આવ તું – સંદીપ ભાટિયા

રૂનાં પૂમડાંનું દીધું આયખું

અત્તર થઈને કે પાણી થઈને કે

તણખો થઈને તને આવવું હોય એમ આવ તું

.

મારે તાંતણે તાંતણે તેં સીંચી તરસ

હવે ચૈતરનો તડકો થઈને ના વરસ

.

સદીઓથી મૌન મારી ઝંખનામાં ભળ,

મને ભેટ, આમ આઘે આઘેથી ન બોલાવ તું

.

મને પીંજ, મને કાંત મને તારતર કર

મારા જીંડવાપણાનો સ્વામી સ્વીકાર કર

.

ચકલીની જેમ મને ચાંચમાં તું લે, તારા

માળામાં ગોઠવ, ન વાયરાની સંગે વહાવ તું

>

( સંદીપ ભાટિયા )

 

માંજવાનું હોય છે – તુરાબ ‘હમદમ’

જે થવાનું હોય છે એ તો થવાનું હોય છે

સંકેતમાં સમજી જવાનું હોય છે.

 .

આપણી દ્રષ્ટિની ખામી હોય છે

નામ કેવળ ઝાંઝવાનું હોય છે.

 .

અંજળ-પાણી આપણાં ખૂટી ગયાં

મોત તો કેવળ બહાનું હોય છે.

 .

સાફસૂથરું લાગશે જીવન પછી

મનને થોડું માંજવાનું હોય છે.

 .

ભેદ ઉપરથી નથી મળતો કદિ

તળિયે જઈને તાગવાનું હોય છે.

 .

દોડો, સફળતા હાથવેંતમાં હશે

જે તરફ આ રૂખ હવાનું હોય છે.

 .

‘હમદમ’ કવિતા જો કદિ રૂઠે જરા

રાત આખી જાગવાનું હોય છે.

 .

( તુરાબ ‘હમદમ’ )

બે-ત્રણ ડગલાં – ધ્રુવ ભટ્ટ

.

કારણ વિના હાથ તમારો ધરી હાથમાં ભીની ભીની રેતી ઉપર બે-ત્રણ ડગલાં ચાલ્યા તે દિ

સરકાવી લઇ હથેળીઓની રેખા કાંઠે વેરી દઇને તમે અમારા આવ્યા દરિયા ખાળ્યા તે દિ

.

થઇ શકતી’તી વાત કે જેમાં સૂરજને અવઢવ જાગે કે ડૂબી જાઉં કે ઊભો રહી જઉં

પળ થોભીને જોઉં જરા કે આ બે જણમાં ક્યાંક જરી અવકાશ મળે કે હેય ઠરીને સૂતો થઈ જઉં ત્યાં

જન્મેલા સઘળા શબ્દો તમે અમારા અવકાશોમાં ફંગોળી દઇ વગર બોલતાં ચાલ્યા તે દિ

 સરકાવી લઇ હથેળીઓની રેખા કાંઠે વેરી દઇને તમે અમારા આવ્યા દરિયા ખાળ્યા તે દિ

 .

કોઈ ગ્રંથને ખબર નથી કે સામે સૂરજ અને આભની નીચે સમદર રેત આપણે બેય એટલે શું

ને એમાં તું આંખ વચાળે જરાતરા વંચાય સુધીમાં ભૂંસી નાખતી પાંપણ ઢાળી બેસ એટલે શું

બોલ હવે શીખવાડ કે એવા કેમ ચિતરવા કેમ પાડવા દરિયાના તળ જેવા આપણ પાડ્યા તે દિ

સરકાવી લઇ હથેળીઓની રેખા કાંઠે વેરી દઇને તમે અમારા આવ્યા દરિયા ખાળ્યા તે દિ

 .

( ધ્રુવ ભટ્ટ )

બેઠો છું – ચિનુ મોદી

જળની વચ્ચે હરીફરીને બેઠો છું,

કાગળ છું ને હવા તરીને બેઠો છું.

 .

સપનાંઓ સરનામાં શોધી આવી પહોંચ્યાં,

મીંચી બન્ને આંખ, ડરીને બેઠો છું.

 .

સાત અશ્વ ! રણઝણતો રથ લઈ આવી પહોંચો,

હવે ખોળિયું ખાલી કરીને બેઠો છું.

 .

ધક્કો મારી ધુમ્મસને ખેસવશું ક્યાંથી ?

હું હાથ ઉપર બસ હાથ ધરીને બેઠો છું.

 ,

ખાલીખમ ‘ઈર્શાદ’ હતું મન મારું, તે-

તારાઓની સભા ભરીને બેઠો છું.

 ,

( ચિનુ મોદી )

જવું છે – ભગવતીકુમાર શર્મા

આ પાર જવું છે કે હજી પાર જવું છે,

નક્કી જ કરી લઈએ કે મઝધાર જવું છે.

 .

છે વીજકડાકા અને ઘનઘોર ઘટાઓ,

કિન્તુ જો જવું છે તો ધૂંવાધાર જવું છે.

 .

કુર્નિશ ન બજાવી કદી સજદોય ન કીધો,

ચાદરને લઈ સાથ કો દરબાર જવું છે.

 .

આકાશના સૂરજ તને નવ ગજના નમસ્કાર,

અંધારથી આવ્યો છું ને અંધાર જવું છે.

 .

રૂંધાય છે શ્વાસો અને ભીંસાય છે છાતી,

દરવાજો ઉઘાડો ને જરા બહાર જવું છે.

 .

બીજું તો કશું મારી ન મુઠ્ઠીમાં સમાશે,

સ્વપ્નાંઓના ટુકડા લઈ બે ચાર જવું છે.

 .

વહાલાને જો મળવું છે તો લઘરા નથી રહેવું,

નખશિખ લઈ ઝળહળ થતાં શણગાર જવું છે.

 .

( ભગવતીકુમાર શર્મા )

આજ – મુકેશ જોષી

બોલ બોલ ના કર

તારા અજવાળાને બોલવા દે યાર, આમ શબ્દોને છોલ છોલ ના કર

 

વાણીને મોકલી દે તીરથની જાતરાએ

સાધવાને સાચો સંવાદ

જાતરાથી વળતામાં નક્કી લઈ આવશે

મૌન સમો મીઠો પરસાદ

શબ્દોના બીન ભલે વાગે ચોપાસ છતાં નાગ જેમ ડોલ ડોલ ના કર

બોલ બોલ ના કર

 

 

અનહદના અર્થો મેં ઓળખવા માટે

તું છોડી દે સરહદના માપ

ભીતરી ખજાનાના દર્શન કરાવવાને

આંખોને અવસર તો આપ

અંતર તો અત્તરની બાટલી છે ભાઈ, તું આખો દિ ખોલ ખોલ ના કર

બોલ બોલ ના કર

 

( મુકેશ જોષી )

પુનર્જન્મ – માર્જોરી પાઈઝર

હું બહાર આવી રહી છું

શોકના દરિયામાંથી,

અનેક મૃત્યુની દિલગીરીમાંથી,

કરુણતાની અપરિહાર્યતામાંથી,

ગુમાવેલા પ્રેમમાંથી,

વિનાશના ભયાનક વિજયમાંથી.

હું જોઈ રહી છું,

જીવન, જે જીવવાનું છે,

હાસ્ય, જે હસવાનું છે,

આનંદ, જે માણવાનો છે,

પ્રેમ, જે સિદ્ધ કરવાનો છે.

છેવટે હું શીખી રહી છું

જીવનનો મહાવિજય.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

તોફાની પાણી – માર્જોરી પાઈઝર

કેવાં તોફાની પાણીમાં હું તરી રહી છું

છેલ્લા કેટલાક મહિનાઓથી !

હું જાણતી નથી કે કિનારે પહોંચીશ

કે વચ્ચે જ ડૂબી જઈશ.

હૃદય અને આત્માના કેવા ઝંઝાવાત મેં સહ્યા છે,

ફંગોળાઈ છું અહીં-ત્યાં;

કેટલીયે વાર હતાશામાં,

આ બધી વ્યથા ને આંધીને કારણે

મેં બધી જ આશા છોડી દીધી હતી

અને છતાં, ભાંગી પડેલી ને થાકેલી,

અનિશ્ચિત, હલી ઊઠેલી પણ હજીયે આખેઆખી,

હું લંગડાતી લંગડાતી, આશ્રય ને મરમ્મત માટે

બંદર તરફ જાઉં છું.

 

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

હિંમત – માર્જોરી પાઈઝર

ભય છવાઈ જય ત્યારે હિંમત એકઠી કરો;

અસીમ બોજો હોય ત્યારે એ પૂરી પડાય છે,

પૂરતી અને જોઈએ એ કરતાં વધારે બધા માટે

કટોકટીના સમયે, ભયાનક ખોટના સમયે

હિંમત એકઠી કરવાનું ન ભૂલો-

અગાધ ગર્તામાં એ જીવનદોરી છે.

જ્યારે બીજું બધું જ નિષ્ફળ જાય,

ત્યારે પોતાને મદદ કરવા હિંમત ભેગી કરો.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

બળ – માર્જોરી પાઈઝર

હું મને

ભીતરથી સબળ બનાવી રહી છું.

મારા આત્માને બાંધવા માટે

પોલાદના પટ્ટા વણી રહી છું.

મારા હાથને મજબૂત બનાવવા

એમાં વેદનાના ટાંકા ગૂંથી રહી છું-

થાક અને સહનશક્તિના

તાણાવાણાથી

હું મારા મનને દ્રઢ કરી રહી છું.

જેમણે વેદના ભોગવી છે એ તમામનાં

ભજનકીર્તન અને ગીતોના બંધનથી

હું મારી શ્રદ્ધાને બાંધું છું.

સમય થતાં,

સરસ પોલાદની જેમ વળવા માટે

હું સ્વસ્થ થઈશ

પણ ભાંગી પડીશ નહીં.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )