સાંભળ – ટેરી રોવે

મારે તને કહેવું છે કે હું તને પ્રેમ કરું છું

પણ મને ભય છે કે હું તને કહીશ

તો

તું હસીશ અને મને મૂરખ કહીશ

કારણ કે તું જાણે છે કે એ શબ્દ

એટલે મારે મન શું

અને તારે મન શું

અથવા મને ભય છે

કે તને પણ ભય છે

અને શરૂ થાય એ પહેલાં

આ રોમાન્સને તું અટકાવી દેશે

પણ પ્રેમને કાંઈ ગોંધી રખાય નહીં

અને એ એટલો મહામૂલો છે

કે એને ભીતર ભારી રખાય નહીં

એટલે જો હું કહું કે હું તને પ્રેમ કરું છું

આજે,

આજે,

તો તું સર્જન થઈ, સ્વજન થઈ, સજન થઈ

એને સાંભળજે

કારણ કે હું તો ફરી ને ફરી આ ને આ જ કહીશા

વિચાર્યા વિના

કે તારી પરવાનગી માંગ્યા વિના.

 .

( ટેરી રોવે )

તારું તે નામ લઈ – સુરેશ દલાલ

તારું તે નામ લઈ હૈયું આ રાતદિન

મીઠેરી વાંસળીને વાય

મનને એકાન્ત જરી બોલું હું નામ

ત્યાં નીચા આ નેણ ઢળી જાય !

 

દર્પણની પાસ જઈ પાછી હું જાઉં વળી

એવું શું થાય મને આજ

કે હોઠ ઉઘડે ને પાય નહીં ઉપડે ને

મુખડે છવાઈ જાય લાજ ?

છાનેરી વાતને ચોરીછૂપીથી રખે

વાયરોયે સાંભળી જાય

મનને એકાન્ત જરી બોલુ હું નામ

ત્યાં નીચા આ નેણ ઢળી જાય !

 

પાંપણ બિડાય પણ નીંદરનું નામ નહીં !

શમણાંઓ શ્યામલ અંજાય,

ચંચલ સુગંધને કૂણી આ પાંખડીમાં

કેમ કરી ઢાંકી ઢંકાય ?!

પંખાળી ફોરમને ઝાલી ઝલાય નહીં

કોણ જાણે ક્યાંય ભળી જાય

મનને એકાન્ત જરી બોલુ હું નામ

ત્યાં નીચા આ નેણ ઢળી જાય !

 .

( સુરેશ દલાલ )

બસ એકવાર… – દુર્ગેશ ઉપાધ્યાય

બસ એકવાર તું આવી જા

પવનની લહેરખી સમી –

અને; હું ખીલી ઊઠીશ

ફૂલોની જેમ.

કદાચ,

તારું હોવાપણું જ

મારી જિંદગી છે.

મને ડર લાગે છે કે,

જિંદગીના અર્થ પામતા પહેલાં-

મારી ‘સાંજ’ ઢળી જાય.

અહીં સહરા વચ્ચે

ક્યારેક ઝંખુ છું ઝાકળ,

તો ક્યારેક ફૂલોભરી વસંત,

હા, અહીં વસંત છે-

પણ ફૂલો વગરની…

પણ તેને પાનખર તો ન જ કહી શકાય ને ?

હું,

સતત ઝંખુ છું-

વર્ષાની એક હેલી

જે ભીતરની આગ ઠારી શકે…..??…

 .

( દુર્ગેશ ઉપાધ્યાય )

ગઝલમાં હોય છે – અલ્પેશ ‘પાગલ’

તારા ઈશારામાં રહેલી અનકહી મોઘમ બધી વાતો ગઝલમાં હોય છે.

ને એ લિપી ઉકેલવા ઉજાગરાથી તર-બ-તર રાતો ગઝલમાં હોય છે.

 .

એ પણ ખરું કે પ્રેમને આવાઝ કે આકાર જેવું કાંઈ પણ હોતું નથી,

માનો ન માનો તે છતાંયે એનો પડઘો, એનો પડછાયો ગઝલમાં હોય છે.

 .

કેવો સમય તારી જુદાઈનો મેં કાઢ્યો’તો ક્ષણો સઘળી’ય જાણે છે છતાં,

ચૂપચાપ ઊભી મૂછમાં હસતી ક્ષણોનો સીધો સરવાળો ગઝલમાં હોય છે.

 .

હોઈ શકે ભગવી ગઝલ અથવા જુવાની જેમ પાણી રંગની હોઈ શકે,

સાથે જિગરના ખૂન જેવો એક ઘેરા રંગનો ડાઘો ગઝલમાં હોય છે.

 .

એ તરજૂમો છે જાતનો,  સઘળી’ય અંગતવાતનો, છુપાયેલા જઝબાતનો,

એકાંતના ગૌરવ સમા ખુદની જ સાથે ખુદના સંવાદો ગઝલમાં હોય છે.

 .

દેખાય છે એવો નથી સાદો-સીધો સ્ફોટક બને છે અર્થમાં એ સામટો,

હા, સાવ સીધા લાગતા અળવિતરાં આ શબ્દની ચાલો ગઝલમાં હોય છે.

 .

( અલ્પેશ ‘પાગલ’ )

પ્રતીક્ષા તરીકે – ભરત ભટ્ટ ‘પવન’

પ્રતીક્ષા તરીકે આ નવતર પ્રણાલી

ચડી જાય હૈયે ઘણીવાર ખાલી.

હવે આ ઉતરતી નથી ઝણઝણાટી,

છતાં પણ દશા ખૂબ લાગે વહાલી.

 .

કદી આપ તદ્દન વડીલ જેવું બોલો,

અમુકવાર વાણી શિશુથીય કાલી.

તમે એમ ચાલ્યાં સુગંધી બનીને,

સભાખંડ મધ્યે ગઝલ જેમ ચાલી.

 .

નથી કોઈ ચોક્ક્સ દિશામાં જવાનું,

‘પવનની’ અમે આંગળી તોય ઝાલી.

 .

( ભરત ભટ્ટ ‘પવન’)

શરણાગતિ – રવીન્દ્રનાથ ટાગોર

.

આજ લગી મેં તો

એનો ચહેરો ન જોયો, મહોરો ન જોયો

સાંભળી કેવળ વાંસળી

મન આપી બેઠી

પ્રાણ આપી બેઠી

સ્વીકારી લીધી મધથી મીઠી

શરણાગતિની સાંકળી.

સાંભળ્યું છે કે એ કાજળકાળો

જોવા જેવો નથી ચહેરો રૂપાળો

સખી જમુનાને જળ

ભરવા પાણી જઉં કે નહીં

એ વિચારે મનમાં ને મનમાં

હું તો થાઉં છું અરે બેબાકળી.

આંખને ખૂણે હસતો હસતો

સમણામાં એ આવ્યો હતો

એ દિવસથી પોપચાં મારાં

ખોલતી નથી ભયના માર્યા

લજ્જાં મને કરતી રહી

ચારે બાજુથી હાંફળીફાંફળી.

 .

વનને મારગ જેમને જવું હોય તે ભલે જાય

ખુશીથી

કદંબ તળે ઊભા રહી પડછાયાને ચહાય ખુશીથી

સખી ! તું જ મને કહે

આંખ ઉઘાડીને

એને મારે જોવો કે નહીં

મન મારું

ઘડીમાં ફૂલ, ઘડીમાં કળી.

 .

( રવીન્દ્રનાથ ટાગોર )

રામ એમાં શું કરે ? – લાલજી કાનપરિયા

.

શબરી એનાં ચાખી બોર

નાહક મચાવે અમથો શોર, રામ એમાં શું કરે ?

 .

કોઈ બિછાવી ફળિયે ફૂલ

કરે આમ સુગંધી ભૂલ, રામ એમાં શું કરે ?

 .

ઈચ્છાઓને તેડી કાંખે

સતત ખુદને ફરતી રાખે, રામ એમાં શું કરે ?

 .

મંદિર મંદિર પ્રગટ્યા હરિ

પથ્થરમાં જઈ શ્રદ્ધા ઠરી, રામ એમાં શું કરે ?

 .

ઉછેરીને શમણાં આંખે

નાહક જાળ પાણીમાં નાખે, રામ એમાં શું કરે ?

 .

અમથી અમથી વાટ નિહારે

આખે આખી જાત પિગાળે, રામ એમાં શું કરે ?

 .

( લાલજી કાનપરિયા )

એ જ ચોમાસું – સંદીપ ભાટીયા

દોસ્ત, સાથે ભીંજાયા એ જ ચોમાસું

બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી ઝર્યા આંસુ

 .

નોખીનોખી છત્રી એ છત્રી શું, ન્હાવું શું નોખાંનોખાં નેવાં તળે નહાવું

જુદાંજુદાં ગીતોથી તો ડૂમો ભલો રે ભાઈ, જુદા જુદા સૂરમાં શું ગાવું

 .

ગીત સાથે ગાયાં એ જ ચોમાસું

બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી ઝર્યા આંસુ

 .

ભીની સાંજે શોધું હું બેંકની રસીદ, તને જડે જૂના બનારસી શેલાં

ભર અષાઢે ઘર આપણાં બે કોરાંકટ, વચ્ચે રસ્તાઓ ભીંજાયેલા

 .

દોસ્ત, સાથે ખોવાય એ જ ચોમાસું

બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી ઝર્યા આંસુ

 .

( સંદીપ ભાટીયા )

દીવો હોલવ ! – કરસનદાસ લુહાર

 અજવાળું બહુ ડંખે છે, લે દીવો હોલવ !

આંખ તમરાને ઝંખે છે, લે દીવો હોલવ !

 .

ટેરવડાં શૃંગાર સજે, લે દીવો હોલવ !

સ્પર્શોની શરણાઈ બઝે, લે દીવો હોલવ !

 .

કાળી ઈચ્છા મરકે છે, લે દીવો હોલવ !

લોહીમાં કંઈ ફરકે છે, લે દીવો હોલવ !

 .

પછી આપણે ઝળહળશું, લે દીવો હોલવ !

એક-બીજામાં ખળભળશું, લે દીવો હોલવ !

 .

હશે ધવલતમ અંધારું, લે દીવો હોલવ !

તારું-મારું સહિયારું, લે દીવો હોલવ !

 ,

( કરસનદાસ લુહાર )

પ્રાર્થના…!! – એષા દાદાવાળા વ્યાસ

એ દિવસે

તું આવજે…

અને ખભે હાથ મૂકીને ખાલી એટલું જ કહેજે

કે ચિંતા નહીં કરીશ, હું બેઠો છું…

અચાનક ક્યાંકથી ઊગી નીકળેલી

ગાંઠને ઉકેલવામાં તારી મદદની આમા તો કોઈ જરૂર નથી

તો પણ,

તું આવજે ખરો

અને દસ બાય દસનાં એરકંડિશનિંગ હાઈજીન

ઓરડામાં ચાલતું બધું જ જોયે રાખજે ચૂપચાપ

પીન ડ્રોપ સાઈલન્સ વચ્ચે ચાલતાં કાર્ડિયોમીટરનો

બીપ બીપ અવાજ કંટ્રોલ બહાર જતો રહે તો

ચિંતા ના કરીશ

હાથમાંથી સરી જતી પલ્સ ફરી પાછી

કાબૂમાં ના આવે તો પણ કશું કરતો નહિ

શ્વાસ ખૂટી પણ જાય તો એને ભરતો નહિ

એ લોકો મેનેજ કરી લેશે એ બધું

પણ

મારાં હાથમાંથી છટકી જતી

જીવન પ્રત્યેની શ્રદ્ધાને

તારાં હાથમાં ઝાલી રાખજે

અને વિશ્વાસનો શ્વાસ ફૂંકી આપજે આંખોમાં…

જેથી

હે ઈશ્વર,

આવતી કાલે હું બચી પણ જાઉં તો

મજબૂત જિજિવિષાના જોરે ટકી શકું…!!!

 .

( એષા દાદાવાળા વ્યાસ )