વાવ-પ્રીતમ લખલાણી

DSC00509
૧.
પાંખ ફફડાવતાં
પારેવડાં કાજે વાવ છે,
માળા જેવી !

૨.
પવનસ્પર્શે,
સંકોચાતા જળે,
હલબલી ઊઠે
રાત્રે
વાવની ગોદમાં પોઢેલાં
તારાઓ !

૩.
લઈ થોડોક
તડકો
વાવ,
પનિહારીને બદલામાં
આપે છે બેડું એક
જળ !

૪.
કાળાં ડિબાંગ
ખેતરને લીલુંછમ જોવા
ઊલેચાઈ ગઈ વાવ
હવે, ખુશીમાં છલકાય !

૫.
એક દિવસ મેં દરિયાને પૂછ્યું :
‘ભલા,તારું સ્વપ્ન શું છે ?’
‘જો પનિહારી કોઈ દિવસ પાણી
ભરવા
મારે કાંઠે આવી ચઢે
તો હું વાવ થઈ જાઉં !’

( પ્રીતમ લખલાણી )

એષા દાદાવાળા

Esha Dadawala

સુરતના વતની એવા કવયિત્રી એષા દાદાવાળાનો જન્મ 2 જાન્યુઆરી 1985 ના રોજ સુરતમાં થયો હતો. (પિતા: મયંક દાદાવાળા, માતા: હેતલ દાદાવાળા) તેમણે શાળાનું શિક્ષણ જીવનભારતી સ્કુલ, સુરત ખાતેથી 2002માં પૂર્ણ કર્યું. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાંથી 2005માં B.A ની ડિગ્રી મેળવી. તેમણે પોતાની પહેલી કવિતા ‘ડેથ સર્ટિફિકેટ’ ધોરણ ૧૧ (2001) માં લખેલી અને તે સુરેશ દલાલે ‘કવિતા’ (2012)માં પ્રકાશિત કરી હતી. હાલ તેઓ દિવ્યભાસ્કર ન્યુઝપેપરમાં 2012થી Dy. News Editor (સીટી ભાસ્કર) તરીકે કાર્યરત છે. આ પહેલા તેમણે ન્યુઝ રિડર, રિપોર્ટર, જર્નાલિસ્ટ અને સબ-ઍડિટર તરીકે ગુજરાત મિત્ર, MY TV, Dhabakar, સંદેશ ન્યુઝપેપર, MY FM અને ગુજરાત ગાર્ડિયનમાં સેવાઓ આપી છે. ‘વરતારો’ (2008) અને ‘જન્મારો’ (2014) તેમના કાવ્યસંગ્રહો છે જ્યારે ‘ક્યા ગઇ એ છોકરી’ (2011) ડાયરી સ્વરૂપની તેમની નવલકથા છે. સ્ત્રીજીવનના વિવિધ તબક્કાઓ, સ્ત્રીહ્રદયના વિવિધ સંવેદનો અને પીડાઓનુ આલેખન તેમના કાવ્યોનો વિશેષ છે.

તેમના લેખો ‘મૈત્રીનો સૂર્ય’, ‘મારી બા ની ઈચ્છા’, ‘ઘર એટલે ઘર’ અને ‘મારું બાળપણ’ સુરેશ દલાલના સંપાદનોમાં સ્થાન પામેલ છે. તેમની ટૂંકીવાર્તાઓ ‘ચિત્રલેખા’ અને અન્ય ગુજરાતી સામાયિકોમાં પ્રગટ થયેલ છે. ગુજરાત સરકાર દ્વારા અપાતો યુવા ગૌરવ પુરસ્કાર (2013) મેળવનાર તે પ્રથમ મહિલા છે. આ સિવાય પણ તેમને વિવિધ ઍવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

* કવિ ગની દહિવાલા પુરસ્કાર -2000
* ગુજરાત સમાચાર અને સમન્વય દ્વારા અપાતો ‘કવિ રાવજી પટેલ ઍવોર્ડ’
* કાવ્યસંગ્રહ ‘જન્મારો’ ને ગુજરાત સાહિત્ય અકાદમીનુ શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ પારિતોષીક
* Best Poet Award – 2004 (Coffee Mates, Mumbai દ્વારા)
* Best Poet Award – 2005 (કલાગુર્જરી સંસ્થા મુંબઇ દ્વારા)

E-mail Id: edadawala@gmail.com

થઈ જાએ-મરીઝ

કોઈ એ રીતે મહોબ્બતનો વિજય થઈ જાએ,
જ્યારે ચાહું તને મળવાનો સમય થઈ જાએ.

લાગણી, દર્દ, મહોબ્બત ને અધૂરી આશા,
એક જગા પર જો જમા થાય હૃદય થઈ જાએ.

આંખથી આંખ મળી ગઈ છે સભર મહેફિલમાં,
સ્મિત જો એમાં ભળી જાય, પ્રણય થઈ જાએ.

મળે આંખોથી આંખો, ને બધો સંવાદ થઈ જાએ,
‘મરીઝ’ એક જ સિતમ છે, એ પ્રસંગ અપવાદ થઈ જાએ.

હૃદયની વાત કહેવાનો મને મોકો નહીં દેજો,
મને ભય છે કશું કહેવા જતાં ફરિયાદ થઈ જાએ.

જીવન શું છે ફક્ત ચૈતન્ય છે બે ચાર દિવસનું,
મરણ શું છે કે આદમી તસવીર થઈ જાએ.

( મરીઝ )

મોરપીંછું-પ્રીતમ લખલાણી

૧.
માર્ગમાં
ક્યાંય જો તમને
મોરપીંછું નજરે ચઢી જાય
તો ?
સમજજો
હવે ગોકુળ નથી બહુ દૂર !

૨.
લ્યો, તમારે
રાધાને પત્ર લખવો છે,
તો કરો સરનામું
C/o. મોરપીંછું !

૩.
જો મોરપીંછને બદલે
માથે સોનાનો
મુગટ હોત તો ?
શું માધવ આટલી નિરાંતે
વાંસળીના સૂર
છેડી શક્યા હોત ખરા ?!

૪.
હોઠમાં તણખલું ચાવતી રાધાને
ગોપીએ પૂછ્યું :
માધવના પ્રેમમાં કવિએ રચેલ ગીત
જો
વાંસળીની ધડકન હોય તો,
અછાંદસ શું હશે ?
કાનજીના રેશમી, વાંકડિયા કેશમાં,
લહેરાતું મોરપીંછું.

( પ્રીતમ લખલાણી )

મોર-પ્રીતમ લખલાણી

૧.
રોંઢે ફળિયામાં
બે-ચાર પીંછા
ખેરવી ઊડી ગયેલ મોર.
ઢળતી સાંજે
હળવો ફૂલ-ફટાક થઈને
બેઠો હોય છે
ગામને પાદર
મહેકતો થોરની વાડે !

૨.
મોરને કળા કરતો જોવા
મારા ફળિયે
સાંજ સમયે
સુગંધ પણ ઊતરી આવે છે
રાતરાણીની ડાળથી !

૩.
સીમના સેઢે
વૈશાખની ધોમધખતી બપોરે
કુંવારી કન્યાની
ચૂંદડી લહેરાઈ જાય
સાંભળીને
મોરનો ટહુકો !

૪.
મીરાં
ઓશીકાના ખોળિયે
તેં ભરેલ
રંગીન મોર
તારી યાદમાં
રાતભર મારા
સ્વપ્નના ઝરુખે
ટહુકા કરે છે.

૫.
શ્રાવણની
ઝરમર વરસતી સાંજે
મીરાં
આજે પણ
તારી યાદમાં
થનગનતું હોય છે
મારુંમન
મોર બનીને.

( પ્રીતમ લખલાણી )

દર્પણ-પ્રીતમ લખલાણી

દર્પણ

૧.
સોળ વર્ષની કન્યા
નજરે ચઢતાંજ
આળસ મરડીને ઊઠે
દર્પણ !

૨.
રાજમાર્ગે ઊભેલ ગાંધીજીની
પ્રતિમાને
મેં પૂછ્યું :
‘સ્વતંત્ર ભારતમાં-
તમારો સાચો વારસ કોણ ?’
બાપુની પ્રતિમાએ આંગળી
ચીંધી
પાનવાળાના ગલ્લે દેખાતા
દર્પણ તરફ…

૩.
અકસ્માતથી નંદવાઈ
ગયેલા
દર્પણના પ્રત્યેક ટુકડામાં
મારો ચહેરો જોઈ
હું ચીસ પાડી ઊઠું છું
કે મારામાં
આટલા બધા હું !!!

૪.
જો દર્પણે ન બતાવ્યા હોત
દશરથને શ્વેત વાળ તો
રામને ગાદી સોંપવાનો
વિચાર
આવ્યો ન હોત
ને તેમને ન જવું પડ્યું
હોત વનમાં.

( પ્રીતમ લખલાણી )

ચિન્મય શાસ્ત્રી

1235025_634812679897042_1793002434_n

અમદાવાદના રહેવાસી યુવા કવિ ચિન્મય શાસ્ત્રીનો જન્મ 24 મે 1995ના રોજ બોરીવલી, મુંબઇમાં થયો હતો. (પિતા: તીલક શાસ્ત્રી, માતા: રીટા શાસ્ત્રી). તેમણે ધોરણ- 12 (Commerce) સુધીનો અભ્યાસ અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાંથી 2012માં પુરો કર્યો. ત્યારબાદ 2015માં એન.આર ઈન્સ્ટિટ્યુટ ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (GLS) અમદાવાદમાંથી B.B.A ની ડિગ્રી મેળવી. હાલ તેઓ આઇ.સી.એફ.એ.આઇ બિઝનેસ સ્કૂલ (IBS) મુંબઇ ખાતે M.B.Aનો અભ્યાસ કરી રહ્યા છે. 2011માં અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિસદમાં આયોજિત ‘ગઝલ લેખન શીબિર’ માં તેમણે ગઝલના બંધારણ વિશેની તાલીમ મેળવી અને 2012માં એમના કાકા કુમાર જૈમિનિ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ગઝલસર્જન આરંભ્યુ. અમદાવાદની બુધસભા અને બુધસભાના મિત્રોના સાંનિધ્યએ પણ તેમના સર્જનમાં અગત્યનો ભાગ ભજવેલ છે. 2013માં તેમની ગઝલ પ્રથમ વખત ગુજરાતી કવિતાનાં રુતુપત્ર ‘કવિલોક’ માં સ્થાન પામી. ત્યારબાદ તેમની રચનાઓ અન્ય સામાયિકો જેવા કે કવિતા, ગઝલવિશ્વ, શબ્દાલય,ધબક અને તમન્નામાં સ્થાન પામી.

મો. 7738962819
E-mail ID: chinmay455470@yahoo.com

બંદીવાન તડકો-મનીષા જોષી

વર્ષો જૂની એ ઈમારત પર
ઐતિહાસિક તડકો પથરાયેલો છે.
એ ઈમારત કોણે બંધાવી, શા માટે બંધાવી,
તેના સ્થાપત્યની શૈલી કઈ,
તે કંઈ જ જાણવામાં મને રસ નથી.
પણ આ તડકો આજે, હજી સુધી કેમ અહીં છે
તે વિચાર મને સતાવે છે.
રોજ તો આ સમયે
તડકો
આ ઈમારતના પેલા ખૂણા પાસેથી ઓસરી ગયો હોય છે.
આ સમયે એટલે કયા સમયે ?
મેં છેલ્લે ક્યારે જોયો હતો આ તડકો ?
હું ક્યારેય પણ ક્યાંયથી પણ
પાછી વળતી હોઉં ત્યારે
આ ઈમારત પાસેથી પસાર થતી વેળા
જરૂર જોતી
કે તેના કયા ખૂણે, કઈ બારીએ,
ભીંતના કયા વળાંકે,
ક્યારે, કેટલો તડકો પથરાયેલો હોય છે
અને ક્યાં તેનો પડછાયો હોય છે.
સમય તો ત્યારે હોતો જ નહીં.
સમય તો જાણે
મનના કોઈ ખૂણે કેદ.
હું ઓળખું માત્ર તડકાને.
તડકામાં ઝાંખા થઈ ગયેલા
આ ઈમારતના પથ્થરો,
એ પથ્થરોની તિરાડોમાં તડકાનું ભરાવું,
પથ્થરનું ખરવું, તડકાનું વેરાવું,
એ ઈમારતનું અહીં હોવું,
મારું અહીંથી પસાર થવું
આ તમામને એક અલિપ્ત અર્થ છે.
એટલે જ સ્તો,
આજે કેમ હજી સુધી અહીં છે આ તડકો ?
પડછાયાની આ કેવી નવી પ્રથા ?
શું મારા હાથમાંથી સરી રહી છે
સમય પરની સત્તા ?
પડછાયાના પ્રદેશમાં
એકલા અસહાય તડકાને
હું જોઈ રહી છું, બંદીવાન.

( મનીષા જોષી )

સમજીને-આબિદ ભટ્ટ

માણ, ક્ષણને, હજાર સમજીને,
જિંદગીને તુષાર સમજીને !

આકરી પાનખર, સકળ કાજે,
હું તો જીવ્યો બહાર સમજીને !

ભીંત છે તો જરૂર પડવાની,
કર મરામત દરાર સમજીને !

પ્રેમ પામ્યો વસંત ક્યારે ના,
તેં કર્યો વ્યવહાર સમજીને !

કર સહન વાયદા ખિલાફીને,
જુલ્મનો છે પ્રકાર સમજીને !

દર્દા મેં કેટલાંક પાળ્યાં છે,
દિલને મળશે કરાર સમજીને !

( આબિદ ભટ્ટ )

હિંડોળો-પ્રીતમ લખલાણી

૧.
એકાંતે ઝુકાવતો મને
હિંડોળો આપે છે
ખુદ અને ખુદાથી
વાત કરવાનો અવકાશ !

૨.
દોસ્તો ! નિરાંતે ક્યારેક
કાન દઈને સાંભળજો
હિંડોળાની કિચૂડ કિચૂડ વ્યથા
બસ, એ જ ઘડીએ
સમજાઈ જશે હિંડોળા જેવી
નારીજીવનની કથા !

૩.
સોપારી વેતરતો,
ડેલી, ફળિયું અને ઓસરીને
નીરખતો હિંડોળો,
સૂંઘતો હોય છે છીંકણીની જેમ
હર ક્ષણને.

૪.
સાચું કહું તો કોણ માનશે ?
આ હિંડોળા થકી જ
સાહિત્ય-સર્જનને મળે છે
સર્જક-કાફલો !

( પ્રીતમ લખલાણી )