જળ બની – આહમદ મકરાણી

હુંય આવી જાઉં અંતે પાઘડીનો વળ બની,

ને ભુલાતો જાઉં કોઈ ગતસમયની પળ બની.

 .

આ સમયના વૃક્ષ પર માનવ ઝૂલે પણ ક્યાં સુધી ?

મોત કેરા હાથમાં એ જઈ શકે છે ફળ બની.

 .

કેટલાં ડગલાં ભરે એની ખબર ક્યાંથી પડે ?

આ ધરા પણ છેતરે છે હરઘડી જ્યાં છળ બની.

 .

હર દશા સામે રહી છે પૂતળું થૈને સદા,

કેટલીને ભાંગવી ! ઊભો નિરર્થક બળ બની.

 .

આમ હોવું આગ વચ્ચે ચોતરફ ભડકે બળે;

હરઘડી વરસી રહી એની કૃપા તો જળ બની.

 .

( આહમદ મકરાણી )

એ જ વેળા – કરસનદાસ લુહાર

શુષ્કતાની એ વિલક્ષણતા જ અલગારી હતી;

રણ વચોવચ છમ્મલીલી એક જે ક્યારી હતી.

 .

ભરબપોરે ધૂળની પીડાને તેં ઠારી હતી;

પાડીને કુમકુમ પગલીઓ કેડી શણગારી હતી.

 .

હું વિજય પામું હતો એવો જ આશય એટલે

તેં જ જાણી જોઈને આખી રમત હારી હતી !

 .

સ્વપ્ન તારાં આવતાં’તાં મારી આંખોમાં સતત,

સાવ ટૂંકી રાતને મેં ખૂબ વિસ્તારી હતી.

 .

વિશ્વ આખુંયે જઈ સામે પડી ઊભું હતું,

એ જ વેળા તેં કરી મારી તરફદારી હતી.

 .

આપણે ખુશીઓ ભલે રાખી અલગ; પણ છેવટે

વેદના જે કંઈ હતી બેઉની સહિયારી હતી.

 .

( કરસનદાસ લુહાર)

દોષ ના આપો – ઉર્વીશ વસાવડા

નથી મંઝિલ મળી એનો ચરણને દોષ ના આપો

કશું દેખાય ના તો આવરણને દોષ ના આપો

 .

હકીકત છે તમે એકેય પણ બારી નથી ખોલી

 બધે અંધાર છે ઘરમાં કિરણને દોષ ના આપો

 .

નજર સામે પડેલું સત્ય સમજાતું નથી એને

લખ્યું વાંચી નથી શકતો અભણને દોષ ના આપો

 .

નથી સંભવ હિસાબો રાખવા વીતેલ વરસોના

ઘણું ભુલાય છે એમાં સ્મરણને દોષ ના આપો

 .

કશું ના બહારથી આવે, અનર્થો હોય છે ભીતર

મળે જો શાપ તો વાતાવરણને દોષ ના આપો

 .

ન ચેતવણી કશી, ના કૈં સમય આપે, ઉપાડી લે

ફરજ આધીન વર્તન છે મરણને દોષ ના આપો

 .

( ઉર્વીશ વસાવડા )

એકલવાયું લાગે છે – નીલકંઠ વેદ

અહીં બધું પરાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

 .

આ આરસ જેવા રસ્તા

તો યે નથી ચાલવું મારે

તારા વિના જીવ આ મારો

બળી રહ્યો અત્યારે

 .

ઝૂરાપાનું ગીત ક્યાંકથી

એવું ગવાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

.

સૂની નજરથી જોઉં મકાનો

જોઉં ઈમારત જૂની

દૂરથી મને વ્યાકુળ કરે

કાયા કોઈ ખુશ્બુની

.

તમે મૂકી અહીં ફરવા આવ્યો :

તારું દિલ ઘવાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

 .

( નીલકંઠ વેદ )

મા – અનિલ ચાવડા

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે,

દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

 .

સહેજ અડતાંમાં જ દુ:ખો સામટાં થઈ જાય છે ગાયબ,

મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

 .

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,

મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

 .

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,

મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

 .

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,

મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

 .

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,

મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

 .

( અનિલ ચાવડા )

એક તું જ છે – જાતુષ જોશી

એક તું જ છે ને તું અહીં બધેય છે;

એમ તું જ ઉપમાન, ઉપમેય છે.

 .

હું કદીય પારખી શકીશ ના તને;

ને કદીય પારખું ન – એ જ ધ્યેય છે.

 .

સૂર કે શ્રુતિ કશું ન આંબતું તને,

તું વિશુદ્ધ ગાન છે ને તું અગેય છે.

 .

કૈં વિકલ્પ તો નથી છતાં વિકલ્પ છે;

તું કદાચ શ્રેય છે, કદાચ પ્રેય છે.

 .

તું સ્વભાવથી સહજ સરળ જણાય છે,

એટલે જ તું હજી અકળ પ્રમેય છે.

 .

( જાતુષ જોશી )

તું મારો ને હું તારી – હેમા લેલે

પ્રિય,

‘તું મારો ને હું તારી’- એમ તો

હૃદયની લાગણીઓ પ્રદર્શિત કરવા માટે

આવાં વાક્યોની જરૂર પડે ખરી.

પણ પછી આ જ વાક્યો લાગવા માંડે છે

અનાવશ્યક અને જૂનાં !

અને પછી તો આવાં વાક્યો બોલવાં એટલે

જાણે સંબંધોનું અપમાન જ.

કારણ જેમ જેમ સંબંધ વિકસે છે

તેમ શબ્દો ખરી પડે છે સાવ હળવાશથી.

એ જ ખરી પડેલા શબ્દો એકઠા કરવાનો

મેં કરેલો આ પ્રયાસ.

શબ્દરૂપે ફરી એક વાર જીવવાનું કેટલું ફાવશે,

ખબર નથી.

આપણા સહવાસમાં વણાઈ ગયેલી ક્ષણો

જીવંત શબ્દોમાં મહેકશે તે મને ગમશે.

કારણ કે તું છે જ એવો.

તું જેટલી સહજતાથી સમાઈ ગયો મારામાં

તેટલી જ સહજતાથી મારે

ખીલવવાં છે શબ્દફૂલો.

કંઈક ભૂલ થઈ જાય, કંઈક ખૂંચે, ખટકે, ગમતું ભુલાઈ જાય,

તો પ્રિય, તું છે જ ક્ષમા કરવા માટે.

ક્ષણો તારી શબ્દો તારા થકી.

પ્રશ્નો તારા ઉત્તરો તારા થકી

સર્વસ્વ તારું જ અને તને જ સમર્પણ !

 .

( હેમા લેલે, અનુ. ડો. શેફાલી થાણાવાલા )

પ્રશ્ન તો ઊભો જ છે – અશરફ ડબાવાલા

પૂર્ણના પ્રગટીકરણનો પ્રશ્ન તો ઊભો જ છે,

અલ્પનાં આવાગમનનો પ્રશ્ન તો ઊભો જ છે.

 .

પગ કશે પહોંચી કરી દે હાથ ઊંચા તોય પણ,

મનમાં આગામી સફરનો પ્રશ્ન તો ઊભો જ છે.

.

વાયુ પરપોટો બનીને પાણીમાં બેસી ગયો,

પણ હજી શઢમાં પવનનો પ્રશ્ન તો ઊભો જ છે.

 .

શોભતો’તો જે અલંકારોથીએ ત્યાગ્યા પછી,

ચીંથરે વીંટ્યા રતનનો પ્રશ્ન તો ઊભો જ છે.

 .

મુઠ્ઠીથી સરકી ગયું એને તો ભૂલી જાઉં પણ,

ખાલી મુઠ્ઠીના જતનનો પ્રશ્ન તો ઊભો જ છે.

 .

( અશરફ ડબાવાલા )

ગઝલ…એક કેફિયત, એક કબૂલાત…- રિષભ મહેતા

જીવનથી થાકી હારી મેં ગઝલો લખી નથી

ઈચ્છાઓ મારી મારી મેં ગઝલો લખી નથી

 .

ઈસ્લાહ મેં ગઝલની કરી છે સતત છતાં

ઊર્મિઓને મઠારી મેં ગઝલો લખી નથી

 .

મારી ગઝલના કેન્દ્રમાં મારી જ મોજ છે

મહેફિલ વિષે વિચારી મેં ગઝલો લખી નથી

 .

પેલા સમી; આનાથી સારી; આવી; આવી નૈં-

એવી શરત સ્વીકારી મેં ગઝલો લખી નથી

 .

થોડું છતું કર્યું છે મેં થોડું છુપાવ્યું પણ

વસ્ત્રો બધાં ઉતારી મેં ગઝલો લખી નથી

 .

તકલીફ તો મનેય પડી છે ઘણી છતાં

પળ પળ તને પુકારી મેં ગઝલો લખી નથી

 .

ઈતિહાસ નોંધ લેશે કદી મારા સુખનની

એવું કશુંય ધારી મેં ગઝલો લખી નથી

 .

( રિષભ મહેતા )

પ્રશ્નમાં ડૂબેલું – ચંદ્રેશ મકવાણા

એ પ્રશ્નમાં ડૂબેલું સદીઓથી મારું ઘર છે

હું એકલવ્ય છું કે છું કર્ણ ક્યાં ખબર છે

 .

નીકળ્યો હતો એ ક્ષણની હળવાશ ક્યાં ગઈ ?

બદલાઈ હું ગયો કે રસ્તાની આ અસર છે

 .

જ્યાં આવતાં હવા પણ ધ્રુજે છે એ જગાએ

પગલું પડ્યું આ કોનું? કોની અવર-જવર છે

 .

અહીંયાં શું લાગણી કે, શું પ્રેમ કે, શું મમતા ?

માણસને નામે કેવળ પથ્થરનું આ નગર છે

 .

ક્યારે પૂરી થશે કે અટકી જશે અચાનક

પૂછો ન કોઈને આ આંધળી સફર છે

 .

( ચંદ્રેશ મકવાણા )