એણે કશુંક તેજભર્યું – ભગવતીકુમાર શર્મા

.

એણે કશુંક તેજભર્યું પી લીધું હશે,

અથવા ગુલાબી મુખડાને ચૂમી લીધું હશે.

 .

તારા નગરમાં તારી ગલી ને ગલીમાં ઘર,

સરનામું તારું મહેકને પૂછી લીધું હશે.

 .

નહિતર ન હોય આટલી આંખો ઉદાસ ઉદાસ,

આકાશે તારા શહેર પર વરસી લીધું હશે.

 .

સહસા ગગનમાં મેઘધનુ આથમી ગયું;

દોરી ઉપરથી વસ્ત્ર તેં ખેંચી લીધું હશે !

 .

હેલી પછી ઉઘાડ છવાયો છે તેજમય;

એણેય આંસુ આંખથી લૂછી લીધું હશે.

 .

છાતીમાં ગોપવી લીધો કાગળ હર્યોભર્યો

રોકીને શ્વાસ નામ તેં વાંચી લીધું હશે.

 .

છે ભેદ આટલો જ નયનરમ્ય ભાતનો;

ચંદરવા જેમ આયખું સીવી લીધું હશે.

.

( ભગવતીકુમાર શર્મા )

બેટા, હું અહીં બેસી રહીશ – નીતા રામૈયા

.

બેટા, હું અહીં બેસી રહીશ, આ ખૂણામાં.

વચ્ચે નહીં આવું.

તમતમારે ગાજો, નાચજો, સમજ્યો કાંઈ.

ગુડા ભાંગ્યા છે ને.

દુનિયા ને મારા વચ્ચે સાત ગાઉનું છેટું.

દુનિયા ને મારા વચ્ચે સાત ગાઉનું છેટું.

ઘરમાંય તે, ખાઈ ખોદી હોય તેવું.

ખબર છે, બધાંની વચ્ચે ખાઈ.

ખવડાવે, પીવડાવે, પહેરાવે, ઓઢાડે.

પૈસા ખરચે. દાક્તર આંટો મારી જાય.

દવા-બવા ગરકાવે. ઠીક છે ભાઈ.

બેટા, હું અહીં બેસી રહીશ, આ ખૂણામાં.

વચ્ચે નહીં આવું.

તમે ગીત ગાવ ત્યારે હું ઝીણું અમથું

ગાઈ લઈશ. તમે નાચો ત્યારે હું

ઝીણું અમથું નાચી લઈશ. તમે હળો

મળો ત્યારે હું હળી લઈશ મળી લઈશ

ઝીણું અમથું. વચ્ચે નહીં આવું.

હાથમાં લાકડી પરખાવે. ટેકો આપે.

બધાં બધું બકે. કહી કહીને કરે.

કોઈ દિલ ન આપે.

ઘરડાંને કોઈના દિલનો ખપ નહીં શું.

એકલા પડ્યા રહેતાં શીખવાનું.

ભાવે ન ભાવે ગરચી લેવાનું.

પોતાના ઊંહકારા પોતે સાંભળવાના.

બેટા, હું બેસી રહીશ. આ ખૂણામાં

વચ્ચે નહીં આવું.

તમતમારે એય્યને.

બધા જ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છતાં

જવાબ નહીં આપવાનો.

શાણપણ હોય છતાં શાણપણ છતું ન થાય

તેવી અગમચેતી વાપરવાની.

અનુભવ જેવી વાતની વરાળ કરી નાખવાની.

પડ્યા રહેવાનું. રોજ રોજ ક્યાંય સુધી

હવામાં તાકીને.

ચકલીની ચીં ચીંમાં ચિત્ત ચોંટાડીને.

સફેદ વાળ ખેરવ્યા કરવાના.

ચકલીના માળા માટે.

ધ્રાસ્કો રાખવાનો.

માથામાં ચકલી માળો બાંધી કાઢશે એવી બીકે.

સમજ્યો કાંઈ.

ગુડા ભાંગ્યા છે ને.

દુનિયા ને મારા વચ્ચે સાત ગાઉનું છેટું.

ઘરમાંય તે, ખાઈ ખોદી હોય તેવું.

ખબર છે, બધાંની વચ્ચે ખાઈ.

એકવાર, થાય છે, બધાંને કહી દઉં :

તમે ઘરડાં થયાં છો ઘરડાંને દિલમાંથી તજીને.

જવા દો. શું ફરક પડવાનો છે કોઈને.

આ ખોખલાની માંહ્ય ઝગતી દીવડી

બોલી પડે છે અવારનવાર.

બેટા, હું અહીં બેસી રહીશ, આ ખૂણામાં.

વચ્ચે નહીં આવું.

તમતમારે ગાજો, નાચજો,

તમે ગીત ગાવ ત્યારે હું ઝીણું અમથું

ગાઈ લઈશ. તમે નાચો ત્યારે હું

ઝીણું અમથું નાચી લઈશ. તમે હળો

મળો ત્યારે હું હળી લઈશ મળી લઈશ

ઝીણું અમથું. વચ્ચે નહીં આવું.

તમતમારે એય્યને.

 .

( નીતા રામૈયા )

કશુંય સમજાય નહીં – લાલજી કાનપરિયા

.

આ ઝરમર શ્રાવણ માસ ? કશુંય સમજાય નહીં

કે જળનો કેવળ ભાસ ? કશુંય સમજાય નહીં.

 .

કોઈ શમણું થૈને ઊડી જતું, કોઈ લોચન થૈને જાગે છે

કોઈ ફૂલ સમા દીધેલા કોલ ધરાર પાછા માગે છે !

.

આ મઘમઘતી સુવાસ ? કશુંય સમજાય નહીં

કે વસંતનો આ ભાસ ? કશુંય સમજાય નહીં

.

કોઈ મોલ થૈને હિલ્લોળે, કોઈ કોરુંધાકોર ખેતર છે

કોઈ બળી ગયેલું બીજ છે, કોઈ લીલુંછમ્મ વાવેતર છે !

.

આ ભીના ભીના ચાસ ? કશુંય સમજાય નહીં

કે કોરો કોરો ભાસ ? કશુંય સમજાય નહીં

 .

( લાલજી કાનપરિયા )

ફેસબુક : પાંચ રચના – બકુલ ટેલર

.

(૧)

ત્યાં તેણે લોગ ઈન કર્યું, ફ્રેન્ડ રિકવેસ્ટનું કહેણ મોકલ્યું

અજાણ પ્હાડ-પ્રદેશથી, અજાણી નદીનું વહેણ મોકલ્યું

કોણ હશે, કેવી હશે, ગોરી કે સાંવરી હશે ?

કેવું હશે શરીર, કેવી શરીરની ગંધ હશે ?

હશે કયા લોહીની, ક્યા વંશ-કુળની હશે ?

કેવાં ચન્દ્ર-તારા, નક્ષત્રોમાં પ્રહર બદલતી હશે ?

મને આવે હેડકી, શું એને પણ આવતી હશે ?

કાયા વિનાની માયા, શું તેને પણ સતાવતી હશે ?

 .

(૨)

પ્રોફાઈલમાં નામ લખ્યું છે અન્વિતા

હોય પણ ખરી, નહીંતર અન્વિતા કે મન્વિતા

રાધા, રોઝી, જુલિયટ કે જાહાન્વી પણ હોય

આમ તો જાણે સ્ત્રી, ખબર નહીં પુરુષ પણ હોય

ઉંમર લખી બાવીસ, બાવન પણ હોય

અહીં કોરું કટ્ટ, ત્યાં સાવન પણ હોય

બંધ બાજીથી તે મને ખેલે છે

નામ આપી, આખા શરીરને ઠેલે છે

શું કહું, ફેસના બદલે ટેડીબેર મેલે છે

(ને ટેડીબેર, ન પુલ્લિંગ, ન સ્ત્રીલિંગ)

સવાલ હવે એવો, અન્વિતાનો મેસેજ ટેડીબેરને આપવો ?

શરીરની અદલ-બદલમાં કયો નિયમ સ્થાપવો, ઉથાપવો ?

 .

(૩)

ફેસબુકના ફેસને હવાનાં શરીર હોય છે

મળે નહીં, ને મળવા હરદમ અધીર હોય છે

શરૂ શરૂમાં એકમેકને એકમેકનાં સપનાં આવે

ગમે ત્યારે લોગ ઈન, લોગ આઉટ કરાવે

શરૂ શરૂમાં ઘણું ઘણું શરૂ થઈ જાય

ધારે ત્યારે દિવસ, ધારે ત્યારે રાત થઈ જાય

આમ પાછું પૂછો તો ખાસ કાંઈ નહીં

મારા તમારા સમ, રીસ-મનામણાં નહીં

મળવા બેબાકળા કે વિરહે વ્યાકુળ નહીં

વૃક્ષ-વનસ્પતિ, પાંદ-ફૂલ, શોધો તો મૂળ નહીં

જે અહીં તે અહીં, ત્યાં તે બરાબર ત્યાં

આવડી મોટી પૃથ્વી પર, ખબર નહીં ક્યાં

 .

(૪)

કહે છે ત્યાં તેની કૂખ ફરકી રહી છે

આવ્યા-મળ્યાના અણસાર નહીં,આંખ ફરકી રહી છે

હવાનાં શરીરોને શું ગર્ભ રહે છે ?

હું તો રહ્યો અહીં, તો કોણ ત્યાં રહે છે ?

ફેસબુકના સંબંધોમાં મન હોય, માન્યું

ફેસબુકના સંબંધોમાં તન હોય, જાણ્યું ?

ખેર ! આ ખટપટ, આ કિસ્સો રહેવા દો

નવજાત શિશુને અપલોડ કરવા દો

આમ તો સ્ક્રીન ઈમેજ સૂંઘાય નહીં, પણ સૂંઘીશ

મારા-તેના ચહેરાના સરવાળે, ચહેરો એક ઢૂંઢીશ

 .

(૫)

આ ફેસબુક બડું બખડજંતર છે

કહેવા આમ આતુર, આમ મૂંગુમંતર છે

ક્યારેક લાગે નામોનું આખું જંગલ છે

તલવાર-બંદૂક વિના લડાતું યુદ્ધ-દંગલ છે

ચાહો તો સુકાન વિનાનાં વહાણોનો સમંદર કહી શકો

જેના કાંઠે ઊતરે પંખીઓ, એવું એક સરવર કહી શકો

ગૂંચ હોય તો મૂક, રહેવા દે રિસ્પોન્ડ ન કર !

લોગ ઈન કર્યું હોય તો લોગ આઉટ કર !

 .

( બકુલ ટેલર )

સોના રૂપાના – સુરેશ દલાલ

.

“સોના રૂપાના ઘડા ઘડૂલા, રૂપાની છે ઝારી”

હું તો તારી ઉપર વહાલા જાઉં છું વારી વારી

 .

મારા ઘડામાં ગંગા, જમના ને આખું આકાશ

ઝારીની ઝીણી જળધારે રસિયા ! તારો રાસ

ક્યારેક હું પણ શ્યામ થઈને લઉં મોરપિચ્છ ધારી

સોના રૂપાના ઘડા ઘડૂલા, રૂપાની છે ઝારી

 .

સોના રૂપાના ઘડા ઘડૂલા, રૂપાની છે ઝારી

હીરાની ઈંઢોણી : મારા હરિવરની બલિહારી

મધુર મુરલિયા સાંવરિયાની રૂમઝૂમ ઘુઘરયાળી

હું તો તારી ઉપર વહાલા જાઉં છું વારી વારી

.

( સુરેશ દલાલ )

 .

[ પ્રથમ પંક્તિ ’લક્ષ્મીવલ્લભ’ની છે. ]

અહમના કેટલાયે ખૂણા – સુરેશ દલાલ

.

હજી મારે

અહમના કેટલાયે ખૂણા

કરવાના કૂણા.

 .

હજી ઘણીયે વાર

અભાનપણે

જાણે બીજાની જ વાતો કરતો હોઉં, એમ-

કોઈકની નિષ્ફળતાની આડે

મારી સફળતાની વાતો કરી લઉં છું.

કંઠમાં હાર ઝૂલતો હોય

તોય મને

એક પાંદડીની સ્પૃહા.

મારા ભર્યા ભર્યા ખંડ મને લાગી રહે ઊણા.

 .

હજી ઘણીયે વાર

મારા કાન

ઝાઝો સમય કોઈને હું દઈ નહીં શકું.

બીજાની પ્રશંસાને ઘણીયે વાર હું સહી નહીં શકું.

વૈશાખના આકાશ જેવું મારું આ હૃદય,

-હજી કોરું.

ભીંજવશે મને ક્યારે કોની કરુણા ?

 .

હજી મારે

અહમના કેટલાયે ખૂણા

કરવાના કૂણા.

 .

( સુરેશ દલાલ )

તો શું કરો – ક્રિષ્ના પંડ્યા

.

આંખ જો દદડી પડે તો શું કરો

શ્વાસ જો લથડી પડે તો શું કરો

 .

કેટલું ચાહો તમે તો મૌન રહેવા

હોઠ જો ફફડી પડે તો શું કરો

 .

હોય ચાહત ઘરમહીં એકાંતની

દ્વાર જો ખખડી પડે તો શું કરો

 .

કેટલી જહેમત પછી પહોંચો ઉપર

ટોચ જો ગબડી પડે તો શું કરો

 .

( ક્રિષ્ના પંડ્યા )

શબરી મીરાં થઈને આવી – સુરેશ દલાલ

.

શબરી મીરાં થઈને આવી !

ગયા જનમનાં બોરાંઓને

બાજુ પર મૂકી દઈને એ

મંજીરા લઈ આવી

 .

રામ-શ્યામ તો એક છે :

પણ જુદા છે અવતાર

શબરી-મીરાં અલગ નથી

ને રણઝણ એક જ તાર.

મોહનજીને મન તો મીરાં

અઢળક અઢળક ભાવી.

 .

શામળિયાનો શ્યામ રંગ

મીરાંનો કંબલ કાળો

દૂજો કોઈ ડાઘ નહીં.

મારો હરિવર રહ્યો હૂંફાળો.

શિવધનુષ તો થયું મુરલિયા :

ઘટઘટમાં એ સૂરને જોને

દઈ દીધાં છલકાવી.

 .

( સુરેશ દલાલ )

હરિને જડી – રમેશ પારેખ

.

જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,

મંદિર માથે ધજા ચડે એમ હુંય ઢોલિયે ચડી !

 .

ચુમું મારા ભાયગને કે ચુમું હરિને, સૈ

ખરી પડેલી ડાળ હું પાછી ઝાડે વળગી ગૈ,

 .

કેમ કરી ઓળંગું, પરબત શી અવઢવની ઘડી !

 .

ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટિયાં અમી

હરિ જેટલા ગમ્યા એટલી મુંને મૂઈ હું ગમી !

 .

મુંને આબંવા મુજ સોંસરવી હરિ કાઢતા હડી…..

.

( રમેશ પારેખ )

 

અને… – વીરેન મહેતા

.

છે આંખમાં જેની ફક્ત ભૂતો, વિગત, પાછળ અને…

ચૂકી જશે દ્રશ્યો ઘણાં નીચે, ઉપર, આગળ અને…

 .

પરબીડિયામાં સાચવીને સૂર્ય મોકલ્યો હતો

આવ્યાં જવાબી પત્રમાં ધુમ્મસ, બરફ, ઝાકળ અને…

 .

ખરતું, વરસતું ને કદી સરસર સરે ભીતર કશું

જાણે ત્વચા હેઠળ હશે વૃક્ષો, પવન, વાદળ અને…

 .

ઊભો હતો ઉંબર ઉપર અજવાશ સાયંકાળ લગ

ખૂલ્યાં નહીં એકે ય બારી, બારણાં, સાંકળ અને…

.

છાતી સમાણાં જળ મહીં તેથી જ તો રસ્તો થયો

સ્પર્શ્યા બનીને અંગૂઠો શાહી, કલમ, કાગળ અને…

 .

( વીરેન મહેતા )