ત્યાં જવું છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાહ મારી હું જ જ્યાં જોતો નિરંતર ત્યાં જવું છે,

હું અને કુદરત અને જ્યાં માત્ર ઈશ્વર ત્યાં જવું છે.

 .

ને શિખર, કેડી મહેકતાં જંગલો-ઝરણાં ઊછળતાં,

ના તસુભરનુંય લાગે કોઈ અંતર ત્યાં જવું છે.

 .

મૌન કેવળ મૌન ધબકારા હૃદયના સંભળાતા,

ને સ્વયમ હોવા પણું થઈ જાય અવસર ત્યાં જવું છે.

 .

લાગણીનું, ભાવનું, સ્પંદનનું ચલણી માત્ર નાણું,

કામ ના આવે કશી સમજના કે અક્ષર ત્યાં જવું છે.

 .

કોઈને ના કોઈની સ્હેજે પડી સૌ મસ્ત ખુદમાં,

એકસરખા હોઈએ જ્યાં બ્હાર-અંદર ત્યાં જવું છે.

 .

ને ઘણીયે વાર ઘર છોડી અને જાવા ચહું ત્યાં,

રોકતાં ને પૂછતાં આ દ્વાર-ઊંબર, ક્યાં જવું છે ?

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

મળ્યા’તા – હર્ષ બ્રહ્મભટ્ટ

કૈંકને મૂર્તિમહીં પથ્થર મળ્યા’તા,

કૈંકને રસ્તે જતાં ઈશ્વર મળ્યા’તા.

 .

ને પછી અંતર રહ્યાં જન્મોજનમનાં,

જેમની સાથે અહીં અંતર મળ્યા’તા.

 .

સાવ સાચા લાગતા માણસ કનેથી,

સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા’તા.

 .

રોજ ઝગડી છેવટે છૂટા પડ્યા જે,

બેઉ જણના ખૂબ જન્માક્ષર મળ્યા’તા.

 .

ઊજવ્યા સૌએ ભરીને રંગ મનના,

એકસરખા સર્વને અવસર મળ્યા’તા.

 .

( હર્ષ બ્રહ્મભટ્ટ )

ડાળ મારી – ખલીલ ધનતેજવી

ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,

ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.

 .

કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,

જે દશા તારી થઈ  છે એ દશા મારી નથી.

 .

જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,

એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.

 .

મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને,

આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.

 .

પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,

જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.

 .

તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,

દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.

 .

દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,

ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.

 .

( ખલીલ ધનતેજવી )

માણસની વસ્તી – અશરફ ડબાવાલા

માણસની વસ્તી જોને મને છોડતી નથી,

મારીયે હસ્તી જોને મને છોડતી નથી.

 .

હું બંદગી કરું તો કરું કેમ કોઈની ?

આ લયપરસ્તી જોને મને છોડતી નથી.

 .

ઊડવાથી પર થવાનાં છે કારણ અનેક પણ,

પાંખો અમસ્તી જોને મને છોડતી નથી.

 .

નહિતર તો માહિતીના શિખર પર બિરાજું છું,

જૂની આ પસ્તી જોને મને છોડતી નથી.

 .

અશરફ ! હું કેમ પહોંચું ચરણની સીમા સુધી ?

પગલાંની મસ્તી જોને મને છોડતી નથી.

 .

( અશરફ ડબાવાલા )

કરતાં રખડપટ્ટી – મધુમતી મહેતા

ભલે કોઈ ના આવ્યું, સાથમાં કરતાં રખડપટ્ટી

ક્ષિતિજો વિસ્તરી ગઈ જાતમાં કરતાં રખડપટ્ટી

 .

ઝીણી નજરે તપાસ્યાં છે અમે મહેલો ને ખંડેરો

સમયની રાખ આવી હાથમાં કરતાં રખડપટ્ટી

 .

અમે ફરતાં હતાં અમને જ રાખી મધ્યમાં કાયમ

ઝરણ ને ધોધ આવ્યાં વાતમાં કરતાં રખડપટ્ટી

 .

સમયની ગર્તમાં ગૂંચવાઈને છુટ્ટા પડી ગ્યા જે

મળી ગ્યા એ ચરણની છાપમાં કરતાં રખડપટ્ટી

 .

કશું પિંજર નથી હોતું કશું બંધન નથી હોતું

કરે છે મોજ મહેતા આભમાં કરતાં રખડપટ્ટી

 .

( મધુમતી મહેતા )

લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

શિયાળાના ઠંડાગાર આકાશમાં

સવારના  પ્હોરમાં સૂરજ

પાછલી રાતનો કામળો ઓઢીને

વાદળના પથ્થર જેવા પગથિયાં

ચડતાં ચડતાં હાંફી ગયો…

એની હૂંફ હજીયે

હવામાં સંભળાય છે.

 .

(૨)

કેટલાક લોકો,

‘આવતીકાલ’ના વચનને ભરોસે હોય છે

અને વર્ષો સુધી એને દરવાજે

ભટક્યા કરે છે.

પણ ‘આવતીકાલ’ કદી આવતી નથી.

 .

(૩)

કોઈક વાર હું એને કહું છું, શરાબ

કોઈક વાર કહું છું, જામ

કોઈક વાર કહું છું, ઈશ્વર

કોઈક વાર બીજ, કોઈક વાર છોડ

કોઈક વાર શિકાર, કોઈક વાર…

હું તને તારા નામે ન બોલાવું

ત્યાં સુધી આ બધું રહસ્ય જ રહે છે.

 .

(૪)

કેટલાંયે રહસ્યો વિસ્ફોટિત થઈ રહ્યા છે

પણ એમને પ્રકટ કરીને

અને ઉઘાડાં પાડીને

હું એમને હાંસીપાત્ર નહીં કરી શકું.

મારી ભીતર કશુંક આનંદથી

વિસ્ફોટિત થઈ રહ્યું છે,

પણ ત્યાં હું મારી આંગળી મૂકી નહીં શકું.

 .

(૫)

એક વખત પ્રિયતમાએ એના પ્રિયતમને પૂછ્યું :

પ્રિય,

તેં તો દુનિયામાં ઘણાં સ્થળો જોયાં છે !

હવે-આ બધામાંથી શ્રેષ્ઠ શહેર કયું ?

એણે કહ્યું : ‘જ્યાં મારી પ્રિયતમા રહે છે તે’.

.

(૬)

પ્રેમીઓ

શરાબ પીએ છે

રાત ને દિવસ, દિવસ ને રાત

અને ચીરી નાખે છે મનના નકાબ,

જ્યારે પ્રેમના નશામાં ચકચૂર થાય

ત્યારે શરીર અને આત્મા એક જ થઈ જાય.

 .

(૭)

પ્રેમ,

એક એવી જ્વાળા છે

કે જ્યારે એ પ્રકટે છે

ત્યારે બધું જ બાળી નાખે છે.

કેવળ રહે છે ઈશ્વર.

 .

(૮)

હું કવિ નથી,

કવિતાથી મારો જીવનનિર્વાહ કરતો નથી

મારા જ્ઞાનની ડંફાસ મારવાની પણ

મને જરૂરિયાત જણાઈ નથી.

કવિતા પ્રેમનો શરાબ છે

અને મારી પ્રિયતમાના હાથે જ

એને સ્વીકારું છું.

.

(૯)

હું મરણ પામું ત્યારે

મારો અગ્નિસંસ્કાર કરજો

આ મારા શરીરમાંથી

પ્રકટતો ધુમાડો

હવા પર લખશે :

તમારું નામ… તમારું નામ…

 .

(૧૦)

રોજ સવારે

મારી આંખમાં

તારો ચહેરો ઊગે છે

મને ખબર નથી પડતી

કે આકાશ મારી આંખમાં છે

કે મારી બારી બહાર ?

 .

( સુરેશ દલાલ )

અમે આંસુ છીએ – સુધીર પટેલ

અમે આંસુ છીએ, ચાહો અગર તો બસ વહાવી દો;

નહીંતર ચૂપ રહેશું જિંદગીભર જો છુપાવી દો !

 .

હયાતી છે અમારી તણખલા જેવી જ હળવીફૂલ,

તમે માળો સજાવો કે હવામાં એ ઉડાવી દો !

 .

અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,

અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !

 .

અમે અંબર નથી કે આંબવામાં પણ પડે ફાંફા,

અમે ધરતીનાં છોરું, હાથ દૈ હૈયે લગાવી દો !

 .

અમે વિચાર પણ ક્યાં કોઈ ભારેખમ છીએ ‘સુધીર’?

જરા હળવું કરી કૈં સ્મિત ચહેરા પર સજાવી દો !

 .

( સુધીર પટેલ )

લઘુકાવ્યો – સુરેશ દલાલ

મારે હાથે હું જ ચઢાવું

તુલસી…

પૂજા હોય ઊછીની નહીં.

હું જ આરતી ગાઉં

ને સાંભળનારો વિષ્ણુ.

*

કિનારો વહેતો હોય

અને નદી સ્થિર હોય

ત્યારે

માણસ મૂંઝાય નહીં

તો શું કરે ?

*

મને સંબંધોનો પારાવાર

ભાર લાગે છે…

નિદ્રા ને જાગૃતિમાં

ઓથાર લાગે છે…

*

લાક્ષાગૃહ જેવા સંબંધો

કોઈ અગ્નિની

ક્યારના રાહ જોઈ રહ્યા છે.

*

આપણે સાથે જ

રહેવાનું હોય

અને તારે તારું

ધાર્યું જ કરવાનું હોય

-તો સાથે રહેવાનો

કોઈ અર્થ ખરો ?

*

રાણાની જંજીરને

ઝાંઝરમાં ફેરવે

તે મીરાં-

કે મીરાંની કવિતા ?

*

ક્યારેક સુખ નાગણની જેમ ડંખે છે

અને દુ:ખ ચંદનલેપ પણ કરે છે.

કોણ શાપ અને કોણ વરદાન

એની ખબર પડતી નથી…

કોઈ ક્યારે અદલબદલ થાય છે

એ અટકળનો નહીં

પણ અનુભવનો વિષય છે.

*

ખૂંધી વળી ગયેલી

સાંજને કહું છું

કે આમ કુબ્જા થઈને

મારી કને આવ નહીં…

મારા સાંનિધ્યમાં સામ્રાજ્ઞી થઈને

પૃથ્વી સિંહાસન પર બેસ

અને આકાશમાં પ્રવેશ.

*

હજી સહજથી દુવાર ખૂલે

કે પવનની ડાળ પર પંખી ઝૂલે

એના વિસ્મય સાથે જીવું છું

-એ મારે માટે તો

જાણે કે ઘટના કહેવાય.

*

રાતના

રાતરાણીની સુગંધથી

વીંટળાઈ વળું છું

અને લયના વિસ્મયમાં

વ્યાકુળ થઈને સૂઈ જાઉં છું અને

સપનાઓની ગલીઓમાં ઘૂમી વળી છું

એ નાનીસૂની વાત નથી.

 .

( સુરેશ દલાલ )

કોઈ સારી કવિતા – સુરેશ દલાલ

કોઈ સારી કવિતા વાંચું છું

ત્યારે બ્લોટિંગ પેપર થઈને

તમામ શાહી ચૂસી લેવાનું મન થાય છે.

 .

જોકે, બધી જ કવિતા

શબ્દથી લખાતી નથી

કે બધી જ કવિતા

શબ્દમાં સમાતી નથી.

કેટલીક કવિતા

આંખની બહાર હોય છે,

તો કેટલીક કવિતા

આંખની ભીતર હોય છે.

કેટલીક કવિતા

વાણીથી પર હોય છે,

તો કેટલીક કવિતા

મૌનની પેલે પાર હોય છે.

 .

( સુરેશ દલાલ )

રોજ સવારે – સુરેશ દલાલ

રોજ સવારે

હું જાગું છું એક અધૂરું ગીત લઈ !

 .

સપનાંના ધુમ્મસમાં ઝીણા સ્વરની સાથે લાડ કરું છું:

સૂરજનો ઉઘાડ થતાં હું હળવેથી ઉપાડ કરું છું

લયનો ચંચલ શો સંગાત !

રોજ સવારે

હું મ્હાલું છું એક મધૂરું સ્મિત લઈ !

 .

રોજ સવારે

હું જાગું છું અણજાણ્યું સંગીત લઈ;

-એક અધૂરું ગીત લઈ !

 .

( સુરેશ દલાલ )