કાંઈ માગીશું નહિ- શોભિત દેસાઈ

થઈ જશે મોડું હવે જો સહેજ જાગીશું નહિ,

આજથી નક્કી કરીએ કાંઈ માગીશું નહિ.

.

માપદંડોનું ન પૂછો, આ વીતકની વાત છે;

સાગરો ઈચ્છાઓના ક્યારેક તાગીશું નહિ.

.

કર ભરોસો તું અમારી ચૂપકીદીનો, ને સમજ,

મૌન રહીશું, સૂર વગર ક્યારેય વાહીશું નહિ.

.

છો કલમ તૂટી જતી પણ નહિ કદી કરીએ નકલ,

એવી ખુદ્દારી-કોઈના જેવા લાગીશું નહિ.

.

આવશે એ ઘડીએ ઊભા હોઈશું સત્કારવા,

જિંદગી જીવ્યા છીએ એવી કે ભાગીશું નહિ.

.

( શોભિત દેસાઈ )

સવારની-જયંત દેસાઈ

સવારની

ટચલી આંગળી ઝાલી

પા પા પગલી માંડતો

તડકો,

થોડું થોભી જાય છે….

હવા પર

સવાર થઈને

ઢોળાયે જતાં

પંખીઓના મીઠડા ટહૂકા

એને સ્નેહથી

ચૂમી લે છે…

ત્યારે-

ગાલ પર

શરમના શેરડા સાથે

કેસૂડાંની ડાળી

આડું જોઈ જાય છે

અને એ સાથે જ

સ્તબ્ધ વાતાવરણમાં

અચાનક

વસંતના પડઘા

ગાજી ઉઠે છે…

– અહીં રોજ

એક રાત્રિ

પાછલા પહોરે

ઝાકળ થઈને

વેરાઈ જાય છે….

હળવે….હળવે….

.

(જયંત દેસાઈ)

…પણ-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કૈં જ ભુલાતું નથી એ એક સ્થાયી ભાવ પણ,

સાવ ભૂલકણા છીએ કરવો પડે દેખાવ પણ.

.

બાળકોની એમ બેત્રણ સાંજ છબછબિયાં કરે,

દોસ્ત ! એવી આંખમાં હંકારવાની નાવ પણ.

.

હોય બનવાનું બૂરું તો થાય છે બૂરું બધું,

પગ કપાયા કે તરત પૂરો થયો ઢોળાવ પણ.

.

દોસ્ત સૌ મોટા થવાની સાથ ઘર ભૂલી ગયા,

હું કઈ રીતે ભૂલું બચપણથી માથે દાવ પણ.

.

મન અટકચાળું છે મિસ્કીન સાચવી લે એ જ તું,

લોક તો બદનામ કરવા આપશે શિરપાવ પણ.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

મેવાડી મીરાંની નાતનાં-મધુમતી મહેતા

રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં

રાણાજી અમે ટહુકાતી પીડાની જાતનાં

.

આંખે ઊઘડે છે હવે સૂની સવાર

અને ડાળે ગુલાબ કેરો ગોટો

મંદિરની ઝાલરનાં મોતી વીણાય નહીં

લટકાવી કાનજીનો ફોટો

રાણાજી અમે ખળખળતાં ઝરણાંના પ્રાંતના

રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં

.

જંગલમાં જેમતેમ ઊગ્યા છે થોર

એમાં વાંસળીના સૂર કેમ ભાળું

ખુલ્લાં મેદાન મને તેડાવે રોજરોજ

ક્યાં લગ હું કહેણ એનાં ટાળું ?

રાણાજી અમે ટળવળતાં હરણાંને જાતનાં

રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં

.

ગઢ રે ગિરનાર તણી ટોચે ચડીને

અમે સળગાવ્યાં ઈચ્છાનાં તાપણાં

પાણી વચાળ રહ્યાં કોરા તે આજ

અમે પાણીને થઈ ગ્યાં અળખામણાં

રાણાજી અમે તરતા એક તરણાની ભાતનાં

રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં

.

( મધુમતી મહેતા )

સ્ત્રી-જયા મહેતા

સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે

સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની

છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે

સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી

છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ

છે સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ

માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે

સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે

સ્ત્રી ચૂડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી

કુબજા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા

ને સાવિત્રી છે સ્ત્રી….

.

સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે

સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.

.

( જયા મહેતા )

શેતરંજી- કાલિન્દી પરીખ

એને પત્ની નહોતી જોઈતી

એને તો એક શેતરંજી જોઈતી હતી,

જેના પર એ ચાલી શકે

જેથી એને તીણા, અણિયાણા પથ્થરો

ન વાગે

સહેજ અમથો કાંટો પણ ન વાગે

અને હા, એના પગને રજ સુદ્ધાં ન સ્પર્શે.

એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં

એવી એક જાદુઈ શેતરંજીમાં

જેથી એ  ઈચ્છે ત્યારે તેને મનગમતાં ભોજન મળે

એનું દિલ બહેલાવવા મનગમતું પીણું ધરી

એક સુંદરીના રૂપમાં ખડી રહું

અને એના મિત્રોને મિજબાની માટે

બોલાવી શકાય અડધી રાત્રે પણ

હા, એ ઈચ્છે ત્યારે હું સામાન્ય સાદડીમાં

પણ બદલાઈ જાઉં

અને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી

પણ શકે.

.

( કાલિન્દી પરીખ )

હોય છે-દિનેશ ડોંગરે ‘નાદાન’

રેત-મૃગજળ, રણ-હરણ સૌ-સૌની કિસ્મતમાં હોય છે.

જેવી જેની હોય દાનત એવી બરકત હોય છે.

.

કોઈ મધદરિયે ડૂબે ને કોઈ કિનારે ડૂબે,

ખેલ એનો, એની દોરી એની કરવત હોય છે.

.

આંખ સામે બળતું ઘર નિર્લેપ થઈ જોયા કરું,

શ્વાસનું હોવુંય કેવું સાવ જડવત હોય છે.

.

આ કટોકટ દોરડા પર વાંસ લઈને ચાલવું,

અંતમાં તો આય સઘળી વ્યર્થ કસરત હોય છે.

.

ઉંબરો ઓળંગવાની શક્યતા ના હોય પણ-

ભાગ્યમાં ઓળંગવા ‘નાદાન’ પર્વત હોય છે.

.

( દિનેશ ડોંગરે ‘નાદાન’ )

રામ રખોપું-નીતિન વડગામા

રામ રખોપું કરશે

ઝાડ પરથી પીડાનાં એ પીળાં પાંદડાં ખરશે.

.

જીવતરની હોડીમાં સાથે એક હલેસું રાખો.

ઊછળતાં મોજાં કે જળની શાંત સપાટી ચાખો.

.

પાંખ પવનની ફેલાશે ને હોડી પાર ઊતરશે

રામ રખોપું કરશે.

.

તમે તણખલાં લઈ બાંધજો એક જીવતો માળો.

હાથ હરખથી લંબાવીને આવકારશે ડાળો.

.

સપનાંનાં સેવેલાં ઈંડા આપોઆપ ઊછરશે

રામ રખોપું કરશે.

.

( નીતિન વડગામા )

વિરહ-નિરંજન ભગત

તમે કહ્યું, ‘મળો!’, મેં કહ્યું, ‘મળશું’.

પણ વર્ષોના વિરહ પછી આપણે પાછાં વળશું ?

એ તો એક માત્ર વિધાતા જ કહી શકે,

ભવિષ્યને કોણ લહી શકે ?

બસ માત્ર બે જ શબ્દો ને વર્ષોનું મૌન ભાંગી જાય,

કૈં કેટકેટલી કટુમધુર સ્મૃતિઓ જાગી જાય.

મળતાં હતાં ત્યારે કૈં કેટલું મળતાં હતાં,

એકમેકમાં કેવું ભળતાં હતાં.

હવે પછી મળશું તો શું મળતાં હતાં તેમ જ મળશું ?

પરસ્પર હળતાં હતાં શું તેમ જ હળશું ?

એ મિલન વિરહના ફળરૂપે ફળશે ?

કે પછી બે જણ જાણે કદી મળ્યાં ન હોય તેમ મળશે ?

.

( નિરંજન ભગત )

કોઈ શું કરે?-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાત વરસોથી સતત જો હોય કોઈ શું કરે?

પાંડુ-સમ શાપિત જગત જો હોય કોઈ શું કરે?

.

કોઈની કેવળ રમત જો હોય કોઈ શું કરે?

ને રમકડું આ જગત જો હોય કોઈ શું કરે?

.

આંખ કોરી રાખવાની સારવાના આંસુઓ,

કોઈની આવી શરત જો હોય કોઈ શું કરે?

.

જીવવું રોકાઈ જાતું, મોતથી છેટું પડે,

યાદ તાજી હર વખત જો હોય કોઈ શું કરે?

.

મન વગર તો એક પળ પણ જીવવું અઘરું સદા,

એ જ પાછું જડભરત જો હોય કોઈ શું કરે?

.

(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )