કોઈનું ફૂલ – હરેશ તથાગત

કોઈનું ફૂલ, કોઈને દીધું-

ચોતરફ, જોઈ-જોઈને દીધું !

.

ઈશ્વરે, સુખ મને ય દીધું, પણ-

આંસુમાં સહેજ ધોઈને, દીધું !

.

જાતની પેઠે જાળવી શકશો ?

જાત પેઠે જે ખોઈને દીધું !

.

રસ નથી કૈ ઉછી-ઉધારામાં

વહાલ મેં, મારું હોઈને, દીધું !

.

ઊંચકીને ફરે ભરમ-દુલ્હન

કામ કયું જીવ-ભોઈને દીધું ?!

.

વેતર્યો એ જ માપમાં મુજને-

માન કેવું-જનોઈને દીધું !

.

એક દીધું કિરણ અને એ પણ,

ઝાકળે કેમ પ્રોઈને દીધું ?

.

( હરેશ તથાગત )

નવું છે – ચિન્મય શાસ્ત્રી

બિસ્માર ઓરડાનું પર્યાવરણ નવું છે

તારા ગયા પછીનું, વાતાવરણ નવું છે

.

બદલાઈ ગયો જમાનો, એકાદ-બે દિવસમાં

મહેફિલમાં આવનારું, એકેક જણ નવું છે

.

ઈતિહાસ તો કહે છે માયાવી મૃગ છળે છે

કિન્તુ નવી કથાનું, મોહક હરણ નવું છે

.

મારી વ્યથા ઘણાનાં રસનો વિષય રહી છે

વ્યક્તિ વિશેષ રૂપે, તારું સ્મરણ નવું છે

.

અહેવાલની ભૂમિકા રસપ્રદ બની ચૂકી છે

કાલે બનેલ ઘટના, આજે વલણ નવું છે

.

( ચિન્મય શાસ્ત્રી )

દર્દ ઓછું – હરીશ પંડ્યા

દર્દ ઓછું ભીતરે થાતું નથી,

આ ગઝલથી એમ છૂટાતું નથી.

.

બાગમાં હાજર નથી માળી ભલે,

ફૂલ છાનું એક ચૂંટાતું નથી.

.

આ હથેળી પણ દગો દેશે કદી,

પાન આડું, દૂર તો જાતું નથી.

.

પર્ણ સૂકાં આંખમાં ભોંકાય છે,

એક પંખી ગીત પણ ગાતું નથી.

.

વાંક શો છે, કે બધાં નફરત કરે,

એક બાળક કેમ મલકાતું નથી.

.

.ખેપ લાંબી ને ક્ષુધા પીડે હવે,

સાથમાં બાંધ્યું ભલા, ભાતું નથી.

.

સાવ ખાલી ઝૂંપડી છે રંકની,

ને મહાલયમાં કશું માતું નથી.

.

( હરીશ પંડ્યા )

સૂર્ય આથમવાનાં – ચિનુ મોદી

સૂર્ય આથમવાનાં એંધાણ છે ?

‘હા’ કહેવામાં હવે ક્યાં હાણ છે ?

.

અડફટે આવ્યાં પગેરું એમનાં,

એક જૂની યાદ કચ્ચરઘાણ છે.

 .

જો, સમય અટકી ગયો છે મ્હાડ પર,

ને હજી તો મૂળ ઊંડી ખાણ છે.

 .

કોઈ રીતે મોત નહીં અટકી શકે,

તું હવે છૂટી ગયેલું બાણ છે.

 .

સાવ સોનાની જણસ ‘ઈર્શાદ’ છે,

બોલ, એની કેટલાને જાણ છે ?

 .

( ચિનુ મોદી )

वापिस आया – चिनु मोदी

दस्तक दे कर वापिस आया,

नकली था घर वापिस आया.

.

एक अजुबा हमने देखा,

पानी अकसर वापिस आया.

 .

मयखाने में मुल्लाजी थे,

गंगा तट पर वापिस आया.

 .

चारो ओर तबाही देखी,

कटा कटा सर वापिस आया.

.

( चिनु मोदी )

લાગે – ભગવતીકુમાર શર્મા

માણસની વચ્ચે રહું છું, પણ ભાર-ભાર લાગે,

પ્રત્યેક શ્વાસ લઉં છું તે મૂઢ માર લાગે.

 .

મારું તો આવવાનું નક્કી જ છે, છતાંયે

એવું બને કે તુજને તે ઈન્તજાર લાગે.

 .

કણસી રહ્યા ટકોરા આ મારી આંગળીમાં;

પ્રત્યેક દ્વાર અહીંયા તો બંધ દ્વાર લાગે.

 .

માણસ ને વેદનાનો સંબંધ છે અનાદિ;

ખીલા વિના યે છાતી ઉપર પ્રહાર લાગે.

 .

હાર્યો જુગારી છું હું,  બમણું રમ્યા કરું છું;

શ્વાસોની આવ-જા પણ આજે ઉધાર લાગે.

 .

( ભગવતીકુમાર શર્મા )

રોજ એની – રશીદ મીર

રોજ એની પ્રતિક્ષા કરતા રહો

પ્રેમ છે તો તિતિક્ષા કરતા રહો

 .

ખુદના દ્વારે કદી કરો આહલેક

એમ નિજનીય દીક્ષા કરતા રહો

 .

કેમ બેઠાં છે અડોઅડ આજે

ખાસ એની સમીક્ષા કરતા રહો

.

પામવા એક ભવ પડે ઓછો

આ ગઝલ છે વિવક્ષા કરતા રહો

 .

પારખાં અન્યના બહુ કીધાં

‘મીર’ નિજની પરીક્ષા કરતા રહો

.

( રશીદ મીર )

આવ – રશીદ મીર

સર્વ સંજોગો અનુકૂળ છે, આવ

શ્વેતવસ્ત્રો હવે પટકૂળ છે, આવ

 .

તું ય વિહ્વળ છું મથુરામાં સખે

હું ય ગોકુળ મહીં વ્યાકુળ છે, આવ

 .

મોરપીછું ય પડ્યું છે અબખે

આ ફરતિયાળ રંગ મૂળ છે, આવ

 .

તારે કારણ હતા રસરંગ બધે

સર્વ ઘટનાઓ હવે સ્થૂળ છે, આવ

.

હોવું પ્રત્યક્ષ તારું ઈતિઅલમ

જ્ઞાન ઉદ્ધવનું સર્વ ધૂળ છે, આવ

 .

( રશીદ મીર )

કૂવા સમા સંબંધની – અનિલ ચાવડા

કૂવા સમા સંબંધની એક જ કડી રહી છે

પાણી ગયું સુકાઈ ને બસ ગરગડી રહી છે.

 .

ફેંકાઈને તારાપણાના આ તળાવ બાહર,

મારાપણની માછલીઓ તરફડી રહી છે.

 .

મરવા પડેલી સઘળીયે ઘરડી જિજિવિષાઓ,

ખુદની નહીં તો કોની એ સામું લડી રહી છે ?

.

આંખો ભરીને નૈં પરંતુ મન ભરીને જોઈ,

અમથી જ આંખો તો બધે આંખે ચડી છે.

 .

છે જીવવાની રીત મારી કૈંક એવી જાણે,

લાગે બધાને જિંદગી મને પરવડી રહી છે.

 .

( અનિલ ચાવડા )

ધખધખતું સપનું જોવામાં – અનિલ ચાવડા

ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

 .

પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો ને મારો વૈભવ હતો કોઈ કુબેર સરીખો,

કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો,

પછી હૃદયમાં કરોળિયાનાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં વાત જવા દે…

 .

રોજ વિચારું ભીતરનો આ જ્વાળામુખી સઘળે સઘળો સાવ ઓલવી નાખું,

પળ બે પળ તો એમ થાય કે આંસુ અંદર ડુબાડીને સૂરજ સુદ્ધાં લાવ ઓલવી નાખું,

કશું થયું નૈં અંદર અંદર એવા લાજ્યા એવા લાજ્યા એવા લાજ્યા વાત જવા દે…

  ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

 .

( અનિલ ચાવડા )