લે જરા – ખલીલ ધનતેજવી

લે જરા તારામાં સ્થાપી જા મને,

સ્હેજ મારામાંથી કાપી જા મને.

 .

મારી ભીતર ધગધગે છે તાપણું,

તું ય જો ઈચ્છે તો તાપી જા મને.

 .

મારું કદ પહેલેથી જે છે એ જ છે,

લે ફરી એકવાર માપી જા મને.

 .

ઘોર અંધારનો લાવારસ છું હું,

મીણબતી ! લે જરા પી જા મને.

 .

સૂર્ય છું, પણ ક્યાં જઈને આથમું,

રોજ તારી સાંજ આપી જા મને.

 .

હું ય વંચાયા વગરનો શબ્દ છું,

તું ખલીલ, આંખોમાં છાપી જા મને.

 .

( ખલીલ ધનતેજવી )

પ્રાર્થના – રવીન્દ્રનાથ ટાગોર

(૧)

‘બંદીવાન ! તને કોણ બંધનમાં નાખી ગયું, એ તો તું મને કહે !’

 .

‘બંધનમાં બીજું કોણ નાખે ? મારો સ્વામી. મારો માલિક. એણે મને બંધનમાં નાખ્યો. એક વિચાર મને આવ્યોહતો : દુનિયાના તમામ લોકોને પૈસામાં ને સત્તામાં મારી પછવાડે રાખી દઉં તો હું ખરો ! એ વિચારની ધૂનમાં મેં ધનના ઢગલેઢગલા ભેગા કરવા માંડ્યા, રાત-દી જોયા વિના, આડુંઅવળું નિહાળ્યા વિના ! એ રીતે જે મારા સ્વામીનું હતું, તે પણ મારા ખજાનામાં ભેગું કર્યું. પછી થાકીને જ્યારે હું નિદ્રામાં પડ્યો, ત્યારે શય્યા પણ મારા સ્વામીની હતી, તેમાં જ હું લોટી ગયો. પછી હું જાગ્યો, અને જાગીને જોઉં છું, તો મારા પોતાના જ લક્ષ્મીગૃહમાં હું બંદીવાન હતો !’

 .

‘પણ બંદીવાન ? તને બંધનમાં નાખ્યો એ તો ઠીક, પરંતુ આવું ન છૂટે કે ન તૂટે, એવું બંધન તને કોણે બાંધ્યું ?’

 .

‘એ તો મેં પોતે જ બાંધ્યું છે ! મેં જ મારું બંધન સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે. મને મારી શક્તિનો ગર્વ હતો. એ આખી દુનિયાને બંધનમાં રાખી શકે અને છતાં એ પોતાને મુક્ત રાખી શકે ! મારી આ માન્યતાના વેગમાં ને વેગમાં, મેં તો રાત ને દિવસ જંગી ભઠ્ઠીમાં લોહ ગાળ્યું ને જબ્બર ઘણ-ઘાથી એને મજબૂત બનાવ્યું. મારી આ લોહ-સાંકળી મેં જ ઘડી કાઢી. એવી અભેદ્ય બની ત્યારે એક આશ્ચર્ય મેં જોયું!

 .

બીજાને બંધનમાં રાખવા માટે તૈયાર કરેલી મારી એ લોહ-સાંકળી, મને જ બંધનમાં જકડી રહી હતી !

 .

‘મારું બંધન, મેં જ સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે, એમ જ કહો ને?’

.

(૨)

મારી જાણ બહાર હે મારા નાથ ! તું સામાન્યમાં પણ સામાન્ય જનની જેમ, કેટલી વખત મારા અંતરમાં આવી આવી ને ચાલ્યો ગયો ?

 .

તેં મારી ત્વરિત દોડી જતી અનેક પળોને સ્પર્શ કર્યો અને તે અમર થઈ ગઈ !

 .

આ બધું મારા અજાણપણામાં થઈ ગયું. પણ આજે જ્યારે એ પળોને નીરખવાની હું અકસ્માત તક લઉં છું, ને તારા સ્પર્શની નિશાની જોઉં છું, ત્યારે એને મારા ક્ષુલ્લ્ક આનંદ અને શોકમાં સેળભેળ થઈ ગયેલી નીરખું છું.

 .

પણ એ દર્શાવે છે કે મારા શૈશવકાલની ધૂળની રમતમાંથી તું અવગણના કરીને પાછો ફરી ગયો ન હતો. તે વખતના નિર્દોષ આનંદમાં, જે તારો પગરવ મેં સાંભળ્યો હતો, તે જ તારો પગરવ આજે, એક એક તારકમાં અને એક એક નક્ષત્રમાં સંભળય છે !

.

( રવીન્દ્રનાથ ટાગોર )

મારી અંદરથી – પ્રફુલ્લ પંડ્યા

મારી અંદરથી નીકળીને, કોઈક ક્યાંક ચાલ્યું ગયું છે;

હવે હું પણ રહ્યો નથી મારામાં !

હવે એકલતા વચ્ચે એક ઊભું છે નામ;

બાકી આખી કઠપૂતળી ગઈ ગારામાં!

 .

હતાં રૂપ અને રંગ એનાં નોખાં-નોખાં;

ને આખી દુનિયાની સ્હેલ એણે કીધી !

પાછી સઘળે જઈ આવી અને બેઠીને વાત;

એણે ક્યાંય નહીં પહોંચ્યાની કીધી !

મારી અંદર પીગળીને મીણ ક્યાંક જઈ બેઠું;

એથી આભ આખ્ખું ધ્રુજે છે તારામાં !

 .

દિવસે સમજાય નહીં સૂરજ ને

રાતના ચાંદાને જઈને હું પોંખું !

બંને પાસેથી મને શીખ મળી એટલી કે

જીવન તો ખાલીખમ્મ ખોખું !

ખાલીખમ્મ ખોખાથી નીકળેલી વાત;

હવે વહેતી થઈ છે એકતારામાં…

 .

( પ્રફુલ્લ પંડ્યા )

સુખદુ:ખ છે – હેમેન શાહ

સુખદુ:ખ છે મનની પાટી પર, જગ્યા જરાય નહિ

ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહિ.

 .

દાવા-દલીલ માટે જરૂરી છે બારીકી,

મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહિ.

 .

તરતું મૂકી લખાણ, ખસી જાવ બાજુએ,

કાગળની હોડીને કદી ધક્કા મરાય નહિ.

 .

માપી, ગણી શકો એ બધું કામનું નથી,

 જો છે મહત્વનું તો એ તોળી શકાય નહિ.

 .

નાનું જરાક રાખો અનુસ્વાર ‘હું’ ઉપર,

આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.

 .

અંતે ખરી જવાનીને તાકાત જોઈએ,

પ્હેરો સુગંધ એટલે ફૂલો થવાય નહિ.

 .

( હેમેન શાહ )

આંખમાં અનુરાગ – હરિશ પંડ્યા

આંખમાં અનુરાગ જેવું હોય પણ, ના હોય પણ,

ચાંદમાં પણ દાગ જેવું હોય પણ, ના હોય પણ.

 .

લાકડાંને ક્યાં સુધી સંકોરવાં એ તો કહો,

તાપણીમાં આગ જેવું હોય પણ, ના હોય પણ.

 .

સાંજનાં પંખી બધાં ફરે છે ક્યાં જવા ?

આ  નગરમાં બાગ જેવું હોય પણ, ના હોય પણ.

 .

ધૂળનો ઢગલો ગણીને હાથ નાંખો ના તમે,

રાફડામાં નાગ જેવું હોય પણ, ના હોય પણ.

 .

સૂર્યને જોતાં જ પંખી ગીતને આલાપતાં,

કોઈ એમાં રાગ જેવું હોય પણ, ના હોય પણ.

 .

( હરિશ પંડ્યા )

એક લસરકે – ગુણવંત ઉપાધ્યાય

એક લસરકે

અજવાળું અજવાળું કરતી

ચરણકમળની ધૂળ !

ભલે કોઈને હોય નહીં પણ અમને ભલી કબૂલ !

 .

અંજાતી જ્યાં આંખ જરાશી

અંધારું અટવાતું

પ્હો ફાટતા, ઝાકળ વચ્ચે

મારગ કરતું જાતું

કોણ કહે છે :

ઝાકળભીની ડાળી સંગે ફૂલ સરીખું ઝૂલ ?!

 .

અંતર પર અંતરની ભીની

પીંછી મઘમઘ ફોરે

પૃથ્વી પટ પર ચિત્ર અલૌકિક

રોજ કોણ આ દોરે ?

અનહદ ઊંડી

સહેજ અચંબિત આંખે ઝલમલ સૂર્ય-કિરણને પૂર !

 .

અજબ અચંબો ગજબ અજંપો

મીઠી નિદ્રા ત્યાગે,

મારામાં સૂતેલું કોઈ

આળસ મરડી જાગે

જોઉં જોઉં ત્યાં

દશે દિશા ને મધ્યે ફરકે પીતવર્ણ પટકૂળ !

 .

( ગુણવંત ઉપાધ્યાય)

કપરું હોય છે – સંધ્યા ભટ્ટ

ખેલવાનું, હારવાનું ખૂબ કપરું હોય છે

જાતને સમજાવવાનું ખૂબ કપરું હોય છે

 .

પોતપોતાનું મળે છે આભ તો સૌ કોઈને

પંખી માફક ઊડવાનું ખૂબ કપરું હોય છે

 .

પૂર્ણમાંથી અલ્પ, પાછું અલ્પમાંથી પૂર્ણ પર

ચંદ્રગતિએ ચાલવાનું ખૂબ કપરું હોય છે

 .

કાળું કાળું ઘટ્ટ અંધારું બધે વ્યાપેલું હો,

તે સમય અજવાળવાનું ખૂબ કપરું હોય છે

 .

સાંજનો વૈભવ ગુલાબી નભમાં સુંદરતા ભરે,

તે સમેટી ડૂબવાનું ખૂબ કપરું હોય છે

 .

( સંધ્યા ભટ્ટ )

થાકી જાશો – પરાજિત ડાભી

ખોટા સરવાળા જેવો હું ગણતાં ગણતાં થાકી જાશો,

માણસ નામે પુસ્તક છું હું ભણતાં ભણતાં થાકી જાશો.

 .

પીડા પાર વગરની થાશે, દર્દોથી ઉબકાઈ જવાના,

જખમો લોહીઝાણ મળ્યાછે, ખણતા ખણતા થાકી જાશો.

 .

ખળભળ થાતી બહુમાળીમાં, ઝાંખો ઝાંખો જીવ બળે છે,

ખરવા લાગ્યા કૈંક મિનારા, ચણતા ચણતા થાકી જાશો.

 .

તાકા રેશમના વણનારા હાથ મશીને બાંધેલા છે,

ઝીણાં મલમલ છોડ કબીરા, વણતા વણતા થાકી જાશો.

 .

કાચાં પાકાં સપનાંઓનાં, અરધાં પરધાં ઓધાનો છે,

શબ્દો અવતરવા લાગે તો, જણતા જણતા થાકી જાશો.

 .

( પરાજિત ડાભી )

શું ગાંધીજી એક અવ્યવહારુ મહાત્મા હતા? – ગુણવંત શાહ

આપણી વચ્ચે એક એવો મહામાનવ થઇ ગયો, જે પોતાની જાતને છેતરવા તૈયાર ન હતો. જે મનુષ્ય પોતાની જાતને ન છેતરે, તે અન્યને છેતરી શકે ખરો? એ મહામાનવ મરવા તૈયાર હતો, પરંતુ કોઇને મારવા માટે તૈયાર ન હતો. એનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. એ માણસનો એક્સ-રે આખી દુનિયાને જોવા મળ્યો. ફોટોગ્રાફ છેતરે, પરંતુ એક્સ-રે કદી ન છેતરે. એણે લોકોને કહ્યું: ‘મરતાં પણ સત્ય ન છોડવું.’ ૧૯૪૮ની ત્રીસમી જાન્યુઆરીની સાંજે એણે દેહ છોડ્યો, પણ સત્ય ન છોડ્યું. એના પવિત્ર જીવનનો છેલ્લો ઉદ્ગાર હતો: ‘હે રામ.’
.
ઇ.એમ. ફોસ્ર્ટરની માન્યતા હતી કે આપણી શતાબ્દીના શ્રેષ્ઠત્તમ પુરુષ તરીકે ગાંધીજીને માનવામાં આવે. આર્નોલ્ડ ટોયાન્બીને દ્રઢ વિશ્વાસ હતો કે એવું જ માનવામાં આવશે. ડૉ. એ. એમ. હોમ્સે કહ્યું હતું: ‘ગાંધીજી ગૌતમ બુદ્ધ પછીના શ્રેષ્ઠતમ ભારતીય હતા અને ઇસુ ખ્રિસ્ત પછીના શ્રેષ્ઠતમ માનવી હતા.’ આલ્બર્ટ આઇન્સ્ટાઇને ૨૭મી સપ્ટેમ્બર, ૧૯૩૧ને દિવસે લખેલા પત્રમાં જણાવ્યું:
.
આદરણીય મિસ્ટર ગાંધી,
.
મારા ઘરે આવેલા તમારા મિત્ર સુંદરમની હાજરીનો લાભ લઇને હું તમને થોડીક લીટીઓ પાઠવી રહ્યો છું. તમે તમારાં કાર્યો દ્વારા એવું બતાવી આપ્યું છે કે હિંસા સિવાય પણ સફળ થઇ શકાય છે. આપણે આશા રાખીએ કે તમારું ઉદાહરણ તમારા દેશની સરહદો પાર કરીને બધે પ્રસરી જશે અને એક એવી આંતરરાષ્ટ્રીય સત્તાની સ્થાપનામાં મદદરૂપ થશે, જેને સૌ આદર આપે અને જે નિર્ણય લેશે તથા યુદ્ધમૂલક સંઘર્ષોનું સ્થાન લઇ શકશે.
.
તમારો,
.
એ. આઇન્સ્ટાઇન
.
મને એવી આશા છે કે હું તમને કોઇ દિવસ રૂબરૂ મળી શકીશ.
.
‘‘‘
.
શું ગાંધીજી અવ્યવહારુ મહાત્મા હતા કે?  જો સાચું બોલવાની ટેવ અવ્યવહારુ બાબત હોય તો એક વર્ષ માટે કાયમ જૂઠું બોલવાનો સંકલ્પ કરી જુઓ! એક જ વર્ષમાં તમને ખબર પડી જશે કે તમારા મિત્રો તમારા પર ભરોસો મૂકવા તૈયાર નથી. કદાચ તમારી પત્ની કે બહેન કે માતા પણ તમારા પ્રત્યે અણગમો ધરાવવા લાગશે. એક જ વર્ષમાં તમે બિઝનેસમાંથી કે નોકરીમાંથી લગભગ ફેંકાઇ જશો. જો અહિંસા કરતાં હિંસા વધારે વ્યવહારુ હોય તો જીવનમાં ડગલે ને પગલે હિંસા આચરવાનું શરૂ કરી જુઓ! કદાચ એક જ મહિનામાં તમે જેલભેગા થશો અને તમારી કિંમત ફૂટી કોડીની થઇ જશે. શું સ્વચ્છતાનો આગ્રહ રાખનારા ગાંધીજી અવ્યવહારુ હતા? તો તમારે અસ્વચ્છતા જાળવવાની ઝુંબેશ શરૂ કરવી જોઇએ.
.
જો શરાબનું વ્યસન વ્યવહારુ હોય તો ગરીબ લત્તાઓમાં જઇને માંડ ગુજરાન ચલાવતી પત્નીઓની અવદશા નજરે નિહાળજો. જો સાદો આહાર અવ્યવહારુ જણાય તો કેવળ પાંચ વર્ષ માટે મિષ્ટાન સાથે તળેલો અને તીખો તમતમતો આહાર જ લેવાનો સંકલ્પ કરી જુઓ! શું કોઇ પણ શાણો મનુષ્ય શાંતિને ‘અવ્યવહારુ’ ગણીને મારામારી અને કાપાકાપીથી ભરેલા હુલ્લડ કે યુદ્ધને વ્યવહારુ ગણી શકશે? તો તો જગતના સૌ ડાહ્યા મનુષ્યોએ અફઘાનિસ્તાન, લિબિયા, ટ્યુનિશિયા, સિરિયા કે યેમનમાં સેટલ થવા માટે પડાપડી કરવી જોઇએ.
.
અફઘાનિસ્તાનમાં તાલિબાનો બાળકોને માનવ-બોમ્બ તરીકે ઉપયોગમાં લે છે. બોલો ક્રૂરતા વ્યવહારુ કે કરુણા? ખરી વાત એ છે કે: સત્ય જ વ્યવહારુ છે, અસત્ય નહીં. અહિંસા જ વ્યવહારુ છે, હિંસા નહીં. શાંતિ જ વ્યવહારુ છે, યુદ્ધ નહીં. સ્વચ્છતા જ વ્યવહારુ છે, અસ્વચ્છતા નહીં. જે ગામમાં રહેતો પ્રત્યેક માણસ ગુંડો, ચોર કે લફંગો હોય એવું ગામ કદી પણ ટકી ન શકે. ધર્મ જ વ્યવહારુ છે, અધર્મ નહીં. ધર્મ એટલે જ માનવધર્મ.
.
સંસારમાં ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેમાં બે દેશો વચ્ચે યુદ્ધની નોબત ખડી થાય છે. એવે વખતે કોનો પક્ષ લેવો? સત્ય જ્યારે આવી આકરી કસોટીએ ચડે ત્યારે સાપેક્ષતા (relativity) આપણી મદદે આવે છે. ગાંધીજી આવે વખતે શું કરે? સાંભળો:
.
યુદ્ધમાત્રને હું સર્વથા ખરાબ ગણું છું,
પરંતુ લડતના બે પક્ષોના
આશયો તપાસીશું તો આપણને
માલૂમ પડશે કે:
એક સાચો છે અને બીજો ખોટો છે.
દાખલા તરીકે અ જો બ નો
દેશ પચાવી પાડવા માગતો હોય
તો બ દેખીતી રીતે જ અન્યાયનો
ભોગ બન્યો છે.
બંને શસ્ત્રોથી લડે છે.
હિંસક યુદ્ધમાં હું માનતો નથી,
તેમ છતાં ન્યાયી ધ્યેયવાળો બ
મારા નૈતિક ટેકાને તથા આશીર્વાદને પાત્ર છે.
.
(‘હરિજન’, ૧૮-૦૧-૧૯૪૨)
.
અમેરિકાના ‘Time’ મેગેઝિનના કવર (Volume XVII, November ૧૯૩૦) પર ગાંધીજીની તસવીર પ્રગટ થઇ હતી. ગાંધીજી ત્યારે ૬૧ વર્ષના હતા. એમની પાસે સત્ય સિવાયની બીજી કોઇ મિલકત ન હતી, અહિંસા સિવાયનું બીજું કોઇ શસ્ત્ર ન હતું અને પ્રાર્થના સિવાયની બીજી કોઇ શક્તિ ન હતી. આમ છતાં બ્રિટિશ સલ્તનતને સૌથી વધારે ડર ગાંધીજીનો લાગતો હતો. આજની પરિભાષામાં આવી અંદરની તાકાતને ‘સોફ્ટપાવર’ કહી શકીએ.
.
દુનિયાને બંદૂકપાવર, બોમ્બપાવર અને મિસાઇલપાવર કેવો પ્રભાવશાળી હોય તે તો સમજાય છે, પરંતુ સત્યપાવર, કરુણાપાવર અને પ્રેમપાવર કેવો પ્રભાવશાળી હોય તે નથી સમજાતું. પરિણામે માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) કહેતા કે આજનો જમાનો ‘ગાઇડેડ મિસાઇલ અને અનગાઇડેડ મનુષ્યો’ દ્વારા પેદા થતી સમસ્યાઓની પજવણી પામ્યો છે. આજની અશાંત, અસ્વસ્થ અને અકરુણાવાન દુનિયામાં યુદ્ધ વિનાનો એક મહિનો પણ જતો નથી.
.
કેટલાક ઇસ્લામી દેશો એવા છે, જ્યાં મારામારી કે કાપાકાપી વિનાનો એક કલાક પણ જતો નથી. ઇજિપ્તમાં તખ્તપલટો થયો તેમાં ખૂબ જ ઓછી હિંસા થઇ છે. વિચાર આવે કે: આપણે આજે અફઘાનિસ્તાનના નાગરિક નથી તેથી કેટલા નસીબદાર છીએ! વિશ્વશાંતિ આપણું સમણું છે અને યુદ્ધ દુનિયાની વાસ્તવિકતા છે. હૃદયમાં ઊગેલી પંક્તિઓ આજે ગાંધીજયંતી છે તેથી અહીં પ્રસ્તુત છે:
.
માનવતાને થયું
કે એવરેસ્ટનું આરોહણ કરું.
ગાંધીજીએ એ ઇચ્છા પૂરી કરી!
.
પાઘડીનો વળ છેડે
.
અસહકાર અને અસહકારીઓની
મશ્કરી કરનારાઓ ઘણી વાર
મેલી ટોપી, ઢંગધડા વિનાનાં કપડાં,
વધેલી હજામત વગેરેને
અસહકારીઓનાં લક્ષણો ગણે છે.
પણ મહાત્માજી જેવી સ્વચ્છતા
બહુ ઓછા રાખતા હશે.
શ્રીમતી સરોજિની નાયડુએ એક વાર
કહેલું કે મહાત્માજી
એક યુવતી જેવી ચીવટ
શારીરિક સ્વચ્છતા માટે રાખે છે.
તેમના નખ પણ સ્વચ્છ હોય છે.
તેમની હજામત ચડેલી તો
કોઇએ જોઇ નહીં હોય.- રામનારાયણ વિશ્વનાથ પાઠક
.
(રા. વિ. પાઠક ગ્રંથાવલિ-૩, પાન ૬૫૬)

.

( ગુણવંત શાહ )

.

( સૌજન્ય : દિવ્યભાસ્કર )

જડતાં નથી કારણ મને – દક્ષા બી. સંઘવી

ઝાંઝવા પીતી રહું, રોકી શકે ક્યાં રણ મને !

સાવ સૂકી રેતનું છે તીવ્ર આકર્ષણ મને !

 .

વૃક્ષના જેવી કફોડી છે દશા મારી જુઓ,

ઝંખના આકાશની ને મૂળનું વળગણ મને !

 .

સૂર્યની સાથે ક્ષિતિજે આથમી જાવું અફર,

ને સતત શોધ્યા કરે અજવાસનું પ્રાંગણ મને !

 .

આયનામાં કેટલાં વર્ષો પછી જોયું અને,

મામલો ગંભીર છે; ના ઓળખું હું પણ મને !

 .

જિંદગી વિશે બધાંઆભાસ આછા-પાતળા,

છું વમળમાં, મૂંઝવે પ્રશ્નો હજી હરક્ષણ મને !

.

આમ હોવાનું ગમે છે, છે ખબર બસ એટલી;

પણ હયાતીનાં હજી જડતાં નથી કારણ મને !

 .

( દક્ષા બી. સંઘવી )