ફરીથી કોણ દસ્તક દે ભીડેલાં દ્વાર પર મિત્રો,
નથી સરનામું મારું ત્યાં ભીડેલાં દ્વાર પર મિત્રો.
.
બધુંયે જાય છે છોડી હવેલી આ પુરાતન તો,,
હવે આ લાભ શુભનું શું ભીડેલાં દ્વાર પર મિત્રો.
.
ખર્યું પાનુંય છોડે છે હવામાં એક રેખા એમ,
અમે અક્ષર ન લખ્યો કૈં ભીડેલાં દ્વાર પર મિત્રો.
.
અમારી રાહમાં શું કામ ઊભે ઉંબરે કોઈ,
અને મારે ટકોરા શું ભીડેલાં દ્વાર પર મિત્રો.
.
હજુ પંખી ઊડીને એક આવે છે ને ટહુકે છે,
એને દેવાય ક્યાં તાળું ભીડેલાં દ્વાર પર મિત્રો.
.
( શૈલેશ ટેવાણી )
