સંતનો શબ્દ

સંતનો શબ્દ શું કર્ણ-પડદે પડ્યો,

ઊઘડ્યાં સામટાં બંધ બારાં.

ફોડીને પહાડ-શી છાતીમાંથી ફૂટ્યાં

નીર પાતાળનાં મિષ્ટ-ખારાં.

.

ઘમઘમે ઘૂઘરા ગુરુ તણા ભાંખરે,

આંખ સામે ઊભા દેવ દત્તાત્રય !

નાથ ત્રિલોકનો, ચૌદ બ્રહ્માંડનો

આંગણે આપણા ઝંખતો આશ્રય.

.

પ્રાણ તો બંસરી; ગાત્ર ગોકુળ બન્યાં,

મ્હોરી ઊઠ્યાં મને કૈંક વૃંદાવન.

હું રહ્યો નહીં; તું નહીં ‘તે’ રહ્યો-

આ ક્ષણે આપણે બેઉ શ્રાવણ !

.

કોણ જાણે કઈ ટૂંકથી નીસરી

ઊતરે ચિત્તમાં ફક્ત તારું સ્મરણ;

એક પળમાં બન્યું એવું તે શું ભલા ?

કૃષ્ણનું થૈ ગયું પૂર્ણ મીરાંકરણ !

.

( કેશુભાઈ દેસાઈ )

એ તો એવું જ હોય

એ તો એવું જ હોય

ઘર વળી કેવું હોય

ખુરશી પર નાખેલ નેપકિન

દોરી પર કપડાં

પગમાં જરા ધૂળનો સ્પર્શ

ટેબલ પરનો ગ્લાસ

આમતેમ અસ્ત્વ્યસ્ત

એ તો બધું એમ જ હોય

ઘર વળી કેવું હોય ?

.

બેંકનો કાગળ કુરિયર

જાહેરાતનાં ચોપાનિયાં

ફોન વીજળીનાં બીલો

કરિયાણાનું લિસ્ટ

થોડાંક પુસ્તકો

લગ્નની કંકોત્રી

ભૂલથી આવી પડેલી પડોશીની ટપાલ

આ બધું તો હોય જ ને

ઘર વળી કેવું હોય ?

.

કદીક નવજાત બાળકની કિકિયારી

વધતી ઉંમરની પીડાની સિસકારી

ઘરડી એકલતા

ને મૃત્યુની ભારેખમતા

હોય

એ તો એવું જ હોય

ઘર વળી કેવું હોય ?

.

( પૂજા તત્સત )

વણપુછાયેલા પ્રશ્નનો જવાબ

ક્યારેક

કોઈક વરસને વચલે દહાડે

એ મારે ત્યાં આવે

અને

અદબ જાળવીને

મને શબ્દોથી કશું પૂછે નહીં

પણ

એની આંખના પ્રશ્નને ઉકેલતા

મને વાર નથી લાગતી.

પ્રમાણમાં વિશાળ ઘરમાં

હું

સાવ એકલી કઈ રીતે રહી શકું છું

એવો પ્રશ્ન

પૂછ્યા વિના પુછાય છે.

જે પ્રશ્ન

પૂછ્યા વિના પુછાયો હોય

એનો ઉત્તર

હું એમને આપતી નથી

પણ

મારા મનમાં

તો

મારી સાથે

એક સંવાદ ચાલ્યા કરે છે.

.

એકલતાને તો મેં હડસેલી દીધી છે

હજાર હજાર માઈલ દૂર.

મને દીવાલો સાથે વાત કરતાં આવડે છે.

મારા બગીચાનાં ઝાડપાન સાથે

હું ગોષ્ઠી કરી શકું છું

અને

ફ્લાવરવાઝના ફૂલો સાથે પણ

અનુભવી શકું છું આત્મીયતા.

તમે જેને એકલતા કહો છો

એને હું મારું એકાંત કહું છું.

.

હું

છલોછલ અનુભવું છું

મારા એકાંતની સમૃદ્ધિ.

ઘર નાનું હોય કે મોટું હોય

માણસો ઓછા હોય કે વધારે હોય-

સાચું કહો,

તમે

આ બધાંની વચ્ચે

એકલતા નથી અનુભવતા ?

અથવા

તમે તમને જ પૂછી લો

કે

આ બધાની વચ્ચે

તમને તમારું

ગમતું એકાંત મળે છે ખરું ?

માણસો સાથે રહે છે-

કદાચ છૂટા પડી શકતા નહીં હોય એટલે ?

હું માનું છું

કે

બહુ ઓછા માણસો

સાચા અર્થમાં

સાથે જીવતા હોય છે

જીવી શકતા હોય છે.

દીવાલોના રંગ ઊપટી ગયા હોય એવા

થઈ ગયા હોય છે સંબંધો.

એક માણસ બીજા માણસથી ડરી ડરીને

ચાલે છે

એક માણસ બીજા માણસને છેતરી છેતરીને

જીવે છે-

જીવવાનું છળકપટની દુનિયામાં !

સુખી છીએ એવો દેખાવ કરવામાં જ

ઉઘાડુ પડી જાય છે

આપણું દુ:ખ.

.

ક્યાંય કોઈ અખંડ પોત નહીં

ક્યાંય કોઈ અખંડ જ્યોત નહીં

કટકે કટકે જીવતા જીવતા

કટકે કટકે મરવાનું.

.

મળવાનો દેખાવ કરીને નહીં મળવાનું.

કોઈ વિરાટ પ્રદર્શનમાં ગોઠવાયેલી

અનેક ચીજ હોય એવી રીતે

સંબંધ નામની અનેકમુખી ચીજને

અતૃપ્તિ સાથે જોયા કરવાનું.

.

સાથે રહીને એકલા પડવા કરતાં

એકલા રહીને સાથે જીવવાનો આનંદ

મને તો છલકાતો દેખાય છે

મારા ખાલીખમ (?) ઘરમાં…

.

( પન્ના નાયક )

ફરતી કાંટાળી વાડ કરે

ફરતી કાંટાળી વાડ કરે,

સગપણ આવાં પણ લાડ કરે.

.

બાળક જેવું આ સૂનું મન,

સાંઠકડી રોપી ઝાડ કરે.

.

ક્યારેક નરી આ એકલતા,

ટોળાં જેવી રંજાડ કરે.

.

તું ફૂલ હશે ભૂલી જઉં છું,

ઝરણાં વ્હેતાં તો પહાડ કરે.

.

મિસ્કીન ઊંચાઈ માપ નહીં,

શું બાવળ કે શું તાડ કરે.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

વણથંભી વાંસળી

વણથંભી વાંસળી વગાડ ના

અંતરના ઓરતાને અધરાતે છેડીને

ગોકુળિયું ગામ તું જગાડ ના.

.

અષાઢી વાદળીની જેમ દન આખાનો

થાક લઈ ઘેરાતી આંખો,

વરસાદી કીડીની જેમ અહીં નીંદરને

ઓચિંતી ફૂટે છે પાંખો;

સમણાંના ખેતરમાં લીલા વાવેતરને

ફાલ્યા વિના તું બગાડ ના.

.

ટેરવેથી ફૂટેલી વેદનાની મીઠપ લઈ

ડાળે ઝૂલે છે રાતરાણી,

શીતલ સમીર છતાં માદક એ ફોરમ

તો રોમ રોમ એવી દઝાણી;

ફૂંક જરા હળવી તું મૂક અલ્યા, ગોકુળના

ઘર ઘરમાં હોળી લગાડ ના.

.

( મહેશ સોલંકી ‘બેનામ’ )

સહેજ વાંસળી વાગે

સહેજ વાંસળી વાગે ને આ દોડે રાધા

ને પેલી રુકિમણી હિંડોળે જઈ ઝુલે

ઝૂલા પર ઝૂલનારી જાણે નહીં કે

આવી ઘેલછામાં હૈયું કેમ ખૂલે !

મહેલ મહીં મા’લવામાં માધવ તો દૂર

અહીં વેદનામાં ઊઘડે અવતાર

ખીલતી કળીને જઈ પૂછો કે કેમ કરી

ફોરમના રણઝણતા તાર

એના ઝાંઝરમાં વૈભવનો કણસે સૂનકાર

હું તો વૈકુંઠ વેચું છું વણમૂલે !

પીંજરના પોપટ ને મેનાની સાથ

ભલે સોનાના હિંડોળા-ખાટ

તાણી જાય ચીર એવા શ્યામની સંગાથ

કહો, ગોઠડીની છૂટે કેમ ગાંઠ ?

જરી સાનમાં કહું ને કબૂલે કહાન

એક પળમાં પટરાણીને ભૂલે !

.

( સુરેશ દલાલ )

માધવની યાદમાં

માધવની યાદમાં સુંવાળું મોરપિચ્છ

માધવ થઈને રોજ મલકે

પીંછાના રંગ બધા પીગળે ને બુંદ બુંદ

આસવ થઈને રોજ છલકે.

.

શ્વાસ મહીં ઘૂંટાયા મોરલીના સૂર

હવે કેમ કરી એને તરછોડવા,

આંખમાં સમાયું રે આખું આકાશ

હવે કેમ કરી તારલિયા તોડવા;

એવું તરછોડવું ને એવું રે તોડવું

કેમ રોજ પાંપણની પલકે.

.

વનરા તે વન વિના પાનખર આજ

જાણે ખોઈ બેઠું રે લીલાશ,

યમુના તો વ્હેતી બે કાંઠે ભરપૂર

એનાં વ્હેણને રે ખટકે ભીનાશ;

એવી લીલાશ ક્યાંક એવી ભીનાશ ક્યાંક

સમણું થઈ રોજ રોજ ઝલકે.

.

( મહેશ સોલંકી ‘બેનામ’ )

તારી વરણાગી વાંસળી

વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી

લાગે છે એવી અળખામણી !

.

છાવરું છું એમ છતી થાય છે ઓ છેલ

મારા અંતરની છાનેરી લાગણી !

સૂરની તે સુંવાળી કેડીએ વ્હાલમાં

મ્હાલવાની મોજ મને આવે

ઘેરો ઘાલીને ઊભી લોકોની આંખ

મને તાકી તાકીને અકળાવે

આઘુંપાછું તે કાંઈ જોયા વિના

બધા આપે શી વાતની વધામણી ?

વાંકાબોલી આ તારી…

.

ગાયોના સાથ સદા હોયે ગોવાળિયો

ને ફૂલડાંની સાથે સુગંધ

તારી તે સંગ હોય હૈયાવીંધ વાંસળી

ને વાંસળીમાં વહેતો ઉમંગ

ગોપીની લાજ અને લોપે મરજાદ

કાળી ડંખે છે નિંદાની નાગણી !

વાંકાબોલી આ તારી…

.

( સુરેશ દલાલ )

હરિ હવે

હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો

રુદિયેથી શબ્દ નીસરે ‘જયો જયો !’

.

અલપઝલપ તોયે ઝળહળની ઝાંખી

હવે હાજરાહજૂર, નહિ અટકળની ઝાંખી

પંખુડીઓમાં પણ પુદગળની ઝાંખી

સમ્મુખ સુંદર, નહિ પોકળની ઝાંખી

.

હરિ હવે નિકટ થાય તો થયો થયો

હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો

.

આ પળ મળતામાં તૂટે જુગના ઘેરા

એક વ્રજમાં વૈકુંઠ વસે ઝાઝેરાં

માયાને પરપંચ બસૂરા-બહેરાં

બજે વાંસળી જ્યમ જમુના કી લ્હેરાં

.

હરિ હવે ધન્ય દાસ થયો દયો દયો

હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો

.

( ભગવતીકુમાર શર્મા )