હોય ના ગમતું-ઉર્વીશ વસાવડા

હોય ના ગમતું છતાં કરવું પડે

પાંદડાનું ભાગ્ય છે ખરવું પડે

.

શાહી થઈ આવી ગયો છું ટાંક પર

શબ્દ થઈ અંતે તો અવતરવું પડે

.

આ શિખરને સહેજ સ્પર્શીને તરત

હા તળેટીમાં પરત ફરવું પડે

.

બુદબુદાની જાત પામ્યા એટલે

હોય છીછરાં જળ છતાં તરવું પડે

.

બંધ મુઠ્ઠીમાં ભરેલી રેત છું

ક્યાં ખબર છે કઈ ક્ષણે સરવું પડે

.

ભીષ્મ તો હો લાખમં એકાદ બસ

અન્યને ઈચ્છા વગર મરવું પડે

.

( ઉર્વીશ વસાવડા )

કાંઈ માગીશું નહિ- શોભિત દેસાઈ

થઈ જશે મોડું હવે જો સહેજ જાગીશું નહિ,

આજથી નક્કી કરીએ કાંઈ માગીશું નહિ.

.

માપદંડોનું ન પૂછો, આ વીતકની વાત છે;

સાગરો ઈચ્છાઓના ક્યારેક તાગીશું નહિ.

.

કર ભરોસો તું અમારી ચૂપકીદીનો, ને સમજ,

મૌન રહીશું, સૂર વગર ક્યારેય વાહીશું નહિ.

.

છો કલમ તૂટી જતી પણ નહિ કદી કરીએ નકલ,

એવી ખુદ્દારી-કોઈના જેવા લાગીશું નહિ.

.

આવશે એ ઘડીએ ઊભા હોઈશું સત્કારવા,

જિંદગી જીવ્યા છીએ એવી કે ભાગીશું નહિ.

.

( શોભિત દેસાઈ )

સવારની-જયંત દેસાઈ

સવારની

ટચલી આંગળી ઝાલી

પા પા પગલી માંડતો

તડકો,

થોડું થોભી જાય છે….

હવા પર

સવાર થઈને

ઢોળાયે જતાં

પંખીઓના મીઠડા ટહૂકા

એને સ્નેહથી

ચૂમી લે છે…

ત્યારે-

ગાલ પર

શરમના શેરડા સાથે

કેસૂડાંની ડાળી

આડું જોઈ જાય છે

અને એ સાથે જ

સ્તબ્ધ વાતાવરણમાં

અચાનક

વસંતના પડઘા

ગાજી ઉઠે છે…

– અહીં રોજ

એક રાત્રિ

પાછલા પહોરે

ઝાકળ થઈને

વેરાઈ જાય છે….

હળવે….હળવે….

.

(જયંત દેસાઈ)

…પણ-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કૈં જ ભુલાતું નથી એ એક સ્થાયી ભાવ પણ,

સાવ ભૂલકણા છીએ કરવો પડે દેખાવ પણ.

.

બાળકોની એમ બેત્રણ સાંજ છબછબિયાં કરે,

દોસ્ત ! એવી આંખમાં હંકારવાની નાવ પણ.

.

હોય બનવાનું બૂરું તો થાય છે બૂરું બધું,

પગ કપાયા કે તરત પૂરો થયો ઢોળાવ પણ.

.

દોસ્ત સૌ મોટા થવાની સાથ ઘર ભૂલી ગયા,

હું કઈ રીતે ભૂલું બચપણથી માથે દાવ પણ.

.

મન અટકચાળું છે મિસ્કીન સાચવી લે એ જ તું,

લોક તો બદનામ કરવા આપશે શિરપાવ પણ.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

મેવાડી મીરાંની નાતનાં-મધુમતી મહેતા

રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં

રાણાજી અમે ટહુકાતી પીડાની જાતનાં

.

આંખે ઊઘડે છે હવે સૂની સવાર

અને ડાળે ગુલાબ કેરો ગોટો

મંદિરની ઝાલરનાં મોતી વીણાય નહીં

લટકાવી કાનજીનો ફોટો

રાણાજી અમે ખળખળતાં ઝરણાંના પ્રાંતના

રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં

.

જંગલમાં જેમતેમ ઊગ્યા છે થોર

એમાં વાંસળીના સૂર કેમ ભાળું

ખુલ્લાં મેદાન મને તેડાવે રોજરોજ

ક્યાં લગ હું કહેણ એનાં ટાળું ?

રાણાજી અમે ટળવળતાં હરણાંને જાતનાં

રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં

.

ગઢ રે ગિરનાર તણી ટોચે ચડીને

અમે સળગાવ્યાં ઈચ્છાનાં તાપણાં

પાણી વચાળ રહ્યાં કોરા તે આજ

અમે પાણીને થઈ ગ્યાં અળખામણાં

રાણાજી અમે તરતા એક તરણાની ભાતનાં

રાણાજી અમે મેવાડી મીરાંની નાતનાં

.

( મધુમતી મહેતા )

મને કશાનો ભય નથી-કુન્દનિકા કાપડિયા

[audio:https://heenaparekh.com/wp-content/uploads/2010/12/06-Track-62.mp3|titles=06 – Track 6]

.

મને કશાનો ભય નથી ભગવાન !

કારણ કે તમે સદૈવ મારી રક્ષા કરો છો.

.

મારી યાત્રા સરળ છે

કારણ કે આખોયે માર્ગ

તમે મારી જોડાજોડ ચાલો છો.

.

જીવનની ચડતીપડતી ને તડકીછાંયડી

એ તો એક ખેલ છે.

એ ખેલમાં હું આનંદભેર ભાગ લઉં છું.

જય ને પરાજય, હાસ્ય ને રુદન

બધું આ ખેલનો ભાગ છે.

બધું ક્ષણભંગુર, મર્યાદિત, પસાર થઈ જનારું છે.

.

વિવિધ પરિસ્થિતિમાં મને મૂકીને

તમે મારું ઘડતર કરો છો.

સંઘર્ષ કે સમસ્યાથી હું ગભરાતી નથી.

એવી કઈ સમસ્યા છે, જે તમારી કૃપાથી ઊકલી ન શકે ?

એવો કયો ભાર છે, જે પ્રાર્થનાથી હળવો ન થાય ?

એવી કઈ કસોટી છે, જે તમારા અનુગ્રહથી પાર ન કરી શકાય ?

.

પહેલાં, સુખ આવે ત્યારે હું સુખી થતી હતી

અને દુ:ખ આવે ત્યારે દુ:ખી થતી હતી.

હવે સુખ ને દુ:ખ બંનેની પાછળ તમારો ચહેરો ઝલકે છે.

આનંદના દરિયામાં હવે અમરું જહાજ નિ:શંક થઈને તરતું જાય છે.

.

( પરમ સમીપે-કુન્દનિકા કાપડિયા, ઉદ્દબોધન : અંકિત ત્રિવેદી )

શું આપણે કોઈ શુભ કાર્યને નાનું કહી શકીએ ખરા ?-સંકલન : સંજીવ શાહ

ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ એક વખત વખત હેલન કેલરને પૂછ્યું, “તમારાં જીવનની અભૂતપૂર્વ સફળતાનું રહસ્ય તમે શું ગણાવો છો? અંધ અને બધિર હોવા છતાં તમે આટલું બધું પ્રાપ્ત કેવી રીતે કરી શક્યાં ?”

હેલન કેલરે ઉત્તર વાળ્યો, “મારી સફળતા પાછળનું બધું જ શ્રેય હું મારાં શિક્ષિકા એમ સુલિવનને આપું છું. જો તે ન હોત તો હું આજે જે છું તેમાંનું કશું ન હોત.”

તમને કદાચ ખબર હશે કે મિસ એન સુલિવન પોતે પણ બાળપણથી અંશત: અંધ હતાં અને તેમને લગભગ પાગલ જેવાં ઠરાવી, એક પાગલખાનાના ભોંયરામાં બંધ કરવામાં આવ્યાં હતાં. નાનકડી એન તેની પાસે જનાર સૌ પર ક્યારેક હિંસક હુમલાઓ કરતી અને બાકીનો વખત સૂનમૂન બેસી રહેતી.

આ પાગલખાનાની એક આધેડ ઉંમરની નર્સને નાનકડી એનના સાજા થવા વિશે ઊંડી આશા અને શ્રદ્ધા હતાં. તે દરરોજ એન પાસે જતી સ્નેહ વરસાવતી. એન કોઈ પ્રતિસાદ ન આપતી છતાં તે એનની મુલાકાત લેવાનું ચૂકતી નહીં. ક્યારેક તે એન માટે કુકીઝ લઈ જતી.

ધીરે ધીરે ડોક્ટરોને એનના વર્તાવમાં પરિવર્તન આવતું દેખાયું. હિંસક વર્તણૂકની જગ્યાએ એનના વર્તનમાં કુમાશ દેખાવા માંડી. એનને ભોંયરામાંથી ઉપરના માળ પર લાવવામાં આવી, જ્યાં તેની હાલતમાં સુધારો થતો જ રહ્યો અને છેવટે એ દિવસ પણ આવ્યો, જ્યારે એનને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવી.

આ એન સુલિવનની ઈચ્છા હતી કે જેમ પેલી પ્રેમાળ નર્સે તેમને મદદ કરી હતી તેમ મોટી થઈને તે પણ બીજાઓની મદદ કરે. આ જ એન સુલિવનને નાનકડી હેલન કેલરમાં સંભાવનાઓ દેખાઈ. તેણે હેલનને પ્રેમ આપ્યો, તેની સાથે રમી, તેને શિસ્તબદ્ધ કરી, તેને ‘પુશ’ કર્યા કરી, કઠોર તાલીમ આપી. જ્યાં સુધી હેલન પૂર્ણપણે વિકસિત ન થઈ ત્યાં સુધી એન સુલિવને તેની સાથે કામ કર્યું.

આજે હેલન કેલરના કારણે વિશ્વભરમાં

અંધ-મૂક-બધિર બાળકોની સારવાર કરતી અને કાળજી લેતી સંસ્થાઓ

ઠેર ઠેર કાર્યરત છે અને વિકસી રહી છે.

આનું બધું શ્રેય હેલન કેલરને જાય છે.

પરંતુ એન સુલિવન ન હોત તો હેલન કેલર ન હોત.

અને પેલી પ્રેમાળ નર્સ ન હોત તો એન સુલિવન ન હોત.

એક નાનકડી બાળકીને એક સામાન્ય નર્સ પ્રેમ આપે છે તેની હકારાત્મક અસરો આજે વિશ્વભરમાં ક્યાં ક્યાં ફેલાઈ ચૂકી છે !

શું આપણે કોઈ શુભ કાર્યને નાનું કહી શકીએ ખરા ?

( સંકલન : સંજીવ શાહ )

સ્ત્રી-જયા મહેતા

સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે

સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની

છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે

સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી

છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ

છે સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ

માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે

સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે

સ્ત્રી ચૂડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી

કુબજા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા

ને સાવિત્રી છે સ્ત્રી….

.

સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે

સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.

.

( જયા મહેતા )

શેતરંજી- કાલિન્દી પરીખ

એને પત્ની નહોતી જોઈતી

એને તો એક શેતરંજી જોઈતી હતી,

જેના પર એ ચાલી શકે

જેથી એને તીણા, અણિયાણા પથ્થરો

ન વાગે

સહેજ અમથો કાંટો પણ ન વાગે

અને હા, એના પગને રજ સુદ્ધાં ન સ્પર્શે.

એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં

એવી એક જાદુઈ શેતરંજીમાં

જેથી એ  ઈચ્છે ત્યારે તેને મનગમતાં ભોજન મળે

એનું દિલ બહેલાવવા મનગમતું પીણું ધરી

એક સુંદરીના રૂપમાં ખડી રહું

અને એના મિત્રોને મિજબાની માટે

બોલાવી શકાય અડધી રાત્રે પણ

હા, એ ઈચ્છે ત્યારે હું સામાન્ય સાદડીમાં

પણ બદલાઈ જાઉં

અને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી

પણ શકે.

.

( કાલિન્દી પરીખ )

હોય છે-દિનેશ ડોંગરે ‘નાદાન’

રેત-મૃગજળ, રણ-હરણ સૌ-સૌની કિસ્મતમાં હોય છે.

જેવી જેની હોય દાનત એવી બરકત હોય છે.

.

કોઈ મધદરિયે ડૂબે ને કોઈ કિનારે ડૂબે,

ખેલ એનો, એની દોરી એની કરવત હોય છે.

.

આંખ સામે બળતું ઘર નિર્લેપ થઈ જોયા કરું,

શ્વાસનું હોવુંય કેવું સાવ જડવત હોય છે.

.

આ કટોકટ દોરડા પર વાંસ લઈને ચાલવું,

અંતમાં તો આય સઘળી વ્યર્થ કસરત હોય છે.

.

ઉંબરો ઓળંગવાની શક્યતા ના હોય પણ-

ભાગ્યમાં ઓળંગવા ‘નાદાન’ પર્વત હોય છે.

.

( દિનેશ ડોંગરે ‘નાદાન’ )