સહેજે-સિકંદર મુલતાની

સહેજે ઝાંખી તો ના મશાલ થઈ,
કેમ ટોળાની આંખો લાલ થઈ ?

ડામવા એ મથ્યો હતો અફવા,
ઘેર એના જ કાં ધમાલ થઈ ?

રક્ત કોનું વહ્યું હતું અહીંયા ?
ઘર-મહોલ્લાની રજ ગુલાલ થઈ !

કો’ચૂભ્યું શૂળ જેમ તો ન હતું,
કૈંક ડાળો છતાં હલાલ થઈ ?

તશ્કરીમાં ગઝલ હતી ચોરાઈ,
એમાં તો કેટલી બબાલ થઈ !

ઉમ્રભર શોધતા રહો ઉત્તર,
બેબસોની નજર સવાલ થઈ !

લે, ‘સિકંદર’ની કોણ ખૈર-ખબર,
છે અજાણી બધે ટપાલ થઈ.

( સિકંદર મુલતાની )

તાર તાર-હરકિસન જોષી

ખખડતા હોય દ્વાર, એમ કેમ લાગે છે ?
હવાને હોય ધાર, એમ કેમ લાગે છે ?

પડે ન રાત, ન તો નિંદરા, ન સપનાઓ;
સવાર ને સવાર, એમ કેમ લાગે છે ?

ફરીને જોઈ લીધું, ચોતરફ દીવાલો છે;
જવાય આરપાર, એમ કેમ લાગે છે ?

વણેલું હોય ઘટ્ટ વસ્ત્ર જેવું વિશ્વ યદિ,
બધેથી તાર તાર, એમ કેમ લાગે છે ?

કદી તું મુજથી અલગ હોય નહીં સાહેબ તો;
સદા હો ઈંતજાર, એમ કેમ લાગે છે ?

સમાતો હો તું અગર મુઠ્ઠી સમા હૈયામાં,
પરમ હો પારાવાર, એમ કેમ લાગે છે ?

( હરકિસન જોષી )

ખોવાયું છે-જિતેન્દ્ર પ્રજાપતિ

લીલોતરીથી લથપથ આંગણ ખોવાયું છે,
મારા ઘરમાં મારું સગપણ ખોવાયું છે.

હા, ખોવાયું છે સંભારણ ખોવાયું છે,
બા-બાપુજી તેમ જ બચપણ ખોવાયું છે.

આ ફ્લેટ તળે દાટ્યો નથી ને કોઈ ચબૂતરાને ?
પંખીથી આજે એનું ચણ ખોવાયું છે.

મળી જાય જો ક્યાંક તો અમને કહેજો મિત્રો,
ઈચ્છાઓથી એનું ઘડપણ ખોવાયું છે.

હસવાનું ભૂલીને એ કેમ રડ્યા કરે છે ?
આંખોથી એનું બંધારણ ખોવાયું છે ?

અમથા અમથા મળી આપણે શું કરશું અહીં,
મળવા માટે હતું એ કારણ ખોવાયું છે.

ચાલ હવે ઓ જીવ અહીંથી ચાલ્યા જઈએ,
મારાથી શ્વાસોનું ઈંધણ ખોવાયું છે !

( જિતેન્દ્ર પ્રજાપતિ )

શરણાઈ-રાધિકા પટેલ

મારી હથેળીને જ્યારે
તારો સ્પર્શ થયેલો ત્યારે એમાં
મહેંદી જેવું કંઈક ઊપસી આવેલું…!
આખા શરીરમાં ઝણઝણાટી થઈ;
જાણે પીઠી ચોળાઈ રહી હોય એમ…!
તેં બે હાથ પહોળા કરી મને બોલાવી-ત્યારે હું દોડી આવી
અને પહેરી લીધો તને વરમાળાની જેમ…!
આપણી વચ્ચેનો શ્વાસોછવાસ શરણાયું વગાડતો રહ્યો…!
તારા પહોળા ખભાનું પાનેતર ઓઢેલું.
તારી આંગળીઓ ફરકતી રહી…મારી છાતી પર;
મંગળસૂત્રની જેમ…!
અને અંતમાં
તેં મારા માથા પર કરેલા હળવા ચુંબનથી-
સેંથો ક્યારે ભરાઈ ગયો-ખબર જ ના પડી…!
શું તને ખબર છે આપણે….

( રાધિકા પટેલ )

હવે…-જગદીશ ગૂર્જર

ભેજ નજરોનો બધો ઓગાળશે હવે,
છીછરા જળમાં જ એ ડુબાડશે હવે.

એ વિડમ્બના પરાકાષ્ઠા થઈ જશે,
સર્વ સ્થાપિત સત્યને ઊથલાવશે હવે.

આભને આશ્લેષમાં લઈ નીતરી જશે,
ચંદ્રની ભીની નજરથી ઠારશે હવે.

રેતના દરિયામાં તરવાનું મને કહી,
આકરા ઉન્માદમાં સપડાવશે હવે.

હણહણી ઊઠે સમય સઘળા પ્રહાર વિશે,
રક્તમાં તોખારને અવતારશે હવે.

( જગદીશ ગૂર્જર )

કાંકરીચાળો-તુરાબ હમદમ

એક ચકલીએ અહીં માળો કર્યો,
ને જીવનનો અર્થ હુંફાળો કર્યો.

બાદબાકી તો બધાની થાય છે,
એમ સમજીને મેં સરવાળો કર્યો.

તાજગીનો થઈ ગયો દુષ્કાળ તો,
ફૂલ પાસેથી અમે ફાળો કર્યો.

લાગણીનું ઘર પડી પાદર થયું,
આમ કોણે કાંકરીચાળો કર્યો.

મન જરા મેલું થયું હમદમ અને,
આપણા આ હાથને કાળો કર્યો.

( તુરાબ હમદમ )

હવે-સોનલ પરીખ

હોય,
ઘણું બધું
અધૂરું પણ હોય-
પણ એનું અધૂરાપણું ન હોય
એ અવસ્થાએ
હવે ઊભા રહેવું છે મારે.

નથી રાખવી
કશું પૂરતું કે અપૂરતું
તે નક્કી કરવાની ઉપાધિ,
નથી મારવા
સ્વીકાર કે અસ્વીકારના થપ્પા
નથી જોઈતી હવે
ઈચ્છાઓની, અપેક્ષાઓની કેદ.

જોઈએ-ન જોઈએ ના
યુદ્ધમાંથી મુક્ત
રહું હું
લિપ્ત છતાંય અલિપ્ત
લીન છતાંય લુપ્ત.

જિંદગી,
આને શું કહેવાય-
તારા પરનો પ્રેમ ?

તે પણ
તું જ નક્કી કર હવે.

( સોનલ પરીખ )

આજની રાત-રાકેશ હાંસલિયા

શહેરની
શેરીમાં વસતા
શ્વાનો !
રાત્રિરુદન તમારું
બંધ રાખજો
આજની રાત…
કે
થાકી-પાકી
ફૂટપાથના પાથરણે,
આકાશ ઓઢી,
ઊંઘી રહેલા
‘બે-ઘર’ લોકોનું
ઘર વિશેનું
સ્વપ્ન
ક્યાંક
તૂટી ન જાય
આજની રાત…!

( રાકેશ હાંસલિયા )

મીરાંબાઈ-મહેશ શાહ

તંબૂર લઈને મીરાં નીકળી
શ્યામ તમારી રાહે,
લોક ભલેને કહે બ્હાવરી
મીરાંને મન ચાહે.

મુખમાં નામ સદાય સાંવરો,
તનના તાર સજાવે,
કંઠે લાવે હૃદય કૃષ્ણ ને
સુપણે રોજ બોલાવે,
ઓઢી શ્યામ મલીર નીકળી
શ્યામ તમારી રાહે.

બને આંખનો વિષય સાંવરો
મંદ મંદ મુસકાયે
તિરછી ચિતવન મોરમુગટ ને
બંસી અધર બજાવે,
તજી સાર-સંસાર નીકળી
શ્યામ તમારી રાહે.

ઊંટ-સવારી જેવો હાલમડોલ
છે આ સંસાર,
કરે પ્રાણ પ્રિય સાંવરિયો
મુજ વિનતિનો સ્વીકાર
મીરાં એ જ આધાર નીકળી
શ્યામ તમારી રાહે.

( મહેશ શાહ )

ગણીને એકેએક-દિવ્યા સોની “દિવ્યતા”

ગણીને એકેએક સપનાઓ, એ સાત ચૂમે,
શબ્દ જ્યારથી મળ્યો છે, ઈચ્છાઓ આભ ચૂમે !

નહીં જ લખું, ના નહિ હું તારી મારી વાતો;
બસ મારુ રૂદિયું જ, એ મીઠો સંવાદ ચૂમે !

ભરપૂર ચોમાસે જે રહી જાય છે કોરાકટ્ટ,
એમનેય નેહ નીતરતી આંખોનો વરસાદ ચૂમે !

જેણે હિંમત રાખી, છે હજારો હાર માપી,
અંતે અવશ્ય એ, જીતનો રસાસ્વાદ ચૂમે !

બાહ્ય દુનિયા સાથે, સાંકળી મનની વાત,
મારી ગઝલો આનંદનો આહલાદ ચૂમે !

ગળે લગાવું છું દરેક પીડા એવી જ રીતે,
જેમ શ્રી નરસિંહની કૃપા, પ્રહલાદ ચૂમે !

( દિવ્યા સોની “દિવ્યતા” )