એક આખી જિંદગીનો-મુકુલ ચોકસી

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,

આ ખાલી જામનું ય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,

પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતાં નથી,

અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,

નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,

બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.


( મુકુલ ચોકસી )

સૂનું સ્ટેશન-વસંત અબાજી ડહાકે

ખડક જેવો દેખાતો અચળ,

મહાકાય કાચબો હલવા માંડે

તેમ ગાડી ચાલી અને અચાનક

એને સેંકડો હાથ ફૂટ્યા,

જેમાં સચવાયેલો પ્રેમનો તરફરાટ

પ્લેટફોર્મ પર હલતા હાથોને

સ્પર્શ કરવા માંગતો, આતુર.

મેં હળવેકથી મારો હાથ છોડાવ્યો

અને અસહાય ઊભો રહ્યો,

એને ગાડીને સ્વાધીન કરી,

ત્યારે મારો હાથ પણ હલતો હતો.

દેહથી વિખૂટા પડેલા તરફડતા માથા જેવો.

પછી પ્લેટફોર્મ બોલતું હતું અસંબધ્ધ વાક્યો,

આવનારી-જનારી ગાડીઓની માહિતીના.

જો કે મારે માટે તો બહારનું શહેર પણ હતું

સાવ ઉદાસ,

રસ્તાઓ હતા પણ એ પાછા વળવા માટે નહોતા.

( વસંત અબાજી ડહાકે )

હાથ સામે હાથ નહીં-ચંદ્રકાંત શેઠ

હાથ સામે હાથ નહીં;

હાથ સાથે હાથ,

હાથમાં જ હાથ : એ જ સ્નેહ!

આંખ સામે આંખ નહીં;

આંખ સાથે આંખ,

આંખમાં જ આંખ : એ જ સ્નેહ!

દેહ સામે દેહ નહીં;

દેહ સાથે દેહ,

દેહમાં જ દેહ : એ જ સ્નેહ!

સૂર સામે સૂર નહીં;

સૂર સાથે સૂર,

સૂરમાં જ સૂર : એ જ સ્નેહ!

મન સામે મન નહીં;

મન સાથે મન,

મનમાં જ મન : એ જ સ્નેહ!

તું સામે હું નહીં;

તું સાથે હું,

તું મહીં જ હું : એ જ સ્નેહ!

( ચંદ્રકાંત શેઠ )

તાજા ગુલાબનું ફૂલ-એસ. એસ. રાહી

વહેલી સવારે બગીચામાં

એક યુવાન પ્રેમીને તેની પ્રેમિકાને

આપવા માટે

તાજા ગુલાબનું ફૂલ તોડતો

જોઉં છું ત્યારે

હું ચૂપ નથી બેસતો.

હું તેને તેમ કરતાં જરૂર રોકું છું

કારણ…?

એક ગરીબ પિતા

તેની ઝૂંપડીની બહાર

તેનાં કુમળાં બાળકોને સોટીથી

મારતો જોઉં છું ત્યારે

હું તેને તેમ કરતાં ચોક્કસ અટકાવું છું

કારણ…?

લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતો

એક વૃધ્ધ

રસ્તો ક્રોસ કરવા માટે

આજુબાજુ જુએ છે

હું તેની પાસે પહોંચી જાઉં છું અને

તેને હું મારા હાથનો ટેકો આપી

રસ્તો ક્રોસ કરાવું છું.

કારણ…?

સિટી બસ ચિક્કાર ભરેલી છે

એક બસ સ્ટેન્ડ પાસે એક યુવતી

તેના સાવ નાના બાળકને લઈને

બસમાં ચઢે છે

બેસવાની જ્ગ્યા માટે તે આમતેમ

જુએ છે

ત્યારે હું તેને મારી સીટ ખાલી

કરી આપું છું અને તેને ત્યાં

બેસવા કહું છું.

કારણ…?

કારણ કે જ્યારે આવું કશુંક બને છે

ત્યારે મારામાં સૂતેલો બાળક સફાળો

જાગી ઊઠે છે…


( એસ. એસ. રાહી )