ઘાસ – અજય સરવૈયા

.

૧.

તમે ઘાસને શું આપશો ?

કાપેલા નખ ?

પ્લાસ્ટિકની કોથળીઓ ?

ફાટેલા જોડા ?

કે દાટેલાં સપનાં ?

આ બધાંનું ઘાસ શું કરશે ?

એને વધવું નથી

કશું વધારવું નથી

સપનાની ઈંટો નથી બનાવવી

જોડા નથી રાંધવા

સમય નથી કાપવો

 .

એને કદાચ વાઘની આંખમાં ઝબકવું હશે

દરજીડાના માળામાં ખૂણો બનવું હશે

સપનાંની ડાળ બનવું હશે

માત્ર ફેલાવું હશે

 .

૨.

તમારે કશું પાછું નથી આપવાનું

ઘાસને

આમેય

આપણે ક્યાં કશું પાછું આપી શકીએ છીએ

 .

ઘણી વાર નખમાં ઊગી નીકળે છે ઘાસ

ને અજાણતાં, આદતવશ

આપણે એને કાપી નાખીએ છીએ

જોડાની નીચે ઊગતા ઘાસની તો

ભનક પણ નથી આવતી

સપનાં ઘાસથી જ સિવાયેલાં હોય છે

ક્યારેક તમે બે સપનાંની વચ્ચે જાગી જાવ

તો ઘાસ ફરફરતું સંભળાશે

પણ એનો અવાજ એટલો ધીમો હોય છે

ક્ષીણ નદીના વહેણથી ધીમો

કીડીનાં પગલાંની ચાપથીય ધીમો

દરજીડાના ઝીણા શ્વાસથીય ધીમો

 .

૩.

પહેલાં ઘાસ ફૂટ્યું

પછી પવન

પછી વાદળ

પછી સપનાં

પછી જનમોજનમ

 .

ક્યારેક હથેળીની રેખાઓમાં ઘાસ ફૂટે છે

ને પછી છાતીમાં પવન ફૂંકાય છે

પછી આંખોમાં વાદળ ઊતરે છે

ઊંઘ ઘેરાય એમ સપનાં બંધાતાં જ જાય છે

પછી કયા જનમના ખીલા કયા જનમમાં ખોડાય છે

કોણ જાણે ?

 .

ક્યારેક શ્વાસમાં ઘાસ ફૂટે છે

ને પછી પવન પડી જાય છે

આંખોમાં વાદળ નીતરે છે

સપનાથી ઊંઘ ફાટી પડે છે

આમેય અવળસવળ જન્મો

વધુ ગૂંચવાય છે

ક્યાંના ક્યાં

કોણ જાણે ?

 .

૪.

આ પહેલાંય

રાત આમ ઊતરેલી

દિવસને ઊથલાવી

સાંકડી સૂમસામ ગલીઓની શાંતિમાં વેરાયેલી

બરફ ઘાસ પર બેસે એમ

રાત ઊતરેલી

 .

આ પહેલાંય

શબ્દો આમ ગોઠવાયેલા

વાત આમ થયેલી

પાન પરથી ઝાકળ ખરી જાય એમ

 .

તમે કહેશો

બધું જ કંઈ એવું ને એવું નથી હોતું

જેમનું તેમ નથી રહેતું

.

આ પહેલાંય

પ્રેમ આમ થયેલો

ધીરજ આમ ખૂટેલી

આશા આમ બંધાયેલી

પાંદડાં આમ ખરેલાં

બરફ આમ વરસેલો

ઘાસ આમ છવાયેલું

આ પહેલાંય

 .

 

૫.

ઘાસમાં પવન ફૂંકાય એમ

કવિતામાં અર્થ ફૂંકાય છે

પવનમાં ઘાસ ફરફરે એમ

કવિતામાં શબ્દો ફરે છે

પવનમાં ઘાસ ફરફરે એમ

શબ્દોમાં કવિતા ફરફરે છે

પવનમાં ઘાસ ફરફરે એમ

કવિતામાં અર્થ ફરફરે છે

પવનમાં ઘાસ ફરફરે એમ

અર્થમાં અર્થો ફરફરે છે

ઘાસમાં જેમ પવન છે

કવિતામાં તેમ અર્થ છે

 .

( અજય સરવૈયા )

 

Share this

4 replies on “ઘાસ – અજય સરવૈયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.