તોડી શકાય – ઉર્વીશ વસાવડા

તોડી શકાય તો જ ત્વચાના રિવાજને

સ્પર્શી શકાય જો કદી તારા અવાજને

 .

મારી ઊલટતપાસ મેં જાતે કરી લીધી

પ્રશ્નો પૂછી શકાય ના આખા સમાજને

 .

શ્વાસોની આવજાવને માની લીધી અઝાન

આપ્યો નવો મેં અર્થ આ મારી નમાજને

 .

નુસખા નવાનવા તો મળે ક્યાં સુધી તને ?

હો શક્ય તો અજમાવ પુરાણા ઈલાજને

 .

બારી ઉઘાડ, આવવા દે સહેજ પવનને

પામી શકીશ તુંય ઋતુના મિજાજને

 .

( ઉર્વીશ વસાવડા )

લાગણીને જીવભરી – સુરેશ દલાલ

લાગણીને જીવભરી જીવવા દિયો !

અને બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં;

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં

મૂકીને કોઈ કદી તોલે નહીં.

 .

આપમેળે ઊગે છે ફૂલ એમ લાગણી

ઝરણાંની જેમ વ્હેતી.

ઊગવાનું કેમ અને વહેવાનું કેમ

એવા વિચારે નથી રહેતી.

 .

મીરાંની પાસે જઈને કોઈ દુનિયાની

પાછી કિતાબ હવે ખોલે નહીં.

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં

મૂકીને કોઈ કદી તોલે નહીં.

 .

કોઈના હુકમથી કોયલના લયમાં

કાંઈ કશો ફેર નહીં પડશે.

એક દિવસ કિનારો પોતે પણ દરિયામાં

હોડી થઈ દૂર દૂર ઊપડશે.

 .

દિવસના તાપને કહી દો કે બહુ થયું :

ભીતરનાં સપનાં ઢંઢોળે નહીં.

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં

મૂકીને કોઈ કદી તોલે નહીં.

 .

( સુરેશ દલાલ )

દોડી શક્યો નહીં – ઉર્વીશ વસાવડા

મારી ઉપર છે આળ હું દોડી શક્યો નહીં

તેં તો દીધો’તો ઢાળ હું દોડી શક્યો નહીં

 .

ભાગી જવામાં સાથ ચરણનો ન સાંપડ્યો

ઠેકી શક્યોના પાળ હું દોડી શક્યો નહીં

 .

દાવાનળોમાં એટલે સળગી જવું પડ્યું

લાગી’તી જ્યારે ઝાળ હું દોડી શક્યો નહીં

 .

એ આવશે એંધાણ મળ્યું એનું એ છતાં

એવી પડી’તી ફાળ હું દોડી શક્યો નહીં

 .

આજે સૂતો છું આમ અહીં એ જ કારણે

પાછળ ઊભો’તો કાળ હું દોડી શક્યો નહીં

 .

( ઉર્વીશ વસાવડા )

…પ્રવેશી ના શક્યો – મધુમતી મહેતા

જે હતું મારું જ ઘર એમાં પ્રવેશી ના શક્યો,

મસ્ત્ય છું ને તોય હું જળમાં પ્રવેશી ના શક્યો.

 .

જાતરા મારી હતી મૂળથી તે ટગલી ડાળ લગ,

ફૂલને અડકી લીધું ફળમાં પ્રવેશી ના શક્યો.

 .

હું મને જાણી ચૂક્યો છું લોહી ને મજ્જા સુધી,

જાણ કે સમજણ થકી તળમાં પ્રવેશી ના શક્યો.

 .

વારતા લખતો રહ્યો છું ઝાંઝવાં ને જળ તણી,

બુંદ થઈ ક્યારેય વાદળમાં પ્રવેશી ના શક્યો.

 .

જે સકળમાં છે અકળ એનો મને અહેસાસ છે,

એ જ કારણથી હવે છળમાં પ્રવેશી ના શક્યો.

 .

( મધુમતી મહેતા )

તૂટ્યો મ્હારો – કેશવલાલ હરિરામ ભટ્ટ

તૂટ્યો મ્હારો તંબૂરાનો તાર, ભજન અધૂરું રે

રહ્યું ભગવાનનું…

 .

એક તૂટ્યા બીજા રે તાર અસાર છે,

જીવાળીમાં નહિ હવે જીવ જી :

પાસ પડ્યા પોચા રે નખલિયું નામનું…

તૂટ્યો મ્હારો…

 .

તરડ પડી છે રે બાતલ તુંબડે,

લાગે નહીં ફૂટિ જતાં વાર જી :

ખૂંટીનું ખેંચાવું રે કાંઈ ન કામનું…

તૂટ્યો મ્હારો…

 .

સ્વર મેળવિયે શેમાં રે તાલ બેતાલ છે,

ઢોલકમાં પણ કાંઈ ન ઢંગ જી :

બંધ થયું છે બારું રે હરિરસ પાનનું…

તૂટ્યો મ્હારો…

 .

ખર્ચી હવે ખૂટી રે બૂટી હવે બીજી નથી,

હરિ હવે ઝાલો તમે હાથ જી :

કહું છું કામ ન મ્હારે રે ધનજનધામનું…

તૂટ્યો મ્હારો…

 .

કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,

વાણી મન પાછાં વળી જાય છે :

બલ ચાલે નહિ એમાંરે મહા બલવાનનું…

તૂટ્યો મ્હારો…

 .

( કેશવલાલ હરિરામ ભટ્ટ )

ધ્યાન એક તારું ધર્યું છે – લલિત ત્રિવેદી

Meditation

મૌનના તળિયે રહીને ધ્યાન એક તારું ધર્યું છે

કોરા આભલીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

મેં ક્યાં મંદિરીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

મેં તો સગપણીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

હું ઋષિઓ શબ્દ…હું લેખિની દાદાગણપતિની

તોય કાગળીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

ત્યારે ઘરમાં ઝીણા ઝીણા મોરલા ગાતાં મળ્યાં છે

ઠેઠ ડુંગરીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

ઝાંખું ઝાંખું અજવાળું…એથીય ઝાંખી ઝાંય હોજી

ઝાંખી દેહડીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

માવડી ! દેજે અવિચળ નીર એની આંખડીને

જેણે ઝળઝળીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે

 .

( લલિત ત્રિવેદી )

ફૂલની એક ડાળીને – સુરેશ દલાલ

ફૂલની એક ડાળીને

કાચની બારી સાથે પ્રેમ થયો.

 .

બારી તો બંધ

ને ડાળી તો અંધ

આ કેવો સંબંધ !

રે, પૂછો નહીં કેમ થયો ?

ફૂલની એક ડાળીને કાચની બારી સાથે પ્રેમ થયો.

 .

કોઈક દિવસ બારી તો ખૂલશે એ આશામાં,

ડાળી તો ઝૂલ્યા કરે : સૌરભની ભાષામાં

ગુનગુનતી ગીત : પણ અંતે નિરાશામાં.

 .

ફૂલપાન ખરી ગયાં

સ્વપ્નો સૌ મરી ગયાં

ને જીવવાનો વ્હેમ થયો

રે, પૂછો નહીં કેમ થયો ?

 .

( સુરેશ દલાલ )

સ્વીકારી ના શકાય – ગુણવંત ઉપાધ્યાય

સ્વીકારી ના શકાય, નકારી શકાય ના;

સપનું, સમય ને આભ મઠારી શકાય ના.

.

સહેજે તરાવી કે પછી તારી શકાય ના,

તરણાંથી આખી જાત ઉગારી શકાય ના.

 .

કાગળ ઉપર કલમથી વ્યથા, વંચના, વિરહ;

અંધાર, આંસુ, આહ ઉતારી શકાય ના.

 .

ભાલે ઊગેલ સૂર્ય અચાનક ડૂબ્યા પછી-

આકાશ ખાલીપાનું વિચારી શકાય ના.

 .

ખાલી કૂવામાં એ જ ઉતારી પછી કહે :

તારા જ કર્મફળ છે વિદારી શકાય ના.

 .

ભીંતો વિહોણાં ઘરમાં ફરે ચામાચીડિયાં-

ટોળાં કબૂતરોનાં નિવારી શકાય ના.

 .

અભિશાપને લીધે જ મળી છે ભલે મતિ,

‘ગુણવંત’ નામે ઊંઘ ઉધારે શકાય ના.

 .

( ગુણવંત ઉપાધ્યાય )

ભાઈ દે તો – ખલીલ ધનતેજવી

ભાઈ દે તો મિત્ર જેવો ભાઈ દે,

જિન્દગી અથવા તો એકલવાઈ દે !

 .

તું ખુદા શિખર દે અથવા ખાઈ દે,

પણ મને જીવનમાં બેપરવાઈ દે !

 .

લાખ અપરાધો ભલેને એ કરે,

જીભ પર એની ફક્ત સચ્ચાઈ દે !

 .

એ પછી તો સો વરસ જીવી શકીશ,

મોતને વાતોમાં તું અટવાઈ દે !

 .

જ્યાં ને ત્યાં જોયા કરે છે ચોતરફ,

એની આંખોમાં નજર સલવાઈ દે !

.

જો વિવેચક, હું સરળ રસ્તો કહું ?

આ ગઝલને મોરથૂથૂં પાઈ દે.

 .

મુખ્ય લોહીની સગાઈ પણ ખલીલ,

મા પછી તું મિત્રને સરસાઈ દે !

 .

( ખલીલ ધનતેજવી )

બે કાવ્યો – સુરેશ દલાલ

(૧)

પંખીના ટહુકાથી ઊઘડે એવું

વહેલી સવારનું મૌન મને આપો.

 .

દિવસની ડાળ પર ઝૂલ્યા કરું

શબ્દોને અર્થોને ભૂલ્યા કરું

ભીતર ને ભીતર હું ખૂલ્યા કરું

ફૂલની સુવાસથી છલકે એવું

ઊજળી સવારનું મૌન મને આપો.

 .

મનની મિરાતનો હોય એક પ્રાંત

સરોવર જેવો હોય રસ્તો પણ શાંત

ચાલું પણ પગલાંમાં નીરવ એકાન્ત

પોતાના આભથી પ્રકટે એવું

ખુલ્લી સવારનું મૌન મને આપો.

.

(૨)

કવિતા અને જીવનના રાજમાર્ગે ઊભેલો હું

શબ્દનો મિત્ર છું

અને અનુભવનો પરમ મિત્ર.

 .

જ્ન્મ પહેલાંની

અને મૃત્યુ પછીની ક્ષણ સાથે

મારો નાતો બાંધું છું

નિરાકાર મૌન સાથે.

.

( સુરેશ દલાલ )