ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !

 .

કર્યો શ્યામને પ્રેમ; કર્યો કોણે આ અંબર તળે ?

પથ્થરને જો કર્યો હોત, આવ્યે ભૂકંપના ચળે !

દૈવજ્ઞો છો માને, એને સતત ભ્રમણના યોગો;

ગ્રહો-બ્રહો તો ઠીક, એ હાથે કરી રચે સંજોગો !

 .

કલહ, કપટ ને યુદ્ધપ્રિય માધવ જો જો પસ્તાશે !

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

 .

ઉદ્ધવજી ! એક તૃણ ખેંચો તો સાથે આવે માટી;

ઈશ્વર જાણે કઈ ધાતુથી ઘડી કૃષ્ણની ઘાટી !

રહી શકે એ નિર્મમ, ઉદ્ધવ ! જલમાં અંબુજ પેઠે;

નથી સાંભળ્યું કોઈ કને કે કૃષ્ણ યાતના વેઠે !

.

પણ અંતે, માધવને મન ગોકુળ આખ્ખું વમળાશે !

 .

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !

 .

( વીરુ પુરોહિત )

કોના વિષે – સોનલ પરીખ

શું હોઈ શકે

એકલતાની પરાકાષ્ઠા ?

 .

તારી ગેરહાજરીમાં જે અનુભવતી હતી તે ?

પણ તેમાં તો એક અર્થ હતો :

એક કારણ હતું;

એક દુ:ખભર્યું પણ આકર્ષણ હતું

 .

તો શું હોઈ શકે એકલતાની પરાકાષ્ઠા ?

તારી હાજરીમાં આજકાલ

જે અનુભવાય છે તે – કદાચ

 .

ઘટ્ટ ખાલીપણાની

ભેંકાર ભીંતો

ને શૂન્યતાની ચારે બાજુથી

ધસી આવતી છત

 .

આ શબ્દની બારી તો મળી છે

શ્વાસ લેવા,

પણ કોના વિષે વિચારીને

હું ફૂંક મારું

મારા ફેફસામાં ?

 .

( સોનલ પરીખ )

અજવાળાની ચોવટ – ખલીલ ધનતેજવી

અજવાળાની ચોવટ કરવા બેઠો છે,

અંધારાનો વહીવટ કરવા બેઠો છે !

 .

વારાફરતી બંનેને ભંભેરે છે,

બંનેમાં સમજાવટ કરવા બેઠો છે !

 .

મહેફિલમાંથી ધક્કો મારીને કાઢો,

આવ્યો ત્યાંથી ખટપટ કરવા બેઠો છે !

.

એને ક્યાં તાણાવાણાની સમજણ છે,

ખાલી અમથો ઝીણવટ કરવા બેઠો છે !

 .

વાંચેલું બોલેલું સૌનું શીખીને,

એ પોતાને પોપટ કરવા બેઠો છે !

 .

બીજાને તકલીફો આપીઆપીને,

ખુદને માટે ફાવટ કરવા બેઠો છે !

 .

દર તહેવારે આડો ફાટે એ માણસ,

સંબંધોમાં વધઘટ કરવા બેઠો છે !

 .

સોચી સમજીને લખવાનું હોય ખલીલ,

ગઝલોમાંતું ઝટપટ કરવા બેઠો છે.

 .

( ખલીલ ધનતેજવી )

ન આવ્યો – ભગવતીકુમાર શર્મા

સૂનકારથી સાદ ન આવ્યો;

મને મોર પણ યાદ ન આવ્યો.

 .

મેલીને મરજાદ ન આવ્યો;

આંખોમાં વરસાદ ન આવ્યો.

 .

પરદો તો વેળાસર ઊઘડ્યો;

યાદ મને સંવાદ ન આવ્યો.

 .

કાસદ થઈ આવ્યાં પારેવાં;

પણ અક્ષર એકાદ ન આવ્યો.

 .

સળંગ સૂત્રતા શી જળવાઈ !

દુ:ખોમાં અપવાદ ન આવ્યો.

 .

કુરુક્ષેત્ર, સ્વજનો, સ્નેહીઓ;

કેમ મને અવસાદ ન આવ્યો.

 .

કંઠ શુષ્કને કાન ના સરવા;

એક અનાહત નાદ ન આવ્યો.

.

( ભગવતીકુમાર શર્મા )

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

ક્યાં જઈને વર્ણવીએ, ઉદ્ધવ ! અહોરાતનાં દુ:ખ ?

દીપકની જ્યોતિમાં ઉપસે મોહનવરનું મુખ !

સ્મરણ કરાવે ખીલ્યાં કેસૂ, ખેલ્યા’તા ફાગ;

નરદમ જુઠ્ઠી આશ બંધાવે નળિયે બોલી કાગ !

ઘૂઘવે ઉદધિ આખો, જ્યારે કાને ધરીએ શંખ !

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

 .

વૃક્ષ નહીં તો શોભા શી છે પથરાતી વેલીની ?

વીણ માધવ તો કોણ ઉઘાડે સાંકળ આ ડેલીની ?

સૂર્ય વિના ના હોય જ, ઉદ્ધવ ! પ્રકાશ પણ ચંદાનો;

કૃપા કરીને સૂચવો યુક્તિ, ગોકુળની નંદાનો !

કરત મથુરા પર ચકરાવા, મળી હોત જો પંખ !

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

 .

( વીરુ પુરોહિત )

વોટર પોએમ – મુકેશ જોશી

આ પાણી જેવું પાણી મારા મનની વાત સમજતું

મારા દુ:ખમાં ભાગ પડાવા આંખો થકી વરસતું

 .

મારા ઘરનું સરનામું એ જાતે શોધી લાવે

ભરચોમાસે ઠઠમાઠથી ઘરમાં રહેવા આવે

કદી આંખથી કદી આભથી ભૂસકા મારી હસતું

…આ પાણી જેવું પાણી

 .

તરસ જુદી તો રંગ જુદા ધારણ કરતું એ પબમાં

છાનામાના આશિષ દેવા બેઠું હોય પરબમાં

શંકરની જળધારા બનવા કાયમ હોય તરસતું

…આ પાણી જેવું પાણી

 .

ડોલ ભરીને બેસું ત્યારે મારી સામે જુએ

ભીના સાદે કહેતું : ચલને જઈએ મારા કૂવે

વતનયાદમાં એ પણ મારી જેમ જ રોજ કણસતું

…આ પાણી જેવું પાણી

 .

( મુકેશ જોશી )

…મળે – ખલીલ ધનતેજવી

એક એવો માનવી સધ્ધર મળે,

જેના સરનામે મને ઈશ્વર મળે.

.

વામણા લોકોની વસ્તીમાં મને,

ક્યાંથી મારા માપની ચાદર મળે.

 .

કોઈની સામે ધરું છું હું આયનો,

ને અચાનક સામેથી પથ્થર મળે !

.

ચાલને દીવો હવે સળગાવીએ,

વાયરાને પણ જરા અવસર મળે.

 .

જે નગરમાં એ રહે છે ઠાઠથી,

એ નગરમાં નાનુંસરખું ઘર મળે.

 .

જે સતત અપમાન બીજાનું કરે,

એય ઈચ્છે માન કે આદર મળે !

 .

ચલ ખલીલ આ પગનાં છાલાં ફોડીએ,

શક્ય છે, એમાંથી પણ અત્તર મળે.

 .

( ખલીલ ધનતેજવી )

મટુકી માયાની – મહેશ શાહ

મટુકી માયાની તમે ફોડી, મીરાંબાઈ;

માખણ ખાધું રે કૃષ્ણ નામનું.

 .

સાંજ પડે પોટલી લીધી, મંજીરાં ને

સાંઢણીને એડીએ ઉપાડી,

મૂક્યો મેવાડ એની સાહ્યબીની સાથે

ને છોડ્યા એ લોકને અનાડી;

કામળી તે કૃષ્ણની ઓઢી, મીરાંબાઈ.

.

કાયાની કોટડીમાં પૂર્યો કાનુડો ને

જાગતી બેઠી છે પોતે બારણે,

ચાવીનો ઘા કર્યો છે સતસંગને દરિયે

કે હાથે ન આવે કોઈ કારણે:

તનનો તરાપો દીધો છોડી, મીરાંબાઈ.

 .

( મહેશ શાહ )

વસંતકાવ્ય – માલા કાપડિયા

હે કવિ,

ઉઘાડ તારા હૃદયની બંધ બારીઓ

વિસ્તરવા દે આકાશની અસ્મિતાને

અણુ અણુમાં

પ્રગટવા દે

શત શત સૂર્યફૂલ

પ્રણયના

ગીતને ઝૂમવા દે

તારા હોઠથી લઈને પગની થિરકન સુધી

કે

આજે છે નવો ઉઘાડ

અવકાશમાં

વસંતના આગમનને

વહાવી લઈ જવા દે

સંચિત વેદનાના સૂકા પર્ણો

જો,

આનંદના સહસ્ત્રદલ

તારી પ્રતિક્ષામાં

ગૂંજી રહ્યા છે

શંખનાદ નવા યુગનો !

 .

( માલા કાપડિયા )

કૃષ્ણ મારું સંવેદન – મહેશ શાહ

.

અપૂર્વ ભાવથી સ્મરણ હું કરું, કૃષ્ણ મારું સંવેદન

તમે બનો મુજ મંત્ર, ઊચરું, કૃષ્ણ મારું સંવેદન.

 .

બનો દ્રષ્ટિનો વિષય તમે ને રહો સ્થિર મુજ ખ્યાલે

ભૂલી શકું જે ક્ષણ તમને હું, સદાય મુજને સાલે,

અનુનય ભાવે વિનંતી કરું, કૃષ્ણ મારું સંવેદન.

 .

અધર વાંસળી વહો શ્યામ ને કરો ધામ મુજ શ્રવણે

નજર ખૂલે ત્યાં ઊભા તમે હો લખો એવું પાંપણે

અવિચળ ભાવે વિલોકી રહું, કૃષ્ણ મારું સંવેદન.

 .

મોરપિચ્છ ફરકાવો માથે, વહો પ્રાણ થઈ શ્વાસે

ધરો ચક્ર એક વાર આંખને આંજો પરમ ઉજાસે,

અનુપમ ભાવે નિહાળી રહું, કૃષ્ણ મારું સંવેદન.

 .

( મહેશ શાહ )