પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

મૃત્યુ,

અમૃત સરોવરમાં ઝબકોળાઈ

નવા નક્કોર થવાની ઘટના

એ જ મૃત્યુ !

જન્મ જન્માંતરના

અવિરત પ્રવાહે

ઓળખ બદલવાની વિરામ ક્ષણ

એ જ મૃત્યુ.

જિંદગીનું એકમેવ નિશ્ચિત

સનાતન સત્ય

એ જ મૃત્યુ.

 .

તું અમૃત, અનિત્ય અમે !

 .

(૨)

શબ્દ,

જાણભેદુની હાથવગી,

હૈયાવગી ઓળખ એ જ શબ્દ.

ઊર્મિઓના ઉત્સવનું સાવ સહજ,

સરળ આંગણું એ જ શબ્દ.

કરણીની એરણ ઉપર શબ્દ ઘડાય

એ જ શબ્દોત્સવ !

શબ્દ ચેતનાના ચમકારે

જાતને ઓળખી જવાની

‘પાનબાઈ’ રમતનું નામ

શબ્દબ્રહ્મ સાક્ષાત્કાર !

 .

તું અર્થ, અક્ષર અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

મૌન,

અ-મનના અફાટ વિસ્તારે સ્થિર

ચૈતન્યદીપ એ જ મૌન !

પ્રકૃતિના પ્રવાહે આયાસ

વિહીન તરણ

એ જ મૌન.

અનંત સાથે એકાકાર થઈ ગયેલ

અસ્તિત્વનો અનાહત નાદ

એ જ મૌન.

પૂર્ણ પ્રફુલ્લિત શબ્દ પુષ્પનો

નયનરમ્ય, સુગંધીત ગુચ્છ

એ જ મૌન !

 .

તું કીર્તન, કરતાલ અમે !

 .

(૨)

સંસ્કાર,

અનુભવની એરણ અને સમજણના

હથોડે ઘડાયેલ ઘાટના સમગ્ર સૌંદર્યની

ઓળખનું નામ સંસ્કાર.

અંદર જે પડેલું છે તેનો ઉજ્જ્વલ ઉઘાડ

એ જ સંસ્કાર.

કેળવણીની ખેડ, પુરુષાર્થનું પાણી,

સાતત્યના સલીલે અને પ્રેમની માવજતે

અંદરનું સત્વ પાક રૂપે લહેરાય

એ જ સંસ્કાર !

 .

તું વૈભવ, વસ્ત્ર અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પંખીની ભાષા – ધ્રુવ ભટ્ટ

ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ

કવિઓ તો અઘરું ને ઝાઝું બોલે છે ચાલ સહેલું ને થોડું કંઈ માણીએ

 .

ટિટોડી કકળીને કહેતી પણ હોય કે આ આખું તળાવ મારું આણું

એમાં જો કલકલિયો ઊંધો પછડાય અને સોંસરવું પાડી દે કાણું

કાળોકોશી તો એને શીખવવા બેસે કે ચાલો કલકલિયાને મારીએ

ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ.

 .

બગલાનું કહેવું કે આખાં તળાવ કોઈ આણામાં માગે એ કેવું ?

ચકલી કે’ અમને તો આટલુંક આપેલું ધૂળ મહીં નાહ્યાની જેવું

પોપટ કાં પારેવાં બોલતાં રહે કે આવા ઝગડાઓ ઘરમાં ના ઘાલીએ

ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ

 .

( ધ્રુવ ભટ્ટ )

પ્રેમ એટલે શું ? – વર્ષા બારોટ

પ્રેમ એટલે શું ?

મને નથી ખબર

પણ હા,

આપણી વચ્ચેનો ‘કેવળ’

વાર્તાલાપ

પ્રેમ હોઈ શકે

અથવા તો

એવું પણ હોઈ શકે કે

પ્રેમ એટલે

હું કોઈ પુષ્પને જોઉં

ને એ જ ક્ષણે

તારો વિચાર ઝબકે

હું ખીલી ઊઠું,

મારું સ્મિત મહેકી ઊઠે,

હું તરબતર થઈ જાઉં

કદાચ ભૂલી જાઉં મને ખુદને જ

ને

પછી, અચાનક જ સભાન બની ઊઠું

પુષ્પની હાજરીનો ખ્યાલ આવતાં

શરમાઉં, સંકોચાઉં

ને

દોડી જાઉં દૂર….

એટલે દૂર…

એટલે દૂર…

કે

આપણી ‘છાની’ વાત

કોઈ પુષ્પ પણ

સાંભળી ન લે…

 .

( વર્ષા બારોટ )

તારે જે કહેવું છે – વર્ષા બારોટ

તારે જે કહેવું છે મને,

એ જ

મારે કહેવું છે તને

અને

મારે જે કહેવું છે એ જ

કદાચ

તારે પણ મને…

પણ

શબ્દ એકેય મળતો નથી

અને

મૌન એવા આપણે

એકબીજાને

બતાવીએ છીએ-

સૂર્ય,

ફૂલો, પતંગિયાંઓ, વૃક્ષો…

વેલી, નદી, તળાવ, ઝરણાંઓ,

ખેતરો, પહાડો, પંખીઓ,

દૂર ક્ષિતિજે

રેલાતા રંગો

અને

હસી પડતા

ચાંદ-તારાઓ…

 .

( વર્ષા બારોટ )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

જીવનકલા,

સ્વમાં કુદરતનો

સહજ આવિર્ભાવ અને

તેની અભિવ્યક્તિ

એ જ કલા.

પ્રકૃતિનો શતપ્રતિશત પડઘો

એ જ કલા.

પ્રકૃતિના રંગ, રસ, રૂપ, નાદ

અને લય સુધી પહોંચવું,

તેને પામવું અને તેમાં પ્રગટ થવું

એ જ જીવન કલા,

અસ્તિત્વનો ઉત્સવ !

 .

તું કલમ, કાગળ અમે !

 .

(૨)

માણસ,

નિશ્ચિત આકાર અને

ઈન્દ્રિયોના સમુહના

સજીવ ઢીંગલા ઢીંગલી એ માણસ નહીં

પણ પોતાના મૂળ સુધી પહોંચવાનો

પ્રયત્ન કરી તેને ઓળખી,

તેનો અહર્નિશ આભાર માનતાં

જીવંત મંત્રો એ જ માણસ !

પરમોચ્ચ સત્તાના પ્રેમનો પડઘો

એ જ માણસ,

વિશ્વેશ્વરના વિશ્વાસનો ધબકાર

એ જ માણસ.

 .

તું જ્યોત, કોડિયું અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

મને રોક મા – મધુમતી મહેતા

મારું કાંડું પકડીને મને રોક મા

મારી પાનીએ બેઠાં પતંગિયાંને ટોક મા

મારું કાંડું પકડીને મને રોક મા

 .

અધખુલ્લી બારીથી જોયાં આકાશ,

અને જોયાં છે પંખીનાં ટોળાં;

હફળક દેતુંને કાંઈક અંદર જાગે,

ને પછી આંખોમાં સપનાંના મેળા;

પગલાંમાં હોંકારા પહેર્યા મેં આજ,

હવે બેસાડી ના દે તું ગોખમાં

મારું કાંડું પકડીને મને રોક મા

 .

હોવું આ આપણું તો ઝાકળની જાત,

નથી પથ્થરમાં કંડાર્યા લેખો;

દરિયાને તળિયેથી ઊગી નીકળીએ,

જરા કાંકરિયું સાદની જો ફેંકો;

સાતે જન્મારાના સગપણને બે પળના

અળગાપણાથી તું જોખ મા.

મારું કાંડું પકડીને મને રોક મા

 .

( મધુમતી મહેતા )

બાળપણમાં – કાજલ ઓઝા વૈદ્ય

બાળપણમાં ભેટ મળેલી

પરીકથાઓની ચોપડી

જીર્ણ-શીર્ણ હાલતમાં-

છતાંયે,

આજે પણ સાચવી રાખી છે – મેં !

 .

એકડદંડિયા મહેલમાં

પુરાયેલી રાજકુમારીને

છોડાવવા આવતો રાજકુમાર

એમાં સફેદ ઘોડા પર સવાર તો થયો છે…

પણ, એનો ચહેરો ફાટી ગયો છે !

 .

વારંવાર વાંચેલી એ વાર્તામાં

શબ્દેશબ્દ મને યાદ રહી ગયો છે

પણ

રાજકુમારનું નામ

કેમેય કર્યું યાદ આવતું નથી

નામ કે ચહેરો…

…મળશે ખરાં ?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

એક મુઠ્ઠી છલના – કાજલ ઓઝા વૈદ્ય

એક મુઠ્ઠી છલના લઈને

તૂટ્યાં-ફૂટ્યાં સપનાં લઈને

સંબંધોના સરવૈયામાં શૂન્ય શૂન્યના ઢગલા લઈને….

કહે, હવે ક્યાં જાવું….?

 .

વાતોના કોરા વરસાદે નથી હવે ભીંજાવું

મારે આંસુમાં નથી નહાવું…..

 .

તારી મારી હથેળીમાં લખી હતી જે ખાલી વાતો….

ભૂત – ભૂતાવળ થઈને પજવે

હવે બધી એ ઠાલી વાતો-

આસપાસ વીંટળાતી સાપણ થઈને બધી મારી રાતો-

રાતોના એ ડંખને જાણે કદી નથી રૂઝાવું….

હું કોને ઘાવ બતાવું

મારે આંસુમાં નથી નહાવું……

 .

હશે, હવે એ સપનાં તૂટ્યાં

સબંધોના આયખાં ખૂટ્યાં

ગુંગળાયેલા ડૂસ્કાં છૂટ્યાં

બાંધી રાખ્યાં વરસો સુધી

એકપળમાં તીર વછૂટ્યાં

ઘટનાઓના સંદર્ભોથી ક્યાં લગી વીંધાવું

મારે નથી હવે બંધાવું….

વાતોના કોરા વરસાદે નથી હવે ભીંજાવું !

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

મારી અંદર – કાજલ ઓઝા વૈદ્ય

મારી અંદર ક્યાંક – કોઈક ખૂણે

આજે પણ એક ભીની રાત જીવે છે.

એકાંતમાં – લપાઈ – છુપાઈને

એની સુંવાળપને અડકું,

ત્યારે

સાપની ચામડીને અડક્યા જેવો

ભયનો ધ્રાસકો પડે છે.

 .

એની તેજાબી ભીનાશની છાલક

મારી આંખમાં ન ઊડે,

એનો ડર

મને સતત સતાવે છે…

 .

રેતીના નગરમાં

વગર સિંચ્યે

સંવેદનાઓની વેલ વધતી જ જાય છે

પણ હવે, જડમૂળથી ઉખાડીને ફેંકી દેવી

છે,

એ રાતને….

 .

મૃગજળના કુંજાને

હું – તમે કે બીજું કોઈ પણ,

ક્યાં લગી સાચવે ?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )