બજારમાં – કમલ વોરા

બોરાં લઈ બેઠો છું બજારમાં
ગામ નાનું માણસ ઝાઝું
તે બોરીઓ ભરી ભરીને
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.
બોલે છે તે બોર વેચેછે
બૂમો પાડે તે વધુ બોર વેચે છે
ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે.
કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે
કોઈ જોડકણાંનો શોર મચાવે
કોઈ ટુચકાઓ વેરે છે
કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો
નાચી લે છે.
રંગબેરંગી ચળકતાં પડીકામાં વીંટાળેલાં
બોર વચ્ચે ઠળિયા
ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં,
ક્યાંક ક્યાંક તો શરમ મૂકી
ભેળાભેળા કાંકરા પણ વેચાય છે.
ભોળિયું લોક હોંશ-હોંશે
મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે
તોલ તાજગીમાં ગોલમાલથી
બજાર ઊભરાય છે
ને સહુને બોર વેચવાં છે.
હુંય મારાં બોર લઈ આવ્યો છું ને
ચાખી ચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ.

( કમલ વોરા )

નામ…!! – એષા દાદાવાલા

સાવ કોરા કાગળ જેવી જિંદગી પર સમયે ચીતરી આપેલા તારા નામને
કોરા કાગળે ચીતર્યા કરવાનું મને ગમે
તારા નામને
ઘૂંટી-ઘૂંટીને ઘાટું તો કરું
પણ કેમેય કરીને આખું નામ એક સાથે લખાય જ નહીં…!
એક જ શ્વાસમાં બોલાઈ જતું તારું નામ
કાગળ પર ચીતરતાં યુગો લાગે ?
તારું નામ એક પઝલ જેવું.,
જિંદગીએ દોરી આપેલી ક્રોસવર્ડ પઝલ…!
જિંદગીએ દોરી આપેલા ચોકઠા વચ્ચે
વર્ષોથી તારા નામને ઘૂંટ્યા કરું છું
અને જિંદગીના ક્રોસવર્ડ ઉકેલવાની કોશિશ કરું છું
પણ આડી-ઊભી ચાવી વચ્ચે ઉકેલાઈ જતું તારું નામ
જિંદગીના ચોકઠામાં ભરવા જાઉં કે
ચોકઠા મોટા ને મોટા થતા જાય છે
હવે
મેં ક્રોસવર્ડ ઉકેલવાનું માંડી વાળ્યું છે
અને
એક જ શ્વાસમાં બોલાઈ જતું તારું નામ પણ
શ્વાસ ભરાઈ આવે એટલું મોટું થતું ગયું છે
એટલે જ
તારા નામને કાગળ પર ચીતરવાની હઠ મેં છોડી દીધી છે…!!

( એષા દાદાવાલા )

કેટલીક ત્રિપદી – એસ. એસ. રાહી

-રેતના વસ્ત્રો નદી ધોતી હતી,
પણ કશું ઊજળું થયું ના એટલે
આંખ એની બેતમા રોતી હતી.
*
-એ સુરા માટેની કાળી દ્રાક્ષ છે,
પણ મેં એ ડોકમાં પહેરી લીધી
મેં કહ્યું કે શુદ્ધ એ રુદ્રાક્ષ છે.
*
કાળજું કઠણ કરીને, દિલ લઈને આવ તું,
હું અજાણ્યા દ્વીપ પર આવી ચડ્યો છું સ્વપ્નમાં
તો અલિફ-લૈલાની જૂની વારતા સંભળાવ તું.
*
-તલવાર-તીર કંઈ નથી,પણ દિલ ઘવાય છે,
કાંટાળો તાજ પહેરીને ઊભો છું પાદરે
પણ એમ ક્યાં આ ગામના રાજા થવાય છે ?
*
-ફાગણનો વાયરો છતાં ચોમેર ભેજ છે,
પગમાં ચુભે છતાંય ગમે છે એ બેહિસાબ
કાંટાની કેડી પર તો ગુલાબોની સેજ છે !
*
-બદલાઈ ગયો આખો જમાનો,વિચાર કર,
માણસને પૂજવાનો શિરસ્તો રહ્યો નથી
જો થૈ શકે તો પીર થવાનો વિચાર કર.
*
હું સમેટી ના શક્યો ખેલને,
તો તમે આખું જીવન સાથે રહ્યા
મેં ઉતારી’તી અમસ્તી હેલને.
*
-આ દિશા સંજોગની યાચક હશે,
જો નવો રસ્તો મળી આવ્યો મને
પંચતત્વો પણ ખરા વાચક હશે.
*
-લીંબોળી ચાવી ચાવી હું કડવો બની ગયો,
ખિજડાને મેં ઉતાવળે ગુલમ્હોર કહી દીધું
બસ તે ઘડીથી હું પછી અડવો બની ગયો.

( એસ. એસ. રાહી )

સ્વચ્છ આકાશ – મનીષા જોષી

કોઈક સુસ્ત સાંજે

આકાશમાં અચાનક દેખાઈ જતા

મેઘધનુષને જોઈને

સહેજ ચીડ ચડે છે.

શું હવે આ મેઘધનુષ પર

લપસણીની જેમ સરકવાનું ?

કે આ રંગોને ઓળખવાનો ઢોંગ કરવાનો ?

રંગ સાપેક્ષ કે નિરપેક્ષ,

એ વિચાર પણ હવે વ્યર્થ લાગે છે.

અત્યારે તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે

મારી બારીની બહાર મને દેખાય

એક કોરું, સ્વચ્છ, ખાલી આકાશ.

એટલું ખાલી એટલું સફેદ

કે મારી આંખો એમાં શોધી શકે

વર્ષો પહેલાં

મારી સાવ પાસેથી થઈને

ઊડી ગયેલા

એ સફેદ પક્ષીને.

 .

( મનીષા જોષી )

ઋતુ – મનીષા જોષી

મારા ઘરની અગાશી પર હું ખાસ જતી નથી.

ગયા વર્ષે પાનખરમાં ખરેલાં પાંદડાં,

હજી પડ્યા છે, ત્યાં

મેં એમના રંગ બદલતા જોયા હતા.

ગયા શિયાળની એ બરછટ ઠંડી પણ

પડી છે હજી, કોઈ પ્રેક્ષકની જેમ,

મારા ઘરની ભીંતોમાં.

મારી શુષ્ક ત્વચા, આ દીવાલો જેવી,

પાસે છતાં દૂર દૂર.

રાત્રે હું મારી ત્વચાથી બચીને

એમ સંકોરાઈને સૂઈ જઉં છું

જાણે વરસાદમાં

કોઈ અજાણ્યા ઘરમાં આવી ચડેલા જીવડા

નજર બચાવીને બારીએ બેસી જાય.

ગયા ચોમાસામાં

હું આંગણામાં બહાર ભૂલી ગઈ હતી

એ પ્યાલામાં વરસાદનું પાણી ભેગું થયું હતું

એ પણ છે હજી, મારી પાસે

તો એ ઉનાળામાં મારા ઘરની આસપાસ ખીલી ઊઠેલા

ગરમાળાનાં પીળા ફૂલોની સાથે સાથે

મારા શરીરનો રંગ પણ પીળો થઈ ગયો હતો

તે પણ હજી ક્યાં બદલાયો છે ?

ઋતુઓ બદલાય છે એ વાત સાચી

પણ ક્યારેક ઋતુઓને રોકાઈ જવું હોય છે.

ઋતુઓ આવે કે જાય

પીળા થઈ ગયેલા મારા શરીર પર

બારેમાસ શોભે છે,

પીળા, સુવર્ણના અલંકાર

અને મારા વાળમાં

બારેમાસ શોભતા રહે છે,

પીળા, ગરમાળાનાં ફૂલો.

 .

( મનીષા જોષી )

તું…!! – એષા દાદાવાળા

તું આધાર છે, એવું નહીં કહું

નહીંતર આધારિત થઈ જવાનો ભય લાગશે મને…

તું દીવાલ છે એવું પણ નહીં કહું

નહીંતર બારી કે દરવાજાની જરૂર ઊભી થશે મને…

તું આકાશ છે એવું પણ નહીં કહું

આકાશ અનંત છે અને અનંતતાથી નફરત છે મને

એક શરૂઆત અને અંત તો હોવો જ જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું.

તું છત છે એવું પણ નહીં કહું

છત આભ સાથેનો સંબંધ તોડી આપે છે અને આભ સાથે જોડાયેલા રહેવું

મારી જરૂરિયાત છે

તો પછી તને શું કહું ?

હવા ? ના, એ તો બધાની જરૂરિયાત હોય…

શ્વાસ ? ના, એ તો બંધ થઈ જાય…

પાણી ? ના, એ તો સૂકાઈ જાય…

અગ્નિ ? ના, એ તો ઓલવાઈ જાય…

તો પછી હું તને કહું શું ?

શ્વાસ-ઉચ્છવાસ વચ્ચેનો સમય…?

કદાચ હા જ…!

તને ખબર છે ?

જિંદગી જીવવા માટે

શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેનો સમય ખૂબ અગત્યનો હોય છે

એ ખોરવાઈ જાય તો

જિંદગી દાવ પર લાગી જાય છે…

એટલે મારા માટે તું શ્વાસ-ઉચ્છવાસ વચ્ચેનો એ સમય જ છે સાચે જ…!!

 .

( એષા દાદાવાળા )

તમે ક્યાં છો ? – પ્રજ્ઞા દી. વશી

વરસતી સાંજ વ્હેતી ક્ષણ હૃદય બેબશ, તમે ક્યાં છો ?

ભીતર છે આગ એવી કે બની પરવશ, તમે ક્યાં છો ?

 .

વિરહની ડાળે બેસી એક કોયલ જ્યાં ટહૂકી ત્યાં,

ગૂંજે વૈશાખનાં પગરવ બની કર્કશ, તમે ક્યાં છો ?

 .

હજી તો આગને ના સાંપડ્યો વેરી પવનનો સાથ

છતાં તણખો બને છે યાદનો આત્શ, તમે ક્યાં છો ?

.

પ્રવાસી પ્રેમની છું ને આ યાદી કૈં મુકામોની

વચાળે તમને મળવાનું કરું સાહસ, તમે ક્યાં છો ?

 .

ધીરે ધીરે, થતી ચાલી અહલ્યા રાહ જોતી હું

જીવે સંવેદના સ્પર્શો બની પારસ, તમે ક્યાં છો ?

 .

મને વરસાદ ગમતો એનો મતલબ એ થયો પ્રિયે !

જગત આખું બને છે પ્રેમરસ સારસ, તમે ક્યાં છો ?

.

( પ્રજ્ઞા દી. વશી )

સ્ત્રી – એષા દાદાવાળા

રોજ સવારે સાડીની સાથે લપેટાય છે

મારા શરીર ફરતે એક આગ

ધીમી આંચે ઉકળવા મૂકેલા દૂધની જેમ

મારામાં પણ આવે છે ઉભરો

ધીમી આંચે સળગતી હું, ઉભરાઈ જવાની અણી પર હોઉં

ત્યાં જ બર્નર ઓફ થઈ જાય

અને તપેલીમાં શમી જતા દૂધની જેમ જ મારામાં પણ શમી જાય એક ઉભરો…!

રાત્રે સાડી બદલું ત્યારે શરીર પરથી કપડાં બદલાઈ જાય

પણ આગ તો એવીને એવી જ રહે, શરીર સાથે લપેટાયેલી…!

એ સ્પર્શે ત્યારે જાણે ગરમ તવી પર પાણી છંટાયું હોય એવો અવાજ અવે ‘છમ્મ્મ્મ્મ!!’

પછી વરાળ નીકળે આખા શરીરમાંથી !

શરીરમાંથી નીકળેલી વરાળ આંખોમાં ભેગી થાય

પાણી વરસે પણ ખરું

પણ પાણીના એ દસ-બાર ટીપાં પેલી આગને ઠારવામાં નિષ્ફળ નીવડે

અને હું

આગમાં બળી મરેલી ઈચ્છાઓનો અગ્નિ સંસ્કાર કર્યા વગર

પાણીના આ દસબાર ટીપાં વચ્ચે જ એને વહાવી દઈ

બીજા દિવસે ફરી પાછી એક નવી નક્કોર સાડી વીંટાડી લઉં છું

શરીર ફરતે લાગી ગયેલી પેલી જ આગની ઉપર…!!

 .

( એષા દાદાવાળા )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !

 .

અમે ઓળખી શક્યાં નહીં ‘ને મૃગજળ પાછળ દોડ્યાં;

છીપ નીરખતાં રજત ગણીને અઢળક શાને મોહ્યાં ?

તૃષ્ણા કીધી ગગનકુસુમની, કેવળ પામ્યાં છલના;

સકળ વિશ્વનું છદ્મ લઈ, શું કરી કૃષ્ણની રચના ?

 .

હશે, અમે અબળા તો મૂળથી બન્યાં કપટનો ભોગ !

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

 .

વાંસ વધ્યાની પેર અમારો પ્રેમ ક્ષણેક્ષણ વાધ્યો;

છતાંય અંબર-ઊંચો માધવ નથી લગીરે સાધ્યો !

દેવ-દેવીઓ મથે છતાં ક્યાં ભાગ્ય શકે છે જાણી;

કહી શકે છે કોણ ? માછલી પીએ કેટલું પાણી ?

 .

હોય ઉછીનું સુખ અસ્થાયી; અલ્પ પામીએ ભોગ !

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

 મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !

.

( વીરુ પુરોહિત ‌)

હમણાં જ આવી છું – પ્રજ્ઞા વશી

બધાં મ્હોરાં ફગાવીને હજી હમણાં જ આવી છું

ધૂણી ભીતર જલાવીને હજી હમણાં જ આવી છું

 .

નકામો બોજ સુખનો હું લઈને દોડતી’તી પણ

સમયસર એ હટાવીને હજી હમણાં જ આવી છું

 .

હૃદયથી દૂર ક્યાં એકેય પળ ? હરક્ષણ તમે ધબકો

એ ધબકારાં મપાવીને હજી હમણાં જ આવી છું

 .

તમે છો ગેરહાજર તો ય કાયમ હાજરી લાગે

હું મનને એ મનાવીને હજી હમણાં જ આવી છું

 .

બધા માને કે ‘પ્રજ્ઞા’ સુખનાં તાળાં બધાં ખોલે

હું એ ચાવી બનાવીને, હજી હમણાં જ આવી છું

 .

( પ્રજ્ઞા વશી )