પછી – બેન્યાઝ ધ્રોલવી

ચંદ્ર ખીલશે મસ્ત આકાશે પછી,

ગીત પૂનમ રાતના ગાશે પછી.

 .

ડૂબતો સૂરજ કલમના પૂરમાં,

ને બરફનો પત્ર ભીંજાશે પછી.

 .

તું ભલે રાખે રદીફી દુશ્મની,

કાફિયાનો દોસ્ત સમજાશે પછી.

 .

નાવ ડૂબી ખારવાની આંખમાં,

ત્યારથી દરિયો વંચાશે પછી.

 .

જે લકીરો ભાગ્યની ગૂંચે પડી,

ક્યાંથી હાથે ભાગ્ય દેખાશે પછી.

 .

હાથથી સરકી ગયો છે જે સમય,

કોઈ દી ક્યારેય પકડાશે પછી ?

 .

શબ્દના ‘બેન્યાઝ’ને ફાકાકશી,

ટંક બપોરે શું ગઝલ ખાશે પછી ?

 .

( બેન્યાઝ ધ્રોલવી )

અલીડોસો – બેન્યાઝ ધ્રોલવી

જીવતર કંડીલને સળગાવે અલીડોસો,

આંસુ ભીની રાતને છલકાવે અલીડોસો.

 .

જીવની ડાળે મરિયમ ખીલી કળી માફક,

આજ મઘમઘતું નગર ટહુકાવે અલીડોસો.

.

પોસ્ટ ઓફિસની રગેરગ છાયા ધબકતી’તી,

સૂર્ય માફક રોજ આવે જાવે અલીડોસો.

 .

લ્યો, કડડડ ભૂસ દ્રશ્યો તૂટે અરીસામાં,

એક ચ્હેરો ઉમ્રભર તરડાવે અલીડોસો.

 .

પોસ્ટના જૂના મકાને તનહાઈમાં બેસે,

પોસ્ટના દ્વારો સતત ખખડાવે અલીડોસો.

 .

દિલનું જે આકાશ છાનું છાનું રડી લેતું,

દિલની એ દાસ્તાન ક્યાં સંભળાવે અલીડોસો.

 .

એક કાગળની કબરમાં ‘બ્રેન્યાઝ’ પોઢી ગ્યો,

પોસ્ટ માસ્તરનું હૃદય પલટાવે અલીડોસો.

 .

( બેન્યાઝ ધ્રોલવી )

મીરાં – બેન્યાઝ ધ્રોલવી

દર્દની ટોચે તવાઈ છે મીરાં,

આંસુની ઊંડી જ ખાઈ છે મીરાં.

.

એક મીરાંના દરદને જોખવા,

કૃષ્ણના પલ્લે બંધાઈ છે મીરાં.

 .

એક હરિવરની છબી છે ભીતરે,

કેટલાં વર્ષે મઢાઈ છે મીરાં.

 .

સુક્કુભઠ મેવાડ છોડી ઘલવલે,

શ્યામ ચોમાસે ભીંજાઈ છે મીરાં.

 .

દેહ રૂપી છોડશે મેવાડને,

શ્યામ સંગે વીંટળાઈ છે મીરાં.

 .

સ્મૃતિનું મેવાડ ફેંકી શેરીમાં,

જાતની સાથે લડાઈ છે મીરાં.

 .

એક મીરાંની ઉછળતી જે નદી,

શ્યામના દરિયે સમાઈ છે મીરાં.

.

ફાટશે ‘બેન્યાઝ’ ક્યાંથી એ મલીર,

ભક્તિની પાકી સિલાઈ છે મીરાં.

 .

( બેન્યાઝ ધ્રોલવી )

હથેળીમાં – જિજ્ઞા ત્રિવેદી

બની હરણાં ઉછળતાં’તા કદી સ્વપ્નો હથેળીમાં,

વહાલાં થઈ વળગતાં’તા કદી સ્વપ્નો હથેળીમાં.

 .

થયાં છે કેદ એ સંજોગની મુઠ્ઠી મહીં મિત્રો,

સિફતથી જે સરકતાં’તા કદી સ્વપ્નો હથેળીમાં.

 .

હવે ઓકી રહ્યા છે લૂ નજર સામે બની તડકો,

થઈ શ્રાવણ વરસતાં’તા કદી સ્વપ્નો હથેળીમાં.

 .

નજરમાંથી ઉતારે જે ક્ષણે એને જરા કોઈ,

બની આંસુ ટપકતાં’તા કદી સ્વપ્નો હથેળીમાં.

 .

બચી છે રાખ બસ એની સળગતી યાદની વચ્ચે,

બની રત્નો ચળકતાં’તા કદી સ્વપ્નો હથેળીમાં.

 .

( જિજ્ઞા ત્રિવેદી )

માંડી વાળું છું..!! – એષા દાદાવાળા

આમ તો પચ્ચીસ વર્ષમાં કશું ખાસ બદલાયું નથી

સિવાય કે

લગ્નની પહેલી વર્ષગાંઠે

તેં ગિફ્ટ કરેલું હીરાનું મંગળસૂત્ર

પોલિશ્ડ કરાવવાનું થયું છે

 .

બાકી

બધું એમનું એમ જ છે

જો ને લગ્નનાં પચ્ચીસ વર્ષ પછી

હજી પણ તને બ્યૂ રંગનું શર્ટ સ્યૂટ થાય જ છે ને..?

તોય મને ઘણીવાર મન થાય

 .

તને પૂછવાનું કે

હજીપણ તારી આંખે મારાં સપનાં આવે ?

હજીપણ અનાયાસે મારો હાથ તારાં હાથને અડી જાય

તો ઝણઝણી ઊઠે કશુંક અંદર ?

હજીપણ ઓફિસની ફાઈલો વચ્ચેથી

તારું મન મારી પાસે છટકી આવવા ઉધામાઓ કરે ?

ઘણીવાર

તું

ઓફિસેથી પાછો ફરે ત્યારે

તને ભાવતી વાનગીઓ રસોડામાં તારી રાહ જોતી હોય અને

 .

તું

ભૂખ નથી કહીને બેડરૂમમાં ચાલ્યો જાય

ખાલી એટલી જ મિનિટો માટે લાગી આવે મને..

પણ પછી તો હું સાવ સ્વસ્થ હોઉં

અને તારાં શર્ટને બટન ટાંકવા બેસી જાઉં

 .

કે

જૂનાં આલ્બમ્સને

ફરીફરીને જોયા કરું

 

બાકી

સાવ સાચું કહું ?

ઓફિસેથી તને આવતાં મોડું થયું હોય

 .

અને મને

જ્યારે જ્યારે

ઘડિયાળ બંધ થઈ ગઈ હોવાનો ભાસ થયો છે

ત્યારે ત્યારે

મેં મંગળસૂત્રને પોલિશ્ડ કરાવવાનો વિચાર માંડી વાળ્યો છે..!!

 .

( એષા દાદાવાળા )

જનરેશન ગેપ..!! – એષા દાદાવાળા

સાત વર્ષની દીકરીને સપનાંમાં પરીઓ આવે છે

સત્તાવન વર્ષની મારી મમ્મીને પણ હવે સપનાંમાં પરીઓ આવે છે

એક બાળપણ તરફ જઈ રહી છે

અને બીજી કિશોરાવસ્થા તરફ

 .

મારી દીકરી મારી સાથે પરીની વાતો શેર કરતી નથી

કારણ એ જાણે છે કે મને પરીઓની દુનિયામાં વિશ્વાસ નથી રહ્યો

પણ એ એની દાદી સાથે પરીઓની વાતો શેર કરી શકે છે

કારણ એ જાણે છે કે એની દાદીને પરીઓમાં ફરી વિશ્વાસ બેસી રહ્યો છે

 .

પણ પછીની આખી સ્ક્રિપ્ટ મને ખબર છે,

દીકરીની પરીઓ એની સાથે મોટી થતી જશે

અને એક દિવસ એની આંખોમાંથી ગાયબ થઈ જશે…

અને પરીઓ પર ફરી પાછો વિશ્વાસ મૂકનારી એની દાદી

એક દિવસ પોતે જ પરી થઈ જશે

પરીઓ ન ગમવા પાછળ આનાં સિવાય બીજા ઘણાં કારણો છે

પણ દીકરીને શું સમજાવું ?

 .

એટલે દીકરી અને દાદી

બેઉ જણ પરીઓની વાતે વળગ્યા હોય ત્યારે હું

વચ્ચે પડતી જ નથી

બીજા કામમાં પરોવાયેલું મન રાત પડ્યે

આંખો સુધી પરીઓની ખેંચી લાવે છે

અને હું

અડધી કામ્પોઝ લઈને ઊંઘી જાઉં છું..!!

 .

( એષા દાદાવાળા )

ભીંત.. !! – એષા દાદાવાળા

તું, આવી શકે એટલા માટે

બધાં જ દરવાજાઓ ખુલ્લા રાખ્યા હતા

ભીંતો બધી જ તોડી નાખી હતી

અને જે બચી હતી એ બધી જ ભીંતોને તોડી

ત્યાં પણ દરવાજા બનાવી દીધા

ઢગલેબંધ દરવાજા

 .

અને છતાંય

મારાં ઘર સુધી આવતો તારો રસ્તો લાંબો ને લાંબો થતો ગયો

કોઈ રાજકુમારીની ચોટલી જેવો

રોજ સવારે હું રસ્તા તરફ જોતી, રાત પડી જાય ત્યાં સુધી

અને રસ્તો મારા પર હસતો

 .

રાહ જોઈ કંટાળી ગયેલી મેં

એક દિવસ દરવાજાઓ પૂરવાનું ચાલુ કર્યું

બધા દરવાજાઓ પુરાઈ ગયા પછી ભીંતો પણ ચણી

ઢગલેબંધ ભીંતો

દરવાજાની આજુબાજુ

મારી આજુબાજુ પણ…

 .

હવે મને રસ્તો દેખાતો નથી

એટલે મહેરબાની કરી, તું આવતો નહીં જ..

કારણ મારી આજુબાજુ અઢળક ભીંતો ચણાઈ ગઈ છે

અને પગ મૂકી શકાય એટલી પણ જગ્યા બાકી બચી નથી.. !!

 .

( એષા દાદાવાળા )

બેઉ મળ્યાં તો – કૃષ્ણ દવે

તારી આંખે હરણાં કૂદ્યાં, મારી આંખે ઝરણાં,

બેઉ મળ્યાં તો એકમેકમાં ફૂટ્યાં લીલાં તરણાં.

 .

તેં કીધું, ‘મારું દિલ દરિયા જેવું વિશાળ છે હોં’

મેં કીધું, ‘મારામાં તારા નામની નિશાળ છે હોં’

રુંવેરુંવેમાં સતત વ્હાલનાં છલકાતાં બોઘરણાં.

 બેઉ મળ્યાં તો એકમેકમાં ફૂટ્યાં લીલાં તરણાં.

 .

મેં કીધું, ‘હું ઝાડ બનું તું ડાળ બનીને ફૂટે ? ‘

તેં કીધું, ‘હું ડાળ બનું તું ફૂલ બનીને ઊગે ?’

તેં મારામાં મેં તારામાં પાથરિયા પાથરણાં.

બેઉ મળ્યાં તો એકમેકમાં ફૂટ્યાં લીલાં તરણાં

 .

( કૃષ્ણ દવે )

ધુમાડો થઈને – ઋત્વીન શાહ

ધુમાડો થઈને પ્રસરવાની આદત,

અને એમ ચોમેર ફરવાની આદત.

 .

હવે સાવ ખાલી થયા લાગણીથી,

નડી છે વધારે નીતરવાની આદત.

 .

લઈ ડૂબશે તમને સાચું કહું છું,

ઊંડે ને ઊંડે ઉતરવાની આદત.

 .

રોજે આ પાટી થઈ જાય કોરી,

નવેસરથી રોજે ચીતરવાની આદત.

 .

હકીકતમાં પડછાયાની બીક નીકળી,

હતી જેને દીવાની ડરવાની આદત.

 .

( ઋત્વીન શાહ )

હવા વગર – ચિરાગ ઝા

અહીં કશું બળતું નથી હવા વગર,

છતાં તને ગમતું નથી હવા વગર.

 .

મને હતું જાતે વધે છે રણ, પછી,

ખબર પડી ! વધતું નથી હવા વગર.

.

આ લાગણીનું વાદળું છે જડભરત !

અવર જવર કરતું નથી હવા વગર.

 .

પતંગિયાને આટલી ખબર હતી !

એ આગને અડતું નથી હવા વગર.

 .

મળી શકે છે વારસામાં “ઝા”પણું.

સ્વભાવથી ડરતું નથી હવા વગર.

.

( ચિરાગ ઝા )