ચાલ આપણે – દુર્ગેશ ઉપાધ્યાય

ચાલ આપણે એકબીજાને કાગળ લખીએ,

ભીતરના ગમને આંખોમાં સાજળ લખીએ.

 .

ભાગ્યતણી રેખા બધી અટવાઈ ગઈ છે,

લાવ, હથેળી તારી રે, કો’ વાદળ લખીએ.

 .

દૂર દૂર છો રહ્યાં આપણે પ્રેમ સંબંધે,

પતંગિયાંની પાંખો પર કો’ વાવડ લખીએ.

 .

નજર મળ્યાની વાત આમ શું વિસરી જાઓ,

આજ ઘેરાતી આંખોમાં કો’ કાજળ લખીએ.

 .

રાત-દિવસ છે સથવારો જો વિરહનો તો,

પાંપણના ઓવારે હવે કો’ ઝાકળ લખીએ.

 .

( દુર્ગેશ ઉપાધ્યાય )

આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ? – હૈયું, કટારી અને હાથ

2-Image (25)

 

1-Image (26)

.

આપણી પોલીસ આજે પણ ‘મે આઈ હેલ્પ યુ’નાં બોર્ડ પ્રદર્શિત કરવા છતાં સમાજને બહુ ખપમાં આવતી ન હોય તેવો વ્યાપક અનુભવ અને માન્યતા છે. ક્યાં તો તે રાજકારણીનું કહ્યું કરે છે, ક્યાં તો તે પૈસા ખાઈને કામ કરે છે, પરંતુ સામાન્ય માણસની મુશ્કેલીના સમયે તે ભાગ્યે જ મદદે આવે છે. જુવાનસિંહ જાડેજા ૧૯૫૧માં કચ્છમાં પોલીસ ખાતામાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે જોડાય છે અને ૩૮ વર્ષની નોકરી બાદ ડેપ્યુટી કમિશનર પોલીસ તરીકે ૧૯૮૮માં નિવૃત્ત થાય છે. તેમણે જે હિંમતપૂર્વક અને કોઈની શેહશરમ ભર્યા વિના સમાજહિતમાં જે કામગીરી બજાવી તેની કારકિર્દી ગાથા ઉપર લખી તે વ્યાપક લાગણીને ખોટી ઠેરવે છે. પુસ્તકના વાચન પછી એવું કહી શકાય કે પોલીસ હોય તો આવી ! અથવા આવા પોલીસો તંત્રમાં વધુ પ્રમાણમાં હોવા જોઈએ વગેરે વગેરે.

 .

૮૦ પછીની ઉંમરે જુવાનસિંહ પોતાની સ્મૃતિનો કબજો લઈ બેઠેલા નોકરીના પ્રસંગો અકબંધ અને અંકોડાબદ્ધ રીતે જાતે લખે છે જે કચ્છ અને સૌરાષ્ટ્રનાં બે દૈનિકોમાં હપ્તાવાર પ્રગટ થાય છે. જાણીતા અને અજાણ્યા વાચકોનો પ્રેમાદર મેળવી જાય છે. અને છેલ્લે તેમનાં જીવનસાથી, જાણીતાં લેખિકા અરુણા જાડેજા, આખા પ્રકલ્પને પુસ્તક રૂપે પ્રગટ કરી તેને પૂર્ણતા બક્ષે છે. વિવિધ તબક્કે આત્મવિશ્વાસ અને હિંમતની કેવી કસોટી થાય છે અને તેમાંથી જુવાનસિંહ સફળતાપૂર્વક કેવી રીતે બહાર આવે છે એ ઘટનાઓ તો જાતે વાંચીએ તો જ મઝા આવે.

 .

સૌથી મહત્વની વાત એ છે કે બધી ઘટનાઓ અને અનુભવો ખૂબ પારદર્શક રીતે રજૂઆત પામ્યા છે. ક્યાંય આત્મશ્લાઘા કે દિલચોરી કરી હોય તેવું જણાતું નથી. ભાષા પણ અત્યંત સાદી-સીધી અને સામે બેસીને વાતચીત કરતા હોય તેવી. તેમણે લખ્યું છે કે તેમના આદર્શ તેમના પિતાશ્રી શિવુભા મેરજીભા જાડેજા (ખેડોઈ) અને મોકાજીભાઈ ડોશાજીભાઈ જાડેજા (નળિયા) હતા. એમના આદર્શોનું પાલન કરતા હોવા છતાં તેઓ પ્રમાણસરના પ્રામાણિક હતા તેવો એકરાર તેમણે કર્યો છે. પૈસો એ જરૂરિયાત છે. પણ વૈભવ નથી અને સ્વમાન કે આબરૂના ભોગે થતું વર્તન શોભનીય નથી. એટલે કે સ્વમાન ગીરવે ન મૂકવું જોઈએ તથા પોલીસની ફડક લોકો પર રહેવી જોઈએ. આવી પોતાની માન્યતાઓ તેમણે પ્રગટ કરી છે. છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સમક્ષ પોલીસખાતાની બદીઓ વિશે તેમણેવિચારપૂર્વક અને નિખાલસતાભર્યા જવાબોમાં પોતાના વિચાર પ્રગટ કર્યા છે.

 .

(૧) ‘પોલીસખાતામાં લાંચનું પ્રમાણ ઓછું હોય છે પણ લાંચ આપનારને લાંચ આપ્યા પછી એનો કોઈ નાણાકીય લાભ મળતો નથી એટલે પછી એ લાંચ આપનાર પોતે જ બૂમાબૂમ કરી મૂકતો હોય છે, પોલીસને વગોવી મૂકે છે.’

 .

(૨) ‘હું તો માનું છું કે ગુનેગાર પર બને તેટલો ત્રાસ ગુજારીને ગુનો શોધી કાઢવાનો પ્રયત્ન થવો જોઈએ જેથી બીજી વાર ગુનો કરતી વખતે એના પર ગુજારવામાં આવેલો આ ત્રાસ એની નજર સામે રહ્યા કરે.’ (પાન – ૭૮થી ૮૦)

 .

કેટલેક ઠેકાણે રાજકારણીઓનાં અને અધિકારીઓનાં નામો અપાયાં છે તો કેટલેક ઠેકાણે અપાયાં નથી, તેમાં જુવાનસિંહનો વિવેક પ્રગટ થાય છે. સારા પોલીસ અધિકારીએ ધ્યાને રાખવા જેવી બાબતો લેખકે પરિશિષ્ટ રૂપે રજૂ કરી છે. આમ નવા અને કામ કરતા પોલીસો માટે આ પુસ્તકનું શૈક્ષણિક મૂલ્ય ઘણું બધું છે. પોલીસતંત્રની આંટીઘૂંટી અને કાવાદાવા વચ્ચે એક બહાદુર અને હિંમતવાન અધિકારી કેવું બેનમૂન કામ કરી શકે છે તે જાણવા અને પ્રેરણા મેળવવા આ પુસ્તક વાંચવું રહ્યું.

 .

( ડંકેશ ઓઝા )

 .

આ પુસ્તકમાંથી મને ગમતા અંશો :

 .

અમારા પોલીસખાતાના એમણે (મોકાજીભાઈએ) થોડાક મહત્વના સિદ્ધાંતોનો પાઠ મને આપેલ જેનું મેં હંમેશાં પાલન કરેલ. જેમાં મુખ્યત્વે…

–     એક તો જ્યાં મોત એટલે ખૂન, આપઘાત, અકસ્માત હોય ત્યાં બીજા કોઈની વાત સાંભળવી નહીં, આત્મા કહે એ જ કરવું.

–     લૂંટ, ચોરી, વિશ્વાસઘાત, ઠગાઈ, ધાડ જેવા મિલકતા વિરુદ્ધના ગુનાઓમાં ગુનેગાર પાસેથી ક્યારેય પૈસા લેવા નહીં.

–     કોઈ પણ ગુનામાં પૂરેપૂરી ચકાસણી કરીને જ ગુનેગારને પકડવો પણ ત્યારે કોઈ ખોટો એટલે નિર્દોષને જાણીજોઈને પકડવો નહીં, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું.

–      કોઈ પણ, બાઈમાણસ જો એ ખરેખર ગુનેગાર ના હોય તો એની સાથે હંમેશાં સારો જ વ્યવહાર કરવો.

–     કોઈને ખોટાં વચન આપવાં નહીં અને જો કોઈને વચન આપો તો એ પાળી બતાવો.

–     કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં, તમારા બોલ પર દરેકને ભરોસો પડે તેવું કરો.

 .

હું કચ્છમાં હતો ત્યારથી મિયાણા કોમના ઘણા માણસો તેમજ ગુનેગારોના સંપર્કમાં આવવાનું થયેલ. એ બધા રીઢા ગુનેગારો અને ખતરનાક ખરા પણ સામે મારા જન્મજાત સંસ્કારોને લીધે અને જિંદગીના થતા ગયેલા અનુભવોને લીધે મનમાં એવી પાકી ગ્રંથિ બંધાતી ગઈ છે કે તમારું મોત લખાયું હશે તો કોઈ બચાવી શકશે નહીં અને મોત નહીં લખાયું હોય તો કોઈ મારી શકે નહીં. એ સત્તા તો ફક્ત ઈશ્વરના હાથમાં રહેલી છે. હું તો એમને મોઢે કહેતો, ‘હું તમારા બધાની રગેરગ જાણું છું. તમે લોકો ખૂન કરી શકો છો, બહારવટું ખેડી શકો છો, ચોરીચપાટી કરી શકો છો, મોટી મૂછો કે થોભિયાં રાખો, હાથમાં ધારિયાં અને ખભે કુહાડી રાખીને સુરેંદ્રનગરની બજારમાંથી નીકળો, તમારી ઘરવાળી અને છોકરીઓ ઘરે દારૂ વેચે કે દારૂ પીવાવાળા તમારા ઘરે આવે પણ તમારામાં સાચા મરદ કેટલા નીકળે ! મને તો તમે ક્યારેય બિવડાવી નહીં શકો.’

 .

હૈયું, કટારી અને હાથ – જુવાનસિંહ જાડેજા, સંકલન : અરુણા જાડેજા

પ્રકાશક : સ્વાતિ પ્રકાશન

પૃષ્ઠ : ૧૬૮

કિંમત : ૨૦૦/-

સાચો કહું – ઈશિતા દવે

બંધ સાંકળ સ્હેજ જો ખખડાવ તો સાચો કહું,

તું હૃદયના બારણા ખોલાવ તો સાચો કહું.

 .

જઈ હિમાળે હાડ ગાળી નાખવા સ્હેલા જ છે,

જિંદગીના જંગમાં જો આવ તો સાચો કહું.

.

તું પરીક્ષા કાયમી લીધા કરે, દેતો ખરો,

દીપ પાણીમાં અહીં પ્રગટાવ તો સાચો કહું.

.

ચોપડીના ચાર પાનાઓ ભણાવે થાય નહિ,

અર્થ ટહુકાનો જરા સમજાવ તો સાચો કહું.

 .

કોઈની પણ હા હજુરી શું કર્યા કરવી ભલા,

ના ગમે તો રોકડું પરખાવ તો સાચો કહું.

 .

( ઈશિતા દવે )

…જવાનું છે – સાહિલ

તોફાન વીંધી સામા કિનારે જવાનું છે

ને એય તુંબડાના સહારે જવાનું છે.

.

ઝાલી અવરની આંગળી બે ડગલાં ચાલી લ્યો !

અંતે તો પંડના જ પનારે જવાનું છે.

 .

ઈચ્છા મુજબ જવાય છે ક્યાં કોઈ પણ સ્થળે,

જ્યાં પણ જવાનું એના ઈશારે જવાનું છે.

 .

નીચાં નિશાન રાખવાની વાત ના કરો

ધરતી ઉપરથી સીધા સિતારે જવાનું છે.

 .

તરતા રહો તો સાથ વમળનો નહીં છૂટે,

‘સાહિલ’ ડૂબ્યા પછી જ કિનારે જવાનું છે.

 .

( સાહિલ )

ગયો છું – ભગવતીકુમાર શર્મા

શોધી જો શકો, શોધજો, ખોવાઈ ગયો છું;

અંધારામાં હું જાતથી અથડાઈ ગયો છું.

.

સામેથી મને આવતો જોઈ હું હસ્યો’તો,

કિન્તુ  એ ગલીથી પછી ફંટાઈ ગયો છું.

 .

આવ્યો’તો આ દુનિયામાં લઈ લાગણી અઢળક;

અડધી જ સફરમાં ઘણો ખર્ચાઈ ગયો છું.

 .

થાવું જો પ્રગટ હોય તો આ છેલ્લી ઘડી છે;

ક્ષમતાથી વધારે હું વલોવાઈ ગયો છું.

 .

મધ્યાહ્નના સૂરજનો કશો ડર નથી મનમાં;

હું ચાંદની રાતોમાંયે અંજાઈ ગયો છું.

 .

મૃત્યુના ફરિશ્તાની જરૂરત ન કશી છે;

જઈ એને કહો કે હું સમેટાઈ ગયો છું.

 .

ઈચ્છો તો મને વચ્ચેથી ફાડી યે શકો છો;

કાગળ છું, ઘણી વાર વંચાઈ ગયો છું.

 .

( ભગવતીકુમાર શર્મા )

કદાચ હું રહીશ – સુચિતા કપૂર

કાલે હું નહીં હોઉં

તારી આંખેથી એક આંસુ બની વહી જઈશ.

અને કોઈ ખૂણામાં એક યાદ બની રહી જઈશ.

 .

મારા રાગ મૌન હશે,

તારા મુખેથી એક બોલ બની વહી જઈશ.

અને તારા કાનમાં એક પડઘો બની રહી જઈશ.

 .

મારી આંખો બંધ હશે,

તારી નજરોથી એક દ્રશ્ય બની સરી જઈશ.

અને કોઈ દીવાલ પર એક તસવીર બની રહી જઈશ.

 .

મારા હોઠ બીડાયેલા હશે,

તારા મનમાંથી એક સ્મિત બની સરી જઈશ.

અને કોઈ વાતમાં એક યાદ બની રહી જઈશ.

 .

કાલે હું નહીં હોઉં,

હશે તો માત્ર પડઘા,

હશે તો માત્ર યાદો,

હશે તો માત્ર તસવીર,

હશે તો માત્ર વાતો.

ત્યારે,

ત્યારેય કદાચ હું રહીશ,

રહીશ તો તારા હૃદયમાં,

રહીશ ને ?

 .

( સુચિતા કપૂર )

સંબંધ – એષા દાદાવાળા

10692

મેં પૂછ્યું, ‘હજી યે  કહેવાની જરૂર ખરી કે હું તમને પ્રેમ કરું છું ?’

‘હા… કહેવું તો પડે જ ને’ એણે જવાબ આપ્યો

હું હસી, ‘મને એમ કે તમે સમજી જશો…’

એ પછી બધી જ વાતો કહેવી પડતી…

પ્રેમ કરું છું, રિસાઈ ગઈ છું, ગુસ્સો આવ્યો છે, કશું ગમતું નથી…

આવું બધું જ કહી – કહીને થાકી ગયેલી મેં

એક દિવસ કશું જ કહેવાનું છોડી દીધું

તે એક સાંજે

ડૂબતા સૂરજ તરફ આંગળી ચીંધી એણે પૂછ્યું,

‘હજી યે કશું કહેવાની જરૂર ખરી ?’

મેં જોયા કર્યું એની તરફ

એ હસ્યો, કહે, ‘મને એમ કે તું સમજી જશે…’

એ દિવસથી મારી બાલ્કનીએ પેલા ડૂબતા સૂરજને હથેળીનો ટેકો આપી બેઠી છું

એની ગરમીથી બળી ગયેલા હાથ મારા શરીર પરથી ખરી પડવાની તૈયારીમાં છે

અને લાલ થઈ ગયેલું આખું આકાશ મારી સામે જોઈને ખંધુ હસ્યા કરે છે…!!

 .

( એષા દાદાવાળા)

નથી કારણ – મધુમતી મહેતા

નથી કારણ છતાંયે વાતમાં કંઈ ફર્ક આવે છે,

જરા જુદા સ્વરૂપે આજ તારું દર્દ આવે છે.

 .

બધી આશા અને ઈચ્છા લઈને બંધ હાથોમાં,

સમયની પારથી માના ઉદરમાં ગર્ભ આવે છે.

 .

તમે આ આમ ઝંઝા થઈ અને ઘેરો નહીં અમને,

ઝીણી ફૂંકે બુઝાવામાં અમારો વર્ગ આવે છે.

 .

સમેટું છું મને આંખો કરીને બંધ મારામાં,

અને નવતર સ્વરૂપે મોત તારો અર્થ આવે છે.

 .

અરે મહેતા તમે જલસા કરો શી છે ફિકર તમને,

તમે જ્યાં જાવ છો પાછળ તમારી સ્વર્ગ આવે છે.

 .

( મધુમતી મહેતા )

જનમોજનમની પ્રાર્થના – સુરેશ દલાલ

મારી જનમોજનમની પ્રાર્થના છે :

હે સૂર્યનારાયણ પ્રકટો.

 .

કાળી રાતને, વાતને, સદીઓની જમાતને

ચીરીને પ્રકટો.

ઈતિહાસનાં જુઠ્ઠાં જંગલોને બાળી નાખો.

હજીયે અમે એના એ જ વિષચક્રમાં

શાણપણની મશાલ લઈને

ભટક્યા કરીએ છીએ

પાગલોનાં પગલાં ગણતા.

 .

યુદ્ધ, હારજીત, પ્રપંચ, કાવાદાવા, છળકપટ

તીર, તલવાર, ભાલા, અશ્વ, હાથી

બંદૂક, ટેન્ક, વિમાન, તોપ…

કોઈ કેમ હજી લગી થાકતું પણ નથી ?

 .

મારી જનમોજનમની પ્રાર્થના છે :

હે સૂર્યનારાયણ પ્રકટો.

 .

( સુરેશ દલાલ )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

અદ્વૈત,

અણુ અને અનંતનું

અન્યોન્યમાં એકરૂપ

એ જ અદ્વૈત

અણુમાં અનંતની પ્રાપ્તિ

અને અસીમે અણુનો લય

એ જ એકત્વ !

આનંદ સાગરની છોળ

આનંદ સાગરે વિલીન

એ જ અદ્વૈત,

સ્વશૂન્ય દીપનો અનંત પ્રકાશ

એ જ અદ્વૈત !

 .

તું આનંદ, સ્મિત અમે !

 .

(૨)

ચૈતન્ય,

પ્રશાંત ઈન્દ્રિયોની

પીઠીકા ઉપરથી

અનંત સાથેનું ઝળહળા

અનુસંધાન એ જ ચૈતન્ય.

નિ:સ્વાર્થ વૃત્તિઓનું,

વિરાટ વિશ્વરૂપ

એ જ ચૈતન્ય.

સર્વેશ્વરના આયનામાં

સ્વ નિખાર

એ જ ચૈતન્ય !

 .

તું ગુંજન, ગીત અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )