઠીમાં માય નહીં.
પગની ભીનાશથી પલળેલા રસ્તા પર ટહુકાનો વરઘોડો કાઢીએ.
તમે આવો તો વાર્તાય માંડીયે.
.
મારાથી તારી ને તારાથી આપણી ને આપણાથી સૃષ્ટિ ને સૃષ્ટિની આગળની જાતરા,
સમજણના મેળામાં ઈચ્છાના ટોળાં ને ટોળાંનું વળગણ ને વળગણને કાનો નહીં માતરા.
વિસ્મયના ખુલ્લા ઝરૂખાઓ જેવી આ આંખોમાં ઢોલિયાઓ ઢાળીએ.
તમે આવો તો વાર્તાય માંડીયે
.
( મકરંદ મુસળે )
Coming…on my way…
એકદમ મસ્ત.
મન ની બારીઓ ખુલી જાય તો જ વાર્તા મંડાય.
હિનાબેન,
ખૂબજ સુંદર ભાવ સાથેની રચના!