ભાંગશે ભરમ મારા – સુધીર પટેલ

લૈ જશે એ તરફ કદમ મારાં,

જ્યાં જઈ ભાંગશે ભરમ મારા.

.

દૂઝતા છો રહે જખમ મારા,

એમ ગળશે બધા અહમ મારા !

.

તું ઈશારો તો કર સનમ મારા,

તોડી આવું બધા જ સમ મારા !

.

એક પછી એક છૂટશે કરમ મારાં,

બાદ હો શ્વાસ પણ ખતમ મારા !

.

આખરી હો ભલેને દમ મારા,

ઝૂઝશું પામવા પરમ મારા !

.

એમ વચ્ચેની કાપું છું દૂરી,

લઉં છું પગલાં રૂપે જનમ મારા !

.

એક તું, એક આ ગઝલ ‘સુધીર’,

એ જ છે ફક્ત દો અલમ મારા !

.

( સુધીર પટેલ )

હું મને – મનીષ પરમાર

હું મને ઘરમાં ગયો છું શોધવા,

છેક અક્ષરમાં ગયો છું શોધવા.

.

દોસ્ત પરપોટા પડેલા જોઈને,

પાણી પથ્થરમાં ગયો છું શોધવા.

.

એ નદી પાછી વળીને ક્યાં ગઈ ?

પગલું સાગરમાં ગયો છું શોધવા.

.

કેટલા મારગ વળે એની તરફ,

વાટ ઈશ્વરમાં ગયો છું શોધવા.

.

પંખીની પાસે જ આવીને બેસતું,

આભ પિંજરમાં ગયો છું શોધવા.

.

( મનીષ પરમાર )

જે ક્ષણે – ગૌરાંગ ઠાકર

જે ક્ષણે પીડા ઘરે આવેશમાં આવી,

અમને લાગ્યું કે ગઝલ ગણવેશમાં આવી.

.

કોઈ પણ રીતે ઉદાસી ગાંઠતી ન્હોતી,

પડતી મૂકી… તો ખુશીના વેશમાં આવી.

.

ઝાડ તો ઊગે, જીવે, બોલ્યા વગર તો પણ,

વાત એની સંતના ઉપદેશમાં આવી.

.

જ્યારથી મેં આદતોની વર્તણૂંક બદલી,

જે વિનંતીઓ હતી આદેશમાં આવી.

.

આ ગમા ને અણગમા કેવળ કહ્યા તમને,

ક્યાં અમારી કોઈ વાત ઉદ્દેશમાં આવી.

.

જ્યાં થયું કે કોઈની હું જિંદગી જીવું,

એ જ મુદ્દે જિંદગી ઝુંબેશમાં આવી.

.

સાવ ખાલી છે છતાં પણ આપવા બેઠો,

લ્યો અમીરાઈ જુઓ દરવેશમાં આવી.

.

( ગૌરાંગ ઠાકર )

ભૂલા પડ્યા – સાહિલ

તમારી ગલી પહોંચ્યા પછી – તમારી ગલીમાં ભૂલા પડ્યા,

છીએ દેવસ્થાનના આંગણે અને આરતીમાં ભૂલા પડ્યા.

.

અમે હાથ ફેલાવ્યો હોત તો તમે હાથ ચોક્કસ ઝાલતે,

કથા કમનસીબીની ના પૂછો અમે બંદગીમાં ભૂલા પડ્યા.

.

પહોંચી ગયા છીએ ઘર સુધી અને ઘરનો ઉંબરો ના મળે,

કહો કોને કહીએ કરમકથા અમે ઓસરીમાં ભૂલા પડ્યા.

.

હતી સુખની વાત કે દુ:ખની વાત – નથી નક્કી કાંઈ થયું હજી,

કદી અંધકારે જડી ગયા – કદી રોશનીમાં ભૂલા પડ્યા.

.

પછી કેમ કોઠે પડે નહીં સ્મૃતિ-વિસ્મૃતિની પળોજણો,

પણે તમને એ જ ઘડી મળ્યા અહીં જે ઘડીમાં ભૂલા પડ્યા.

.

અમે વીંધ્યા કૈંક વમળ છ્તાં હજી પાર પહોંચી શક્યા નથી,

છે અચંબો અમને એ વાતનો અમે નાવડીમાં ભૂલા પડ્યા.

.

રહ્યું યાદ ‘સાહિલ’ એટલું પડ્યા છીએ ભૂલ્યા અમે જગે,

  શું ખબર ખુશીમાં ભૂલા પડ્યા – શું ખબર ગમીમાં ભૂલા પડ્યા.

.

( સાહિલ )

જઈશ – પ્રદીપ ‘સુમિરન’

મન મળે એવા રિવાજોમાં જઈશ,

ફૂલ જેવો થઈ, પહાડોમાં જઈશ !

.

સ્થાન મારું જો નથી બીજે કશે-,

લાભ-શુભ થઈને કમાડોમાં જઈશ !

.

રંગ પુષ્પોનાં હશે ફીકાં અગર,

બેધડક, રંગીન પાપોમાં જઈશ !

.

દર્પણોની ભીડ જામી છે અહીં,

બિંબ ભૂંસી હું ખયાલોમાં જઈશ !

.

એ ચહેરો દૂર છે, બહુ દૂર છે;

એમના મઘમઘ વિચારોમાં જઈશ !

.

 ( પ્રદીપ ‘સુમિરન’ )

લઘુકાવ્યો – કરસનદાસ લુહાર

(૧)

રણ ફેલાતું ફેલાતું

ફળિયા સુધી આવી ગયું

ને તું

હજી તુલસી ક્યારો

સીંચે છે ?!

.

(૨)

ચરોતર,

હું તારી છાતી પર

ઊગેલો

તમાકુનો કોઈ છોડ તો નથીને ?!

.

(૩)

આમ તો

ખુલ્લા હશે

ને આમ મીંચાઈ જશે,

ચક્ષુ એનાં એ હશે

ને સ્વપ્ન બદલાઈ જશે !

.

(૪)

આભ ઊંચી

જૂની મહલ હવેલીમાં

અમાસ અને પૂનમ

સાથે જ

રહે છે !

.

(૫)

અમાસની ઉદર-ત્વચાનો

ભીનોભીનો ઝળહળાટ

મેં આકંઠ પીધો છે !

.

(૬)

પૂનમ અને અમાસ

ક્યારેક સાથે

ફરવા નીકળે છે ને

રસ્તો

શ્વેત-શ્યામ વસ્ત્રો

પહેરી લે છે !

.

(૭)

ફુલ્લ સ્પિડથી

મોટરસાયકલ

ચલાવી રહ્યો છે અંધકાર

અને એની પાછળ બેસીને

પૂનમ ફરવા નીકળીછે !

.

(૮)

વતનના ગામમાં

વેચી નાખેલું મારું મકાન

એક રાત્રે

સ્વપ્નમાં આવ્યું.

મેં પૂછ્યું ‘કેમ છે ?’

તો કહે : ‘એ તો ખબર નથી,

પણ આપણી પાછળનું

પેલું માથાભારે ખંડેર

હવે મહેલ થઈ ગયું છે !’

.

( કરસનદાસ લુહાર )

વરસાવ તું – સોલિડ મહેતા

આવ, પાછી આવ તું,

દ્રષ્ટિને બદલાવ તું.

.

સાવ અમથી વાતમાં,

ના હવે કર રાવ તું.

.

થાય પૂરી તો રમત,

દે ફરીથી દાવ તું.

.

પાંપણે અટવાય શું ?

સાનમાં સમજાવ તું.

.

મેહ જેવા નેહને,

પૂર્વવત વરસાવ તું.

.

કૈંક સોલિડ પામવા,

જીવને ભરમાવ તું.

.

( સોલિડ મહેતા )

ઠોકર દીધી – રાજ લખતરવી

ખૂબ કસોટી રસ્તે કીધી,

ડગલે-ડગલે ઠોકર દીધી.

.

હોઠો આડું-અવળું બોલે,

વાત કરે છે આંખો સીધી.

.

છાના-માના સજદા કીધા,

ખુલ્લંખુલ્લા મદિરા પીધી.

.

મંઝિલ જાતે શોધી લેશું,

સાચો રસ્તો તું દે ચીંધી !

.

‘રાજ’ હૃદય છે બાળક જેવું,

ક્યાંથી મૂકે એ હઠ લીધી !

.

( રાજ લખતરવી )

તો શું થશે ? – આહમદ મકારણી

સભામાં ચૂપ સૌ હેરાન સૌ કો’ આંગળી ઊંચી થશે તો શું થશે ?

મૂંઝવણ સહદેવ જેવી થૈ જતી લાગે મને પૂછી જશે તો શું થશે ?

.

અશ્રુધારા આજ પણ વ્હેતી રહી છે એ સનમની યાદામં ને યાદમાં !

એ સનમ આવી અહીં મારાં અશ્રુ ખુદ જો લૂછી જશે તો શું થશે ?

.

હું ગઝલ ગાતો રહ્યો આંખો મીંચીને મોજમાં ને મોજમાં મહેફિલ મહીં,

ને અચાનક સર્વ શ્રોતા અધવચ્ચે મહેફિલને છોડી જશે તો શું થશે ?

.

જીવરૂપી એક કેદી બંધ છે આ જિંદગીની જેલમાં વર્ષો થયાં,

ને અચાનક મોત આવી જેલ તોડીજીવ લૈ ભાગી જશે તો શું થશે ?

.

બુદ્ધની માફક અચાનક ‘ગૃહ છોડું, ગૃહ છોડું’નું રટણ કરતો રહું,

ને ખરે ટાણે જ વિચારો વચાળે ગૃહિણી જાગી જશે તો શું થશે ?

.

( આહમદ મકારણી )

ફૂલની સાથે – દિનેશ ડોંગરે

ફૂલની સાથે બગાવત રાખે છે,

ખૂશ્બૂ પણ કેવી અદાવત રાખે છે !

.

પાણીમાં પણ ઘર બનાવી જાણે છે,

આ હવા, કેવી કરામત રાખે છે !

.

છોડીને સંસારનો વૈભવ,

શબ્દ ગઝલોને તથાગત રાખે છે.

.

આંખ ખૂલતાં વેંત ખરી પડતા તરત,

એમના શમણાં નજાકત રાખે છે.

.

માનવીને યદ મર્યાદા રહે,

હા, ખુદા તેથી કયામત રાખે છે.

.

જાળવીને હાથ ઓળખ પોતીકી,

આંગળા વચ્ચે તફાવત રાખે છે.

.

એ ભલે નારાજ હો ‘નાદાન’ પણ-

થોડી અંગતમાં ઈનાયત રાખે છે.

.

( દિનેશ ડોંગરે )