વરસાદમાં – ધીરુબહેન પટેલ

વરસાદમાં

મકોડાને પાંખ ફૂટે છે

શા માટે ?

તેઓ જાણતા નથી

પણ નવા ગાંભીર્યથી

ગોળ ગોળ ફરે છે

તેમની ગતિ થાય છે

ભૂતલથી આકાશ ભણી

તેજથી તિમિર ભણી

નથી પ્રાપ્તવ્ય નથી સ્પર્ધા

નથી સાથનીયે પરવા

તેમના જીવનમાં આવ્યો છે

એક નવો ઉન્મેષ

નવો આનંદ

જે આકાશ ભણી જોયુંયે નહોતું

તે હવે તેમનું છે

તેમનું પોતાનું

સ્વેચ્છાએ વિહરવું

ના કોઈ બંધન ન ડર

બસ આહલાદક આકાશી સફર

 .

પાંખો ચોવીસ કલાકથી વધુ

ટકતી નથી

એ તેઓ જાણતા નથી

જાણવાની શી જરૂર એમને

આપણને કે કોઈને પણ ?

પરમ સત્ય એ છે

કે પાંખો ઊગી છે

વરસાદનાં પહેલાં છાંટણાં સાથે

એમને-અને આપણને

ઓહ, જો આપણને એનું ભાન હોત !

 .

( ધીરુબહેન પટેલ )

તાપણી – મણિલાલ હ. પટેલ

.

આપણે નહીં કરેલા ગુન્હાઓની શિક્ષા

આપણને જ શા માટે થાય છે ?

વસંત બેસે છે તોય

આપણને તો ઉઝરડા જ મળે છે

મૉલ બનેલાં આપણાં ખેતરોમાં પછી

આપણે ઉગાડી શકતા નથી મનગમતાં શમણાં

આંગણાના ઝાડની ડાળે-માળે

બેસીને આપણે ગાઈ શકતા નથી લીલાશને

ખાઈ શકતા નથી હક્કનો રોટલોય નિરાંતે !

 .

જે હાથે બાંધ્યા મોલ ને ચણ્યા મિનારા

એ તો પામ્યા છે ગામવટો-ઘરવટો

આપણે તો હતા પતંગિયાં રમાડતી

કેસીઓના જીવ

સડકોની સુંવાળી સોબત સૉળ બની ગઈ

આપણ તો ‘વળતાં પાણી’ના વારસદાર છીએ

નિ:સહાય દેખવું ને દાઝ્યા પર દાઝવું

એ જ આપણી નિયતિ !

 .

તો ય ક્યારેક પુછાઈ જાય છે –

કોના ગુન્હાઓની શિક્ષા થાય છે આપણને

કિયો ઘાંચી

અવળી ઘાણીએ પૂરીને તેલ કાઢે છે આપણું ?

આપણું હોવું તો કાયમનું

ધગધગતું તાપણું…

 .

( મણિલાલ હ. પટેલ )

ગાડું ગબડે – ભગવતીકુમાર શર્મા

.

શ્વાસ પડે કે ઊપડે, એમ જ ગાડું ગબડે;

દ્વાર બિડાય કે ઊઘડે, એમ જ ગાડું ગબડે.

 .

પડછાયો માણસને માણસ પડછાયાને

છોડી દે કે પકડે, એમ જ ગાડું ગબડે.

 .

પ્રભાત ઊગે, સાંજ ઢળે ને ખીલે ચાંદની,

માણસ ખુદમાં સબડે, એમ જ ગાડું ગબડે.

  .

સ્વપ્નો, ઈચ્છા, આશા-સઘળું વીખરાયેલું,

જીવું ટુકડે ટુકડે, એમ જ ગાડું ગબડે.

 .

મિથ્યા દોષારોપણનો શો મહિમા કરવો ?

માણસ છે તો લથડે, એમ જ ગાડું ગબડે.

.

દીવાલોની વચ્ચે માણસ ઘેરાયો છે,

બારીઓ પણ કચડે, એમ જ ગાડું ગબડે.

 .

નથી રણકતા હવે ઘૂઘરા સીમાડાએ,

ખેતરશેઢે વગડે, એમ જ ગાડું ગબડે.

  .

( ભગવતીકુમાર શર્મા )

આકાશ, અપના અપના ! – ધીરુ મોદી

.

વિશાળ વટવૃક્ષને છાંયડે …

દરમાં સતત આવ-જા કરતી કીડીએ

આકાશ વિશે ઘણું સાંભળ્યું હતું

પણ એણે કદી આકાશ જોયું નહોતું.

 .

એકવાર આકાશ જોવાને બહાને

તક મળતા આ કીડી

ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ એક ઊંટ પર ચઢી ગઈ

 .

…લાંબી ચરણયાત્રા…પૂરી થઈ

ને છેક ઊંચે ગોળાકાર ગાદી સરખા પોચા ઢેકા પર બેઠી.

 .

પછી શ્વાસ હેઠે બેસતાં

ઊંચે જોઈને

એણે આકાશને પૂછ્યું:

-અરે ઓ આકાશ!

બોલ, હજીય તું કેટલું ઊંચું ?

 .

( ધીરુ મોદી )

પરીકથા – અવિનાશ પારેખ

.

બધાંને

હંમેશા એ જ જોઈતું હોય

જે

આપણી પાસે ન હોય

એવામાં

આપણી પાસે શું છે

એ વાત કરવાનો કોઈ અર્થ ખરો

 .

આપણે વાત કરીએ

કોઈક

અજાણ્યા અદ્દભુત વિશ્વની.

 .

પરીકથાનો

આમ જ તો થાય

આરંભ…

 .

( અવિનાશ પારેખ )

કોને ખબર – પરાજિત ડાભી

.

ટાઢ, તડકા, સૂર્યનું કારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર,

આંખમાં જે સ્વપ્નનું ભારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

શબ્દ સઘળા સોળ આની આ ગઝલમાં અવતરેલા તે છતાં,

દર્દનું અકસીર મારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

સાંજ ઢળવા નીડમાં પાછા ફરી શકતા નથી એ ખગ વિશે,

વૃક્ષ સાથે એક જે સગપણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

ઝાંઝવાનાં અર્થની પોઠો બધી રઝળ્યા કરે ગઝલો મહીં,

ધોમધખતું શબ્દનું જે રણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

આજ ઓળખ એટલે તો કોઈને પણ કોઈની મળતી નથી,

કાલ સૌની આંખમાં દર્પણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

.

( પરાજિત ડાભી )

રસ્તા વચ્ચે – મણિલાલ હ. પટેલ

.

રસ્તા વચ્ચે પડાવ આવશે

મારી સાથે લગાવ આવશે

 .

આજે તું છો ઊભે પાણી

તને કોક પર ભાવ આવશે

 .

સામે આવ્યું ઠેલ નહીં તું

એ જ બની પ્રસ્તાવ આવશે

 .

જો અંધારાં ઓળખશે તું

અજવાળાંની નાવ આવશે

 .

કાળો પીળો તાવ આવશે

તૂરી કડવી રાવ આવશે

 .

ઘર-ઉંબર નહીં છોડે તો પણ

ઘણા કારમા ઘાવ આવશે

 .

આંગણ ફળિયું કૂવો પાદર

ફરી ફરી ના દાવ આવશે

 .

આઠે અંગો ઝૂર્યા કરશે

કોઈ સ્વજન ના કામ આવશે

 .

વહી ગયા એ વણજારા તો

વચમાં ખાલી વાવ આવશે

 .

( મણિલાલ હ. પટેલ )

તને ફોન કરું છું – સુરેશ દલાલ

.

તને ફોન કરું છું

ફોન મૂકવો પડે એટલે મૂકું છું.

ફરી પાછી લાગે છે ફોનની તરસ

હું વ્યાકુળ થઈને

તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી.

હું સ્વસ્થ રહીને

તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી.

એક વહેરાઈ ગયેલા જીવને

તું કરવત થઈને વહેર નહીં

કાનને શોષ પડે છે તારા અવાજનો

જીભ ઝંખે છે તારા નામને

એથી જ તો હું ફોન કરું છું.

ફોન મૂકું છું.

મારી તરસનો કોઈ અંત નથી.

 .

( સુરેશ દલાલ )