નહિ ટાળું !-વીરુ પુરોહિત

હું નહીં શ્યામને ભાળું !
પ્રણ લીધું છે, ઉદ્ધવ ! મારા પ્રાણ ગયે નહિ ટાળું !

હતો સમય કે જ્યારે વ્હાલાં થવા કૃષ્ણને જીવતાં;
કરી એકઠાં મોરપિચ્છ, કહાનાનાં વસ્ત્રો સીવતાં !
કાલાવાલા કરીએ ત્યારે માંડ વગાડે બંસી;
એ વેળા થાતું કે હું તો મનસરોવર હંસી !

થયું બધું વેરાન, થોરની વચ્ચે જીવન ગાળું !
હું નહીં શ્યામને ભાળું !

હશે શ્યામને, એના વિણ ગોકુળનો ઊડ્યો રંગ;
કોણ હશે જે મરક-મરકતું ઊભું રહે ત્રિભંગ ?
કહેજો, ઉદ્ધવ ! અમે બધાંયે ભૂલી ગયાં ગઈકાલ;
આ વેળા, મોસમનો સાચ્ચે મબલખ ઊતર્યો ફાલ !

હાશ, નગરમાં કોઈ નથી કરનારું કામણ કાળું !
હું નહીં શ્યામને ભાળું !

પ્રણ લીધું છે, ઉદ્ધવ ! મારા પ્રાણ ગયે નહિ ટાળું !

( વીરુ પુરોહિત )

ઘણી વાર લાગશે-ચિન્મય શાસ્ત્રી

ઘરને મહેલ થવામાં ઘણી વાર લાગશે
એવું વિચારવામાં ઘણી વાર લાગશે !

મારા નગરમાં આપ અકસ્માત આવજો,
ચાહીને આવવામાં ઘણી વાર લાગશે !

આવો તો તમારા અભાવને જણાવજો
આજે ઘરે જવામાં ઘણી વાર લાગશે !

આવ્યા નહીં તમે તો શરાબે કહી દીધું
મહેફિલ શરૂ થવામાં ઘણી વાર લાગશે !

મારો સ્વભાવ ખૂબ નિખાલસ હતો પ્રિયે !
એ તથ્ય શોધવામાં ઘણી વાર લાગશે !

કાયમ મને વિકલ્પ તરીકે જુઓ નહીં
નહીં તો ગુમાવવામાં ઘણી વાર લાગશે !

( ચિન્મય શાસ્ત્રી )

કોરાશ-પન્ના નાયક

એક દિવસ
હું
તારે માટે
ગુલાબનું ફૂલ લઈને આવી.
મને એમ કે
એની સુગંધથી
તું છલકાઈ જશે.
પણ
બાજુએ રહી ગઈ સુગંધની વાત.
તું બોલ્યો : મને કાંટા વાગ્યા.

પાછી ફરી એક વાર
એક દિવસ
હું તારે માટે
ખોબો ભરીને જળ લાવી.
મને એમ કે
જળ જોઈને
તારી તરસ ઊઘડશે
પણ તું બોલ્યો : મને જળના છાંટા વાગ્યા.

હવે
મારી પાસે છે કેવળ
હથેળીની કોરી રેખાઓ….

તારે કંઈ કહેવું છે ?

( પન્ના નાયક )

અશ્રુપાત-ઉર્વીશ વસાવડા

શાહી નહીં, કાગળ પર અશ્રુપાત થવાનો,
તારો કાગળ મોંઘેરી મીરાત થવાનો

ફૂલો પર અહીં પતંગિયું પાંખો ફફડાવે,
દૂર કશે દરિયામાં ઝંઝાવાત થવાનો

મારાં સઘળાં મ્હોરાં સાવ નકામ રહ્યાં છે
તેં ચાલી છે ચાલ, હવે હું મ્હાત થવાનો

જગ આખું માને છે જે આભાર પાતળો,
એ જ તાંતણે ટકવાની તાકાત થવાનો

મારા કિસ્સા મારા અંગત ક્યાંથી રહેશે ?
રોજ ઊઠી જ્યાં જગનો ચંચુપાત થવાનો.

( ઉર્વીશ વસાવડા )

કરી જુઓ-સાહિલ

કદી કામના તણાં કુંભને જો ભરી શકો તો ભરી જુઓ
પૂરા વિશ્વમાં પછી ઈચ્છો ત્યાં જો ફરી શકો તો ફરી જુઓ.

નદી હોય છીછરી તોય શું-મળ્યું બરકરાર નદીપણું
તમે સાવ છીછરા વ્હેણમાં જો તરી શકો તો તરી જુઓ.

જો ઝીલી શકો તો પતંગિયાના પીંછાની છાયા ઝીલી લઈ,
પછી વીજળીના લસરપટે જો સરી શકો તો સરી જુઓ.

તમે બાળકોના નયનને ઊડતી પરીના થોડા સપન દઈ
પછી સુખ તમારી પછેડીમાં જો ભરી શકો તો ભરી જુઓ.

ભલે કલ્પવૃક્ષના છાંયડે તમે આયખું વીતાવ્યાં કરો
અને મનને વશમાં જરા-તરા જો કરી શકો તો કરી જુઓ.

હવે શક્યતા ને અશક્યતાની તમામ ભાંજગડો મૂકી
ને હરિ કનેથી હરિપણું જો હરી શકો તો હરી જુઓ.

તમે ગાંઠ બાંધી છે જેટલી-એ બધીય ‘સાહિલ’ છૂટશે !
એ વિષે વિચારીને જાતરા જો કરી શકો તો કરી જુઓ.

( સાહિલ )

તૈયારી-જયા મહેતા

૧.
સૂરજ આથમવાની તૈયારી છે.
નીચે બાળકો રમે છે એના અવાજો સંભળાય છે
સાતમા માળની બાલ્કનીમાં હું બેઠી છું
હવે મારાથી અવાજો સહન થતા નથી
અવાજ ન કરો એમ બાળકોને કહેવાનું મન થતું નથી
હું જોયા કરું છું :
આકાશ ઝાંખું થતું જાય છે
સૂરજ આથમવાની તૈયારી છે.

૨.
સૂરજ આથમવાની તૈયારી છે.
બાળકો રમવાનું બંધ કરીને ઘરે ગયાં છે
હું સાતમા માળની બાલ્કનીમાં બેઠી છું
ચારે તરફ બધું શાંત શાંત છે
આ સ્મશાનવત શાંતિ મને અકળાવે છે
રમવાનું બંધ કરીને ઘરે જવાનું મારા હાથમાં નથી
હું જોયા કરું છું :
આકાશ ઝાંખું થતું જાય છે
સૂરજ આથમવાની તૈયારી છે.

૩.
હવે સૂરજ આથમી રહ્યો છે
નીચે કોઈ રમતું નથી, અવાજ કરતું નથી
ચારે તરફ અંધારું છવાતું જાય છે
સાતમા માળની બાલ્કનીમાં હું બેઠી છું
ગઈ કાલે પણ આમ જ અંધારું છવાતું હતું
હું જોયા કરતી બેઠી હતી
ને આજે પણ
જોયા કરું છું:
અંધારામાં ભળીને હું પણ અંધારું થતી જાઉં છું.
સૂરજ આથમી રહ્યો છે.

( જયા મહેતા )

શું હતું એ-નીતા રામૈયા

ચણોઠીના છોડ ઉપર ઝાકળ ઠર્યું
ને તું સાંભરી આવી
થયું
પત્ર લખું આજ
મન છલકાયું
લાલચટક ચણોઠી જેવી તારી યાદથી
પત્રના શબ્દે શબ્દે હું તારી સાથે વાત કરતી હતી
આ લખાઈ ગયો કાગળ\પણ થયું કે
કૈંક લખવાનું રહી ગયું
આમતેમ આંટા મારું
થતું કે
શું હતું એ
લખવાનું રહી ગયું તે
હા…ખાસ લખવાનું એ કે
મારા સપનામાં આવેલી
બા
તને વેણે વેણે
યાદ કરતી હતી.

( નીતા રામૈયા )

દીવાલ સુધી-સાહિલ

દીવાલ જમીનદોસ્ત કરી-ફરી પહોંચ્યા દીવાલ સુધી
ખબર અમને હતી કશી ક્યાં-કરમ જવાનાં કમાલ સુધી

લીલોતરીમાં હરે-ફરે પણ નસીબ તણી ન વાત પૂછો
તરસ બિચારી નથી પહોંચી શકી હજીયે પખાલ સુધી

છું માણસ સાવ અલ્પમતિ-હું તો એટલું જ બસ સમજું
જરૂર પછી શું બંદગીની જો વેર વહે વહાલ સુધી

બરાબર લાભ ચોઘડિયે સફર જો શરૂ કીધીતોય કાં
અમે પહોંચ્યાં તિમિર સુધી-તમે પહોંચ્યાં મશાલ સુધી

અમે તો અભણ કરી સિજદો-ડૂબી ગયા બસ ખમાશી નહીં
પહોંચવાનું હતું ટહુકા સમી શાશ્વતી ટપાલ સુધી

ચરણ અમારા કળણ મહીં છે છતાં નવાઈની વાત જુઓ
સપન અમારા પહોંચ્યાં સીધ્ધા અબિલ સુધી-ગુલાલ સુધી

ઘણીય ઈચ્છા હતી છતાંયે સ્વયંથી જુદા થઈ ન શક્યા
પ્રસંગ ખુશીનો સાહિલ છે-છતાં જવાયું મલાલ સુધી

( સાહિલ )

તો શું કહેવું-શું કરવું ?-નલિની માડગાંવકર

ખળખળતી નદી પાસે જળ માંગીએ
અને એ ખોબોભરીને કાંકરા દે
તો શું કહેવું ?

વાંકા બોલાની વચ્ચે જીવનભર
મીઠા બોલે જીવવું પડે
તો શું કહેવું ?

પાનખરની તાળી ઝીલનારાને
વસંતનાં ગીતો સંભળાવવાં પડે
તો શું કહેવું ?

દરિયામાં શેલારા લેવાને બદલે
રેતીના ઢગલા ઉલેચનારાને
ભલા ! શું કહેવું ?

જીવવા માટે ચપટીભર ખુશી લઈએ
ત્યાં તો માથે મણમણનાં છાણાં થાય
તો શું કહેવું ?

ગીત ગાવું હોય ત્યારે સામે
ગઝલની મહેફિલ મળે
તો ભલા ! શું કરવું ?

કવિતા લખવી હોય ત્યારે જ
માથે આધાશીશી ઝળૂંબતી હોય
તો ભલા ! શું કરવું ?

દાળની સાથે કઢીની વાટકી કોઈ માંગે
અને છાશની વાટકી ધરવી પડે
તો કરવું શું ?

લાંબું આયખું જીવવું હોય
ત્યારે જ જીવ જાઉં જાઉં કરે
તો ભલા એને કહેવું શું ?

તમે જ કહો, હવે કરવું શું ?

( નલિની માડગાંવકર )

પંખી – પન્ના નાયક

ઊડી ન શકતું
હું
એક નાનું પંખી
તમે મને બોલાવો
પણ
હું આવું શી રીતે ?
જુઓને,
મારી પાંખો-
દેખાય છે ને કપાયેલી ?
મારા પર
પથ્થર પડે છે તોય
હું
કશું કરી શકતું નથી.
હું ચાંચ ખોલું છું.
ના, પાણી માટે નહીં
ના, ચણ માટે નહીં
મારે કંઈ કહેવું છે
મારે કંઈ ગાવું છે
પણ
શબ્દો અટકી ગયા છે
ગીત ભટકી ગયાં છે
હું
બે ડગલાં ચાલું છું
ને
ઊડવાનો ચાળો તો કરું છું
પણ તરત ભાન થાય છે
કે
મારે પાંખો નથી.
જમીન સાથે માથું પટકું છું
પાંખો ઉગશે એવી આશાએ…

( પન્ના નાયક )