Tag Archives: ગુજરાતી કવિતા
તને એ કોણ સમજાવે-શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
6
કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે,
અસર તારી જ મારામાં હતી ક્ષણ-ક્ષણ, તને એ કોણ સમજાવે.
સમયને કોઈપણ રીતે અસલમાં ઓળખી ક્યારે શકે છે તું,
જરા ટૂંકી પડે છે આંખની સમજણ, તને એ કોણ સમજાવે.
કથા તું બોલવા માંડી ફરીથી બિંબની પાસે જઈ નાહક,
નથી રાખી શક્યા ભીતર હજી દરપણ, તને એ કોણ સમજાવે.
જરા જો તો ખરો કોઠાર સૌ તારા છલોછલ છેકથી સૂના,
ધરા કૈં ક્યારની ઝંખ્યા કરે કણકણ, તને એ કોણ સમજાવે.
સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચઈ જવાનો,
મળ્યું છે આખરે કેવું સરસ વળગણ, તને એ કોણ સમજાવે.
( શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ )
મિત્રાચારી-નર્મદ
સુખદુ:ખોની વાતો બને, નહિ છાનું કંઈ કોની કને;
કોઈનું દિલ જહાં ના કહોવાય, મિત્રાચારી તહાં કહેવાય.
જાત રંગથી જે જે ભેદ, તેથી નહિ કો કોને ખેદ;
જીવ એક ને જૂજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય.
સ્વાર્થ ન બીજો પ્રીતિ વના, પ્રીતિ વણ છે સહુ અનમનાં;
રાત્ર દિવસ પ્રીતિ જ જમાય, મિત્રાચારી તહાં કહેવાય.
સુખમાં દૂર પણ દુ:ખમાં પાસ, એકબીજાની પૂરે આશ;
તનમનધનથી મદદો થાય, મિત્રાચારી તહાં કહેવાય.
એક વિચારે થાયે કામ, મન વળગેલાં આઠે જામ;
વાયેક જહાં નહિ ઉથાપાય, મિત્રાચારી તહાં કહેવાય.
કર્યુઁ એકનું સહુને ગમે, કોના નહિ ભમાવ્યાં ભમે;
મિત્રનું ભૂંડું ના સંખાય, મિત્રાચારી તહાં કહેવાય.
ચડતો સહુ વાતે ભરપૂર, પડતાને ના મૂકે દૂર;
દેખેથી શમી જાયે લાય, મિત્રાચારી તહાં કહેવાય.
લાલચમાં લપટયે નહિ, જીવ જતે ના જુદા સહી;
અડીવેળાએ પ્રાણ અપાય, મિત્રાચારી તહાં કહેવાય.
દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાશ;
પ્રેમરસે પણ નીતિ રખાય, મિત્રાચારી તહાં કહેવાય.
જે મોઢે ચાવેલાં પાન, કાળાં થાય ન જાતે જાન;
મરણ સુધી સાચા સોહાય, મિત્રાચારી તહાં કહેવાય.
નર્મદ કહે છે સાચેસાચ, સાચી પ્રીતિ નહિ આંચ;
સાચે ભાવે ઈશ ભજાય, મિત્રાચારી તહાં કહેવાય.
( નર્મદ )