Category Archives: કવિતા-સમગ્ર

કાંઈ પણ વાંધો નથી-મઘુમતી મહેતા

આ જગતની જાતરામાં કાંઈ પણ વાંધો નથી,

તે લખી તે વારતામાં કાંઈ પણ વાંધો નથી.

.

આંખ મીંચી ચાલવામાં મસ્તી, પણ જોખમ ખરું,

એમ લાગે, આપણામાં કાંઈ પણ વાંધો નથી.

.

જો પ્રયાસોના ગુબારા આભ આંબી ના શકે,

દોર એનો કાપવામાં કાંઈ પણ વાંધો નથી.

.

સ્વપ્નમાં નહીં આંખ સામે એક પળભર આવ તો,

જિંદગીભર જાણવામાં કાંઈ પણ વાંધો નથી.

.

કેફ કાયમ હોય ના-એ સત્યને સમજી પછી,

ઘૂંટ બે-ત્રણ માણવામાં કાંઈ પણ વાંધો નથી.

.

આપની પરછાઈ મોટી આપથી જો થાય તો,

દીપને સંતાડવામાં કાંઈ પણ વાંધો નથી.

.

( મઘુમતી મહેતા )

અપના ધૂણા અપના ધૂવાં-લલિત ત્રિવેદી

અપના કરગઠીયાં ને છાણાં…અપના ધૂણા અપના ધૂવાં,

દીધા ચેતવી દાણેદાણા… અપના ધૂણા અપના ધૂવાં.

.

સમિધ થઈ ગ્યા તાણાવાણા… અપના ધૂણા અપના ધૂવાં,

ચેતી ગયા’ ટાણા ને વ્હાણા… અપના ધૂણા અપના ધૂવાં.

.

ઘરમાં જેમ ફરે ધૂપદાન…એમ કોડિયે ઠરે તૂફાન…

એમ ઓરડા થઈ ગયા રાણા… અપના ધૂણા અપના ધૂવાં..

.

આંખ વાખ અરુ સાખ ચેતવી…અંત અરુ શરૂઆત ચેતવી…

ઝગવી દીધા દાણેદાણા… અપના ધૂણા અપના ધૂવાં.

.

એક ચીપિયો ઐસા દાગા…ભરમ હો ગયા ડાઘા…વાઘા…

ખાણાના ખૂલ ગયા ઉખાણા… અપના ધૂણા અપના ધૂવાં..

.

એક નજર ને શક ને હૂણા, એક પલક ને ધખ ધખ ખૂણા,

ધૂવાં કર દિયા ઠામ ઠિકાણા… અપના ધૂણા અપના ધૂવાં.

.

આભ સોસરું ત્રિશૂળ ખોળ્યું …નાભ સોસરું જળમૂલ ખોલ્યું,

ઔર ધૂવાંમાં થાપ્યાં થાણાં… અપના ધૂણા અપના ધૂવાં.

.

( લલિત ત્રિવેદી )

જાણી જો-સંજુ વાળા

નદીનું નામ લઈ જળજોગ જાણી જો,

સપરમી પળ મળી છે તો પ્રમાણી જો.

.

સમય તું સાચવે, પાળે વચન કિન્તુ,

થવાની હોય ત્યાંથી પણ કમાણી જો.

.

પ્રથમ ચશ્માંના લેન્સીસ સાફ કર બંધુ,

પછીથી ગંધ જો, ને રાતરાણી જો.

.

અહીં છે ઊગવું, આથમવું સઘળું એક,

સમય શું ચીજ છે એ પણ પિછાણી જો.

.

ઋતુઓનો કશોએ અર્થ ક્યાં સરતો ?

નથી થાતી અવસ્થાની ઉજાણી જો.

.

ઘણું એ આપમેળે લયમાં આવી જાય,

પ્રમાણી હોય રસભર આદ્ર્રવાણી જો.

.

જરા ખંખેરી નાખું ખેસથી ખેપટ,

પછી તું ભાત, રંગો, પોત, પાણી જો.

.

બચે તો માત્ર એક જ શબ્દ બચવાનો,

બધુંએ થઈ જવાનું ધૂળધાણી જો.

.

( સંજુ વાળા )

વર્ષો પછી પ્રેમિકાને મળતાં…-અનીલ ચાવડા

ઓળખ્યોને હું કોણ છું ?

પાપણ પર ઝૂલતો’તો, તમને કબૂલતો’તો, આભ જેમ ખૂલતો’તો એ જ હું

ઓળખ્યોને હું કોણ છું ?

.

ચોપડીનાં પાનાંમાં સુક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું’તું કોણ ?

તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું’તું કોણ ?

કળીની જેમ ફૂટતો’તો, તમને ઘૂંટતો’તો, તોય સ્હેજ ખૂટતો’તો એ જ હું

ઓળખ્યોને હું કોણ છું ?

.

લાગતો’તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો’તો થઈને વરસાદ

સુક્કાભટ ખેતરમાં ત્યારબાદ ખીલ્યો’તો મોલ ખૂબ આવ્યું કંઈ યાદ ?

યાદ ન’તો રહેતો જે આંસુ થઈ વહેતો જે તોય કંઈક કહેતો જે, એ જ હું.

ઓળખ્યોને હું કોણ છું ?

.

( અનીલ ચાવડા )

હે પરમ તેજ પરમાત્મા-ભગવતીકુમાર શર્મા

હે પરમ તેજ પરમાત્મા!

મને આવી મળોને સામા,

પ્રત્યક્ષ નહીં તો, પરોઢનાં સપનામાં…

.

મેં લખ્યા કેટલા કાગળ

પ્રોઈને આંખનું કાજળ,

ઉત્તર ઝંખું છું પળ-પળ,

પછી થયું એ ભાન

કે ખોટાં લખ્યાં હતાં સરનામાં…

.

મને દ્યો ને તમારું તેજ,

ઝળહળતું નહીં તો સ્હેજ,

હું માંગું એટલું એ જ,

તમે સૂર્યના સર્જક

રહેજો સતત મારી રટણામાં…!

.

હે પરમ તેજ પરમાત્મા !

.

( ભગવતીકુમાર શર્મા )

શેઢે બેઠો છે કિરતાલ-કિશોર બારોટ

શેઢે બેઠો છે કિરતાલ.

મારી સાથે મહેનત કરતો, જાણે ભાગીદાર.

શેઢે બેઠો છે કિરતાલ.

.

હું ખેતર ખેડું, તે માથે મેઘ થઈને વરસે.

મેં વાવેલા દાણે દાણે હેત હૂંફાળું સ્પર્શે.

ક્યારે ક્યારે લીલાપ થઈ છલકાતો પારાવાર.

શેઢે બેઠો છે કિરતાલ.

.

નીંદામણ હું કરી, ચાડિયો થઈ, રખોપું કરતો.

ડૂંડે સાચાં મોતીનું તે ભરત રૂપાળું ભરતો.

છૂપો રહીને તે ચીવટથી કરતો કારોબાર.
શેઢે બેઠો છે કિરતાલ.

.

મારી મહેનત થઈ ફોતરાં પવન મહીં ફેંકાતી.

અને ખળામાં તેની વ્હાલપ ઢગલો થઈ ઠલવાતી.

ભાગ ન માગે ને યશ આપે આ કેવો વહેવાર ?

શેઢે બેઠો છે કિરતાલ.

.

( કિશોર બારોટ )

જેવો નથી-સુરેન્દ્ર કડીયા

સોયના અણીયાળ જળમાં બોળવા જેવો નથી,

એક પરપોટો ખરેખર ફોડવા જેવો નથી.

.

શક્ય છે કે ક્ષણ મહીં મારું તખલ્લુસ ઓગળે,

કે મને ક્ષણનાં ભરોસે છોડવા જેવો નથી.

.

જોતજોતામાં જ ઘર ઘરમાંથી નીકળી જઈ શકે,

કોઈ રસ્તો ઘરની સાથે જોડવા જેવો નથી.

.

આજે એણે શબ્દનું બખ્તર ઠઠારી લીધું છે,

રામ ! આજે રણમાં રાવણ રોળવા જેવો નથી.

.

ક્યાંય ભીતર-બહાર પડઘાતું નથી વાતાવરણ,

ક્યાંય કલરવના કળશને ઢોળવા જેવો નથી.

.

( સુરેન્દ્ર કડીયા )

હાઈકુ-ધનસુખલાલ પારેખ

રંગફુવારો

છલકે, પતંગિયાં

રંગબેરંગી.

.

આભઝરૂખે

શરમાઈને બેઠો

બીજનો ચંદ્ર.

.

સૂર્યકિરણ

નદીમાં પડી, કરે

છબછબિયાં.

.

ખભે કુહાડી

કઠિયારાને જોતાં

રડતું ઝાડ.

.

કઠિયારાને

આવતો જોતાં, ઊડી

ગયા ટહુકા.

.

પરોઢે બોલે

કૂકડો, આંખો ખોલે

સૂરજદાદા.

.

અનરાધાર

વર્ષા, ખીલતું ભીના

વાને જંગલ.

.

ભરઉનાળે

વાદળનો છાંયડો

શોધે સૂરજ.

.

વળાવી જાન

ઘરમાં બધે ફરી

વળી ઉદાસી.

.

કન્યાવિદાય

કોયલનો ટહુકો

થયો પારકો.

.

ડાહ્યો દીકરો

બાપાને પગે લાગે

ઘરડાંઘરે.

.

ઉપર આભ

નીચે ધરતી, સૂતો

ટૂંટીયું વાળી.

.

કચરો કાઢી

સાવરણી હમેશાં

પાળતી ખૂણો !

.

( ધનસુખલાલ પારેખ )

જાણે હવાને-સુરેન્દ્ર કડીયા

જાણે હવાને બાથમાં જકડી, ઝીણી કરી,

માંડી અગમની વાત મને પંખિણી કરી.

.

હું તો અતિશે સ્થિર સરોવરનું જળ હતી,

એણે કરી કરી પરશ તરંગિણી કરી.

.

મારે તો પાંચ ટેરવાં જ જીતવા હતાં,

સેના શબદની તોય મેં અક્ષૌહિણી કરી.

.

હું તો વિખેરી જાતને વેરાઈ પણ ગઈ,

કોણે ઊભી કરી મને વીણી વીણી કરી !

.

રાધા થવાના ઓરતા તો ઓરતા રહ્યા,

કહી દે કનાઈ ! કેમ મને રુકિમણી કરી !

.

( સુરેન્દ્ર કડીયા )

નીંદર ઊડી ગઈ છે-જીગર જોશી ‘પ્રેમ’

જીવન છે દરિયો ઘૂઘવતો ને મારી જળથી નીંદર ઊડી ગઈ છે,

આ હમણાં હમણાંની વાત ક્યાં છે પ્રથમથી નીંદર ઊડી ગઈ છે.

.

તમારા હોઠો ભીના હો મારા જીવનની બસ એટલી બીના હો,

હૃદયના કોરા ખૂણે ઊછરતી તરસથી નીંદર ઊડી ગઈ છે.

.

ઉજાગરાઓ હસી રહ્યા છે આ મારી આંખોની અવદશા પર,

યુગો યુગોનો છે થાક ભીતર ઉપરથી નીંદર ઊડી ગઈ છે.

.

અરણ્ય આખું ઊભું છે ગુપચુપ; ગગન પર ઝળૂંબે મૂંગું,

શિકારીની પણ આ સાચા-બોલા હરણથી નીંદર ઊડી ગઈ છે.

.

આ રાત શું છે ? શું છે આ સપનાં ? ખરું કહું તો નથી ખબર કંઈ,

‘જીગર’ ખરેખર બહુ જ નાની ઉંમરથી નીંદર ઊડી ગઈ છે.

.

( જીગર જોશી ‘પ્રેમ’ )