કોઈ તારી રાહ જુએ છે – હર્ષદ ચંદારાણા

ખાલી ખાલી પ્લેટફોર્મ નિહાળી, કોઈ તારી રાહ જુએ છે

એ જ બાંકડે બેસી, ના કંટાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

રોજ સવારે ટ્રેન આવે તે પ્હેલાં સ્ટેશન પર પ્હોંચી જઈને

થાંભલીયુંમાં ખુદનું હોવું ઢાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

એક દિશામાં, એક જ સાથે ચાલે પણ ક્યાંયે ના મળતા પાટા

બે પાટા વચ્ચે ચડભડ સંભાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

સાંધાવાળાથી સ્ટેશનમાસ્તર, સૌને પૂછે : ‘ટાઈમમાં છે ને ?’

આ ટ્રેન તને લાવે તો ‘દિવાળી’, કોઈ તારી રાહ જુએ છે

 .

ફૂટે છે ક્યાં કોઈ નવતર પર્ણો ? જૂનાં નિત-નિત ખરતાં જાતાં

પર્ણો પાછળ ખરશે એની ડાળી ? કોઈ તારી રાહ જુએ છે

 .

જોવું ઝાંખું, સાંભળવું આછું, સીધા વાંસાનું થાવું વાંકું

લાઠીની ઠક-ઠકમાં તન ઓગાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

( હર્ષદ ચંદારાણા )

…રૂહમાંથી જેમ પ્રગટે રૂ – લલિત ત્રિવેદી

સુનિયે સાહિબ ! સુનિયે હઝરાત ! નાના મોઢે મોટી વાત !

સપને આવ્યાં સરસ્વતીમાત, નાના મોઢે મોટી વાત !

 .

એ જ કરે છે કુમકુમપગલાં એ જ ઓળખે પંખીપગલાં

શું કાગળ શું કલમ દવાત, નાના મોઢે મોટી વાત !

 .

ફૂલો ઊગ્યાં તે ભીનાશ… પંખી ઊડ્યાં તે આકાશ…

ને ઋતુઓ મારાં જઝબાત, નાના મોઢે મોટી વાત !

 .

ભગત ભલી ભાળે છે કળ, જુએ કળી ઝાકળમાં તળ…

હું ક્યાં એવો છું રળિયાત, નાના મોઢે મોટી વાત !

 .

અંદરપૂર્યા ઝંઝાવાત, બા’ર બાંધ્યાં સમદર સાત…

પરપોટાજીની ઓકાત, નાના મોઢે મોટી વાત !

 .

સોળકળાએ ડામરખૂણે ખીલ્યું હોત એકાંત

હું ય રચત, ઋષિઓ ! વેદાંત, નાના મોઢે મોટી વાત !

 .

કરત તને મારી રૂબરૂ… રૂહમાંથી જેમ પ્રગટે રૂ…

એવી ક્યાં મારી વિસાત, નાના મોઢે મોટી વાત !

 .

( લલિત ત્રિવેદી )

હું જોઉં છું એણે – મધુમતી મહેતા

હું જોઉં છું એણે સગપણ સાંધ્યું ક્યાં છે ?

એ શોધે છે સગપણ અંદર ગાંઠ્યું ક્યાં છે !

 .

ઝરણે જીવ્યા, નદીયે જીવ્યા, જીવ્યા દરિયે

જળમાં જીવ્યા તો યે જળને જાણ્યું ક્યાં છે !

 .

પરકમ્મા પૃથ્વીની કીધી સાત વખત પણ

રૂંવાથી રુદિયાનું અંતર કાપ્યું ક્યાં છે ?

 .

જીવતરને અંતે આવ્યા છો પાછું દેવા

આપ્યું એનું માપ અમે તો રાખ્યું ક્યાં છે ?

 .

હારીને બેસી ગ્યો છેલ્લી પાટલીયે તું

ભાથામાંથી તીર હજી તેં તાણ્યું ક્યાં છે ?

 .

વેશ ભલેને આજે પહેર્યો રાજા જેવો

માગણ જેવું મનમાંથી તેં કાઢ્યું ક્યાં છે ?

 .

શ્રુતિ ને સૂરની વાતું તું આજ ભૂલી જા

તારું જંતર જો, ઈ લયમાં આવ્યું ક્યાં છે ?

 .

રૂના ખેતર વચ્ચે ઊભો ચાડી ખાતો

ધાગા જેવું કાંઈ કદી તેં કાંત્યું ક્યાં છે ?

 .

હૂંડી લઈને ગામે ગામે ફરતો રહ્યો હશે

કામ કદી શામળશા સાથે પાડ્યું ક્યાં છે ?

 .

જીવનભર મ્હેતા તો રહ્યાં એવાં ને એવાં

છુટ્ટું, કૈં ના મેલ્યું ને હૌં બાંધ્યું ક્યાં છે ?

 .

( મધુમતી મહેતા )

પાંચ તડકો લઘુકાવ્યો – પ્રીતમ લખલાણી

(૧)

પીલુડીના ઝુંડમાં

પતંગિયાંની પાંખ તળે

નિરાંત પાથરીને

બેસેલો તડકો

કેવો હરખાતો હોય છે

ધોરિયે વહેતા જળમાં થનગનતા

આભને જોઈને !

 .

(૨)

પવન સંગે

ડોલતા મકાઈના ડૂંડે

કાન માંડીને બેઠો હોય છે

વહેલી સવારનો તડકો

રણકતા શેઢાના

માધુર્યને માણવા.

 .

(૩)

રોઢે

ખેતર ભાત દઈને

ગામ પાછી ફરેલ મીઠ્ઠીની

ચૂંદડીનો છેડો જાલીને

અરે ! ક્યારે આવી ચઢ્યો

મારા ખોરડા લગી

લીલી બાજરીનો

મહેક ભીનો તડકો !

 .

(૪)

જેઠ મહિનાના ખરે બપોરે

સુકાયેલ તળાવના બાવળ તળે

બેસેલ ભેંશની પીઠે ચઢી

સાદ પાડે તડકો,

‘આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ…’

 .

(૫)

ઢળતી સાંજથી

ઠાકોરજીને ભેટવા

ઝાલર રણકવાની રાહ જોતો

ચોરાની ઓસરીમાં

ઊભો હોય છે તડકો…

 .

( પ્રીતમ લખલાણી )

દર્દ સીનામાં ભરી – અબ્બાસ રૂપાવાલા ‘રફિક’

દર્દ સીનામાં ભરી જીવી ગયો,

શ્વાસ તરછોડી, ફરી જીવી ગયો.

 .

આયનાને પૂછમાં ચ્હેરા વિશે,

બિમ્બને મનમાં ભરી જીવી ગયો.

 .

મેઘલી કાળી મજાની રાતમાં,

પ્રેમ-કિસ્સાઓ સ્મરી જીવી ગયો.

 .

જિંદગી કડવી હતી તો શું થયું,

હું કઝાને કરગરી જીવી ગયો.

 .

હું ‘રફીક’ છું, હું કદી ડરતો નથી,

મોતને પણ બથ ભરી જીવી ગયો.

.

( અબ્બાસ રૂપાવાલા ‘રફિક’ )

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !

 .

કર્યો શ્યામને પ્રેમ; કર્યો કોણે આ અંબર તળે ?

પથ્થરને જો કર્યો હોત, આવ્યે ભૂકંપના ચળે !

દૈવજ્ઞો છો માને, એને સતત ભ્રમણના યોગો;

ગ્રહો-બ્રહો તો ઠીક, એ હાથે કરી રચે સંજોગો !

 .

કલહ, કપટ ને યુદ્ધપ્રિય માધવ જો જો પસ્તાશે !

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

 .

ઉદ્ધવજી ! એક તૃણ ખેંચો તો સાથે આવે માટી;

ઈશ્વર જાણે કઈ ધાતુથી ઘડી કૃષ્ણની ઘાટી !

રહી શકે એ નિર્મમ, ઉદ્ધવ ! જલમાં અંબુજ પેઠે;

નથી સાંભળ્યું કોઈ કને કે કૃષ્ણ યાતના વેઠે !

.

પણ અંતે, માધવને મન ગોકુળ આખ્ખું વમળાશે !

 .

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !

 .

( વીરુ પુરોહિત )

કોના વિષે – સોનલ પરીખ

શું હોઈ શકે

એકલતાની પરાકાષ્ઠા ?

 .

તારી ગેરહાજરીમાં જે અનુભવતી હતી તે ?

પણ તેમાં તો એક અર્થ હતો :

એક કારણ હતું;

એક દુ:ખભર્યું પણ આકર્ષણ હતું

 .

તો શું હોઈ શકે એકલતાની પરાકાષ્ઠા ?

તારી હાજરીમાં આજકાલ

જે અનુભવાય છે તે – કદાચ

 .

ઘટ્ટ ખાલીપણાની

ભેંકાર ભીંતો

ને શૂન્યતાની ચારે બાજુથી

ધસી આવતી છત

 .

આ શબ્દની બારી તો મળી છે

શ્વાસ લેવા,

પણ કોના વિષે વિચારીને

હું ફૂંક મારું

મારા ફેફસામાં ?

 .

( સોનલ પરીખ )

અજવાળાની ચોવટ – ખલીલ ધનતેજવી

અજવાળાની ચોવટ કરવા બેઠો છે,

અંધારાનો વહીવટ કરવા બેઠો છે !

 .

વારાફરતી બંનેને ભંભેરે છે,

બંનેમાં સમજાવટ કરવા બેઠો છે !

 .

મહેફિલમાંથી ધક્કો મારીને કાઢો,

આવ્યો ત્યાંથી ખટપટ કરવા બેઠો છે !

.

એને ક્યાં તાણાવાણાની સમજણ છે,

ખાલી અમથો ઝીણવટ કરવા બેઠો છે !

 .

વાંચેલું બોલેલું સૌનું શીખીને,

એ પોતાને પોપટ કરવા બેઠો છે !

 .

બીજાને તકલીફો આપીઆપીને,

ખુદને માટે ફાવટ કરવા બેઠો છે !

 .

દર તહેવારે આડો ફાટે એ માણસ,

સંબંધોમાં વધઘટ કરવા બેઠો છે !

 .

સોચી સમજીને લખવાનું હોય ખલીલ,

ગઝલોમાંતું ઝટપટ કરવા બેઠો છે.

 .

( ખલીલ ધનતેજવી )

ન આવ્યો – ભગવતીકુમાર શર્મા

સૂનકારથી સાદ ન આવ્યો;

મને મોર પણ યાદ ન આવ્યો.

 .

મેલીને મરજાદ ન આવ્યો;

આંખોમાં વરસાદ ન આવ્યો.

 .

પરદો તો વેળાસર ઊઘડ્યો;

યાદ મને સંવાદ ન આવ્યો.

 .

કાસદ થઈ આવ્યાં પારેવાં;

પણ અક્ષર એકાદ ન આવ્યો.

 .

સળંગ સૂત્રતા શી જળવાઈ !

દુ:ખોમાં અપવાદ ન આવ્યો.

 .

કુરુક્ષેત્ર, સ્વજનો, સ્નેહીઓ;

કેમ મને અવસાદ ન આવ્યો.

 .

કંઠ શુષ્કને કાન ના સરવા;

એક અનાહત નાદ ન આવ્યો.

.

( ભગવતીકુમાર શર્મા )

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

ક્યાં જઈને વર્ણવીએ, ઉદ્ધવ ! અહોરાતનાં દુ:ખ ?

દીપકની જ્યોતિમાં ઉપસે મોહનવરનું મુખ !

સ્મરણ કરાવે ખીલ્યાં કેસૂ, ખેલ્યા’તા ફાગ;

નરદમ જુઠ્ઠી આશ બંધાવે નળિયે બોલી કાગ !

ઘૂઘવે ઉદધિ આખો, જ્યારે કાને ધરીએ શંખ !

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

 .

વૃક્ષ નહીં તો શોભા શી છે પથરાતી વેલીની ?

વીણ માધવ તો કોણ ઉઘાડે સાંકળ આ ડેલીની ?

સૂર્ય વિના ના હોય જ, ઉદ્ધવ ! પ્રકાશ પણ ચંદાનો;

કૃપા કરીને સૂચવો યુક્તિ, ગોકુળની નંદાનો !

કરત મથુરા પર ચકરાવા, મળી હોત જો પંખ !

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

 .

( વીરુ પુરોહિત )