રોજ રોજ જાત થોડી ખોલીએ ?-જિગર જોષી ‘પ્રેમ’

રોજ રોજ જાત થોડી ખોલીએ ?
છેલ્લેરા શ્વાસ સુધી પડઘાતું જાય સતત બોલીએ તો એવું કંઈ બોલીએ.

રેસો ઉકેલિયોતો રેસાઓ જન્મ્યા ને જન્મ્યાં કંઈ ગાંઠ તણાં ગામ
આમ ગામ સઘળાં’યે રેસાથી બાંધેલા-ઝીણવટિયું જાણે કોઈ કામ
જાણતલ ભેરુ એક લાગ્યો છે હાથ કીધું આમ નહીં આમ કરી ખોલીએ…

અંધારું થાય તયેં દીવો મૂંઝાય નહીં; દીવો તો પરકમ્મા આખરી
દીધો છે રોગ એક હાથે આ બીજાને; કરશે એ એની રીતે ચાકરી
પરખંદુ જીવ તો પારખશે મેળે, વળી ! ઘડી ઘડી એને શું બોલીએ ?

( જિગર જોષી ‘પ્રેમ’)

તમે પણ-સુધીર પટેલ

વાત બદલીને ફરી એ વાત લાવો છો, તમે પણ…
માંડ કાપીએ દિવસ ત્યાં રાત લાવો છો, તમે પણ…

હું સજું શણગાર તો બોલો સજું પણ કેવી રીતે ?
જોઉં જ્યાં દર્પણ તો વચ્ચે જાત લાવો છો, તમે પણ…

રંગ કોઈ એક ઘૂંટી રંગવા ખુદને મથું છું,
ને ઉપરથી રંગ નૂતન સાત લાવો છો, તમે પણ…

છે દિવસ સહિયારો, પણ આ રાત છે સુવાંગ મારી;
ત્યાંય યાદોની પૂરી બારાત લાવો છો, તમે પણ…

આંખથી સોળે કળાએ દ્રશ્ય જોયું ન્હોતું ‘સુધીર’,
આંખ મીંચી એમાં નોખી ભાત લાવો છો, તમે પણ…

( સુધીર પટેલ )

તારે આમ જ લડી લેવાનું-રાધિકા પટેલ

તારે આમ જ લડી લેવાનું;
છાને-છૂપે ખૂણામાં જઈ એકલા એકલા રડી લેવાનું…
તારે આમ જ લડી લેવાનું…!

પૂછે કોઈ કેમ અલી આ આંખો કાં સૂઝેલી લાગે;
સપનાંઓની લત પડી છે આંખો એટલે ઘેલી લાગે
જરાક અમથું હસીને પાછું સરસ બહાનું ઘડી લેવાનું…!
તારે આમ જ લડી લેવાનું…!

દરવાજા તો દરવાજા આ બારી પણ પંચાત્યું કરશે;
ડૂસકું કોઈ લીક થયું તો હવાય તારી વાતું કરશે
બથ ભરે છે ચાર સહેલી-ભીંતોએ આભડી લેવાનું…!
તારે આમ જ લડી લેવાનું…!

( રાધિકા પટેલ )

જીવી લીધું-સાહિલ

હતી ડંખ દેતી ડગર-છતાં અમે હસતાં હસતાં જીવી લીધું
અને લોહિયાળ સફર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

હતી વાત વસમી છતાં રહ્યા છીએ સત્યની તરફેણમાં
ન થઈ કદાપિ કદર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

અમે ખાઈ ઠોકરો જાળવ્યો છે મલાજો એમના માનનો
પડ્યા ઘાવ આઠે પ્રહર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

દીધી હાથતાળી મરણને તોય ક્યાં વાત પૂરી થઈ હતી
હતો જીવવાનોય ડર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

છે દિલાસો અમને એ વાતનો તમે હાથ ઝાલ્યો છે એટલે
હતો માથે તડકો પ્રખર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

છે તૂટેલી ભીંત-નમેલી છત-નથી બારી કે નથી બારણાં
વીતી એ જ ઘરમાં ઉંમર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

જો પૂછો તો ‘સાહિલ’ લોકને છે નવાઈ કેમ-તે શી રીતે,
છે નગુણું આખું નગર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

( સાહિલ )

કાજલ ઓઝા વૈદ્ય સાથે એક મુલાકાત-દિવ્યા સોની “દિવ્યતા”

Divya with Kajal Oza Vaidya

જમીનની ધૂળ પવનના જોરે જેમ આસમાન ની સહેલ કરી આવે છે બસ કંઈક એવી જ રીતે નસીબના જોરે આ લખનારને એક-દોઢ કલાક શ્રી કાજલ ઓઝા વૈદ્ય સાથે વીતાવવાનો મળી ગયો. સાવ અચાનક.

વાત કંઈ આમ બની, થોડા દિવસ પૂર્વે મેં ફેઈસબુક પર કાજલમેમની પોસ્ટ જોઈ કે “રવિવાર તા. ઓગષ્ટ ૯, ૨૦૧૫ના દિવસે સાંજે ૪ વાગ્યે હું મારા બધા વાચકોને ટીવી એશિયા સાથે મારા ટોક શો માટે આમંત્રણ પાઠવું છું.” થોડી મુંઝવણ સાથે મેં આ માહિતી થોડા મિત્રો સાથે શેર કરી, પણ પુરતી માહિતીના અભાવે કોઈને ફોર્સ કરવાનું મને વ્યાજબી ના લાગ્યું. મારે તો જવું જ હતું, મારું લક ટ્રાય કરવા અને એ આત્મવિશ્વાસથી છલકાતી ગરવી ગુજરાતણને જોવા. મારા કેલીફોર્નિયાના એક મહિનાના વેકેશનને માણીને અમે શનિવાર સવારે ૩ વાગ્યે ઘરે પહોંચ્યા, બપોરે ૧૨ વાગ્યે જેમ તેમ ઉઠી, ચા પીતા પીતા મારા પતિને જણાવ્યું કે મારી આ પ્રોગ્રામમાં જવાની ઈચ્છા છે. બસ પછી શું ? એ મારી પાછળ મંડ્યા, જોજે આ ચાન્સ મિસ ના કરતી. હું બંને છોકરાઓને સંભાળીશ. અને મેં કાજલ ઓઝા વૈદ્યને મળવા જવાનું મન બનાવ્યું.

ન્યુ જર્સીના “ચાલો ગુજરાત”ના કાર્યક્રમ દરમ્યાન હું વેકેશન અર્થે બહાર હતી એ વાતનો મને સતત અફસોસ રહ્યો હતો. અને તમારામાંથી ઘણાંને જાણ હશે કે છેલ્લા ચારેક મહિનાઓથી મેં પણ ભાગ્યું તૂટ્યું આવડે એવું લખવાનું શરુ કર્યું છે, જેમ જરા સારું ક્રિકેટ રમતા બાળકને તરત જ સચિનની મિસાલ અપાતી હોય છે, એમ મારા જેવા નાના ગુજરાતી મહિલા લેખકને કાજલમેમની મિસાલ સહેજે અપાય એ સ્વાભાવિક છે. એટલે મારા ઘણા મિત્રોનો ખાસ કરીને હિનાબેનનો આગ્રહ હતો કે હું કાજલમેમને મળું, સાંભળું. મળવા જવા માટે ત્રણ સાથીમાંથી બે અને અંતે હું એકલી આ પ્રોગ્રામ માટે જવા નીકળી. જાણે દીવો સુરજને મળવા જાય એમ.

૪૦ મીનિટ ના ડ્રાઈવ દરમ્યાન કંઈ કેટલી મુંઝવણો મને ઘેરી રહી. કેવો હશે પ્રોગ્રામ ? મને અંદર જવાનો ચાન્સ મળશે ? હું શું વાત કરીશ મેમ સાથે ? જેવા અગણિત સવાલોએ મનને કબ્જે કર્યું અને ત્યાં જ મારી કાર આગળની ચોથી જ કાર અકસ્માતમાં સપડાઈ. હું ધ્રુજી ગઈ, પણ રામ રાખે એને કોણ ચાખે ? મેં ધ્રુજતા હાથે હંકાર્યે રાખ્યું. હવે હું આગળ વધુ વિચારી ના શકી અને મેં મનોમન નક્કી કર્યું કે જો મને પ્રશ્ન પૂછવાનો ચાન્સ મળશે તો હું મેમને બસ એટલું પૂછીશ કે “તમારા આત્મવિશ્વાસથી છલોછલ આત્માને મારે બસ એકવાર ભેટવું છે. એ આત્મવિશ્વાસનું એકાદ ટીપું મારે પણ ઝીલવું છે, એક હગ મળશે ?” એમની અને મારી વચ્ચેના અંતરને જોઈ બસ આટલું જ વ્યાજબી લાગ્યું. મારી ખાસ મિત્રની નાની દીકરીને જોવાનું મારું પહેલું સ્ટોપ હતું. એને મળી. થોડી વાર થઈ ત્યાં તો મારા હબીનો મેસેજ આવ્યો જલ્દી જા ત્યાં લાઈન હશે. અને હું દોડી, લગભગ ૩:૨૫, બપોરનો સમય, કારમાં પેટ્રોલ એકદમ ખાલી. માંડ ૧૦ માઈલ્સની રેંજ બાકી, તોય મેં ટીવી એશિયાના પાર્કિંગમાં પહોંચીને ગાડી પાર્ક કરી. સાવ સુની જગ્યા હતી. ટીવી એશિયાના બિલ્ડિંગની લગોલગ આવેલા એક મકાનમાં થોડા માણસો મેં જોયા, મને થયું આજ એ લાઈન હશે. તોય એ કન્ફર્મ કરવા મેં પહેલાં ટીવી એશિયાની ઓફિસમાં જ જવાનું નક્કી કર્યું.

નાના અમથા કોઈ વહેળાને સાગર સામે ચાલી મળવા આવે એમ મેં કાજલમેમને એ ઓફીસની બહાર નીકળતાં જોયા, હાય હેલો કરી ને હું એમને બસ વળગી પડી. જાણે કે આ મારો છેલ્લો ચાન્સ હોય એમની આટલી નજદીક પહોંચવાનો, એ થોડા મુંઝાયેલા દેખાયા ને બોલ્યા તમે ફલાણાં બેન છો ? મેં કહ્યું, ‘ના હું તો બસ તમારી ફેન છું. તમારો પ્રોગ્રામ જોવા આવી છું.’ મેડમે થોડા દિલગીર અવાજે કહ્યું, સોરી એ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે. મેં પણ બોલતા બોલી જ નાખ્યું, કશો વાંધો નહીં, હું તો બસ તમને મળવા આવી છું. અને તમે અહીં જ છો. અને તરત બીજો સવાલ મારા મોમાંથી નીકળી જ ગયો, પ્રોગ્રામ રદ છે તો તમે અહીં કેમ ? અને હું થોડી ધ્રુજી કે પંચાત ક્યાં ચાલુ કરી મેં. પણ મેમનો જવાબ સાંભળી હું જરા રિલેક્ષ થઈ. એ બોલ્યા એ વાત જરા લાંબી છે હું તને પછી કહું બેટા, પહેલા મને કહે કે આમાંથી ગાયત્રીની કાર ક્યાં છે ? હું પાછી હસી ને બોલી હું તો બસ તમારી ફેન છું. હું અહીં કોઈને જાણતી નથી. પછી અમે મેમનો સામાન એક કારમાંથી બીજી કારમાં મુકતાં મુકતાં એવાં વાતે વળગ્યા જાણે વરસો જુના મિત્રો. એ પાંચ મિનીટ મને રોમાંચિત કરી ગઈ, કે આટલા મોટા ગજાના લેખિકા છતાં એમની વર્તણુંક કેટલી પોતીકી લાગે ? ત્યાં જ એમના ખાસ ફ્રેન્ડ ગાયત્રીજી બહાર આવ્યા અને એમની કાર અમને બતાવી કાજલમેમએ એમની ધૂનમાં મારી સાથે વાતો કર્યે રાખી. અને એમના મિત્રની આંખોમાં મને પ્રશ્નાર્થ ચિહ્ન તરતું દેખાયુ. એમની મુંઝવણ દૂર કરતાં મેં કહ્યું. હું બસ એમનો પ્રોગ્રામ જોવા આવી છું. અને એ બોલ્યા ઓહ ઓકે.

પછી અમે બધાય ટીવી એશિયાની ઓફીસમાં પ્રવેશ્યા. અંદર એક મોટી ઉંમરનું દંપતી બેઠું હતું. તેમની ઓળખાણ કાજલમેમએ એમના ફેમીલી તરીકે આપી. થોડીવાર પછી બીજું એક દંપતી પણ મારી જેમ જ આ પ્રોગ્રામ માટે આવ્યું. કાજલમેમએ એમને પણ આવકારતા કહ્યું, આવ્યા એ સારું કર્યું, આવો. પછી અમને સૌને પોતાનાં વ્યાખ્યાનોની એક એક સીડી પોતાનાં ઓટોગ્રાફ સાથે ભેટમાં આપતાં એ બોલ્યા કે આજે તમને પ્રવચન સાંભળવા નહીં મળે. મારા કારણે તમને સૌને ફેરો પડ્યો. ત્યાં મેં ફરી ટાપસી પુરાવતા કહ્યું આજની મારી ખ્વાઇશ તમને એક હગ કરવાની હતી એ તો પૂરી થઈ જ ગઈ છે. અને એ માટે હું મારી જાતને ખુબ ભાગ્યશાળી માનું છું. આ રીતે કાજલમેમને એમના મિત્રો સાથે વાતો કરતા અને વર્તતા જોવા એ પણ આગવો લાહ્વો છે. અને અમે બધા હસી પડ્યા.

થોડી આમ તેમની વાતો કરતાં કરતાં કાજલમેમ ચા બનાવવા ઉભા થયા, હું હવે શું કરુંનો વિચાર કરું એ પહેલાં જ કાજલમેમ નો સાદ સંભળાયો, દિવ્યા તને વાંધો ના હોય તો ઉપર આવ આપણે સાથે ચા બનાવીએ, જાણે મારો જેકપોટ લાગ્યો હોય એમ હું લોહચુંબકની પાછળ લોઢું દોડે એમ હું એમની પાછળ દોડી. ધડાધડ કામ કરતા, ચાલતા, વાતો કરતા કાજલમેમની સાદગીમાં રહેલો ઠસ્સો મને ખુબ ગમ્યો. લેખકને કળવો અઘરો પણ કાજલમેમ તો લેખકની સાથે સારા કલાકાર પણ છે. એટલે એમના ભાવો વાંચતા મને વાર ના લાગી. મને ગમતી દરેક પળને હું કેમેરામાં કંડારવા હંમેશા તત્પર હોઉં છું, એમ કહું તો ચાલે કે હું ફોટા લેવાની બંધાણી છું. મારા આ સ્વભાવને કાબુમાં રાખી આ ક્ષણોનો ફોટો ના લેવા માટે મારી જાતને બાંધી રાખવી એક સજા જેવી લાગી રહી હતી. પણ મેં કાબુ જાળવી રાખ્યો. હું કાજલમેમના ગમા- અણગમા, થાક-નિરાશાની લાગણીઓને એમના ચેહરા ઉપર આવતા જતાં જોતી રહી, અને એ થોડી થોડી વારે દિવ્યા દીકરા, દિવ્યા દીકરા કહી મને સંબોધતા રહ્યા. ચા બની ગઈ એટલે અમે બંને ચાના કપ લઈ ફરી નીચે આવ્યા. કાજલમેમ બાકીનાને ચા આપવા અંદર ગયા. ત્યાં મારી સાથે બેઠેલ દંપતી જેને કાજલમેમે ફેમીલી કહી ઓળખાણ કરાવી હતી એ રામભાઈ બેઠા હતા. એમની સાથે સત્સંગ શરુ થતા જાણવા મળ્યું કે એ ગુજરાતી લીટરેચર અકાદમીના પ્રેસિડન્ટ છે, હું મારા અહોભાગ્યને માની ના શકી. ત્યારબાદ ટીવી એશિયાના જાણીતા કાર્યકરો અને દિગ્ગજો ની વાતો અને ચર્ચાઓ સાંભળવાનો મોકો પણ મને મળ્યો.

બાકીનો સમય કાજલમેમના હસી મજાક, જોક, ટીકા ટીપ્પણી સાંભળવામાં ગાળ્યો, જે સંબંધોમાં હળવી રમુજો ચાલતી રહે છે એ ખુબ જ સ્વસ્થ હોય છે. આટલી મોટી પર્સનાલીટી હોવા છતાં જે રીતે હું કાજલમેમ ને મળી એ ક્યાં તો એમનો દરિયાદિલ સ્વભાવ અને ક્યાં તો મારું નસીબ હતું. પણ હું માનું ત્યાં સુધી સરળ સ્વભાવ એ કાજલમેમના લોહીમાં છે. અને મનમાં હોય એ સીધું કહી દેવાની હિંમત પણ. આ બધું એક જ વાર મળ્યા હોવા છતાં એટલે કહી શકું છું કેમકે હું માનું છું કે ભગવાને મને માણસ પારખવાની સૂઝ ઘણી સારી આપી છે. એકવાર મળતાં જ ઘણી વાતો કળતા મને આવડે છે, કદાચ એ મારા ઝીણું ઝીણું નિરીક્ષણ કરવાના સ્વભાવની સોગાત છે. આ અચાનક થયેલી મુલાકાતથી હું એટલી આનંદમય થઈ ગઈ હતી કે ત્યાંથી નીકળવાનો તો વિચાર પણ મને ના આવ્યો, બસ કાજલમેમના શબ્દો, હાવભાવો, મિત્રો સાથેની એમની ટીખળો, એમના મગજમાં ચાલતા વિચારોના અથડાટના એમના ચહેરા પર પડતા લીસોટાઓ… આ બધું જ અનુભવતી હું કાજલમેમની બાજુની ખુરશી પર જાણે ચોંટી જ ગઈ હતી. કાજલમેમને આટલા સાદાઈથી બેઠેલા જોઈ મને એક જ સવાલ થયો. આ એ જ લેખિકા છે જેણે પોતાની કલમ ના જોરે કંઈ કેટલાય મન મોહી લીધા છે, આ એ જ વક્તા છે જેણે પોતાની વાક્છટાથી લાખોને મંત્રમુગ્ધ કર્યાં છે. અને આ એ જ કલાકાર છે જેમણે કંઈ કેટલાયના ચિત્ત ચોરી લીધા છે. કૃષ્ણ ના જીવન સાથે જો આ પરિસ્થિતિને સમજાવવાની કોશીશ કરું તો કહી શકું “ક્યાં એ યોગેશ્વરનું વિશાળ વિશ્વસ્વરૂપ અને ક્યાં ગોપાળો સાથે રમતાં કૃષ્ણનું એ મનમોહક રૂપ” પોતાની બધી જ લીલાઓ સંકેલી ધ્રુજતા અર્જુન પાસે બેઠેલા એ વાસુદેવ જેવા જ ભાસ્યાં મને.

એમનો attitude અનુભવવાવાળા માટે હું એટલું કહીશ કે વ્યક્તિના મુડ પર ઘણી વસ્તુઓ અસર કરતી હોય છે, કોઈવાર તીખા ટીકાકારો ને ચૂપ કરવા તો કોઈક વાર ઘણી મોટી મેદનીને કંટ્રોલ કરવા પણ તેમણે થોડું strict રહેવું પડ્યું હોય. એક સ્ત્રી છું એટલે કહી શકું છું મુડનો ઉતાર ચડાવ એ સ્ત્રી સ્વભાવની સાથે જડથી જ વણાયેલો નથી ? શું આપણે સૌ પણ કંઈક આવા જ નથી ?

આ દરમ્યાન રામભાઈ કાજલમેમની લેખનકળાના ને કાજલબેનન દ્રષ્ટાંતો આપીને રામભાઈના મોભાના વખાણ કરતા હતા. ખૂબ જ રોચક સંવાદ અને આવા મધુર સંબંધો જોઈ મને ખુબ જ આનંદ થયો. આ બધામાં ટીવી એશિયાના એમ્પ્લોયી અને કાજલમેમના ખાસ મિત્ર ગાયત્રીબેન થોડી થોડી વારે આવીને હાજરી પૂરાવતા હતા. એમના વિશે આટલું કહેવાનું નહિ ચુકું કે તેઓ ખૂબ જ મીઠા વ્યક્તિત્વના છે. અને રામભાઈના પત્નીનો સ્વભાવ પણ ખૂબ જ લાગણી ભરેલો છે એ મેં અનુભવ્યું. થોડી વાર થતાં રામભાઈ બોલ્યા હું ૪:૪૫ સુધી અહીંથી નીકળીશ, અને મેં કહ્યું હું તો કાજલમેમ જવાનું કહેશે કે એ અહીંથી જશે ત્યાં સુધી અહીંથી નહીં ડગું. અને ફરી પાછો વાતોનો દોર શરુ થયો. કાજલમેમ જવાની તૈયારી કરવા લાગ્યા અને હું બસ આ લ્હાવો મળ્યાનો જશ્ન મનાવતી એમના પાછા નીચે આવવાની રાહ જોતી ત્યાં જ બેઠી. એ આવ્યા એટલે મેં એમને મારા લેખનના શોખ વિષે જણાવ્યું અને એમને મારુ થોડું લખાણ વંચાવ્યુ પણ ખરું, એમણે શાંતિથી એ વાંચીને કહ્યું “સરસ છે”. સાથે બોલ્યા મને ઈ-મેઈલ કરજે હું શાંતિથી વાંચીશ. હું મનોમન બોલી, તમે મારું લખાણ હાથમાં લીધું એ જ મોટી વાત છે. હું શું તમને ઈમ્પ્રેશ કરવાની હતી ? આ તો બસ મારા સંતોષ ખાતર.’ ત્યારબાદ મેં કાજલમેમને મારી સાથે એક પિક્ચર પડાવવા વિનંતી કરી, ગાયત્રીબેને ખૂબ જ પ્રેમથી અમને પિક્ચર પાડી પણ આપ્યા. મેં એક પિક્ચર રામભાઈ અને એમના ધર્મપત્ની સાથે પણ પડાવ્યું. ગાયત્રીબેન સાથે પિક્ચર લેવાનું રહી ગયું એનો અફસોસ જરૂર છે મને. ત્યાર બાદ અમે સૌ બહાર નીકળ્યા. એક બીજાને હગ આપી શુભેચ્છાઓ પાઠવતા અમે સૌ છુટા પડ્યા.

કોઈકને અચાનક એક દિવસ માટે રાજા બનવાનો મોકો મળે ને કેવી અનુભૂતિ થાય બસ એવું જ કંઈક મેં ત્યારે અનુભવ્યું. કારણ કે જે પ્રોગ્રામ માં ૧૦૦-૧૫૦ માણસો આવવાની ધારણા હતી એ ઈવેન્ટ કેન્સલ થયાના ઈ-મેઈલ બધાને મળ્યા. એ ઈ-મેઈલ વાંચ્યા વગર બે વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા અને તરત જ ત્યાંથી રવાના થઈ ગયા હતા. અને એ ઈ-મેઈલ ચેઈનથી અપવાદ એવા બે જે ફેસબુક પોસ્ટ વાંચી ત્યાં પહોચ્યાં હતા એમાનાં એક બેન ત્યાં છેલ્લી ૧૦-૧૫ મિનીટ માટે ત્યાં હતા, બાકીની એક તે હું , ગાયત્રીબેન કાજલમેમનું ત્યાં આવવાનું અને રોકાવાનું કારણ બન્યા હતાં જે એમને ત્યાંથી એમની સાથે લઈ જવાના હતા. એમના કામના કલાકો સાંજે ૫ વાગ્યા સુધી હોવાથી મને અને કાજલ મેમને મેળવતું લાભનું ચોઘડિયું જાણે મારા માટે જ ગોઠવાયું હતું. મારા માટે જ જાણે આ પાનાં ગોઠવાયાં હતા.

જે કોઈ દીવાએ સુરજને મળી ને, કોઈ ગઝલે ગાલીબ ને મળી ને, ક્રિકેટ ચાહકે સચિન ને મળી ને, અને દેશપ્રેમીએ ગાંધીજીને મળી ને જે અનુભવ્યું હશે એવું જ કંઈક મારા જેવા ઉગતા લેખકે શ્રી કાજલ ઓઝા વૈદ્ય જેવા મોટા ગજાના, ધારદાર વ્યક્તિત્વ ધરાવતાં લેખિકાને મળીને અનુભવ્યું. એ મારો સમય હતો ને મેં એ ભરપુર જીવી લીધો. હવે કાજલમેમ મને ઓળખશે કે નહિ ? બીજી વાર આવી સરળતા સાથે મળશે કે નહિ ? મારા ઈ-મેઈલનો જવાબ આવશે કે નહી ? હું આ મિત્રતા આગળ વધારી શકીશ કે નહિ ? જેવા સવાલો કે અપેક્ષાથી પર રહી આજે તો હું બસ તમારા સૌની સાથે મારો આ અનુભવ શેર કરતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.

(દિવ્યા સોની “દિવ્યતા”)

[દિવ્યા સોની એ ગુજરાતી ભાષાના ઉગતાં કવયિત્રી અને લેખિકા છે. પોતાના શોખ માટે લખતાં આ કવયિત્રી અને લેખિકાની ૨૦૦થીય વધુ નાની મોટી રચનાઓ તમે એમના બ્લોગ https://divyataa.wordpress.com/પર વાંચી શકો છો.
દિવ્યા જય સોની મૂળ સુરત પાસેના નાનકડા ગામ કઠોદરાના વતની. ગામમાં ચાર ધોરણ સુધી ભણી આગળ અભ્યાસ અર્થે એમનાં શિક્ષિકા ફોઈ સાથે અમરોલી(સુરત) સ્થાયી થયાં. B.A. (Economics)ની ત્રીજા વર્ષની પરીક્ષા પૂરી થતાં જ યુ.એસ.એ માં ઈમિગ્રેટ થયાં. અહી એક-બે વર્ષ જોબ કરી. ત્યારબાદ લગ્ન થતાં ટુંક સમય માટે બેંગ્લોર અને ત્યારબાદ સિંગાપોરમાં સાડા ત્રણ વર્ષ વિતાવી પતિ અને પુત્ર સાથે યુ.એસ.એ. પરત ફર્યા. અહીં પણ સમયના ચકડોળે કેલીફોર્નિયાથી રાલે અને રાલેથી હાલ ન્યુ જર્સીમાં સ્થાયી થયા છે. એક પુત્ર (ઓમ) અને પુત્રી (ઈરા)ની માતા એવા દિવ્યા સોની સમયનો અવકાશ મળતાં લેખન કાર્ય તરફ વળ્યાં છે.]

બે લઘુ કાવ્યો-વિપાશા

(1)
જીદ છે
તમને જોવાની(1)
જીદ છે
તમને જોવાની
ચામડી ચીરી
બહાર આવી.
ચામડીમાં
ગરી જઈશ
પાછી

(2)
નસો વચ્ચે જકડાઈ
જીવું છું
એમને હું જોઉં છું,
ગભરાયેલા થથરતા
શું એ મને જુએ છે
તોફાને ચડેલી નસો વચ્ચે
ભરાયેલી
શાંત
મને ?

(વિપાશા)

એલ્કેમીસ્ટ-પોલો કોએલો

એલ્કેમીસ્ટ-પોલો કોએલો

૨૩ એપ્રિલ ‘વર્લ્ડ બુક ડે’. આ દિવસે એક એવા પુસ્તક વિશે જાણીએ જેનું દુનિયાની ૬૬ ભાષામાં રૂપાંતર થયું છે. ૧૦ કરોડ થી વધુ નકલ વેચાઈ છે અને ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’માં સળંગ ૩૦૩ અઠવાડિયા સુધી બેસ્ટ સેલર બુક રહી છે. કોઈ જીવિત લેખકની બુકનું જો સૌથી વધુ ભાષાઓમાં રૂપાંતર થયું હોય તો તે શ્રેય આ પુસ્તકને અને તેના લેખકને જાય છે, જેના માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ પુસ્તક સ્થાન ધરાવે છે. પુસ્તક નું નામ છે ‘એલ્કેમીસ્ટ’ અને લેખક છે પોલો કોએલો. એલ્કેમીસ્ટ એટલે કીમિયાગર-સામાન્ય ધાતુને સોનામાં પરિવર્તન કરવાની કળા જાણનાર વ્યક્તિ.

આ વાર્તા એક સામાન્ય છોકરાની અસામાન્ય સફરની છે. દૂરના પર્વતીય પ્રદેશના નાના ગામમાં રહેતા એક યુવાનની વાત. યુવાન જે એક ઘરેડનું જીવન જીવે છે તેનાથી કૈંક વિશેષ ઈચ્છે છે અને તેમ કરવાની હિંમત કરે છે. આ વાત એવા લોકોની છે જે પોતાના અંત:કરણ ના અવાજ ને અનુસરવાની તૈયારી બતાવે છે. યુવાનને એક સ્વપ્ન આવે છે કે તેના માટે ખજાનો પિરામિડોમાં તેની રાહ જોઈ રહ્યો છે. આ વાત કુદરત તેને વારંવાર સમજાવે છે. યુવાન કુદરતના સંકેતોને સમજે છે અને પોતાના વતનથી ખુબ જ દુર આવેલા પિરામિડો સુધી જવા તૈયાર થાય છે. એક સ્વપ્ન કે સંકેતના આધારે આમ અજાણી લાંબી મુસાફરી કરવાનો નિર્ણય લેવો જેટલો અઘરો હતો તેનાથી ઘણી વધુ અઘરી મુસાફરી રહી.

યુવાન પોતાના લીલોતરીવાળા પર્વતો છોડી રણમાં પ્રવેશે છે. તેની તમામ મૂડી લૂંટાઈ જાય છે. તેને આગળ વધવા માટે રૂપિયાની જરૂર છે અને તેમાટે તે એક કાચની દુકાને કામ કરે છે. ત્યાં કાચના વાસણ સાફ કરવા એ એક સાંકેતિક વાત છે. આ દરમ્યાન તેના મનની નકારાત્મકતા પણ સાફ થઇ જાય છે. થોડા જ સમયમાં તે ફરી પોતાના સ્વપ્ન તરફ એટલે કે પિરામિડો તરફ આગળ વધવા લાગે છે. રણમાં હુમલાઓ થાય છે, તોફાન આવે છે, પડાવ આવે છે. આ દરેક ઘટના યુવાનને કૈક શીખવે છે. યુવાન રણમાં એક યુવતીના પ્રેમમાં પડે છે અને ત્યાં જ રોકાઈ જવાનું વિચારે છે. તેને પોતાના સ્વપ્ન અને ખજાનાના અસ્તિત્વ વિષે શંકા થાય છે. અહીં રહી જઈને એણે કશું ગુમાવવાનું નથી અને પ્રેમ તો મળે જ છે. આ સમયે તેને તેના ગુરુ એટલે કે એલ્કેમીસ્ટ–કીમિયાગર મળે છે. તે તેને સમજાવે છે કે કુદરત તને સંકેત આપે છે અને તું સંકેત ને અનુસરે છે એટલે ખુશ છે. જો તું સંકેતોને અનુસરવાનું બંધ કરી દઈશ તો કુદરત તને સંકેત આપવાનું બંધ કરી દેશે અને વર્ષો પછી તને અફસોસ થશે કે ‘કાશ ! હું પીરામીડ સુધી ગયો હોત તો મને મારો ખજાનો મળ્યો હોત’. સાચ્ચો પ્રેમ ક્યારેય તમારા અને તમારા સપના ની વચ્ચે નથી આવતો. પ્રેમ તો પ્રેરણા નું કામ કરે છે.

યુવાન આગળ વધવાનો નિર્ણય કરે છે. રણની મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓ આવે છે પણ એ પોતાના અંત:કરણ ના અવાજને અનુસરે છે અને આગળ વધે છે. એલ્કેમીસ્ટ યુવાનને શીખવે છે કે ‘જો તું તારા સ્વપ્નને પુરું કરવા માટે દ્રઢ નિશ્ચયી બનીશ તો સમગ્ર સૃષ્ટી તને તારા સ્વપ્ન સુધી પહોંચવાના કામે લાગી જશે.’ અને એમ જ બને છે, કુદરતના સંકેતો આ યુવાનને દરેક મુશ્કેલીમાંથી રસ્તો કરી આપે છે અને યુવાન પોતાના ખજાના સુધી પહોંચે છે. પણ આ ખજાના સુધી પહોંચવાનો રસ્તો એણે ધાર્યો હતો તે કરતા અલગ હોય છે. આ વાત જ એને શીખવાની હોય છે.

આપણે બધા જીવનમાં કોઈક સ્વપ્ન જોઈએ છીએ. આપણું અંત:કરણ આપણને આપણા જીવનના ઉચ્ચતમ ધ્યેય માટે લડવા પ્રેરે છે. પણ મોટાભાગના લોકો પોતાના અંત:કરણ ને અનુસરવાની, અશક્ય લાગતા ધ્યેય માટે પ્રયત્ન કરવાની હિંમત નથી કરતા. વર્ષો પછી આપણે જીવન જેવું જીવાતું હોય તેમ જીવવા ટેવાઈ જઈએ છીએ અને આપણા ઉચ્ચતમ ધ્યેય સુધી ક્યારેય પહોંચતા નથી. આપણે ફક્ત હિંમત કરવાની હોય છે, જે સ્વપ્ન–ધ્યેય કુદરત આપણને બતાવે છે તે પુરું કરવાની જવાબદારી કુદરતની છે. આપણે કુદરત પર, આપણી જાત પર, આપણા સ્વપ્ન પર વિશ્વાસ રાખવાનો હોય છે.

જીવનમાં આપણા સ્વપ્ન સુધી પહોંચવામાં જો કોઈ એક પરિબળ સૌથી વધુ નડતું હોય તો તે આપણો પોતાનો ડર છે. નિષ્ફળતા નો ડર. જો આપણે આ ડરને દુર ફેંકી શકીએ તો કુદરત સતત આપણી સાથે જ હોય છે. અલ્કેમીસ્ટના ઉદાહરણથી આ વાર્તાંમાં એક સરસ વાત કહેવાઇ છે. અલ્કેમીસ્ટ એટલે ધાતુ ને સોનામાં રૂપાંતરિત કરનાર નહીં, એલ્કેમીસ્ટ એટલે પોતાની જ અંદરની શક્તિઓ ને જાણી, તેને અનુસરી પોતાના ખજાના સુધી પહોંચનાર વ્યક્તિ. દુનિયામાં દરેક વ્યક્તિ માટે એક ખજાનો-ધ્યેય નિશ્ચિત હોય છે. આપણે તે ધ્યેય જાણવાનું, સમજવાનું અને ત્યાં સુધી પહોંચવાની હિંમત કરવાની છે. કુદરત દરેક સાચી- ખોટી, સારી-ખરાબ વાતના સંકેત આપે જ છે. બસ જરૂર છે આપણે એ સંકેતો સમજવાની. કુદરતમાં રહેલી દરેક વસ્તુ આપણી સાથે સંકળાયેલી છે અને તે આપણને કૈક કહે છે. કુદરતની પોતાની એક ભાષા છે. તમે જો સાચા રસ્તા પર હોવ અને કુદરત સાથે ચાલતા હોવ તો તમે એ ભાષા સમજી શકો. એક વખત તમે આ ભાષા સમજી શકશો પછી જગતના તમામ રહસ્યો તમારા માટે સરળ બની જશે. તમે તમારા માટે નિર્માણ થયેલા ધ્યેયને પ્રાપ્ત કરી શકશો. તમારા ખજાના સુધી પહોંચી શકશો.

આ પુસ્તકમાં હિંમત, સાહસ, ધીરજ, લાલચ અને પ્રેમની કસોટી સમજાવાઈ છે. જીવનનો સરળ રસ્તો આગળ જતા તમને ખાલીપો આપશે પણ કુદરતે તમારા માટે નક્કી કરેલો રસ્તો ભલે મુશ્કેલી ભર્યો હશે પણ અંતે તમને તમામ ખુશી અને સંતોષ આપશે. આ એક યુવાનની સાહસ કથાથી વધુ જીવન જીવવાની રીતની વાત છે. આ પુસ્તકમાંથી યુવાન ક્યારે પીરામીડ સુધી પહોંચે છે તે નહી પણ ત્યાં પહોંચતા સુધીમાં તે શું અને કઈ રીતે શીખે છે તે સમજવાનું છે. આ આખી વાત ને વાર્તા ને બદલે જીવનની મુસાફરીની વાત સમજવી.

તમને સર્વને તમારો ખજાનો મળે તેવી શુભેચ્છા!

(ડો. ગોરા ત્રિવેદી)

એલ્કેમીસ્ટ-પોલો કોએલો
પ્રકાશક : આર.આર.શેઠની કું
પૃષ્ઠ :
કિંમત : રૂ. ૧૦૦/-

અનારકલી – લલિત ત્રિવેદી

અનારકલી

સબૂર ! જાનેસલીમ ! ખૂબસૂરત, અનારકલી !
તું થૈ ગઈ છો નરી કેફિયર, અનારકલી !

બતાવ શું છે હવે અસલિયત, અનારકલી !
શું ધડકનો જ છે લાગી રૈયત, અનારકલી !

ઉદાસ તન્હા સલીમ પૂછે છે શરીરમાંથી-
શરીર ક્યારે છે મિથ્યા…મમત, અનારકલી !

જો હુસ્ન કહેવાતો એ તાજ ઊતરી જાશે
બતાવશે કે કેટલું છે સત, અનારકલી !

આ જંગ અકબરેઆઝમ અને સલીમ નથી
શકલ બની ગઈ છે પાણીપત, અનારકલી !

શહેનશાહ જલલુદ્દીન મહમ્મદ અકબર
અસલ તો છે શહેનશાહ વખત, અનારકલી !

તું ગીત સંગ-એ-મરમરનું ને હું મર્મર છું
હું પાંદડાંની ઝીણી હેસિયત, અનારકલી !

( લલિત ત્રિવેદી )

કે પછી – સોનલ પરીખ

કે પછી

થોડી અલપ ઝલપ વાતો
થોડા સઘન સ્પર્શ
થોડા તેજ શ્વાસ
થોડું ખાવું પીવું
-ને શો પૂરો
દિલ ખોલવાનું વાતાવરણ
બંધાતું હોય
ત્યાં જ સંભળાય
તારું ‘બાય’, ‘હું ફોન કરું છું’.
ઊંડો શ્વાસ લઈ
મન બારણા બંધ કરે
લાગે છે,
એક ખાસ વાતાવરણ
બંધાય
એટલે તું ચેતી જાય છે-
ઊભો થઈ જાય છે
પોતાને સમેટીને
કે પછી સામે હોય તો પણ
ચાલ્યો જાય છે
અદ્રશ્ય દીવાલની પાછળ
જેટલો હું તને ઓળખું છું
તારા ડરના અનેક ચહેરાને
ચહેરાઓના વનમાંથી
તારો અસલી ચહેરો જો, ઈશ !
ને પરોવ
એક વાતાવરણની આંખમાં આંખ
-જો તારે મને પૂરેપૂરી પામવી હોય તો
ત્યાં સુધી
હું સાચવી રાખીશ જતનથી
મારી અડધીપડધી જાતને
તારા માટે
કે પછી
મારા માટે…

( સોનલ પરીખ )

मौत मैंने कहां बुलाई है ! – चिनु मोदी

मौत मैंने कहां बुलाई है !
वक्त के साथ साथ आई है !

तेरे मरने के बाद जिन्दा हूं,
दोस्ती हमने कब निभाई है ?

बेरहम तेरे सितम की सोटी,
चप्पेचप्पे पे चमचमाई है ?

जिन्दा रहेने की अब भी चाहत है
मोमबत्ती कहां बुझाई है ?

असली तसवीर छूपा कर तेरी,
मैंने ईज्जत तेरी बढाई है.

यूं हो गर्दिश से खौफ ऊतरा है,
आग मैंने कहां लगाई है ?

देख ‘ईर्शाद’ लिख्खा मस्जिद पर,
‘मांगने की यहां मनाई है’.

( चिनु मोदी )