સુરાલયમાં સિજદાની – હરીશ મીનાશ્રુ

તને એકમાંથી બહુની તમન્ના,

બહુથી મને એક જોવાની ઈચ્છા

કરે છે તું પ્યાલામાંથી ખાલી સુરાહી,

કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

 .

પુણ્યસ્મરણ : શૂન્ય પાલનપુરી

 .

સુરાલયમાં સિજદાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી

 કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી

 .

ઊંચકીએ જો કર તો પ્રજળતી મશાલો વળી વીંઝીએ હાથ તો રંગતાળી

પ્રલયની ક્ષણો કે પ્રણયની ક્ષણોમાં રહ્યો ના ફરક : કેટલા ભાગ્યશાળી

 .

ઘડી બે ઘડીમાં જ સોંપી જવાના, હતી એવી ને એવી પૃથ્વી તમારી

મુબારક હો તમને આ મટકી અધૂરી, ભરેલી જે અડધી અને અડધી ખાલી

 .

સ્મરણનો અને અંતરસનો અનુભવ : તરસ ને પરાકોટિ રસનો અનુભવ

ન પીશું ન પાશું સહજ ઊભા રહીશું, ફક્ત હોજે કૌસરમાં ચરણો પખાળી

 .

અનોખી છે શરિયત ને શ્રદ્ધા અનેરી, અદાઓ અમારી ઈબાદતની નોખી

તમે જેને ઝાકળ-ભીનું પુષ્પ કહો છો, અમે કહીએ રહેમતની ફાટેલ પ્યાલી

 .

પણે કલ્પવૃક્ષોનાં પર્ણો ચરે છે કોઈ કામરૂદેશની કામધેનુ

અમારી અરજ : મંદ લહરી પવનની અને લીમડાની મીઠી એક ડાળી

 .

તમે આજ આવ્યાં કે બેઠાં છે અઢળક કબરની કનેના સરગવાને ફૂલો

બીજી તો કઈ રીત છે વ્યક્ત કરવા અવાચક રહીને અમારી ખુશાલી

 .

સરવડાંની માફક વરસતી કયામત, ગણી લઈને એને ય નમણી નિયામત

અને ઘૂંટ પર ઘૂંટ ભરતા રહીશું શબદના ઝીણા વસ્ત્રથી આમ ગાળી

 .

છે બગલાની પાંખોનાં પહેરણ તમારાં, અમારી તો કફની કફનથી સવાઈ

અમે માત્ર મરશિદના મોઢે ચડાવ્યા નફકરા નકારા ને મુફલિસ મવાલી

.

( હરીશ મીનાશ્રુ )

આંગણું ઢાળીને – કૈલાસ અંતાણી

આંગણું ઢાળીને હું તો જોતી’તી વાટ

હજુ પદરવ સંભળાય નહીં ડેલીએ.

.

ડેલીએ અડીને સાવ ઊભા છે તોય

બધા રસ્તાઓ લંબાતા ચાલ્યા

ડેલીબંધ બેસીને પહોંચાયું ક્યાંય

અમે સ્મરણોના ચીલાઓ ઝાલ્યા

 .

એ રીતે ઉંબરમાં બેઠી કે ચાલ

જરા સાંકળ ખખડે તો હવે ખોલીએ.

આંગણું ઢાળીને હું તો જોતી’તી વાટ…

 .

ઢાળેલા આંગણામાં ઘેરાતું આભ

અને ચાલી ક્યાં ચકલાંની ટોળી

ઝોકે ચડું ને ત્યાં પદરવના અણસારે

કોણ જાય પાછું ઢંઢોળી

 .

છાતીમાં ડૂમો થઈ મૂંઝાતી વાત

હવે બોલીએ તો કઈ રીતે બોલીએ

આંગણું ઢાળીને હું તો જોતી’તી વાટ…

 .

( કૈલાસ અંતાણી )

અટારી નથી – ભગવતીકુમાર શર્મા

ઝરૂખો નથી ને અટારી નથી;

હું કરતો પ્રતીક્ષા તે બારી નથી.

 .

હજી કોઈ ચકલીઓ બેસે છે ત્યાં,

છબી ભીંતથી મેં ઉતારી નથી.

.

હજી ચાંદની ત્યાં જ પથરાય છે;

અગાશીમાં પેલી પથારી નથી.

.

ટપાલી તો નાખી ગયો થોકડો;

ચબરખીયે એમાં તમારી નથી.

 .

કવિતા મળી જે તે વાંચું છું હું;

મેં હ્રસ્વ ઇ કે દીર્ઘ ઈ સુધારી નથી.

 .

( ભગવતીકુમાર શર્મા )

એક દુ:સ્વપ્ન – વિપિન પરીખ

આજથી હું ખિસ્સામાં પેન નહીં, છરી રાખીશ.

મારાં સફેદ ઈસ્ત્રીબંધ વસ્ત્રોને મેં આગ લગાવી છે.

હવે ધીમે ધીમે બ્હીતાં બ્હીતાં બોલે તે હું નહીં

એક શબ્દ બોલીશ ને આખો મહોલ્લો ધ્રુજી ઊઠશે.

કોણ લાંચ માગે છે ? – મારી સામે લાવો.

એનાં કાંડાને હું કાપી નાખીશ.

કોણ રસ્તામાં સૌભાગ્યવતીના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી ભાગી

જાય છે ?

લાવ, એની ગરદન મરડી નાખું.

કોણ છે એ નફ્ફટ ટેક્સી-ડ્રાઈવર

જે માંડમાંડ ઊભા રહેતા દર્દીને હોસ્પીટલ લઈ જવાની નિષ્ઠુર

ના પાડે છે ?

ઊભો કરો એને મારી સામે,

એની ટેક્સીની સાથે એને જીવતો જલાવી દઈશ હું !

ક્યાં છે પેલો દાદો જે દૂરથી એકનજરથી

લોકોને ફફડતા રાખી ઘરમાં ગોંધી રાખે છે, શિયાવિયા કરાવે છે ?

અહીં લાવો, એની જાંઘ ફેડી, માંસના ટુકડા શિયાળવાંને ફેંકીશ.

નિર્દોષોને ત્રાહિ ત્રાહિ કરાવતી કોર્ટની કચેરીને તાળાં લગાવો.

કોણ સુફિયાણી વાતો કરે છે ? કોણ જુઠ્ઠાં વચનોથી લોકોને

છેતરે છે ?

આંખે પાટા બાંધી એ સૌને એક લાઈનમાં ઊભા કરો

એકએકને બંદૂકની ગોળીથી ઉડાવી દેવા માંગુ છું.

આજની રાત મને રોકશો નહીં.

હું ઈસુને દફનાવીને આવ્યો છું.

 .

( વિપિન પરીખ )

તમે ક્યારેય – ભાવેશ ભટ્ટ

તમે ક્યારેય તિરાડોનો ચિત્કાર સાંભળ્યો છે ?

જો ના સાંભળ્યો હોય તો તમે બહેરા છો,

 .

તમે ક્યારેય લોહીલુહાણ ચીસોનાં ટોળા જોયા છે ?

જો ના જોવા હોય તો તમે આંધળા છો,

 .

તમે ક્યારેય કોઈ નથીની સાથે સંવાદ કર્યો છે ?

જો ના કર્યો હોય તો તમે મૂંગા છો,

 .

મને ખરેખર અફસોસ છે કે

તમને બોલતાં, સાંભળતાં અને દેખતા કરવા માટે

 .

હું કવિતા લખ્યા સિવાય કશું જ કરી શકતો નથી.

 .

( ભાવેશ ભટ્ટ )

સાહિબ સપ્તક (૭) – નીતિન વડગામા

સાહિબ, બને શ્વાસનું બખ્તર.

કાળ તણા વિકરાળ પ્હાડ થઈ જાતા જાણે કંકર !

 .

પડછાયો થઈ પડખે રહીને એ રખવાળું કરતાં

બળબળતા સૂરજને ઝીલી વાદળ થઈ ઝરમરતા.

 .

જોજન છેટે હોય છતાંયે લાગે નિકટ નિરંતર.

સાહિબ, બને શ્વાસનું બખ્તર.

 .

શૂળીનો એ હુકમ સોયથી સહજ ઉકલી જાતો !

થંભેલો ધબકારો દોડી ફરી નાચતો – ગાતો!

 .

કોઈ કૃપાનું કવચ સાંપડે કેવું અગમ અગોચર !

 સાહિબ, બને શ્વાસનું બખ્તર.

 .

( નીતિન વડગામા )

સાહિબ સપ્તક (૬) – નીતિન વડગામા

સાહિબ, સાચો સાગરખેડુ.

ખેપ કરીને ભરતો એ સૌની ઈચ્છાનું બેડું.

 .

દરિયો એ છે, એ જ હલેસું, એ જ આપણી હોડી.

મૂરખ મનવા, તારે એને કેમ મૂકે તરછોડી !

 .

કાંઠાની રેતી થઈને કાં મોજાંને છંછેડું ?

સાહિબ, સાચો સાગરખેડુ.

 .

નિત્ય નિરંતર થાતી રહેતી એની આવનજાવન.

પગલું પડતું ને થઈ જાતું મનનું ફળિયું પાવન !

 .

વ્હાલ કરી આખાયે જગને કરે આંગણે તેડું !

સાહિબ, સાચો સાગરખેડુ.

 .

( નીતિન વડગામા )

સાહિબ સપ્તક (૫) – નીતિન વડગામા

સાહિબ, શાંત સરોવરપાણી.

સચરાચરમાં ઝિલાતી કંઈ ભીની અમરતવાણી.

 .

ભરતી-ઓટ ન આવે એમાં, ના ઊછળતાં મોજાં.

પળપળ વીતે સમથળ એને શું ઈદ કે શું રોજા ?

 .

રોમેરોમે રામરટણની કરતા રહે ઉજાણી.

સાહિબ, શાંત સરોવરપાણી.

 .

કોરા એ કાંઠાને જળનો કાયમનો સથવારો.

હંસ ચણે છે હરખે હરખે મીઠો મોતીચારો.

 .

કાળમીંઢ પથ્થર વચ્ચેથી સતત વહે સરવાણી.

સાહિબ, શાંત સરોવરપાણી.

 .

( નીતિન વડગામા )

સાહિબ સપ્તક (૪) – નીતિન વડગામા

સાહિબ, વીરડો ગાળે રણમાં.

ખોબેખોબે ભીનપ વહેંચે ધરતીના કણકણમાં.

 .

વૈશાખી તીખા તડકાને વ્હાલ કરી વેંઢારે.

વાદળ થઈને સૌને ફળિયે વરસે અનરાધારે.

 .

રઢિયાળી રંગોળી પૂરે અવાવરુ આંગણમાં.

સાહિબ, વીરડો ગાળે રણમાં.

 .

એની આંખો સૌની પીડાનું પરબીડિયું વાંચે.

જગને રાજી જોવા એ તો રામરટણમાં રાચે.

 .

મેળ નહિ બેસે કંઈ મનવા, અધકચરી સમજણમાં.

સાહિબ, વીરડો ગાળે રણમાં.

 .

( નીતિન વડગામા )

સાહિબ સપ્તક (૩) – નીતિન વડગામા

સાહિબ, થાય જરા બસ રાજી.

અવર કશું ના યાચું ના કંઈ કરું ઝંખના ઝાઝી.

 .

રાજીપાની રેખામાંથી મળે સંપદા મોટી

હીરા-મોતી છોડી શું કામ લઈ એક લખોટી !

.

બંધ આંખથી રમતાં તોયે જીતી જઈએ બાજી !

સાહિબ, થાય જરા બસ રાજી.

 .

મેલા જીવને માફ કરી કરીને રુદિયામાં સંઘરજો.

કાલાઘેલા શબ્દોનીયે હૂંડી કબૂલ કરજો.

 .

બારેમાસ મહેકતી રહેશે મનની એ વનરાજી!

સાહિબ, થાય જરા બસ રાજી.

 .

( નીતિન વડગામા )