જાગે છે – હનીફ સાહિલ

રાત હો કે સવાર જાગે છે

એક આ ઈન્તેઝાર જાગે છે

 .

આંખ સૂઈ જાય તોય પાંપણ પર

સ્વપ્નનો કારોબાર જાગે છે

 .

એકલો હું જ કંઈ નથી જાગૃત

ઘર દીવાલો ને દ્વાર જાગે છે

.

સંચરું નાવ સ્વપ્નની લઈને

એ સમંદરની પાર જાગે છે

 .

કોણે દીધા ને કોણે પાળ્યા છે

ઠાલાં વચનો કરાર જાગે છે

.

શહેરને ઊંઘવા નથી દેતો

આ અજંપો અપાર જાગે છે

 .

શાની ઈચ્છા આ સળવળે છે હનીફ

શાનો મનમાં વિકાર જાગે છે.

 .

( હનીફ સાહિલ )

 

‘વ્યથા ભીતરની’ – મહેન્દ્ર આર્ય

પ્રથમવાર

આપણે મળ્યાં ત્યારે

મારી ભીતર

એક બીજ રોપ્યું હતું તેં

તું તો પછી જતો રહ્યો….!

પણ

ઝરમર શ્રાવણની એ રાતે

મારા ભીનાં ભીતરમાં

તેં મૂકેલા એ બીજમાંથી

એક ઘટાટોપ વૃક્ષ વિકસ્યું છે હવે…

પરંતુ

આ વૃક્ષ ઉપર

કોઈ પંખી નથી બેસતું

અને

પંખીઓ માળા પણ નથી બાંધતાં…

કદાચ

મારી ભીતર વારંવાર થતા પત્થરમારાની

ખબર પડી ગઈ હશે એ લોકોને…

મારી અંદરના તોફાનને

જાણી ગયાં હશે એ લોકો પણ…

.

( મહેન્દ્ર આર્ય )

આજે પલળીએ – અલ્પ ત્રિવેદી

ચાલ, પાછાં આજે પલળીએ….

મન મૂકીને આજ વરસે છે વાદળી, આવી જા ઓરડેથી ફળીએ….

 .

સ્મરણોની વણઝાર થંભાવી નોંધ્યું કે સાથે પલળ્યાંની વાત સાચી

તું સાવ અલ્લડ ને ભોળોભટાક હું, વળી ઉપરથી વય સાવ કાચી

ઢીંગલાં-ઢીંગલીની રમતની લાયમાં, પરસ્પરને ક્યાં લગ છળીએ !…

 .

ઝરમર ઝરમર આવે વરસાદ, એની ધારમાં મીઠડું ઈજન

ભીંજાતી સૃષ્ટિમાં, ભીંજાતા હૃદિયાને, કેમ ગમે દૂર હો સ્વજન ?

હું-પણાનાં બધાં વસ્ત્રોને કાઢીને, ચાલ સાચાં સ્વરૂપે મળીએ….

 .

કહેતો’તો કહેતી’તી પ્રકરણની ફાઈલને, કરી નાખ એમ તું ડીલીટ

વ્હાલપ ભરીને તું ધોધમાર આવ હવે યુગયુગની ફળી જાય મીટ

ખાંચા-ગલીને હવે રામ રામ કરીને ચાલ સ્નેહના મારગે વળીએ….

 .

( અલ્પ ત્રિવેદી )

પાંદડામાં હવા – ખલીલ ધનતેજવી

પાંદડામાં હવા ફરફરી પણ હતી,

ડાળ પર લાજવંતી પરી પણ હતી.

 .

એની હિંમત હતી કાબિલેદાદ પણ,

ડાળ હાલી તો થોડી ડરી પણ હતી.

.

આમ જોવાની આદત નહોતી છતાં,

ડાળ પર મારી આંખ ઠરી પણ હતી.

 .

મારી આંખોંના મૂંગા અચંબા ઉપર,

એણે અણિયાણી આંખો ધરી પણ હતી.

 .

એની આંખોમાં સીધું આમંત્રણ હતું,

એના અણસારમાં મશ્કરી પણ હતી.

.

સ્હેજ મારામાં રાવણ પ્રવેશ્યો હતો,

કિંતુ મારામાં મંદોદરી પણ હતી.

 .

નામ સરનામું પણ હું ન પૂછી શક્યો,

મારી ઈચ્છા સતત કરગરી પણ હતી.

 .

છેક લગ સૂકા કાંટા જ ગણતો રહ્યો,

આંખ સામે જ લીલોતરી પણ હતી.

 .

હામ ભરવી હતી પણ ન સૂઝ્યું કશું,

શક્યતાઓને મેં ખોતરી પણ હતી.

 .

હું ખલીલ એક ડગલું ભરી ના શક્યો,

આમ તો મેં ઉતાવળ કરી પણ હતી.

 .

( ખલીલ ધનતેજવી )

તરસ – હર્ષ બ્રહ્મભટ્ટ

(૧)

ભરેલી માટલીમાંથી

પ્યાલો

બહાર કાઢ્યો

ને જોઉં છું તો-

પ્યાલામાં

પાણીના બદલે

તરસ

 .

(૨)

મારી હથેળીમાં

શું વીળીને

ચાલી ગઈ’તી તું ?

 .

(૩)

હાથિયા થોરની જેમ

ફૂટ્યા કરે છે

મારી હથેળીમાં

લીલીછમ તરસ

 .

(૪)

જેમ રણમાં ઝાંઝવાં

તેમ મારી જીભ પર

ઝળહળ તરસ.

 .

( હર્ષ બ્રહ્મભટ્ટ )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

નિર્લેપતા,

જલકમલવત જાગૃતિની એરણ ઉપર

ક્ષણ ચૈતન્યના ઘડતા

ઘાટનું નામ નિર્લેપતા

લેતી-દેતીના કિનારા છોડીને

વળગણ વગર વહેતા રહેવાની

મોજ એ જ આનંદ-અનાસક્તિ !

અખંડ, અસ્પર્શ્ય,

અટક્યા કે અથડાયા વગર

અવિરત વહેતી બજરંગી,

મારૂતિ ઓળખનું નામ નિર્લેપતા.

 .

તું વહેતું વ્હાલ, કિનારા અમે !

 .

(૨)

સંતોષ,

પૂર્ણપ્રાર્થના અને

પારદર્શક પુરુષાર્થ પછી

સહજ ઉગતા પુષ્પની

સુગંધનું નામ સંતોષ !

સંતોષની આનંદધારાએ

જે આવી મળે અને ઉછરે

એ અલૌકિક સંબંધ,

શ્રીહરિનો પ્રગટ નિવાસ !

સત્વની અખિલાઈની ઓળખ

એ જ સંતોષ.

શૂન્યે સભરતા એ જ સંતોષ.

 .

તું સ્થિર જે ઈંટ ઉપર, એ ઈંટ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

એ તરફ – શૈલેશ ટેવાણી

ઝંઝા અને તોફાન છે કહે છે એ તરફ,

કોઈ કશીક રાહમાં જીવે છે એ તરફ.

 .

મુશ્કેલ છે શોધી અને તેના તરફ જવું,

કોઈ છતાં કહે છે એ રહે છે એ તરફ.

 .

આ તરફ દરિયો અને છે એ તરફ તો લૂ,

સઢ વિનાની નાવ શું ધસે છે એ તરફ ?

 .

ઝાંખો છે ચંદ્રમાં અને સૂરજ હતો ઉદાસ,

મોસમ ઉદાસ આટલી રહે છે એ તરફ ?

 .

ખાલી દીવાલ, રાત ને સૂમસામ વાદળી,

ગમગીન આવી રાત શું ઢળે છે એ તરફ ?

 .

( શૈલેશ ટેવાણી )

છેતરી જાશે – શોભિત દેસાઈ

ચમન ! તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,

પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખમો ધરી જાશે.

( કૈલાસ પંડિત )

 .

જીવન ઉપર ન કરતો કોઈ દી હક, છેતરી જાશે;

તને એ મોત થઈ મારી જ માફક છેતરી જાશે.

 .

ખરીદી નહીં શકે તું યોગ્ય વસ્તુ વ્યાજબી ભાવે,

બજારોમાં તને મૂલ્યોની રકઝક છેતરી જાશે.

.

નથી યાહોમ કરવાની હવે વૃત્તિ કોઈમાં પણ,

ધરીને વેશ મર્દાના નપુંસક છેતરી જાશે.

 .

ભલે હો જીવદયાનો દાવો, મુદ્દો મુખ્ય છે વેપાર;

બધા છે ખાનગીમાં ખૂબ હિંસક છેતરી જાશે.

 .

નહીં એના વિના જીવી શકાશે એક પળ કૈલાસ

જરા સાંભળજે, છે દિલનો યાચક છેતરી જાશે.

.

( શોભિત દેસાઈ )

કેટલા લોકો ? – રાજેશ વ્યાસ “મિસ્કીન”

કેટલા લોકો ? કેટલી વખત ? કેટલી રીતે ? કેટલાં સ્થળે ?

કેટલાં મોઢા ? કેટલી વાતો ? કેટલા અરથ ? હળેમળે ?

 .

કેટલી યાદો ? કેટલી સાંજો ? કેટલાં આંસુ ? કેટલા શ્વાસો ?

કેટલાં રૂપે ? કેટલું ગણિત ? બાહર ને ભીતર કેટલું છળે ?

 .

કેટલી રમત ? કેટલી સહજ ? કેટલાં જીવન ? કેટલાં હૃદય ?

કેટલા ખીલા ? કેટલા ઈશુ ? એક છાતીમાં કેટલું કળે ?

 .

કેટલાં વાદળ ? કેટલા શ્રાવણ ? કેટલી તરસ ? યાદ કશું ક્યાં ?

એકધારી આ લખચોરાસી એકધારો કૈં જીવ આ બળે.

 .

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

લઘુકાવ્ય – પરાજિત/તમન્ના

(૧)

નખ

 .

મને આ ઉઝરડાઓએ

શીખવી દીધું છે કે

કોઈને મળો ત્યારે તેના હાથ

તમારા હૃદય સુધી ન પહોંચે

તેની તકેદારી રાખીને મળવું

કોને ખબર –

કોનાં નખ ઝેરી હોય..!!

 .

(૨)

મળવું

 .

તું આવતી નથી

તોય કહું કે – આવજે

તું કશું જ લઈને ગઈ નથી

તોય કહું કે – સાચવજે.

બાકી કશું જ નથી બચ્યું

સ્મૃતિનાં આ ખાલી

ખખડતા ખડિયામાં

તો કેમ કહું કે-

મળીએ…..!!

 .

( પરાજિત/તમન્ના )