વરસાદ તારા ઘર સુધી – મનીષ પરમાર

વાદળું થૈ જાઉં છું, વરસાદ તારા ઘર સુધી આવ્યો હશે;

કેટલા છાંટા બનીને સાદ તારા ઘર સુધી આવ્યો હશે.

 .

કેમ પથ્થરની બની છાતી અને આ વ્રજ શી સંવેદના-

એજ પથ્થર ગાળતો સંવાદ તારા ઘર સુધી આવ્યો હશે.

 .

મેં અહીં વરસો પછી મારી જ સાથે ગોઠડી માંડી હતી,

છેક રોમેરોમમાં ઉન્માદ તારા ઘર સુધી આવ્યો હશે.

 .

આ નગર આખું અહીં ખાલી જ જાણે પીંજરા જેવું પડ્યું-

મુક્તપંખીંપ જરૂર અવસાદ તારા ઘર સુધી આવ્યો હશે.

 .

આથમીને મેં જ અંધારું તમારા નામનું ઓઢ્યું ‘મનીષ’,

કેટલાં આકાશ ભેદી, ચાંદ તારા ઘર સુધી આવ્યો હશે.

 .

( મનીષ પરમાર )

પૂરતું નથી – કુમાર જૈમિની શાસ્ત્રી

શ્વાસ હો, ઉચ્છવાસ હો, પૂરતું નથી,

જિંદગીનો ભાસ હો, પૂરતું નથી.

 .

આપણા ઘરમાંય દીવો જોઈએ,

ચોતરફ અજવાસ હો, પૂરતું નથી.

 .

ઊડવાની હામ પણ હોવી ઘટે,

એકલું આકાશ હો, પૂરતું નથી.

 .

બા-અદબ ‘ચિયર્સ’પણ કરવું પડે,

માત્ર પીણું ખાસ હો, પૂરતું નથી.

 .

સૂર્ય નામે ઊંટ પડછાયા ચરે-

ક્ષણ સમું કંઈ ઘાસ હો, પૂરતું નથી.

 .

( કુમાર જૈમિની શાસ્ત્રી )

બસ એકવાર… – દુર્ગેશ ઉપાધ્યાય

બસ એકવાર તું આવી જા

પવનની લહેરખી સમી –

અને; હું ખીલી ઊઠીશ

ફૂલોની જેમ.

કદાચ,

તારું હોવાપણું જ

મારી જિંદગી છે.

મને ડર લાગે છે કે,

જિંદગીના અર્થ પામતા પહેલાં-

મારી ‘સાંજ’ ઢળી જાય.

અહીં સહરા વચ્ચે

ક્યારેક ઝંખુ છું ઝાકળ,

તો ક્યારેક ફૂલોભરી વસંત,

હા, અહીં વસંત છે-

પણ ફૂલો વગરની…

પણ તેને પાનખર તો ન જ કહી શકાય ને ?

હું,

સતત ઝંખુ છું-

વર્ષાની એક હેલી

જે ભીતરની આગ ઠારી શકે…..??…

 .

( દુર્ગેશ ઉપાધ્યાય )

ગઝલમાં હોય છે – અલ્પેશ ‘પાગલ’

તારા ઈશારામાં રહેલી અનકહી મોઘમ બધી વાતો ગઝલમાં હોય છે.

ને એ લિપી ઉકેલવા ઉજાગરાથી તર-બ-તર રાતો ગઝલમાં હોય છે.

 .

એ પણ ખરું કે પ્રેમને આવાઝ કે આકાર જેવું કાંઈ પણ હોતું નથી,

માનો ન માનો તે છતાંયે એનો પડઘો, એનો પડછાયો ગઝલમાં હોય છે.

 .

કેવો સમય તારી જુદાઈનો મેં કાઢ્યો’તો ક્ષણો સઘળી’ય જાણે છે છતાં,

ચૂપચાપ ઊભી મૂછમાં હસતી ક્ષણોનો સીધો સરવાળો ગઝલમાં હોય છે.

 .

હોઈ શકે ભગવી ગઝલ અથવા જુવાની જેમ પાણી રંગની હોઈ શકે,

સાથે જિગરના ખૂન જેવો એક ઘેરા રંગનો ડાઘો ગઝલમાં હોય છે.

 .

એ તરજૂમો છે જાતનો,  સઘળી’ય અંગતવાતનો, છુપાયેલા જઝબાતનો,

એકાંતના ગૌરવ સમા ખુદની જ સાથે ખુદના સંવાદો ગઝલમાં હોય છે.

 .

દેખાય છે એવો નથી સાદો-સીધો સ્ફોટક બને છે અર્થમાં એ સામટો,

હા, સાવ સીધા લાગતા અળવિતરાં આ શબ્દની ચાલો ગઝલમાં હોય છે.

 .

( અલ્પેશ ‘પાગલ’ )

પ્રતીક્ષા તરીકે – ભરત ભટ્ટ ‘પવન’

પ્રતીક્ષા તરીકે આ નવતર પ્રણાલી

ચડી જાય હૈયે ઘણીવાર ખાલી.

હવે આ ઉતરતી નથી ઝણઝણાટી,

છતાં પણ દશા ખૂબ લાગે વહાલી.

 .

કદી આપ તદ્દન વડીલ જેવું બોલો,

અમુકવાર વાણી શિશુથીય કાલી.

તમે એમ ચાલ્યાં સુગંધી બનીને,

સભાખંડ મધ્યે ગઝલ જેમ ચાલી.

 .

નથી કોઈ ચોક્ક્સ દિશામાં જવાનું,

‘પવનની’ અમે આંગળી તોય ઝાલી.

 .

( ભરત ભટ્ટ ‘પવન’)

રામ એમાં શું કરે ? – લાલજી કાનપરિયા

.

શબરી એનાં ચાખી બોર

નાહક મચાવે અમથો શોર, રામ એમાં શું કરે ?

 .

કોઈ બિછાવી ફળિયે ફૂલ

કરે આમ સુગંધી ભૂલ, રામ એમાં શું કરે ?

 .

ઈચ્છાઓને તેડી કાંખે

સતત ખુદને ફરતી રાખે, રામ એમાં શું કરે ?

 .

મંદિર મંદિર પ્રગટ્યા હરિ

પથ્થરમાં જઈ શ્રદ્ધા ઠરી, રામ એમાં શું કરે ?

 .

ઉછેરીને શમણાં આંખે

નાહક જાળ પાણીમાં નાખે, રામ એમાં શું કરે ?

 .

અમથી અમથી વાટ નિહારે

આખે આખી જાત પિગાળે, રામ એમાં શું કરે ?

 .

( લાલજી કાનપરિયા )

એ જ ચોમાસું – સંદીપ ભાટીયા

દોસ્ત, સાથે ભીંજાયા એ જ ચોમાસું

બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી ઝર્યા આંસુ

 .

નોખીનોખી છત્રી એ છત્રી શું, ન્હાવું શું નોખાંનોખાં નેવાં તળે નહાવું

જુદાંજુદાં ગીતોથી તો ડૂમો ભલો રે ભાઈ, જુદા જુદા સૂરમાં શું ગાવું

 .

ગીત સાથે ગાયાં એ જ ચોમાસું

બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી ઝર્યા આંસુ

 .

ભીની સાંજે શોધું હું બેંકની રસીદ, તને જડે જૂના બનારસી શેલાં

ભર અષાઢે ઘર આપણાં બે કોરાંકટ, વચ્ચે રસ્તાઓ ભીંજાયેલા

 .

દોસ્ત, સાથે ખોવાય એ જ ચોમાસું

બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી ઝર્યા આંસુ

 .

( સંદીપ ભાટીયા )

દીવો હોલવ ! – કરસનદાસ લુહાર

 અજવાળું બહુ ડંખે છે, લે દીવો હોલવ !

આંખ તમરાને ઝંખે છે, લે દીવો હોલવ !

 .

ટેરવડાં શૃંગાર સજે, લે દીવો હોલવ !

સ્પર્શોની શરણાઈ બઝે, લે દીવો હોલવ !

 .

કાળી ઈચ્છા મરકે છે, લે દીવો હોલવ !

લોહીમાં કંઈ ફરકે છે, લે દીવો હોલવ !

 .

પછી આપણે ઝળહળશું, લે દીવો હોલવ !

એક-બીજામાં ખળભળશું, લે દીવો હોલવ !

 .

હશે ધવલતમ અંધારું, લે દીવો હોલવ !

તારું-મારું સહિયારું, લે દીવો હોલવ !

 ,

( કરસનદાસ લુહાર )

પ્રાર્થના…!! – એષા દાદાવાળા વ્યાસ

એ દિવસે

તું આવજે…

અને ખભે હાથ મૂકીને ખાલી એટલું જ કહેજે

કે ચિંતા નહીં કરીશ, હું બેઠો છું…

અચાનક ક્યાંકથી ઊગી નીકળેલી

ગાંઠને ઉકેલવામાં તારી મદદની આમા તો કોઈ જરૂર નથી

તો પણ,

તું આવજે ખરો

અને દસ બાય દસનાં એરકંડિશનિંગ હાઈજીન

ઓરડામાં ચાલતું બધું જ જોયે રાખજે ચૂપચાપ

પીન ડ્રોપ સાઈલન્સ વચ્ચે ચાલતાં કાર્ડિયોમીટરનો

બીપ બીપ અવાજ કંટ્રોલ બહાર જતો રહે તો

ચિંતા ના કરીશ

હાથમાંથી સરી જતી પલ્સ ફરી પાછી

કાબૂમાં ના આવે તો પણ કશું કરતો નહિ

શ્વાસ ખૂટી પણ જાય તો એને ભરતો નહિ

એ લોકો મેનેજ કરી લેશે એ બધું

પણ

મારાં હાથમાંથી છટકી જતી

જીવન પ્રત્યેની શ્રદ્ધાને

તારાં હાથમાં ઝાલી રાખજે

અને વિશ્વાસનો શ્વાસ ફૂંકી આપજે આંખોમાં…

જેથી

હે ઈશ્વર,

આવતી કાલે હું બચી પણ જાઉં તો

મજબૂત જિજિવિષાના જોરે ટકી શકું…!!!

 .

( એષા દાદાવાળા વ્યાસ )

નહીં જવા હું દઉં – ત્રિલોચન જેસલપરા

ઠીક છે, જવું હોય તો જાઓ

પણ તમને નહીં જવા હું દઉં.

ફરી ફરીને, રહી રહીને એક વાત હું કહું :

-કે તમને નહીં જવા હું દઉં.

 .

મારો વિરાટ લોભ-

એને કોઈ કશો નહીં થોભ

અમને ક્યાં છે કોઈ સંકોચ ?

અમને નથી કશો કોઈ છોછ.

વેલ વૃક્ષને વળગે એમ જ તમને વળગી રહું

-કે તમને નહીં જવા હું દઉં.

 .

આવ્યા છો તો રહેવાનું છે

મારે કંઈ કેટલું કહેવાનું છે

ગીત તારું સાંભળવાનું છે

હું તો તારા પૂરમાં જોને પાગલ થઈને વહું

-કે તમને નહીં જવા હું દઉં.

 .

( ત્રિલોચન જેસલપરા )