વણવંચાયેલા પુસ્તક – સુરેશ દલાલ

વણવંચાયેલા પુસ્તક જેવા મારા જીવનને મૂકી દો અકબંધ

નહીં દેખાતી કોઈ ખૂણા પરની આળસુ અભરાઈના કાષ્ઠ પર.

મૂકો એ પહેલાં એના પર ચડાવી દેજો બ્રાઉનપેપર

જેથી એને ઊંચકીને જરાક સરખું પણ જોવાનું કુતૂહલ ન રહે.

.

આમ પણ જીવનમાં રસ પડે એવી ઘટનાઓ દેખાતી નથી

અને આપણી ભીતરની તરસ સાથે કોઈને લેવાદેવા પણ શું ?

ખીલતાં પહેલાં ખરી ગયેલાં ફૂલોને એકઠાં કરવાની કોઈ ઇચ્છા નથી

અને તૂટેલા વહાણનો ભંગાર ભલે ને કોઈ કિનારા પર પડ્યો રહે.

 .

જીવનમાં નથી આવ્યા એવા કોઈ વળ-વ્ળાંક, કે ઝૂમી પડું

સ્મૃતિની કંટાળાજનક ગલીમાં ફરવા માટે મન માનતું નથી.

હવે એટલું બધું મોડું થયું છે કે સ્વપ્નાં પણ આંસુ જેમ સુકાઈ ગયાં છે

અને આમ પણ ભાંગેલી ડાળને કે ચૂંથાયેલા માળાને જોવામાં રસ નથી.

 .

નથી જોઈતો કોઈનો પ્રેમ કે સહાનુભૂતિ કે કશુંય પણ.

હવે તો આંખ જોયા કરે છે કેવળ વિસ્તરતું જતું મૃગજળ વિનાનું રણ.

.

( સુરેશ દલાલ)

ટહુકા વિનાનું પંખી – સુરેશ દલાલ

ટહુકા વિનાનું પંખી

થાકીને વૃક્ષની શોધમાં

ઊડ્યા કરે ઇધર-તિધર

અને છેવટે

બેસે છે એક પથ્થર પર

અને પોતે જ

પોતાનાં પીછાં ખંખેરી નાખે છે.

પીંછાંઓ પછી પવનમાં ઊડતાં રહે છે

કરમાઈ ગયેલા ફૂલની પાંદડીની જેમ.

નહીં પ્રકટેલો ટહુકો

શિયાળાના તડકાના તળાવમાં

તડાક દઈને તૂટી પડે છે.

હાડપિંજર જેવી

નિરાધાર પાંખો

ભાંગી ગયેલી હોડીનાં

હલેસાં જેવી અશક્ત…

 .

( સુરેશ દલાલ )

વિલપાવર – એષા દાદાવાળા

દિવસે એમણે ચીસો પાડીને પાડીને ભલે કહ્યું કે

હવે,

કોઈ ચીસો પાડશે તો કાન પર હાથ મૂકીને બહેરા થઈ જઈશું.

એમને કહો કે

રસ્તા પર વેરાયેલો લાલ રંગ આંખો સુધી પહોંચે એ વચ્ચેના ગાળામાં જ

અઘરું હોય છે જીવવાનું.

બાકી,

તકલીફ તો ત્યારે જ થાય જ્યારે

એમ્બ્યુલન્સની સાઇરન મોબાઈલના રિંગટોન જેવી સંભળાય…

એ બધાંને ભેગાં કરીને સમજાવો કે

અંધારાને બીજા કોઈનો નહીં પણ અજવાળાનો ડર જરૂર લાગે છે

અને

સૂરજ ભલે આગનો ગોળો હોય પણ એ કોઈ બોમ્બ નથી કે ફટાક દઈને ફૂટી

જાય.

સૂરજને આકાશ વગર ચાલવાનું નથી !

એમને કહો કે મરી જવાનો ડર છોડી દે

એ લોકો જીવતાં જ છે

કારણ કે લાશને ઓળખતી વખતે એમના હાથ ધ્રુજતા હતા,

કારણ કે લોહીમાં ભળી ગયેલાં સિંદૂરના રંગને એ લોકો છૂટો નહોતો કરી

શક્યા…

એમને કહો કે

બારસાખે ઊભી રહીને રાહ જોતી પત્નીની આંખમાં

જ્યાં સુધી પ્રતીક્ષા જીવવાની છે

ત્યાં સુધી એમને કશું જથવાનું નથી.

જીવી જવાના વિશ્વાસને વિલપાવર કહેવાય છે,

ભલે એમનામાં નહીં હોય

પણ

એમને જિવાડવાનો ઈશ્વરનો વિલપાવર મજબૂત છે, હજી પણ !!!

 .

( એષા દાદાવાળા )

લઘુકાવ્યો – પન્ના નાયક

(૧)

આપણી પાસે રસ્તો બહુ જ ટૂંકો છે.

તારા શબ્દોનો ભાર ઊંચકીને

હવે મારાથી ચલાતું નથી.

કાં તો તું

પ્રેમને નામે ઠાલું બોલવાનું બંધ કર

અથવા તો

કાયમને માટે

ઊતારી લે આ બોજો…

 .

(૨)

આંખો યાદ કરે છે-

પાછું વળીને જોયા વિના

ગાડીનું બારણું ખોલી

બેસી ગયેલાં પગલાં…

 .

મન યાદ કરે છે.

પાછું વળીને જોયા વિના

ગાડીનું બારણું ખોલી

બેસી ગયેલાં પગલાં…

 .

મન યાદ કરે છે

પાછું વળીને જોયા વિના

ચાલી ગયેલાં પગલાંના ધક્કાથી

બંધ થઈ ગયેલું

ગાડીનું બારણું…

 .

(૩)

આંગણે અડકી અડકીને

પાછો ફરી જતો

બપોરના તડકાનાં મોજાંનો

નીરવ ઘુઘવાટ

મારી આંખમાં રણક્યા કરે

સમીસાંજે…

 .

(૪)

અવાવરુ જાળાં

અને

સૂર્યપ્રકાશ

પૂછે છે એકબીજાને

એક સમયના

જાહોજલાલીભર્યા ઘરમાં

પ્રવેશવાનો

રસ્તો…

 .

(૫)

પાંદડાં

ખડખડ હસે

ઉનાળે

ખરખર ખરે

પાનખરે

 .

(૬)

ક્યાંકથી ઘૂસી જઈ

મને

એના ભાર નીચે

દાબી

મસળી

જીવતેજીવ મારી નાંખે છે

એક વિચાર

નપુંસક-

 .

(૭)

કુંભાર

માટલાને ઘાટ આપે

એમ

આપ્યો છે મને પુસ્તકોએ

આકાર

મને નાણવા

કયા પુસ્તક પર

મારશો ટકોરા ?

 .

(૮)

કમળ ખારાં જળમાં

ઊગે

તો

જળકમળવત રહી શકે ખરાં ?

 .

(૯)

ગમે એટલી નિષ્ઠા હોય

ગમે એટલી ભક્તિ હોય

તો પણ

કોઈ પણ પનિહારી

જમુનાના જળ વિનાની

ખાલી ગાગરનો ભાર

ક્યાં સુધી ઝીલી શકે ?

ક્યાં સુધી ?

 .

(૧૦)

ગળાને રૂંધતી

પ્રશ્નોની વણજાર

અને

ઠાંસી ઠાંસીને

મોઢે મારેલા

અવાક શબ્દોના ડૂચા…

 .

( પન્ના નાયક )

બીડીમાં દિવસો ફૂંકે છે – નીરજ મહેતા

રાતો ગજવામાં મૂકે છે, બીડીમાં દિવસો ફૂંકે છે

ક્યાં કાન ધરે કોઈ શું કે’ છે, બીડીમાં દિવસો ફૂંકે છે

 .

બધ્ધા ઉપર તાડૂકે છે, નજરુંનું અમરત ડૂકે છે

સમજણની ગાય વસૂકે છે, બીડીમાં દિવસો ફૂંકે છે

 .

કોઈ માટે સન્માન નથી, શું બોલે છે-કૈં ભાન નથી

કડવીવખ વાણી થૂંકે છે, બીડીમાં દિવસો ફૂંકે છે

 .

સ્મરણોનાં વાદળ વીખરાયાં, એકલતાના બસ પડછાયા

કોઈ ક્યાં પાસે ઢૂંકે છે, બીડીમાં દિવસો ફૂંકે છે

 .

ફૂલોનો આસવ અધરો પર-ને વાત હવે પાછી ના કર

સોડમ પીવાનું ચૂકે છે, બીડીમાં દિવસો ફૂંકે છે

 .

ત્યાંથી નીચે બસ ખાઈ હશે-એ વાત નહીં સમજાઈ હશે

ઘનઘોર નશાની ટૂંકે છે, બીડીમાં દિવસો ફૂંકે છે

 .

ભીતરનું જંતર રણઝણતું, એ જાય હવે તો આથમતું

ભંડાર ભર્યા સંદૂકે છે… બીડીમાં દિવસો ફૂંકે છે

.

( નીરજ મહેતા ‌)

એ જ છે ! – નીરજ મહેતા

આ બધું બનવાનું કારણ એ જ છે

ના બને તો પણ અકારણ એ જ છે

 .

ઝેર પણ એ છે  ‘ને મારણ એ જ છે

રામ તો એ છે જ, રાવણ એ જ છે

 .

માગી લે સઘળું ‘ને આપી દે બધું

એ જ દાતા છે ‘ને માગણ એ જ છે

.

લોહીમાં થાતું જે રણઝણ એ જ છે

એ જ કારણ છે નિવારણ એ જ છે

 .

શબ્દનો સિક્કો ઉછાળી તો જુઓ

બોલશે આકાશ તત્ક્ષણ એ જ છે

 .

જીવવાનું તું રસાયણ પૂછ મા

ગાળવા ‘હું’ શ્રેષ્ઠ દ્રાવણ એ જ છે

 .

દશ દિશાઓમાં બધે વ્યાપી રહ્યો

શૂન્યની જે પણ તરફ ગણ-એ જ છે

.

( નીરજ મહેતા )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

તમે કહો છો ઉદ્ધવ ! એવો શ્યામ નથી નિર્દોષ !

છે કોઈ જગમાં એના સરખો કપટકલાનો કોષ ?

 .

કર્યાં બ્હાવરાં અરધી રાતે, પીડા ખૂબ વધારી;

અમે હશું નાગણીઓ ‘ને એ મીઠી મહુવરધારી !

વેણુ વજાડી, રાસ રમાડ્યાં, ચૂમી લીધાં મુખ;

અમે અહીં વલવલીએ, એને સિહાંસનનું સુખ ? !

 .

એ પણ દાઝ્યો સમજો, જે દિ’ વધ્યો અમારો રોષ !

 તમે કહો છો ઉદ્ધવ ! એવો શ્યામ નથી નિર્દોષ !

 .

ગોવર્ધન ઊંચક્યો એણે, એ ખેલ હતો વશકરણાં;

માયાવી પણ રચી શકે છે એના જેવી ભ્રમણા !

કદમ્બ-વૈજ્યંતી વૃક્ષોની સળગી ઊઠે કાયા;

પડી જાય જ્યારે બળબળતી રાધાજીની છાયા !

 .

એ હતભાગી હજુય જ્યાં-ત્યાં જોવાડે જોષ !

તમે કહો છો ઉદ્ધવ ! એવો શ્યામ નથી નિર્દોષ !

છે કોઈ જગમાં એના સરખો કપટકલાનો કોષ ?

.

( વીરુ પુરોહિત )

કાગળની એક હોડી – પરાજિત ડાભી

કાગળની એક હોડી લઈને દરિયો આખો તરવાનો છે,

શ્વાસોનાં આ સઢમાં મારી ફૂંક પવનને ભરવાનો છે.

.

સમજાવી દે વાત સમયને ખૂબ જ મોડો આવે છે એ,

અવસર વિત્યા બાદ અમારે શુભ સમય શું કરવાનો છે.

 .

ગીત-ગઝલની ગીતા લખવા પંડિત થઈને જે બેઠા છે,

એવા લોકોની પાસે આ કોરો કાગળ ધરવાનો છે.

 .

નાહકની ચિંતા કરવી શું ભુંસાતી આ ભાષા કેરી,

ગુજરાતીથી દૂર વસેલો પાછો ક્યાંથી ફરવાનો છે.

 .

મારે મારા સપનાં વેચી થોડી નીંદર લેવાની છે,

જીવતરને તરછોડી આજે મારો વારો મરવાનો છે.

.

( પરાજિત ડાભી )

એક ઈચ્છા – સોનલ પરીખ

એક ઈચ્છા પર

ચામડીની જેમ

વળગેલા

મારા જીવને

હું ઉતરડી રહી છું

થોડું માંસ ખૂલે છે

થોડું લોહી વહે છે

કાચકણીની જેમ

આંખમાં ખૂંચે છે

થોડાં આંસુ

ને પથ્થર બંધાય છે

બંને પાંખમાં

તો પણ

ચામડીની જેમ

એક ઈચ્છા પર વળગેલા મારા જીવને

હું ઉતરડી કાઢું છું.

 .

( સોનલ પરીખ )

સંબંધો – તેજસ દવે

આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ના દીધું

આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું

 .

ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની

દરિયામાં ઊંડે જઈ જોડતી

સંબંધો રાખવા તો માછલીની જેમ

એ પાણી ને કોઈ દિ’ના છોડતી

 .

વાર્તામાં હુંય છું ને વાર્તામાં તુંય છે ને મળવાનું તોય નહિ સીધું ?

આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ના દીધું

 .

આંસુનું ધોધમાર ચોમાસું આજ તો

આંખોની બહાર ધસી આવતું

તારામાં ઓળઘોળ જીવેલા દિવસોને

મારામાં કેમ નથી ફાવતું ?

 .

( તેજસ દવે )