વિદ્યાર્થીઓ માટે સફળતાનાં સ્વર્ણિમ સૂત્રો – સ્વામી વિવેકાનંદ

સ્વામીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે

સ્વામીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે

.

(૧)

મારાં બાળકો !

યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો

જ પાપ કરે છે અને અસત્ય બોલે છે.

બહાદુર માણસો હંમેશા નીતિમાન હોય છે.

નીતિમાન બનો.

બહાદુર અને સહૃદયી બનો.

 .

(૨)

મારા મિત્રો !

તમારા એક સગાભાઈ તરીકે:

જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે;

હું તમને કહેવા માંગુ છું કે આપણે જોઈએ છે

સામર્થ્ય, સામર્થ્ય;

અને હર સમયે સામર્થ્ય.

 .

(૩)

ખડા થાઓ

અને મર્દ બનો.

મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે;

મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે.

ચોમેર મર્દ બનાવનાર

શિક્ષણની આપણને જરૂર છે.

 .

(૪)

ગરીબ લોકો માટે જેનું હૃદય દ્રવે તેને

હું ‘મહાત્મા’ કહું છું, નહિ તો એ ‘દુરાત્મા’ છે.

હે મહાન આત્માઓ !

ઊઠો, જાગો !

આ દુનિયા દુ:ખના દાવાનળમાં ભડકે બળે છે

ત્યારે તમે સૂઈ શકો ખરા ?

.

(૫)

વીર યુવકો !

શ્રદ્ધા રાખો કે તમારા સહુનો જન્મ

મહાન કાર્યો કરવા માટે થયો છે.

કુરકુરિયાંના ભસવાથી ડરી જશો નહિ;

અરે, આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત

થશો નહિ. પણ ઊભા થાઓ અને કામે લાગો !

 .

(૬)

પવિત્રતા, ધૈર્ય અને ખંત બધાં વિધ્નોને જીતી લે છે.

નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો.

ખરાબ સંસ્કારોને દબાવવાનો

એક માત્ર ઉપાય એ જ છે.

પવિત્રતા એ સૌથી મોટી શક્તિ છે;

તમામ વસ્તુઓ એનાથી ડરે છે…

 .

(૭)

પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિકતા

કહેતા ; નવો ધર્મ કહે છે કે

જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.

શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી

આવવાનું જ છે. કોઈપણ વસ્તુથી ડરો નહી,

તમે અદ્દભુત કાર્ય કરી શકશો.

 .

(૮)

જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો ! તેમાં મોત છે.

જે કાંઈ બળ હોય તેને નર્કમાં જઈને પણ પકડો.

નીતિમાન થજો,

શૂરવીર બનજો.

ઉદાર હૃદયના થજો.

જાનને જોખમે પણ વીર, ચારિત્રવાન બનો.

 .

(૯)

પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહિ,

યશથી પણ નહિ, વિદ્યાથી પણ નહિ

માત્ર પ્રેમથી લાભ થાય છે;

માત્ર ચારિત્ર્ય જ

મુશ્કેલીઓની વજ્ર જેવી દિવાલો

તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

 .

(૧૦)

કાર્ય કરવું એ ઘણું સારું છે.

પરંતુ તે વિચારમાંથી આવે છે.

એટલે મસ્તકને ઉન્નત વિચારોથી,

સર્વોચ્ચ આદર્શથી ભરી દો;

તેમને દિનરાત તમારી દ્રષ્ટિ તરફ રાખશો તો

તેમાંથી મહાન કાર્યોનો જન્મ થશે.

.

(૧૧)

બહાદુર, હિંમતવાન માણસો

કે જેના લોહીમાં જોમ,

જ્ઞાનતંતુઓમાં તાકાત,

લોખંડી માંસપેશીઓ અને

પોલાદી સ્નાયુઓ હોય તેવાની જરૂર છે;

નરમ અને પોચી ભાવનાઓ નહીં

 .

(૧૨)

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય

તો તમારી પાસે પ્રચંડ ખંત

અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.

ખંતીલો માણસ કહે છે :

‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત

પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’

.

(૧૩)

સખત પરિશ્રમ કરો.

પવિત્ર અને શુદ્ધ બનો

એટલે ઉત્સાહ આવશે જ.

આપણાં જીવન

સારાં અને પવિત્ર હોય તો જ દુનિયા

સારી અને પવિત્ર થઈ શકે.

 .

(૧૪)

ઈચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા…

સમુદ્ર તરવો હોય તો

તમારામાં લોખંડી ઈચ્છાશક્તિ જોઈશે;

પહાડો વીંધી નાખવા જેટલું બળ જોઈશે;

તમે કમર કસીને તૈયાર રહો…

કશાની પણ ચિંતા ન કરશો !

 .

(૧૫)

વીરતાભર્યા વચનો અને

એથીયે વધુ વીરતાભર્યા કાર્યોની જ

આપણને જરૂર છે.

 .

( સ્વામી વિવેકાનંદ )

 

વાણી કબીરની – હરકિસન જોષી

દેખાય નહીં ઘાવ, કળા તારા તીરની !

સૌરભ ન પારખી શકી લીલા સમીરની !

 .

પીડા તરસની લઈને ભટકતા’તા વાટમાં

પનઘટ ઉપર લઈ ગઈ વાણી કબીરની !

 .

માણસને જોવો જોઈએ માણસ રૂપે બધે

એ ઝૂંપડું હો કે હો હવેલી અમીરની

.

ધારું તો હાથ ઝાલી લઉં હું સૌના દેખતા

મર્યાદા નડે તેં સનમ ખેંચી લકીરની !

 .

આંખોમાં રહી એકલા આકાશની ઝલક

બહેતર દશા છે આજ તો તારા ફકીરની !

 .

( હરકિસન જોષી )

ત્યાં સુધીમાં – મુકેશ જોષી

ચાલ પિંકુ, તને એકથી અનંત ગણતાં શીખવાડું

મમ્મી, એ કેવી રીતે ?

આપણે તારા ગણીએ

મમ્મી, હું તો સૂઈ જાઉં છું, ઊંઘ આવે છે

પછી એ ગણવા બેઠી

ગણતાં ગણતાં વચ્ચે વાદળ આવી ખડખડ હસી પડ્યાં ને ભૂલ પડી

ગણતાં ગણતાં ઝબક ઝબકતાં તારા ધડધડ ખરી પડ્યાં ને ભૂલ પડી

ગણતાં ગણતાં મંદ ચાલ લૈ ચાંદ-ચાંદની ફરી વળ્યાં ને ભૂલ પડી

સવારે રાતીચોળ આંખો જોઈ

પિંકુએ ધીરજ ખોઈ

મમ્મી કેટલા દિવસથી તારા ગણે છે ?

કેટલા દિવસ ગણીશ ?

એ તો આપણને છોડી ગયેલા તારા પપ્પા આવશે ને ત્યાં સુધીમાં

તો ગણાઈ જશે.

 .

( મુકેશ જોષી )

મેઘધનુષ – મુકેશ જોષી

આ તો કહેતા કહેવાઈ ગયું તમને હું ચાહું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે સૂરજના પડખામાં જિંદગી વીતાવું છું.

 .

વાયરાએ એવી તે મારી શું આંખ મૂઈ ખુશ્બુએ દાબડી ખોલી

વાણીને ગોખાવી રાખ્યું’તું મૌન તો ય આંખોને ટેવ છે તે બોલી

આ તો કહેતા કહેવાઈ ગયું ફૂલો સજાવું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે બાગમાં હું જ મારી જાતને વાવું છું

 .

અરધું આકાશ તમે જોયું છે એટલે અંદર પતંગિયાં ડરે છે

સાચું કહું તો એ ઊડે છે જ્યાં જ્યાંથી જિંદગીના રંગ ત્યાં ખરે છે

આ તો કહેતા કહેવાઈ ગયું સપના રંગાવું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે મેઘધનુષ આંખથી પાછા વળાવું છું.

.

( મુકેશ જોષી )

ડોકિયું – મુકેશ જોષી

એને સીધા બેડરૂમમાં આવવાની ટેવ

ભીના ખુલ્લા વાળ રાખીને ઊભી રહું તો

પવન થઈને ફરે સુગંધી જંગલમાં

 .

ચાંદલો કરવા કંકુ ડબી ખોલું તો

આઇનામાંથી ડોકિયું કરી મને લાલમલાલ કરી દે

 .

સાડીની પાટલી વાળતી હોઉ તો

બારીમાંથી વાદળ થઈ ડોકિયું કરે

 .

તકિયા પર તો માથું મુકાય જ નહીં

એના શરીરની સુગંધ…

એટલે

હવે તો કીચનમાં જ સમય વીતાવું

તો ય

કોફીની વરાળમાં

દાળના વઘારમાં

કૂકરની સીટીમાં

એ સીટી માર્યા કરે

મને લાગે છે

ઘણા સમયથી હું માત્ર કાંદા સમાર્યા કરું છું.

 .

( મુકેશ જોષી )

…ખોઈ બેઠો છું-એક તઝમીન – લલિત ત્રિવેદી

આજ સૂનકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

ઝીણો ઝણકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

એની ઇ ભોમકાના અણસારા… વૈખરી પાર થાતાં ઉદગારા..

જોગી ! ઇ તાર ખોઈ બેઠો છું, … એક આકાર ખોઈ બેઠો છું

 .

કોને શોધું છું, કયા વેશે છું… આ કયા દેશે અહર્નિશે છું…

ક્યારે વણજાર ખોઈ બેઠો છું… એક આકાર ખોઈ બેઠો છું

.

ક્યારે હું એકટસ ન જોઈ શક્યો…ક્યારે હું એક પગ ઊભી ન શક્યો

કે હું સ્વીકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

એક નિષ્કંપ વેળની વાટે…કોના વિનાની વાવના કાંઠે…

એક અસવાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

રેન બુઝાઈ ગઈ છે, આવી જા… પેન રણકતી નથી, આવી જા…

હું ઈંતેઝાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

તારાં પાણીડે ખેલવા માટે… તારા પાલવડે પોઢવા માટે…

હું નિરાકાર બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

( લલિત ત્રિવેદી )

…પતંગિયા કહેશે – લલિત ત્રિવેદી

કળીની સુરખિ-શો મત્લઆ પતંગિયા કહેશે

કુમાશ તારી, ને મિસરા પતંગિયા કહેશે !

 .

ઘુઘવતી માટી લગ રસ્તા પતંગિયા કહેશે !

ફૂટે ક્યાં ખુશ્બુનાં ઝરણાં, પતંગિયા કહેશે !

.

કવિ ! બગીચા સાથે તારે વાત કરવી છે !

તો શીખ ફૂલની ભાષા, પતંગિયા કહેશે !

 .

નદીમાં છે તે થનગનાટ છે પવનમાં પણ

લઈને પાંખમાં ગાણાં, પતંગિયા કહેશે !

 .

ભરી સભા હશે…ઋતુઓ ને બાગ સુણતાં હશે

ખરેલાં પર્ણની ગાથા પતંગિયા કહેશે !

.

“પદાર્થ પામવો જો હોય તારે મર્મરનો-

-લખ્યાં છે તૃણ ઉપર કક્કા”, પતંગિયા કહેશે !

 .

જઈશ ત્યારે હિસ્સો રેશમી દઈને જઈશ

ભલે ક્ષણિક છે આ કાયા, પતંગિયા કહેશે !

.

( લલિત ત્રિવેદી )

…સ્વીકાર દે કે ન દે ભલે – લલિત ત્રિવેદી

શું ફરક પડે છે પુકારને તું સ્વીકાર દે કે ન દે ભલે

ઝીણી આંખડીનું હું તેજ છું તું દીદાર દે કે ન દે ભલે.

 .

રખે માનતો કે હું ક્ષીર છું હું તો તારા નામની પીર છું

તારી બંદગીમાં બુલંદ છું તું ઉદ્ધાર દે કે ન દે ભલે.

 .

તું અદ્રશ્ય છે તો તાર છું, તું ખુદા છે તો હું ખુમાર છું

હું તલાશ છું…બેસુમાર છું…મને શું જરૂર તું વહાર દે કે ન દે ભલે.

 .

ન તો રંગ છું ન તો રૂપ છું ન હું ફૂલ છું કે ન ખુશ્બૂ છું

હું તને ચડાવેલ ધૂળ છું કોઈ પાર દે કે ન દે ભલે.

 .

હું સબરમાં છું કે સફરમાં છું..તું મૂરતમાં હો કે સતતમાં હો

છે સ્વયમ રણક એને શું તમા તાર દે કે ન દે ભલે.

 .

શું અલગ જગા કે ખુદા છે તું શું અલગ છે ઘર કે હું બંદો છું

ક્યાં રહ્યો હવે કોઈ ફાસલો એકાકાર દે કે ન દે ભલે.

 .

( લલિત ત્રિવેદી )

…દીવા જેવી – લલિત ત્રિવેદી

તો ભક્તો ! આજની શરૂઆત દીવા જેવી કરવી છે

આ તેંત્રી ક્રોડની ઠકરાત દીવા જેવી કરવી છે

.

જુદેરો જાગ છે… વિસાત દીવા જેવી કરવી છે

તરસ ને પાણીની અખિયાત દીવા જેવી કરવી છે

 .

હો ભીની ભીની રૂની વાટ ને હો રૂબરૂ લગ વાટ

સભર આ ઘરની જરૂરિયાત દીવા જેવી કરવી છે

 .

ઈ કંકુવરણા આપણા બે ઉપર ઢોળાતી અઢળક સાંજ

સખી ! ઈ સાંભરણની ભાત દીવા જેવી કરવી છે

 .

હો જરિયન નામ પેટવીએ…રણકતાં દામ પેટવીએ

શરીર જેવી રૂડી સોગાત દીવા જેવી કરવી છે

 .

જીરેજી ખેડશું પરબું ને ભરશું પ્યાલા રસબસતા

આ લેતીદેતીની રળિયાત દીવા જેવી કરવી છે

 .

સમેટાઈને તારી સામે બેસી જઈશ, પરભુડા !

કે ઝંઝાવાતની રજૂઆત દીવા જેવી કરવી છે

 .

( લલિત ત્રિવેદી )

જુલાહે – હરીશ મીનાશ્રુ

મુઝકો ભી તરકીબ સીખા દે યાર જુલાહે

(સ્મરણ્પુણ્ય : ગુલઝાર)

.

બિચ બજરિયા બેઠા બારોબાર જુલાહે

વણવું ને ગણગણવું તે વેપાર જુલાહે

 .

વાણે વાણે શીદ વણવા વહેવાર જુલાહે

તાણે તાણે તીજ અને તહેવાર, જુલાહે

 .

રૂને બ્હાને રહ રહ પીંજો કાંતો રૂહને

લખચોરાશી કપાસના અવતાર, જુલાહે

 .

કસબ જૂઠ ને જૂઠો કારોબાર, જુલાહે

ભીતરમાં દેખું તો નિત ઈતવાર, જુલાહે

 .

કહે ચદરિયા, રહના તુમ હુંશિયાર, જુલાહે

રંગરેજનો રંગ બડો ખૂંખાર જુલાહે

 .

અષાઢ શ્રાવણ વણશે અનરાધાર અંતરે

શાળ ઉપર તું છેડ મિયાં મલ્હાર, જુલાહે

 .

રોજ તાંતણો તૂટે ને ગંઠાય ઘડીમાં

શીદ મરવાં ને ધરવાં નિત અવતાર જુલાહે

 .

ભોર ભયી રે, રંગ રૂપેરી દડી ઊખડી

વીંટી લે બોબિન પર બારેક તાર જુલાહે

 .

સૂઈ-ધાગે જો નિંદ સે જાગે, કરે પુકારા

જલ્દી કર, તું શીદ લગાડે વાર, જુલાહે

 .

આ ચાદરના ઘરાગ ? તો કહે, વરણ અઢારે

એ બ્હાને ઓઢે અઢળક એંકાર, જુલાહે

 .

કયા કપાસે સરજ્યું સૂતર કોણ સાળવી

ચિડિયા ચુગ ગઈ સુપનેકા સંસાર જુલાહે

 .

કક્કાને તેં સાવ સમેટ્યો અઢી અક્ષરમાં

મુઝકો ભી તરકીબ સીખા દે યાર જુલાહે

.

પંખીનો એ ધરમ : ગમ્યું તે ગુંજી લેવું

હમકો નાહીં પતા કૌન ગુલઝાર, જુલાહે

 .

( હરીશ મીનાશ્રુ )