દોસ્ત, લાંબો આપણો ટકશે ન સધિયારો;
હું છું લીલું ઝાડ, તું છે એક કઠિયારો.
.
જિંદગી અઘરી રમત છે, આ રમત અંદર;
કોઈ હાથો થાય છે તો કોઈ હથિયારો.
.
ભાગ માટેની લડતમાં ગૂંચવાયો છે,
આંસુઓનો આપણો આ પ્લોટ સહિયારો.
.
‘તું નથી’ એ વાત ખુદને ખૂબ સમજાવી,
માનવા તૈયાર ક્યાં છે જીવ દખિયારો.
.
વણઉકેલ્યો કોઈ શિલાલેખ છું હું તો,
છે મને પઢનાર અહીંયાં કોઈ પઢિયારો ?
.
( અનિલ ચાવડા )
પ્રિય હીનાબહેન
આપે મારી કવિતા આપની વેબસાઈટ પર મૂકી આપની વેબસાઇટના મેમ્બર તથા અન્ય અનેક વાચકો સુધી પહોંચાડી આપી તે બદલ આપનો આભારી છું.