ગાંઠ ખૂલવા નિમિત્તે-તુષાર શુક્લ

ગાંઠ ખૂલવા નિમિત્તે યાદ કર્યા ગુરુને.
ગુરુ શબ્દનો ગૌરવલોપ થયો છે.
ગુરુ શબ્દનો અર્થહ્રાસ જોવા મળે છે.
હળવીથી માંડીને હલકી વાતોમાં ‘ગુરુ’ શબ્દ !
અયોગ્ય ચાતુરીના અર્થમાં ઉપયોગમાં લેવાય છે.
ગુરુના માનભંગ માટે ગુરુ અને શિષ્ય બંને જવાબદાર.
ગુરુનો સંકીર્ણ અર્થ ગાઈડમાં ફેરવાયો છે.

ગાઈડ અને ગુરુ વચ્ચે ફેર છે.
ગાઈડ દિશા દર્શાવતો નથી, સાથે ફરીને સઘળું બતાવી દે છે.
ગાઈડ કુતૂહલનો શત્રુ છે, ગાઈડ વિસ્મયનો વિરોધી છે.
ગુરુ માત્ર દિશા દર્શન કરાવે છે.
આંગળી ચીંધે છે-જોવાની દ્રષ્ટિ આપે છે.
પછી, આપણી જવાબદારી શરૂ થાય છે.

આપણે સજ્જતા કેળવવાની છે.
હૈયા ઉકલત પ્રમાણે સમજાતું જાય છે.
ગુરુ ઉંબર પર ઊભા રહી જાય છે.
ઓરડે ઓરડે ફરતા-ફેરવતા નથી,
ગુરુએ ઉકેલી ગાંઠ ફરી પડતી નથી !

( તુષાર શુક્લ )

ગાંઠ ઉકેલવી છે ?-તુષાર શુક્લ

ગાંઠ ઉકેલવી છે ?
તો… ગુરુ જોઈએ.
આપણાથી જે ન બને તે ગુરુઆશિષથી બને.
ગુરુ શું કરે છે ?
શિષ્યની ગ્રંથિઓને એક પછી એક ખોલતા જાય છે.
જ્યારે આપણે ગ્રંથિરહિત મુક્ત માનવ બનીએ
ત્યારે આપણે ઈશ્વરની સન્મુખ હોઈએ છીએ.
ગાંઠ હોય ત્યાં સુધી વિમુખ, ગાંઠ છૂટે ત્યારે સન્મુખ !

આપણે ઈશ્વરના ચિત્રમાં
આપણી ઈચ્છાના રંગ પૂરવા વ્યર્થ મથીએ છીએ.
જે ઘડીએ ઈશ્વરની ઈચ્છાને અનુકૂળ બનીએ
એ જ ક્ષણે આપણું આખું અસ્તિત્વ રંગાઈ જાય છે.
પછી મારું-તારું રહેતું નથી. રંગાયેલા સહુ એક જ લાગે છે.

રંગમાં રમમાણ થવાય પછી જ સાચું રંગાયા કહેવાઈએ.
રંગોત્સવનું જ નામ વર્ષગાંઠ !

( તુષાર શુક્લ )

ગાંઠ છૂટે તો-તુષાર શુક્લ

ગાંઠ છૂટે તો દોર ઢીલી થાય,
મોકળાશ વધે. ખુલ્લાપણું આવે. બંધન જાય.
તંગદિલી ઓછી થાય. મુક્તિ અનુભવાય. સત્ય સમજાય.

ગાંઠ છૂટવી સહેલી નથી.
પ્રામાણિક પ્રયત્નથી ઉકલી શકે
એવી દોરને આપણે જ ગૂંચવી મારીએ છીએ.

આપણો ઉત્સાહ, આપણી ઉતાવળ,
આપણી અણસમજ ગૂંચને ગૂંચવે છે.
ને ગૂંચાઈ ગયેલી ગૂંચ જ ગંઠાઈ જઈને ગાંઠ બને છે.

ગૂંચવણને એના આરંભે જ ઉકેલવી જોઈએ.
આ ઉકેલવામાં ઈચ્છા જોઈએ.
નિષ્ઠા જોઈએ-પ્રયત્ન જોઈએ.
સાતત્ય જોઈએ-સમજ જોઈએ.
આવડત જોઈએ.

તો ગૂંચ ગાંઠ બનીને ગંઠાતા પહેલાં જ ઉકલી જાય છે.
સહેલું નથી,
તો, અશક્ય પણ નથી !

( તુષાર શુક્લ )

ગાંઠ એટલે નિર્ણય-તુષાર શુક્લ

ગાંઠ એટલે નિર્ણય.
ગાંઠ વાળવી એટલે નિર્ણય કરવો.
ગાંઠ વળે એટલે દ્રઢ નિર્ણયનો પરિચય મળે.
આ દ્રઢતા હકારાત્મક પરિણામ પણ લાવે.
આ દ્રઢતા નકારાત્મક પરિણામ પણ લાવે.
પણ, એક વાર ગાંઠ વાળી-નિર્ણય કર્યો-
પછી પાછા હઠવું અસંભવ.

ગાંઠ વળે ત્યારે એક નુકસાન એ થાય છે કે
મનની બારીઓ જડબેસલાક બંધ થઈ જાય છે
વૈકલ્પિક વિચારના વાયુનું વહન પણ હવે અસંભવ બને છે.

દ્રષ્ટિનો લેન્સ એક જ ખૂણે ફિટ થઈ જાય છે.
હવે વિષયને અન્ય દ્રષ્ટિકોણથી સમજવા
મન મુક્ત રહેતું નથી.

જેને આપણે આપણી ઈચ્છાથી વાળેલી ગાંઠ માનતા હોઈએ,
એ જ પછી- ગાંઠ પડી ગયાની સ્થિતિ બને છે.
હવે આગ્રહ હઠાગ્રહ બને છે.
ગાંઠ છૂટવાની વેળાની
હવે તો માત્ર વાટ જ જોયા કરવાની !

( તુષાર શુક્લ )

ગાંઠ-તુષાર શુક્લ

ગાંઠ.
આ શબ્દનું મૂળ છે : ‘ગ્રંથિ’.
એનો અર્થ નકારાત્મક હોવાનું લાગે છે.
ગાંઠ એટલે ગઠન. ગંઠાવું. બંધન.
જે બંધાય છે તે, ગ્રંથિ.
જે બાંધે છે તે પણ ગ્રંથિ.
ગાંઠ પોતે બંધાય છે,
સાથોસાથ અન્યને પણ બાંધે છે.

ગ્રંથિ બંધાય
પછી ગતિને અવરોધે એવું ય બને.
આપણે ગ્રંથિ બાંધીએ
પછી ગ્રંથિ આપણને બાંધે એવું ય બને.
ગાંઠ પડી જાય તો વિકાસ રોકાઈ જાય,
અંતર પડી જાય, સંબંધ બગડી જાય.
ગાંઠ વાળીએતો ગતિ સિદ્ધ થઈ શકે
ધાર્યું પહોંચી શકીએ, ઈચ્છ્યું પામી શકીએ.

ગાંઠ પડવી અને ગાંઠ વાળવી
બંનેના પરિણામ, અણસમજૂને હાથે
એક જ આવે છે.

( તુષાર શુક્લ )

વર્ષગાંઠ-તુષાર શુક્લ

વર્ષગાંઠ
એ વીતેલા સમયને યાદ કરવાનો
અને
આવી રહેલા સમયનું આયોજન કરવાનો અવસર છે

જન્મ આપણા હાથમાં નથી
કર્મ આપણો પુરુષાર્થ છે.
ફળ આપણું પ્રારબ્ધ છે.
જે આપણા હાથમાં છે એ કરીએ.
જે આપણા હાથમાં નથી એને ઓળખી લઈએ.

કર્યાનો સંતોષ રહેશે.
ન મળ્યાની પીડા નહીં થાય
કોઈને મળ્યાની ઈર્ષ્યા નહીં થાય
પોતાને મળ્યાનો આનંદ રહેશે.

મનુષ્ય યત્ન, ઈશ્વરકૃપા…
મનુષ્ય યત્ન એ જ કૃપા !

( તુષાર શુક્લ )

વર્ષ બદલાયાની-તુષાર શુક્લ

વર્ષ બદલાયાની, વીત્યાની, નવું શરૂ થયાની સંજ્ઞા સૂચવે છે-ગાંઠ !
ગાંઠનો સંદર્ભ ઘણો જૂનો છે.
ભૂલકણા સ્વભાવવાળી વ્યક્તિને યાદ અપાવવા
રૂમાલમાં ગાંઠ વાળી અપાય
ગાંઠ જુવે ને વ્યક્તિ ગૂંચવાય…વિચાર કરે…
શા માટે હશે આ ગાંઠ ?

અને એ યાદ કરવા જતાં એને યાદ આવે
એણે યાદ રાખવાની હોય એ વાત.

ગાંઠ પોતે કૈં કરતી નથી
માત્ર, કૈંક ભૂલાયાની યાદ આપે છે.
કારણ કે ગાંઠ આગળ ગતિરોધ સર્જાય છે.
ગાંઠ આવે ત્યાં થોભવું પડે, થોભીએ એટલે વિરામ મળે
વિચારવાની તક મળે…

વર્ષમાં આવતી આ જન્મદિવસની ગાંઠ યાદ અપાવે છે,
આપણા જન્મના હેતુની અને વહી ગયેલા સમયની…
કેટલો સમય વીત્યો એ તો જાણ્યું…
કેટલો બાકી છે એ અજાણ્યું…
તો હેતુસિદ્ધિ માટે શું ? ક્યારે ?

( તુષાર શુક્લ )

વર્ષગાંઠ-તુષાર શુક્લ

વર્ષગાંઠ
બે શબ્દો મળીને બને છે આ એક શબ્દ
વર્ષ અને ગાંઠ, વર્ષની ગાંઠ, ગાંઠનો દિવસ.
જે, વર્ષમાં આવે એકવાર.
વર્ષ બદલાયાનું સૂચન કરતી ગાંઠ
વર્ષ વીત્યાની યાદ અપાવતી ગાંઠ

દિવસ એક જ છે, પણ એને જોવાની રીત જૂદી છે
વર્ષ વીતી જવું દુ:ખદ છે
વર્ષનું બદલાવું આશા પ્રેરક છે
નવા જ વર્ષનું શરૂ થવું ઉત્સાહ વર્ધક છે
એક જ દિવસ – ત્રણ જીવન દ્રષ્ટિ
ત્રણે અસર કરે આપણાં જીવનને.

દુ:ખ… આશા… ઉત્સાહ…
આપણે કઈ રીતે જોવા માંગીએ છીએ એ આપણા પર છે.

ડગ ધીમાં પડે, ડગમગે, થંભે કે દોડે…
એનો આધાર આપણી જીવનદ્રષ્ટિ પર !

( તુષાર શુક્લ )

એકાંત વચ્ચે-પ્રીતમ લખલાણી

શબ્દો
અંધારામાં
ભાષાની લાકડી પકડી
શોધે છે.
સૌંદર્યની વ્યાખ્યાના લથડતા પગે
અર્થના ખોવાયેલાં પગલાં
શેરીમાં
પ્રત્યેક ક્ષણે ખખડતા
પીપળાનાં પીળાં પાન બેઠા છે
જિંદગીના સાચા સંબંધને સમજવા
સામેના ખંડેરને તૂટીફૂટી બારીએ
ટકોરા મારતા પવનને
સૂનકાર આંગણામાં
ટૂટ્યું વાળીને ચૂપચાપ ખાટલા તળે
બેઠેલા કૂતરાની આંખો કણસે છે
નામ પાછળ ખોવાયેલા
માણસનો અણસાર
દેવગોખે
બુઝાતી મીણબત્તી જ્યોતને
અખંડ રાખવા
મેજ પર પડેલા
ફ્લાવરવાઝનાં ફૂલોની મયંકને
ખીચોખીચ એકાંત વચ્ચે ગોઠવવા
આવી પહોંચ્યું છે નિરાંતના સરોવરે
શઢ સંકેલીને બેઠેલું પતંગિયું.

( પ્રીતમ લખલાણી )

ચીસ-પુષ્કરરાય જોષી

તીરથી ઘાયલ
કૌંચ પંખીની
ચીસ
ઋષિમુખે
શ્લોકત્વ પામી
ગૂંજી રહી છે હજી
પરંતુ
કોઈના ક્રૂર
લોખંડી પંજાની
જકડમાં ફસાયેલા ગળામાં
અટકી પડેલી
ચીસ
હજી પણ
શબ્દસ્થ થવા
તરફડી રહી છે.

( પુષ્કરરાય જોષી )