
.

.

.
રસ્તા વચ્ચે પડાવ આવશે
મારી સાથે લગાવ આવશે
.
આજે તું છો ઊભે પાણી
તને કોક પર ભાવ આવશે
.
સામે આવ્યું ઠેલ નહીં તું
એ જ બની પ્રસ્તાવ આવશે
.
જો અંધારાં ઓળખશે તું
અજવાળાંની નાવ આવશે
.
કાળો પીળો તાવ આવશે
તૂરી કડવી રાવ આવશે
.
ઘર-ઉંબર નહીં છોડે તો પણ
ઘણા કારમા ઘાવ આવશે
.
આંગણ ફળિયું કૂવો પાદર
ફરી ફરી ના દાવ આવશે
.
આઠે અંગો ઝૂર્યા કરશે
કોઈ સ્વજન ના કામ આવશે
.
વહી ગયા એ વણજારા તો
વચમાં ખાલી વાવ આવશે
.
( મણિલાલ હ. પટેલ )

.
તને ફોન કરું છું
ફોન મૂકવો પડે એટલે મૂકું છું.
ફરી પાછી લાગે છે ફોનની તરસ
હું વ્યાકુળ થઈને
તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી.
હું સ્વસ્થ રહીને
તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી.
એક વહેરાઈ ગયેલા જીવને
તું કરવત થઈને વહેર નહીં
કાનને શોષ પડે છે તારા અવાજનો
જીભ ઝંખે છે તારા નામને
એથી જ તો હું ફોન કરું છું.
ફોન મૂકું છું.
મારી તરસનો કોઈ અંત નથી.
.
( સુરેશ દલાલ )


.
છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,
હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.
.
શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.
.
મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,
જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.
.
છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ
મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.
.
દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ;
અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.
.
ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,
છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.
.
એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.
.
( ભગવતીકુમાર શર્મા )

.
બારી કે બારણાંઓ ત્યાં હાજર કશું નથી,
બે-ચાર છબીઓ છોડીને અંદર કશું નથી.
.
કોણે લખ્યું છે વાક્ય અદાલતની ભીંત પર ?
કે ‘ત્રાજવું નથી તો બરાબર કશું નથી’.
.
છે રામ ન રહીમ – જગતમાં વિકલ્પ છે,
પણ પ્રેમથી વિશેષ ખરેખર કશું નથી.
.
એવી સભામાં શક્ય છે સૌને જવું પડે,
જ્યાં માનપાન, સ્થાન કે આદર કશું નથી.
.
ઊંડાણના વિષયમાં સ્પર્ધા જો થાય તો,
આંખોની સામે સાત સમંદર કશું નથી.
.
‘શરમાળછે સ્વભાવે’ – બધાનો વહેમ છે,
બાકી ‘પવન’ને કાનો કે માતર કશું નથી.
.
( ભરત ભટ્ટ ‘પવન’ )

.
(૧)
પંખી
.
મેં
એક દિવસ
એક પંખીને પૂછ્યું:
‘તને માણસ થવું ગમે ?’
તો પંખી કાંઈ ન બોલ્યું
ને ઊડી ગયું આકાશમાં !
.
( મધુકાન્ત જોષી )
.
(૨)
.
અછત અને પ્રાપ્તિ
.
પહેલાં હતું કે શું ખાવું ?
આજે થતું કે ખાવું શું !
.
( જગન્નાથ રાજગુરુ )
.
(૩)
.
મા
એક અક્ષરનો
મહાનિબંધ
.
( જગન્નાથ રાજગુરુ )
.
(૪)
હીંચકો
.
અહીં
આ જગ્યાએ
પહેલાં હીંચકા હતા.
હવે છે:
માત્ર હીબકાં !
.
( મધુકાન્ત જોષી )
(૫)
.
હમદર્દ
.
તમે ઈચ્છો તે દર્દીને રક્તદાન
કદાચ ન પણ કરી શકો;
કેમ્કે દરેકનું એક
ચોક્કસ બ્લડગ્રુપ હોય છે.
પણ તમે કોઈ પણ વ્યક્તિના
દુ:ખના ભાગીદાર
જરૂર બની શકો છો…
કેમકે આંસુને
ગ્રુપ જેવું કશું હોતું નથી.
( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’)
.
(૬)
.
આંસુ : આંખોએ
ગોળાકાર ચિતરેલી
ચીસ ગળાની
( ‘પ્રભુ’ પહાડપુરી )
.
(૭)
વૃક્ષોતિ
.
કોઈ પણ ભેદભાવ વગર
સૌને મારી છાયામાં
બેસવા દઉં છું…
એ આશાએ કે
આમાંથી કોઈ તપસ્વી જેવો
પથિક આવી બેસે
અને મને
છાંયડો મળી જાય !
.
( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )
.
(૮)
.
વ્યથાઓ ફરી બારમાસી બને છે !
ફરી શૂન્યતાઓ સુવાસી બને છે !
તરે છે ફરી શક્યતાના તરાપા,
ફરી ઝંખનાઓ ખલાસી બને છે !
.
( નિર્મિશ ઠાકર )
.
(૯)
.
ત્યારે અને અત્યારે
પેલી જૂના ઘરમાં
કશું નહોતું
આપણે હતાં.
આ નવા ફ્લેટમાં
બધું છે
આપણે નથી !
.
( દેવરાજ ચૌહાણ )
.
(૧૦)
.
રામના પુસ્તકમાંથી
મને મળ્યું
શબરીના બોરનું
એક પાનું…
.
( અબ્દુલ ગફાર કાઝી )
.
(૧૧)
તાન્કા
.
રંગ ફુવારો
ઊડ્યો, આભ રચાયું
મેઘધનુષ
ભૂલકાંની આંખમાં
વિસ્મયનો દરિયો
.
( ધનસુખલાલ પારેખ )
(૧૨)
.
ખરેલા ફૂલો
વીણે – આંગણા મહીં
એકલો વૃદ્ધ
.
( મુસ્તાક એમ. શેખ )

.
મારે નથી જોઈતું સ્વર્ગ
નથી જોઈતું મુક્તિફળ;
મારે તો જોઈએ કેવળ પાણી,
મારા તરસ્યા ગામની પરબ ચાલતી રહે માટે.
.
મારે નથી જોઈતા નવનિધિ;
મારે નથી જોઈતાં અષ્ટસિદ્ધિફળ;
મારે તો જોઈએ કેવળ ધાન,
મારા ભૂખ્યા ગામની ઘંટી ચાલતી રહે માટે.
.
મારે નથી જોઈતી ગાડી,
ને નથી જોઈતી લાડી;
મારે તો જોઈએ બસ માડી.
મારા થાકેલા ગામને ખોળે લઈ સુવાડવા માટે.
.
( ચંદ્રકાંત શેઠ )

.
અંદરનું
અંદર આવેલું, અંદરની બાજુનું
મારું આંતરિક કદાચ
પગથિયાં વગરનું છે.
કદી હું એમાં જઈ શક્યો નથી.
કોઈ સદી એવી નથી કે
મેં
ટકોરા ન માર્યા હોય.
મને લાગે છે કે અંદર કોઈ હોય
તો
તે
સાંભળતો નથી.
એને હાથ હશે ? પગ હશે ?
એને નહિ થતું હોય મન બહાર આવીને
મને મળવાનું.
હશે ખરો કોઈ અંદર ?
.
( લાભશંકર ઠાકર )

.
પહોંચ્યા ન ફરિશ્તાઓ, પયમ્બર નહીં પહોંચે,
માણસની આ ઔલાદને ઈશ્વર નહીં પહોંચે !
.
તારા સુધી કાગળ અને પત્તર નહીં પહોંચે,
આંગળીઓ બરફ થૈ ગઈ, અક્ષર નહીં પહોંચે.
.
બપ્પોર ઢળી સાંજ, કવેળાનું અંધારું;
ભૂલું પડ્યું બાળક તે ફરી ઘર નહીં પહોંચે.
.
બસ, આટલો ઈન્સાફ હું માગું છું જગતમાં:
નિર્દોષના માથા સુધી પથ્થર નહીં પહોંચે.
.
મારી આ વ્યથાને તો હું ચૂપચાપ સહી લઈશ,
તારા સુધી મારું કોઈ કળતર નહીં પહોંચે.
.
આ કેવી સપાટીની અનુભૂતિ મળી છે !
છે બહાર બધી ભીડ તે ભીતર નહીં પહોંચે.
.
ઝળહળ છે મહેફિલ, છતાં ખૂણામાં છે ઝાંખપ,
લાગે છે ત્યાં લગ કોઈ ઝુમ્મર નહીં પહોંચે.
.
તેં સ્વપ્ન તો ભવભવનાં બનાવ્યાં છે પરંતુ
એ ક્ષણ સુધી આ શ્વાસની હરફર નહીં પહોંચે.
.
( ભગવતીકુમાર શર્મા )