મને સપનું આવ્યું – સુરેશ દલાલ
મને સપનું આવ્યું
કે હું જંગલમાં રઝળપાટ કરું છું.
સમયની પારના કોઈક સમયમાં હું ફરી રહ્યો છું:
અડીખમ વૃક્ષ :
લીલાંછમ પાંદડાં, સોનેરી ફૂલ.
આંખને પાગલ કરીને ઘાયલ કરી મૂકે એવું
કોઈ શાશ્વત સૌંદર્ય.
કોઈક પશુ મારી નિકટ આવે છે :
હું ભયથી થથરું છું;
એ મને નિર્ભય થઈ જવાની વાત કરે છે.
હું ભયને છુપાવીને
નિર્ભય થયો હોઉં એવો દેખાવ કરું છું.
.
વિકરાળ પશુ અત્યંત નજાકતથી
મારી આંખ સામે જુએ છે.
હું એની આંખમાં આંખ પરોવું છું
અને મને પ્રતીતિ થાય છે
કે મરણથી છૂટવાનો કોઈ આરો નથી.
.
હું થઈ જાઉં છું બટકણું વૃક્ષ :
પાંદડાં અને ફૂલો ખરી પડ્યાં છે
મારા સ્વપ્નની જેમ.
જાગીને જોઉં છું તો
મારી પથારીમાં જીવન કણસે છે
અને સૌંદર્ય આક્રંદે છે.
હું પડખું ફરીને
ફરી પાછો સૂઈ જવાનો પ્રયત્ન કરું છું:
કાનમાં આવેલાં આંસુને પાંપણથી લૂછી નાખું છું.
.
( સુરેશ દલાલ )