પરોઢ કાવ્યો-અબ્દુલ ગફાર કાઝી

૧.
ભિખારણ વૃદ્ધ માજીના
વાટકામાં
મેં કડકડતી દસ રૂપિયાની
નવી નક્કોર નોટ જેવી
નાખી પરોઢ….

૨.
આકાશની હવેલીના
દ્વાર ખૂલતા
એક હૂર જેવી પરોઢ
ઊતરતી હતી
પંખીના ટહુકાના પગથિયેથી…

૩.
પરોઢે
ફૂલો પણ
સ્નાન કરે છે
ઝાકળની ગંગામાં…

૪.
પરોઢ પણ નૃત્ય કરે છે
આકાશના
ભવ્ય સ્ટેજ પર…

૪.
દૂધની જેમ
છલકાઈ ગઈ છે-
પરોઢ
ભરવારણના બોઘરણેથી….

૫.
ગમગીન આકાશના પોપચામાંથી
ખરે છે
પરોઢના આંસુ….

૬.
પરોઢનાં તોફાની બાળકો…
કાંકરા નાખતા ગયા ને
તરંગો થતા ગયા
આકાશના શાંત તળાવમાં….

૭.
પરોઢનાં ઘેટાં
લઈને દૂર દૂર
નીકળી જાય છે
સૂરજ નામનો ભરવાડ…

૮.
હનુમાનજીની જેમ
આકાશ પણ
છાતી ચીરીને દેખાડે છે
રામજી જેવી પરોઢ…

૯.
જુદા જુદા એંગલથી લેવાયેલી
મેં પરોઢની તસવીરો
એક પછી એક જોઈ
આકાશના આલ્બમમાં…

( અબ્દુલ ગફાર કાઝી )

આ ક્ષણે-રાકેશ હાંસલિયા

મારે
નથી જાણવો
સૂર્યનો ઈતિહાસ
કે
નથી સમજવું
પ્રકાશનું વિજ્ઞાન
કે
નથી માંડવું
કિરણોનું ગણિત
આ ક્ષણો
તો બસ
બે-ઘડી ઊભવું છે
પરોઢના
હુંફાળા તડકામાં !!

( રાકેશ હાંસલિયા )

ચોર પગલે-પરેશ સોલંકી

મારી અંદર બેખબર “હું” લાંગરે છે, ચોર પગલે,
જાણું પીછાણું હજી ત્યાં પાંગરે છે, ચોર પગલે.

મેં ઉતારી વસ્ત્રને ખુલ્લી કરીને જોઈ લીધી,
જાત સાલ્લી આયનાને છાવરે છે, ચોર પગલે.

છેક જાગ્યો છું હજી છેલ્લા પ્રહરમાં ઊંઘમાંથી,
કાળ તો ભવની પથારી પાથરે છે, ચોર પગલે.

ધાબળી ઓઢીને ભગવી નીકળ્યો ને કામળીમાં,
ભૂત ઈચ્છાનું તરંગી ભાંભરે છે, ચોર પગલે.

એક-બે ટહુકા મૂકીને ઊડી ગયું છે, ચોર પગલે,
ઝાડને પંખી ફરીથી સાંભરે છે, ચોર પગલે.

( પરેશ સોલંકી )

મને નિરખતા-પ્રીતમ લખલાણી

વૈશાખની
વહેલી સવારે
ઝાકળને ઝુલાવતી ડાળે
સ્વપ્ન ચૂંટતી મોગરાની કળીને જોવા
દોડતો હાંફતો
બારીએ આવીને ઊભો
પણ અચાનક
આકાશમાં ઊડતી સમડીને જોવા
ઊંચી થયેલ મારી પાંપણને જોઈ
ટગલી ડાળે બેઠેલા
કાગડા સાથે
ગૂફતેગુ કરતો ગુલમહોર
ઝીણી નજરે મને નિરખતો
હિલોળા લેતા પવન સંગે
ખિલખિલાટ હસતો
ખેરવવા માંડ્યો એક પછી એક
લાલ ચટક ફૂલોને…

( પ્રીતમ લખલાણી )

અર્થ શો ?-આબિદ ભટ્ટ

વૃક્ષને તું વૃક્ષ છે ? એ પૂછવાનો અર્થ શો ?
વાત એની એ જ હો તો ચૂંથવાનો અર્થ શો ?

ફૂલ અરસા બાદ તમને ડાયરીમાંથી મળે,
સાચવીને, હાથમાં લઈ સૂંઘવાનો અર્થ શો ?

આચરણ ગમતું નથી, અણમોલ એના શબ્દનું,
તો પછી એના દરે જઈ ઝૂકવાનો અર્થ શો ?

તું કહે છે કે હજી તરસ્યો અને તરસ્યો જ છું,
જળ ભરેલા પાત્રમાં જળ ખૂટવાનો અર્થ શો ?

તેજ તો મળતું હતું ને દૂરથી તો દૂરથી,
કોઈનો દીવો સળગતો ફૂંકવાનો અર્થ શો ?

થડ થવાનો અર્થ છે’ કે ભાર પણ ખમવો પડે,
બીજમાંથી એક ફણગો ફૂટવાનો અર્થ શો ?

( આબિદ ભટ્ટ )

પ્રભુ-ચિરાગ ઝા ‘ઝાઝી’

દુ:ખ દૂર કરવું આપની સ્ટાઈલ છે પ્રભુ,
મારી સુદામા જેવી પ્રોફાઈલ છે પ્રભુ.

કૈકય બની ઈચ્છા ફરી માંગે વચન,
ને મંથરા કળિયુગમાં મોબાઈલ છે પ્રભુ.

શું નેટ ? ને શેનું ડિજિટલ ગોરધન !!!
મારી બગલમાં કામની ફાઈલ છે પ્રભુ.

મોતી પરોવે પાનબાઈ ફ્લેશમાં,
ઝળહળ થયું અંધારું, એ સ્માઈલ છે પ્રભુ.

દાસી થકી જે વંશમાં આવી પડ્યો,
પુત્ર એ વિદુર જેવો ક્યાં ઈસ્માઈલ છે પ્રભુ.

તારો સમય, તારો ઈચ્છા, તારું જે જગ,
ઝાઝી જગતમાં ફોર એ વ્હાઈલ છે પ્રભુ.

( ચિરાગ ઝા ‘ઝાઝી’ )

મળી જાશે-હરકિસન જોષી

કોઈ ટહુકો, કોઈ પીંછું, ગઝલમાંથી મળી જાશે !
સમયના સાત દરિયા એક પલમાંથી મળી જાશે !

કિનારે રેતમાં બેસીને શૈશવ જે રમી ગયા છો;
ઝબોળીને પગ જરા ઉતરો તો જલમાંથી મળી જાશે !

બહુરત્ના ધરા છે તો અનુભવમાં ન હો તેવો
કોઈ એકલ ને એકાકી સર્કલમાંથી મળી જાશે !

લખાતી આવી છે સદીઓથી હાથોહાથ પોથીઓ
અસલના જેવી સમજણ આ નકલમાંથી મળી જાશે !

પુરાયો રાતભર લાગે છે રેશમિયા તિમિર ઘરમાં’;
પ્રભાતે આ ભ્રમર જો જો કમલમાંથી મળી જાશે !

( હરકિસન જોષી )

ફોડતો રાખ્યો-આહમદ મકરાણી

જીવનની રાહમાં કાયમ મને તેં દોડતો રાખ્યો;
ન ઊતરું ક્રોસથી એવી રીતે તેં ખોડતો રાખ્યો.

મને આ શહેર આખું ઓળખીતું કેમ લાગે છે ?
બનાવી પોસ્ટરો હર ભીંત પર તેં ચોડતો રાખ્યો.

રહું જોઈ ગગનને એકાદિ ફણગાઈને આખર;
નરમ હાથે ધરામાં બીજ માફક ગોડતો રાખ્યો.

રહે નીકળી કદાચિત તો નસીબે પાન મારુંયે;
નસીબોના તરુ પરથી પરણ તેં તોડતો રાખ્યો.

વીતેલા એ સમયનો રથ ઝડપથી ચાલતો રહ્યો;
ટચાકા આંગળીના પણ મને તેં ફોડતો રાખ્યો.

( આહમદ મકરાણી )

એક મીણબત્તી જરા સળગી-મનોજ્ઞા દેસાઈ

એક મીણબત્તી જરા સળગી અને બુઝાઈ ગઈ,
એમ તારી વાત મારી વાતમાં ખોવાઈ ગઈ.

પથ્થરોમાં જે લખાયા એ શિલાલેખો બન્યા,
નામ શું આપું સ્થળે જ્યાં યાદ તુજ કોરાઈ ગઈ.

ત્યાં ગઝલ એ બહાર આવી હોઠેથી શબ્દોરૂપે,
એક તીણી ચીસ જ્યારે ભીતરે ધરબાઈ ગઈ.

સાચવીને જાળવીને મેં મને રાખી છતાં,
કણકણ બનીને અસ્મિતા મારી જ ત્યાં વેરાઈ ગઈ.

સૂર્યકિરણો સહેજ અડકી ખીલવે કળીને સદા,
પણ કળીનો વાંક શો જ્યાં સવારો કરમાઈ ગઈ.

( મનોજ્ઞા દેસાઈ )

પ્રશ્ન થાય છે-નીતા રામૈયા

સૂર્યોદય કે સૂર્યાસ્ત જોઈને
આશ્ચર્ય પામીએ
એવાં આપણે રહ્યાં નથી
તારાખચિત આકાશ
વરસાદની ઝરમર
કે સાંજુકના
દોસ્તના ખભા ઉપર હાથ રાખીને
દરિયાના પાણીમાં
પગ ઝબોળવાના દિવસોથી
ઘણાં દૂર નીકળી ગયાં છીએ

હવે તો
જિંદગી જોઈએ જિંદગી
ગીતડાં કવિતડાં લયનાં ગૂંચળાં
ને કલ્પનોનાં ફીંડલાંનો
ટીંબો કરીને
આગ ચાંપવી સારી

કશું જ
નિપજાવી ન શકે
એવી સફાઈદાર કે ભભકભરી
પંક્તિઓનો ગંજ
ખટારામાં ભરી
દરિયામાં ક્યારે પધરાવશું

એકવાર તો
અંધારપટ છવાય કે વીજળી ત્રાટકે
સાકરની ચાસણીમાં ઝબોળાયેલ
જલેબીનાં ગૂંચળાં જેવાં
લયબદ્ધ આવર્તનો ઉપર

પ્રશ્ન થાય છે કે
કવિતાનો પૂંછડિયો તારો
શબ્દાકાશમાં ક્યારે ઘૂમરાશે

( નીતા રામૈયા )